રનિલ વિક્રમસિંઘે : શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ દેશના આર્થિક પડકારોનો સામનો કઈ રીતે કરી શકશે?
શ્રીલંકામાં રનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને લોકો એક 'ચાલાક રાજકારણી' ગણે છે, જેઓ 2019માં તેમની પાર્ટીની સજ્જડ હાર બાદ પણ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયા છે.
જોકે, તેમની નિયુક્તિથી કોલંબોમાં બેઠેલા પ્રદર્શનકારીઓ નારાજ છે.
આ સિવાય પણ તેમની સામે દેશને આર્થિક અને રાજકીય સંકટમાંથી બહાર કાઢવાનો પડકાર છે. તો શું રનિલ દેવાળીયા થએલા એક દેશની આર્થિક ગાડીને પાટા પર લાવી શકશે?
રનિલનો જન્મ 24 માર્ચ, 1949ના રોજ એસ્મન્ડ વિક્રમસિંઘે અને નલિની વિક્રમસિંઘેને ત્યાં થયો હતો.
તેમણે કોલંબોની રૉયલ કૉલેજથી સ્નાતક અને કોલંબો યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો.
તેમણે પોતાની કારકિર્દી વકીલ તરીકે શરૂ કરી અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રનિલ વિક્રમસિંઘેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત ગમ્પાહા જિલ્લામાંથી કરી હતી.
1970માં તેમને યુનાઈટેડ નેશનલ પાર્ટીના કેલાનિયા મતવિસ્તારના મુખ્ય આયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને બિયાગામા મતવિસ્તારના મુખ્ય આયોજક બનાવવામાં આવ્યા હતા.
તેમને બિયાગામાથી સંસદીય બેઠક મળી અને જેઆર જયવર્દનેની સરકારમાં યુવામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનો પ્રથમ પોર્ટફોલિયો યુવા બાબતો અને રોજગારનો હતો.
પછી તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટીના અગ્રણી નેતા તરીકે પ્રગતિ કરતા ગયા.
1 મે, 1993ના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમદાસાનું એલટીટીઈના એક આત્મઘાતી બૉમ્બહુમલામાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ડીબી વિજેતુંગાની વચગાળાની સરકાર બની હતી, જેમાં રનિલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા.
એ બાદ 2001માં તેઓ બીજી વખત વડા પ્રધાન બન્યા હતા.
જાન્યુઆરી 2015માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રનિલ-મૈત્રીપાલ ગઠબંધનની સફળતા બાદ રનિલ ત્રીજી વાર વડા પ્રધાન બન્યા હતા. તે જ વર્ષે સંસદ ભંગ કરવામાં આવી હતી અને ફરી ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ રનિલ જીતી ગયા અને ફરીથી વડા પ્રધાન બન્યા હતા.
'ગૂડ ગવર્નન્સ' તરીકે ઓળખાતા 2015-2019ના સમયગાળા દરમિયાન રાજકીય અસમંજસની પરિસ્થિતિને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને રનિલ વિક્રમસિંઘેને બદલીને મહિંદા રાજપક્ષેને વડા પ્રધાન બનાવ્યા હતા.
જોકે હાઈકોર્ટના ચુકાદાના આધારે તેમને ફરીથી પાંચમી વખત વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
તેઓ એવા સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે જ્યારે શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
રાજકીય ઘમસાણ વચ્ચે તેમના હાથમાં દેશનું નેતૃત્વ આવ્યું છે. ત્યારે તેમની સામે મોટા પડકારો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
