અરબ સાગરમાં ફરી 'ડિપ્રેશન' સર્જાયું, ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદ થશે?

ગુજરાતમાં હવામાન, બંગાળની સિસ્ટમ, અરબ સાગરમાં ડિપ્રેશન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન, બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી છે. આમ છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ રહી છે, જેમની હલચલ ગુજરાતના હવામાન ઉપર અસર કરતી હોય છે અને સામાન્ય રીતે વરસાદ લાવતી હોય છે.

જોકે, ગુજરાતના અમુક વિસ્તારોમાં હવામાન ઉપર હાલ તો કોઈ અસર નહીં થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

ત્યારે આં સિસ્ટમો અને તેની દિશા શું સૂચવે છે અને તેની ગુજરાત ઉપર કઈ રીતે અસર કરશે, તેના ઉપર નજર કરીએ.

અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ

ગુજરાતમાં હવામાન, બંગાળની સિસ્ટમ, અરબ સાગરમાં ડિપ્રેશન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન, બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, imd.gov.in

અમદાવાદસ્થિત આઇએમડીના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે.

મધ્ય અને ઉપરી સમતાપ મંડળમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. જે દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની સરેરાશ ઊંચાઈએ ફૂંકાઈ રહ્યા છે.

દક્ષિણ આંદામાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સરેરાશ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં જોવા મળેલો 'વૅલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા' બુધવારે સવારે 'ડિપ્રેશન'માં ફેરવાઈ ગયો હોવાનું નોંધાયું હતું. જે આગામી 24 કલાક દરમિયાન ધીમી ગતિએ ઉત્તર અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શ્રીલંકાની પાસે સર્જાયેલો 'વૅલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા' બુધવારે સવારે તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચ્યો હતો, જે ગુરુવાર સુધીમાં 'ડિપ્રેશન'માં ફેરવાય તેવી શક્યતા છે.

બંગાળની સિસ્ટમની અસર હેઠળ આગામી બે-એક દિવસ દરમિયાન મરાઠવાડા, વિદર્ભ અને કોંકણ પટ્ટીમાં ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં કયા જિલ્લાની વરસાદની આગાહી છે?

બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે. કેન્દ્રશાસિત દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ આ વરસાદની અસર જોવા મળશે.

જોકે, રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ અસામાન્ય ફેરફાર જોવા નહીં મળે.

શનિવારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે.

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રની સિસ્ટમ ફંટાઈને મજબૂત બની, ગુજરાતમાં કયાં વરસાદનો ખતરો?

રવિવારે વરસાદનો વ્યાપ વિસ્તરે તેવી શક્યતા છે અને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર ઉપરાંત કેન્દ્રશાસિત દીવમાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આવતા સપ્તાહે સોમવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી; સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ઉપરાંત કેન્દ્ર શાસિત દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કોઈ ઍલર્ટ કે અસામાન્ય હિલચાલ સંબંધિત કોઈ ચેતવણી આપવામાં નથી આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન