ભાવનગર: કોળિયાક પાસે બસ પાણીમાં ખાબકી 25 મુસાફરો ફસાયા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ALPESH DABHI
ભાવનગરના કોળિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી છે. કોળિયાક નજીક આવેલા એક પુલ પાસે તામિલનાડુ પાસિંગની બસ નાળામાં ખાબકી હતી.
બીબીસી સહયોગી અલ્પેશ ડાભીએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, બસ નાળામાં ખાબક્યા પછી એકાએક પાણીનો પ્રવાહ આવી જતાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી.
બસમાં રહેલાં 25 જેટલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસતંત્ર, વહીવટીતંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલાં મુસાફરોનાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જોકે, અંધારું હોવાથી બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.
સમગ્ર ઘટના મામલે ભાવનગરના જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું, “હાલમાં ઘટનાસ્થળે ભાવનગર ફાયર વિભાગની ટીમ તેમજ તંત્ર પહોંચી ચૂક્યું છે અને હાલમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અંધારું હોવાના કારણે તેમજ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે કામગીરી થોડી ધીમે ચાલી રહી છે.”
તેમણે જણાવ્યું હતું કે, “આ બસ દક્ષિણ ભારતની હતી અને અહીં પ્રવાસાર્થે આવી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં 25 જેટલા મુસાફરો છે અને અમારી પ્રાથમિકતા તેમને બચાવી લેવાની છે.”
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધસમસતું પાણી વહી રહ્યું છે અને વરસાદ પણ વરસી રહ્યો છે.

ઇમેજ સ્રોત, BIHAR DMD/X
બિહારમાં જિતિયા તહેવાર દરમિયાન તળાવ અને અન્ય સ્થળોએ નાહવા ગયેલાં 37 બાળકો સહિત 46 લોકોનાં મોત થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહાર સરકારના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના અલગ-અલગ જિલ્લામાં જિતિયા તહેવાર દરમિયાન આ દુર્ઘટના બની છે. વિભાગના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલાઓમાં બે પુરૂષો પણ સામેલ છે.
ઔરંગાબાદ અને કૈમુર જિલ્લામાં તળાવમાં ડૂબી જવાને કારણે સૌથી વધું આઠ મૃત્યુ થયાં છે.
સામાન્ય રીતે દક્ષિણ બિહારના જિલ્લામાં તળાવમાં ઓછું પાણી હોય છે, પરંતુ વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારે વરસાદને કારણે તળાવમાં પાણી વધારે છે.
રોહતાસ, અરવલ, નાલંદા, સિવાન અને બક્સર સહિત રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં પણ જિતિયા તહેવાર દરમિયાન સ્નાન કરતી વખતે ડૂબી જવાથી મહિલાઓ અને બાળકોનાં મોત થયાં છે.
મંગળવાર અને બુધવારે જિતિયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારમાં મહિલાઓ ઉપવાસ રાખે છે અને બિહાર અને ઝારખંડ જેવાં ઘણાં રાજ્યોમાં અલગ-અલગ માન્યતાઓ અનુસાર નદી કે તળાવમાં સ્નાન કરવા પણ જાય છે.
અમિત શાહે કલમ 370નો મુદ્દો ફરી ઉઠાવીને કહ્યું, “તમે કે તમારી ત્રણ પેઢી પણ કલમ 370 પાછી લાવી નહીં શકે”

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન બાકી છે અને તેના માટે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના ચેનાનીમાં એક ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકોને કહ્યું હતું કે, “તમે માત્ર ચેનાની માટે જ મતદાન કરવા નથી જઈ રહ્યા, પરંતુ સમગ્ર જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય માટે પણ મતદાન કરી રહ્યા છો.”
તેમણે કહ્યું હતું કે, “આ પહેલી ચૂંટણી છે જે આઝાદી પછી કલમ 370 વગર અને અલગ ધ્વજ વગર થઈ રહી છે. ”
“નેશનલ કૉન્ફરન્સ અને રાહુલ બાબા કહી રહ્યા છે કે અમે કલમ 370ને પાછી લાવીશું, પણ અમે તેમને કહેવા માંગીએ છીએ કે તમે કે તમારી ત્રણ પેઢી પણ કલમ 370 પાછી લાવી નહીં શકે.”
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આ વખતે કલમ 370નો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે નેશનલ કૉન્ફરન્સના ચૂંટણીઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની વાત છે, જ્યારે કૉંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે જ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું અને 56.79 ટકા મતદાન થયું હતું.
ઇઝરાયલી સેનાની લેબનોનમાં ઘૂસવાની તૈયારી

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેબનોનમાં સતત ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય હવે અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયલના સૈન્ય વડા લેફ. જનરલ હેર્ઝી હેલવી જણાવ્યું કે, લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ભારે બૉમ્બમારો કરાઈ રહ્યો છે અને તેના કારણે હવે સૈનિકો લેબનોનમાં દાખલ થઈ શકે છે.
ઇઝરાયલના સૈનિકો સાથે વાત કરતા તેમણે કહ્યું, તમે ઍર સ્ટ્રાઇક કરી રહેલાં વિમાનોને સાંભળી શકો છો. તે સતત બૉમ્બમારો કરી રહ્યાં છે. આ એટલા કરાઈ રહ્યું છે, જેથી હિઝબુલ્લાહને ખતમ કરવાની સાથે-સાથે તમે બધા લેબનોનમાં પ્રવેશ કરી શકો.
બુધવારે ઇઝરાયલની સેનાએ દાવો કર્યો કે તેણે હિઝબુલ્લાહનાં શસ્ત્ર ભંડારો અને લૉન્ચર્સ પર હુમલા કર્યા છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર, બુધવારે ઇઝરાયલની ઍર સ્ટ્રાઇકમાં 50 લોકોનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલ સોમવારથી લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઍર સ્ટ્રાઇક કરી રહ્યું છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર, ઍર સ્ટ્રાઇકમાં અત્યાર સુધી 600થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 1900થી વધુ લોકો ઘાયલ થયા છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઍર સ્ટ્રાઇકના કારણે લેબનોનમાં બે લાખ લોકો વિસ્થાપિત થયા છે. 40 હજાર લોકો હાલ શૅલ્ટર હોમમાં આશરો લીધો છે.
મધ્ય-પૂર્વમાં હિંસા વધતા અમેરિકા અને ફ્રાન્સે 21 દિવસના સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી સ્થિતિને વધુ વણસતાં અટકાવી શકાય.
મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
ભારે વરસાદના કારણે ભારતના આર્થિક પાટનગર મુંબઈના ઘણા વિસ્તારોમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. બુધવારે પણ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને ગુરુવારે પણ વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયાં છે.
મુંબઈ શહેરના અનેક ઉપનગરીય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા અટકાવી દેવાની ફરજ પડી છે.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે સવારે 8:30 વાગ્યા સુધી મુંબઈ અને તેની આજુબાજુના જિલ્લાઓ થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદને કારણે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગુરુવારે તમામ શાળા અને કૉલેજોમાં રજા જાહેર કરી છે. મુંબઈ પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
અવિરત વરસાદને કારણે 25 સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગ્યે થાણેના મુંબ્રા નજીક ભૂસ્ખલન થયું હતું. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે એવી સંભાવના છે.
આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને તેને લગતા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલું લૉ પ્રેશર આ વિસ્તારમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
બૅંગલુરુ : મહાલક્ષ્મી હત્યાના મુખ્ય આરોપીએ કરી આત્મહત્યા

ઇમેજ સ્રોત, Getty Images
બૅંગલુરુમાં 29 વર્ષીય મહાલક્ષ્મીની હત્યાના મુખ્ય આરોપીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
અહેવાલો પ્રમાણે શ્રદ્ધા વાલ્કરની જેમ મહાલક્ષ્મીના શરીરના પણ 40થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતા.
બૅંગલુરુ પોલીસે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી રંજનકુમારની ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તપાસ કરી રહી હતી. રંજનકુમાર મૂળ ઓડિશાના ભદ્રક જિલ્લાના હતા.
બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, "રંજનકુમારે આત્મહત્યા કરી છે. અમારી ટીમ કાયદાકીય દસ્તાવેજો ભેગી કરવા માટે ત્યાં હાજર છે."
મહાલક્ષ્મી બૅંગલુરુ શહેરના મધ્યમાં આવેલા વ્યાલીકાવલ વિસ્તારમાં એક સિંગલ-બેડરૂમના મકાનમાં રહેતાં હતાં. મહાલક્ષ્મીનાં અંગો તેમનાં માતા અને બહેનને ઘરની અંદર ફ્રીઝમાંથી મળ્યાં હતાં.
શનિવારે ઘરમાંથી દુર્ગંધ આવતા ઘરમાલિકે મહાલક્ષ્મીનાં માતાને ફોન કર્યો હતો.
મહાલક્ષ્મીનો પરિવાર મૂળ નેપાળનો છે. આશરે ત્રણ દાયકા પહેલાં કામ-ધંધાની શોધમાં પરિવાર બૅંગલુરુ આવ્યો હતો અને શહેર પાસેના નેલમંગલામાં સ્થાયી થયો હતો.
મહાલક્ષ્મી એક સ્થાનિક મૉલમાં સેલ્સ પર્સન તરીકે કામ કરતાં હતાં. પતિથી અલગ થયાં બાદ તેઓ ઘણા મહિનાથી એકલાં રહેતાં હતાં. તેમની દીકરી પતિ સાથે રહે છે.
પોલીસે મહાલક્ષ્મીના ત્રણ મિત્રોની પૂછપરછ કરી હતી જેઓ કથિત રીતે તેમને મળવા આવતા હતા. ચોથી વ્યક્તિની પૂછપરછ થઈ શકી નહોતી, આથી સમગ્ર કેસમાં તે મુખ્ય શંકાસ્પદ બની હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












