ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડના એ ત્રણ ખેલાડી, જે સેમિફાઇનલમાં ભારત માટે મુશ્કેલી પેદા કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડના પ્લેયર વિલ જેક્સ, કપ્તાન હેરી બ્રૂક અને ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચર (ડાબેથી)
    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, ગુજરાતી
  • વાંચવાનો સમય: 4 મિનિટ

રવિવારે સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ભારે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

મૅચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ, એ વાતનો પુરાવો છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે દરેક મોરચે ભારતને 'ટક્કર આપે' એવું પ્રદર્શન કર્યું હતું. એવામાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સાથે થશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચને બાકાત કરવામાં આવે તો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝનું પર્ફૉર્મન્સ ઘણું સારું રહ્યું છે.

જોકે, ભારતની ટીમ ઘરઆંગણે રમી રહી છે, એટલે આ હાઇવૉલ્ટેજ મૅચમાં તેને ક્રિકેટફૅન્સની મનોવૈજ્ઞાનિક મદદ મળી રહેશે.

બુધવારે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મૅચ રમાશે, જેમાં વિજેતા બનેલી ટીમ ફાઇનલ પહોંચશે. એ મૅચ જીતનારી ટીમનો મુકાબલો ભારત અથવા ઇંગ્લૅન્ડ સાથે થશે.

સેમિફાઇનલમાં વિજેતા બંને ટીમો રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટકરાશે.

હૅરી બ્રૂક

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

ટી20 વર્લ્ડકપ શરૂ થયો, ત્યારે ઇંગ્લૅન્ડની ટીમને વર્લ્ડકપ માટે દાવેદાર નહીં, કદાચ 'ડાર્ક હૉર્સ' પણ નહોતી માનવામાં આવતી.

ટીમ અને વિશેષ કરીને કૅપ્ટન હૅરી બ્રૂકનો વર્લ્ડકપ પહેલાંનો સમય વિવાદો અને હારથી ભરેલો હતો.

ન્યૂઝીલૅન્ડમાં બારમાં બાઉન્સર્સ સાથે માથાકૂટ થઈ હતી. એમાં તેમણે પોતાની સાથે બીજો કોઈ ખેલાડી ન હોવાનું કહ્યું.

પાછળથી બહાર આવ્યું કે તેમણે અન્ય ખેલાડીઓને બચાવવા માટે ખોટું બોલ્યું હતું. એ પછી તેમને દંડ અને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.

પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામેનું તેમનું પ્રદર્શન સામાન્ય હતું. શ્રીલંકા સામેની મૅચમાં સદી ફટકારીને જે રીતે 'શેમ્પેઇન' ઍક્શન હતી, એ વિવાદનો વિષય બની હતી.

મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલાં કદાચ કોઈ કૅપ્ટન આટલી મોટી ચઢાવ-ઉતારમાંથી પસાર નહોતા થયા. તેમના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડે સુપર-8 રાઉન્ડની તમામ ત્રણ મૅચ જીતીને પોતાના ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

પાકિસ્તાન સામે 51 બૉલમાં 100 રન ફટકારીને તેમણે ટીમને એકલા હાથે સેમિફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું. ટુર્નામેન્ટમાં તેમનો સ્કોરનો સારો રહ્યો છે, જેમાં એક સદી પણ સામેલ છે.

જોકે, ટૉપ ઑર્ડરનું પર્ફૉર્મન્સ તેમના માટે ચિંતાનો વિષય હોઈ શકે છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

જોફ્રા આર્ચર

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલના વર્લ્ડકપ દરમિયાન ભારતની એક ખામી ઊડીને આંખે વળગે તેવી છે. જો પાવર-પ્લે દરમિયાન વિકેટો પડી જાય, તો ભારતની બાકીની ટીમ દબાણ હેઠળ આવી જાય છે. દક્ષિણ આફ્રિકા અને અમેરિકા સામેની મૅચોમાં આપણે આ જોયું છે.

એવામાં આર્ચરને ઇંગ્લૅન્ડના 'ખતરનાક હથિયાર' તરીકે જોવામાં આવે છે. જોફ્રાએ આ ટુર્નામેન્ટમાં 10 વિકેટ ખેરવી છે. જેમાંથી આઠ વિકેટ તેમને પાવરપ્લે દરમિયાન લીધી છે.

પાવરપ્લે દરમિયાન ડૉટ બૉલ નાખીને તેઓ ભારતના ટૉપ ઑર્ડર બૅટ્સમૅનોને જોખમી શૉટ્સ રમવા માટે મજબૂર કરી શકે છે.

પહેલી છ ઓવરોની વાત કરીએ તો આર્ચરે 114 બૉલ ફેંક્યા, તેમાંથી 66 ડૉટ બૉલ હતા.

વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં અણનમ 97 રન બનાવીને ટીમમાં પોતાની હાજરી નોંધાવનાર સંજુ સેમસન તથા આર્ચર વચ્ચે પાંચ વખત ટક્કર થઈ છે, જેમાંથી ત્રણ વખત સંજુ સેમસનને પેવોલિયન ભેગા કર્યા છે.

આ વાતની પૂર્તિ અભિષેક શર્મા કરી શકે છે. જેમણે આર્ચરને હંમેશાં દબાણ હેઠળ રાખ્યા છે, પરંતુ વર્તમાન ટુર્નામેન્ટમાં તેઓ ફૉર્મમાં નથી. વર્લ્ડકપમાં તેમણે માત્ર એક અડધી સદી ફટકારી છે.

આર્ચર ઈજામાંથી બહાર આવી ગયા છે અને પોતાનું ફૉર્મ પરત મેળવી ચૂક્યા છે. શરૂઆતમાં આક્રમક અને બાઉન્સ બૉલિંગ કરીને બૅટ્સમૅનને કનડવા ઉપરાંત 'ડૅથ ઓવર્સ'માં પણ બૅટ્સમૅનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ડૅથ ઓવરમાં એક-એક બૉલ મહત્ત્વપૂર્ણ બની ગઈ હોય, ત્યારે આર્ચરનો એક-એક ડૉટ બૉલ સામેવાળી ટીમને કપરી પરિસ્થિતિમાં મૂકી શકે છે.

વિલ જૅક્સ

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images

વર્તમાન ટુર્નામેન્ટ દરમિયાન તેઓ ઇંગ્લૅન્ડના અસરકારક બૅટ્સમૅન સાબિત થયા છે. તેમણે નેપાળ, ઇટાલી, શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડ સામે 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ જીત્યો છે.

બૉલ અને બૅટથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેઓ મૅચના 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. મિડલ ઑર્ડરમાં આવવા છતાં તેમણે ટુર્નામેન્ટમાં 191 રન કર્યા છે. જેમાં અણનમ 53 રન પણ સામેલ છે. તેમનો સ્ટ્રાઇકરેટ 177નો રહ્યો છે.

અણિના સમયે તેઓ ઇંગ્લૅન્ડના તારણહાર બન્યા છે અને મૅચનું પાસું બદલી નાખ્યું છે.

કૅપ્ટન હૅરી બ્રૂકના 'ફ્રન્ટલાઇન ફાઇવ' બૉલરો સિવાય જરૂર પડ્યે વિલ જૅક્સે પણ સાથ આપ્યો છે. તેમણે વર્તમાન વર્લ્ડકપમાં સાત વિકેટ લીધી છે.

જાણકારોનું કહેવું છે કે જો વાનખેડેની પીચ ટર્ન થઈ, તો વિલ બૉલથી કમાલ કરી શકે છે.

અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ જેવા ડાબોડી બૅટ્સમૅનો સામે તેમની ઑફ-સ્પીનનું મહત્ત્વ વધી જશે.

આ ખેલાડીઓને અવગણવા નહીં

જૉશ બટલર છેલ્લી પાંચ મૅચ દરમિયાન 'સિંગલ ડિજિટ'માં આઉટ થયા છે. જોકે, ભારત સામે ઇંગ્લૅન્ડ તરફથી તેમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે.

વર્ષ 2022માં ભારત સામે ઇંગ્લૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી. ત્યારે જૉશ બટલરની અણનમ 80 રનની ઇનિંગે જ ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું હતું. એ વાત ભારતના ક્રિકેટચાહકો ભૂલ્યા નહીં હોય. એટલું જ નહીં તેમણે જ વિજેતાની ટ્રૉફી ઊંચકી હતી.

આ સિવાય ફિલ સૉલ્ટના બૅટમાંથી હજુ સુધી અપેક્ષા મુજબ રન નથી નીકળ્યા. આમ છતાં આ આક્રમક બૅટ્સમૅનોમાં ટી20 ફૉર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં બીજા ક્રમે છે.

તેઓ શરૂઆતમાં આક્રમક રમત રમીને ભારતીય ટીમના બૉલરો પર દબાણ ઊભું કરી શકે છે. મૅચનું પાસું પલટી નાખવા સક્ષમ છે.

છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ સ્પીન બૉલરો સામે મુશ્કેલી અનુભવે છે. આવા સમયે આદિલ રાશિદ અને લિયામ ડેવસન જેવા બૉલરો હૅરી બ્રૂકના હથિયાર બની શકે છે. જોકે, ભારતના ડાબેરી બૅટ્સમૅન આ બૉલરોનો તોડ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન