TOP NEWS: હું ફરી કહું છું કે ગુજરાતમાં છૂટથી દારૂ મળે છે - અશોક ગેહલોત

અશોક ગેહલોત

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે.

કૉંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા જનવેદના આંદોલનમાં ભાગ લેવા માટે ગેહલોત અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજ્યમાં દારૂબંધી મામલે સરકાર પર ચાબખા માર્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અશોક ગેહલોતે દારૂબંધી મામલે સરકારના કાયદા પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું, "લોકસભા ચૂંટણી દરમિયાન હું ગુજરાતમાં હતો ત્યારે મેં જોયું હતું કે કામ પૂર્ણ થયા પછી ઘણા ગુજરાતીઓ દારૂ પીતા હતા. હું એ જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં કેટલો દારૂ પીવાય છે."

"મુખ્ય મંત્રી વિજય રૂપાણી દાવો કરે છે કે મેં તેમનું અપમાન કર્યું. અમે તો રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશમાંથી દારૂ ગુજરાત ન પહોંચે એ માટે પ્રયાસ કર્યા છે."

અશોક ગેહલોતના આ નિવેદન પર ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અશોક ગેહલોતને કારણ વગર વિવાદ ઊભો કરવાની ટેવ છે.

મહત્ત્વનું છે કે આ પહેલાં ઑક્ટોબર મહિનામાં પણ અશોક ગેહલોતે દારૂબંધી મામલે વિજય રૂપાણી સરકારને સવાલ કર્યા હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના લગભગ દરેક ઘરમાં દારૂ પીવાય છે અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.

અશોક ગેહલોતના આ નિવેદન પર વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગેહલોત તેમની પાસે માફી માગે.

line

ગુજરાતમાં કમોસમી વરસાદ, રવી પાકને નુકસાનની ભીંતી

વરસાદની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શિયાળો શરૂ થઈ રહ્યો છે એ વચ્ચે શનિવારથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

શનિવાર સાંજે અને રવિવારે વહેલી સવારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.

આ વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને અરબી સમુદ્રમાં એક પછી એક આવેલાં વાવાઝોડાંને પગલે ખેડૂતોને તારાજી થઈ છે.

દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાતાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના પ્રમાણે વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 4 ડિસેમ્બર સુધી વરસાદ વરસી શકે છે.

ફરી એક વખત કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા છે અને રવી પાકને નુકસાન થવાનો ડર છે.

line

'લોકો સરકારની ટીકા કરતા ડરે છે'

રાહુલ બજાજ

ઇમેજ સ્રોત, Getty Images

બજાજ ગ્રૂપના પ્રમુખ અને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું છે કે UPA સરકારના કાર્યકાળ દરમિયાન લોકો પાસે સરકારની ટીકા કરવાની સ્વતંત્રતા હતી પરંતુ વર્તમાન સરકારના સમયમાં દેશમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ છે.

ધ ક્વિન્ટમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ વાત તેમણે મુંબઈમાં આયોજિત ઇકૉનૉમિક ટાઇમ્સ ઍવૉર્ડમાં કહી હતી કે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રેલમંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા.

રાહુલ બજાજે મંત્રીઓને પૂછ્યું હતું કે લોકો સરકારને સવાલ કેમ કરી શકતા નથી.

રાહુલ બજાજના સવાલનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી.

આ સિવાય રાહુલ બજાજે પ્રજ્ઞા ઠાકુરના એ નિવેદન મામલે પણ સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેમણે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા.

સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની પાર્ટીએ નિંદા કરી હતી.

line

ડૉક્ટર પર બળાત્કારના વિરોધમાં લોકો રસ્તા પર

વિરોધ પ્રદર્શન કરતાં લોકો

ઇમેજ સ્રોત, Getty Images

તેલંગાણામાં મહિલા પશુચિકિત્સક પર બળાત્કાર અને તેમની હત્યા મામલે વિરોધ કરતા હજારો લોકોની ભીડ રસ્તા પર ઊતરી આવી હતી અને લોકોએ એ પોલીસ-સ્ટેશનને ઘેરી લીધું હતું જ્યાં ચાર આરોપીઓને રાખવામાં આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે લોકોની ભીડે પોલીસ પાસે માગ કરી હતી કે આરોપીઓને તેમને સોંપી દેવામાં આવે કે જેથી તુરંત ન્યાય થઈ શકે.

પોલીસ-સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કરતી ભીડને રોકવા માટે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જના આદેશ આપ્યા હતા.

એક પોલીસ અધિકારીનું કહેવું છે, "અમે માનીએ છીએ કે લોકોમાં ગુસ્સો છે, પરંતુ તેઓ તાત્કાલિક ન્યાયની માગણી કરી રહ્યા છે જે શક્ય નથી. અમે 200 પોલીસકર્મીઓને તહેનાત કર્યા છે જેમાં સ્પેશિયલ ફોર્સના કૉન્સ્ટેબલનો પણ સમાવેશ થયો છે કે જે ભીડ પર નિયંત્રણ મેળવી શકે."

આ તરફ એક પ્રદર્શનકારીનું કહેવું હતું , "અમે એ મહિલાના ભાઈ છીએ અને અમે તેમને ન્યાય અપાવીશું."

મહત્ત્વનું છે કે ચાર આરોપીઓને 14 દિવસ સુધી જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

line

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હૈદરાબાદમાં મૃત ડૉક્ટર માટે ન્યાયની માગ થઈ રહી છે ત્યાં રાજકોટમાં એક બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે.

ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે રાજકોટના એક પાર્કમાંથી ચાકુની અણી પર 8 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારબાદ તેની પર બળાત્કાર ગુજારી તેને ફેંકી દેવામાં આવી હતી.

બાળકી જ્યારે રાત્રે પાર્કમાં ઊંઘી રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બળાત્કાર બાદ સવારે બાળકી કચરામાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી.

મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે તેના પર બળાત્કાર થયો છે અને બળાત્કાર બાદ તેને માર પણ મારવામાં આવ્યો હતો.

પોલીસે ઘટના સંબંધિત કેટલાક CCTV ફૂટેજ પ્રાપ્ત કર્યા જેના આધારે આરોપી પકડાયો છે.

બાળકીની માતા મજૂરીકામ કરે છે.

line

સિયાચિનમાં બરફના તોફાનમાં 2 જવાનોનાં મૃત્યુ

સિયાચિન

ઇમેજ સ્રોત, PRASHANT PUNJIAR

ભારતીય સેના દ્વારા મળેલી જાણકારી પ્રમાણે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં આવેલા બરફના તોફાનમાં બે જવાનોનાં મૃત્યુ થયાં છે.

દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આ બરફનું તોફાન વહેલી સવારે આવ્યું હતું જ્યારે સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

ભારતીય સેનાએ જણાવ્યું છે કે હિમસ્ખલન બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેણે ફસાયેલા જવાનોને બહાર કાઢ્યા છે.

હેલિકૉપ્ટરની મદદથી પ્રભાવિત જવાનોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામા આવ્યા હતા.

આ પહેલાં 18 નવેમ્બરના રોજ પણ બરફનું તોફાન આવ્યું હતું જેમાં ચાર જવાન અને બે સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાં હતાં.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો