T-20 વર્લ્ડકપ : ભારત દક્ષિણ આફ્રિકા સામે હારશે તો પાકિસ્તાનનું શું થશે?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-2ની મૅચમાં ભારતે દક્ષિણ આફ્રિકાની સામે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય કર્યો છે.

કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ઑલ રાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડ્ડાને પ્લેઇંગ ઇલેવનમાં રાખવામાં આવ્યા છે.

આની પહેલાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સની સામે મૅચ રમી છે જેમાંથી બેમાં તેને વિજય મળ્યો છે.

ત્યારે દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબવે અને બાંગ્લાદેશની સામે મૅચ રમી છે જેમાં બાંગ્લાદેશની સામે તેને વિજય મળ્યો અને ઝિમ્બાબવેની સામે મૅચનો કોઈ પરિણામ ન આવ્યું.

અગાઉ પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હૅરિસ રાઉફે કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વાપસી કરશે.

રવિવારે નેધરલૅન્ડ સામે થનારી મૅચ પહેલાં રાઉફે કહ્યું કે પાકિસ્તાન ભલે શરૂઆતની મૅચો હારી ગયું હોય, પણ તેનું અભિયાન પૂરું નથી થયું.

પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાં ગ્રૂપ-2માં ભારત અને ઝિમ્બામ્બે સામે બે મૅચ હારી ગયું છે. હવે રવિવારે ઑસ્ટ્રેલિયાના પર્થમાં બાબર આઝામની ટીમ નેધરલૅન્ડ સામે રમશે.

હૅરિસ રાઉફે કહ્યું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમે કોઈ પણ ટીમને ઓછી ન આંકી શકો. તમારે દરેક ટીમને ગંભીરતાથી લેવી જોઈએ. દરેક ટીમ અહીં જીતવા આવી છે અને તમારે બધી ટીમ સામે 100 ટકા રમવું પડશે. ઝિમ્બામ્બે અમારી સામે સારું રમ્યું અને તેને જીત મળી."

હૅરિસ રાઉફે એ કબૂલ્યું કે પાકિસ્તાન ધાર્યું પરિણામ ન મેળવી શક્યું, પરંતુ બંને મૅચોમાં આખરી બૉલ સુધી જીતવાની કોશિશ કરી છે.

હૅરિસ રાઉફે કહ્યું, "અમે પણ દુખી છીએ. પણ હજુ અમે ટુર્નામેન્ટમાંથી બહાર નથી થયા. અમે હજુ પણ વાપસી કરી શકીએ છીએ. હજુ ત્રણ મૅચ રમવાની છે અને તેમાં અમે સારું રમીશું. અમે બે મૅચમાં સારું નથી રમ્યા પણ પોતાની ભૂલોનું વિશ્લેષણ કર્યું છે. અમારા અંગે શું કહેવાઈ રહ્યું છે એના પર નહીં પણ અમે રમત પર ધ્યાન આપી રહ્યા છીએ."

line

પાકિસ્તાનનું હવે શું થશે?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રૂપ-2ના સુપર 12 મુકાબલામાં ભારત અને ઝિમ્બામ્બે સામે શરૂઆતની બે મૅચ હાર્યા બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે.

ગ્રૂપ-2માં પાકિસ્તાન હાલ પાંચમા નંબરે છે અને ભારત પહેલા નંબરે. ભારત, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બામ્બે પાકિસ્તાનથી આગળ છે. પાકિસ્તાને સેમિફાઇનલમાં સ્થાન મેળવવું હશે તો બાકીની ત્રણ મૅચ જીતવી પડશે, એટલું જ નહીં પણ અન્ય ટીમોની હારજીત પર પણ નિર્ભર રહેવું પડશે.

પાકિસ્તાન નેધરલૅન્ડ સામે રવિવારે એટલે કે 30 ઑક્ટોબરે રમશે. તેમજ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ નવેમ્બર અને બાંગ્લાદેશ સામે છ નવેમ્બરે રમશે.

પાકિસ્તાન જો રવિવારે નેધરલૅન્ડને હારવી દે તો તે સેમિફાઇનલની રેસમાં રહેશે. બંને ટીમ શરૂઆતના બે-બે મૅચ હારી ચૂકી ચે અને પૉઇન્ટ ટેબલમાં શૂન્ય પર છે. છેલ્લે બંને ટીમ 2009માં ટી-20 વર્લ્ડપમાં સામસામે આવી હતી અને પાકિસ્તાને નેધરલૅન્ડને 82 રને હરાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયામાં પીચની સ્થિતિ જોતા પાકિસ્તાનના બૅટ્સમૅનોની અસલી પરીક્ષા છે. છેલ્લી મૅચમાં પાકિસ્તાનના બૅટ્સમૅન ઘણા દબાણમાં હતા અને ઝિમ્બાબ્વેના બૉલર તેમના પર ભારે પડ્યા હતા.

ઝિમ્બામ્બેએ પાકિસ્તાનને 131નો લક્ષ્યાંક પણ પૂરો કરવા દીધો નહોતો. એમજીસી એટલે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા, તો મોહમ્મદ રિઝવાન પણ પ્રભાવક સાબિત નહોતા થયા. આ બંને ખેલાડી પાકિસ્તાનના ઓપનર બૅટ્સમૅન છે. જોકે બંને ખેલાડી વાપસીનો વિશ્વાસ વ્યક્ત કરે છે.

પાકિસ્તાનના પ્રશંસકો ટીમમાં હૈદર અલીને રાખવા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનીઓએ ઝિમ્બામ્બે સામે હાર બાદ હૈદર અલીની પસંદગી પર સવાલ કર્યા હતા. છેલ્લી બે મૅચમાં હૈદર અલી પાકિસ્તાન માટે ખાસ કામ આવ્યા નથી.

પાકિસ્તાનની બૉલિંગ લાઇન હૅરિસ રાઉફ, નસીમ શાહ, શાહીનશાહ આફ્રિદી અને વસીમ જુનિયરથી સજ્જ છે, પણ તેમનું ઉત્તમ પ્રદર્શન હજુ બાકી છે.

line

ભારત-આફ્રિકાની મૅચ પાકિસ્તાન માટે કેમ મહત્ત્વની?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને દક્ષિણ આફ્રિકાની મૅચ બંને ટીમ કરતાં પાકિસ્તાન માટે મહત્ત્વની છે. આ મૅચ આજે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં રમા ઈરહી છે. પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે ભારત દક્ષિણ આફ્રિકાને હરાવી દે. માત્ર આફ્રિકા સામે જ નહીં પણ ભારત અન્ય ત્રણેય મૅચ જીતે. તેનાથી પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો સરળ થઈ શકે છે.

જો દક્ષિણ આફ્રિકા ભારતને હરાવી દે તો પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું ના બરાબર થઈ જશે. ભારત હારે તો દક્ષિણ આફ્રિકાના પાંચ અંક થઈ જશે અને ભારતના ચાર. દક્ષિણ આફ્રિકા નેધરલૅન્ડ સામે રમશે અને તેને હરાવવું મુશ્કેલ નહીં હોય.

બીજી તરફ ભારત બાંગ્લાદેશ અને ઝિમ્બામ્બેને હરાવી શકે છે. ભારત પહેલેથી ગ્રૂપ-2માં બે મૅચ જીતીને પહેલા નંબરે છે. સેમિફાઇનલમાં પહોચવું ભારત માટે મુશ્કેલ નથી. ભારતની રન રેટ +1.425 છે, જે ઘણી સારી છે.

તો દક્ષિણ આફ્રિકા ઝિમ્બામ્બે કરતાં પહેલેથી આગળ છે, કેમ કે તેની રન રેટ+5.200 છે. દક્ષિણ આફ્રિકાને આ રન રેટ ગુરુવારે બાંગ્લાદેશ સામે 104 રનથી જીત બાદ મળી છે. જો દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બામ્બે બાકીની બે મૅચ જીતી જાય તો પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.

જો પાકિસ્તાન બાકીની ત્રણેય મૅચ જીતી જાય તો તેને છ અંક મળશે, તેમ છતાં તેને રાહ જોવી પડશે. ભારતે બાકીની ત્રણેય મૅચ દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બામ્બે સામે જીતવી પડશે. આ સિવાય ઝિમ્બામ્બેએ બાકીની બંને મૅચ હારવી પડશે.

જો આવું થાય તો જ પાકિસ્તાન સેમિફાઇલનમાં પહોંચી શકે છે. જો વરસાદથી કોઈ મૅચ રોકાઈ તો પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન