યુપી : ડ્રોનથી ભય ફેલાવનારા પર ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી થશે – ન્યૂઝ અપડેટ

યોગી આદિત્યનાથ, ડ્રોન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, લોકોમાં ભય, રાષ્ટ્રીય સુરક્ષા ધારો, ગેંગસ્ટર એક્ટ, લોકોમાં ફફડાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ
વાંચવાનો સમય: 6 મિનિટ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જરૂરી મંજૂરી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં સંદિગ્ધ ડ્રોન દેખાયાં હતાં, એ પછી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો.

યોગી આદિત્યનાથનું કહેવું છે કે ડ્રોન ઉડાડીને ભય ફેલાવનારાઓ પર ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી થશે અને જરૂર પડ્યે તેમની ઉપર એનએસએ (નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ) લગાડવામાં આવશે.

યુપીના સીએમે કહ્યું કે અફવા ફેલાવનારા કે ભય ફેલાવવાનો પ્રયાસ કરનારાઓને સહન કરવામાં નહીં આવે તથા આમ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ તથા પોલીસ મહાનિદેશકને (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, ડીજીપી) નિર્દેશ આપ્યા છે કે દરેક જિલ્લામાં ડ્રોનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવે તથા તેની ઉપર નજર રાખવામાં આવે.

છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં રાત્રિના સમયે સંદિગ્ધ ડ્રોન દેખાવાના દાવા થઈ રહ્યા છે. આ અંગે બીબીસીએ ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કર્યો હતો.

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે ડ્રોન દેખાવાના દાવાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બીબીસી સાથેની વાતચીતમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે આ ડ્રોન ચોરોને મદદ કરે છે.

જોકે, પોલીસનું કહેવું છે કે ડ્રોનોની દેખાવવા અને ચોરીની ઘટનાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો સીધો સંબંધ હોવાની વાત હજુ સુધી સાબિત નથી થઈ.

યુપી : નહેરમાં ગાડી પલટી જતાં 11નાં મૃત્યુ

એસયુવી નહેરમાં, ઉત્તર પ્રદેશ,ગોંડા, 11નાં મૃત્યુ, નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ શોક

ઇમેજ સ્રોત, Jitendra

ઇમેજ કૅપ્શન, એસયુવીમાં ડ્રાઇવર સહિત 15 લોકો સવાર હતા

ઉત્તર પ્રદેશના ગોંડામાં એક ગાડી નહેરમાં પલટી ગઈ હતી, જેના કારણે 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

લખનૌસ્થિત બીબીસી હિંદીના સંવાદદાતા સૈયદ મોઝિઝ ઇમામ જણાવે છે કે આ અકસ્માત ઇટિયાથોકના બેલવા બહુતા રેહરા પુલ ખાતે થયો હતો. અહીં એક એસયુવી ગાડી નહેરમાં પલટી ગઈ હતી.

ઇટિયાથોક પોલીસ સ્ટેશનના એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર) કૃષ્ણરાજ રાયે બીબીસી હિંદી સાથે વાત કરતા જણાવ્યું હતું કે એસયુવીમાં ડ્રાઇવર સહિત 15 મુસાફર સવાર હતા.

તેઓ મોતીગંજના સિહાગાવથી પૃથ્વીનાથ જલાભિષેક કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના અંગે માહિતી મળતા એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) અને ડીએમ (ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ. 50 હજાર આપવામાં આવશે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ-પાંચ લાખ આપવાના નિર્દેશ આપ્યા છે. તથા ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા કહ્યું છે.

યુક્રેન અને રશિયાના હુમલાને કારણે બ્લૅક-સીની નજીકનાં ઘરો અને ઑઇલ-ડેપોમાં આગ

યુક્રેન, રશિયા, હુમલો, યુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DSNS Ukraine

ઇમેજ કૅપ્શન, રશિયાની મિસાઇલોના હુમલામાં યુક્રેનમાં ઘણાં ઘરોને નુકસાન પહોંચ્યું છે.

યુક્રેનના દક્ષિણના શહેર માયકોલએવના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયાની મિસાઇલના હુમલામાં નાગરિકોનાં ઘરો અને બુનિયાદી સેવાઓના ઢાંચા નષ્ટ થઈ ગયાં છે.

બ્લૅક-સી નજીક આ શહેરમાં હુમલામાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકો ઘાયલ થયા છે. આ શહેરમાં રશિયાએ ગોળીબાર કર્યો છે.

યુક્રેનની ઇમર્જન્સી સર્વિસે મિસાઇલ હુમલા બાદ ઘટનાસ્થળ પર ઉપસ્થિત ફાયરફાઇટર્સની તસવીરો પોસ્ટ કરી છે.

રવિવારની સવારે સોચીમાં બ્લૅક-સી નજીક એક ઑઇલ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. રશિયાના અધિકારીઓએ તેને માટે યુક્રેનનાં ડ્રૉનના હુમલાને જવાબદાર ગણાવ્યો છે.

હુમલા બાદ સોચી ઍરપૉર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.

ક્રાસ્ત્રોડાર વિસ્તારના ગવર્નર વેનિયામિન કોંદ્રાત્યેવે જણાવ્યું કે ડ્રૉનનો કાટમાળ ઈંધણ ટૅન્ક સાથે ટકરાયો અને 127 ફાયરફાઇટર્સ આગ પર નિયંત્રણ માટે કોશિશમાં લાગેલા છે.

યુક્રેનનો આ હુમલો આ સપ્તાહના અંતમાં કરવામાં આવેલા ઘણા હુમલાઓ પૈકીનો એક છે. આ હુમલામાં દક્ષિણ રશિયાનાં શહેરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

ભેંસોનું ટોળું દીપડા પર તૂટી પડ્યું, દીપડાનું મોત, ક્યાં બની ઘટના?

ભેંસોનું ટોળું દીપડા પર તૂટી પડ્યું, દીપડાનું મોત, ક્યાં બની ઘટના? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં ભેંસોના હુમલામાં એક દીપડાનું મોત થઈ ગયું હતું. તેનું મોત થયું તે પહેલાં દીપડાએ હુમલો કરીને પાંચ લોકોને ઘાયલ કર્યા હતા, જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ હતો.

આ ઘટના શનિવાર રાત્રે અમેઠી જિલ્લાના મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યારે દીપડો એક ભેંસના વાડામાં ઘૂસ્યો અને તેણે બચ્ચાં પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન નજીકમાં રહેલી ભેંસોએ દીપડા પર હુમલો કરી દીધો.

આ હુમલા પછી દીપડો ગામ તરફ ભાગ્યો અને આખરે ઘાયલ થવાના કારણે પડી ગયો અને તેનું મોત થઈ ગયું.

અમેઠીના જિલ્લા મૅજિસ્ટ્રેટ સંજય ચૌહાણે પુષ્ટિ કરી છે કે દીપડાનું મોત ભેંસોના હુમલાને કારણે થયું છે.

આ દીપડાને કારણે મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલાં ભૈંદપુર અને બિરઇપુર ગામમાં ભયનો માહોલ હતો. બંને ગામના લોકો શનિવાર બપોરથી ડરમાં જીવી રહ્યા હતા.

ડીએમ સંજય ચૌહાણે જણાવ્યું કે વનવિભાગ, પોલીસ અને પ્રશાસનની ટીમો દીપડાને પકડવા માટે પ્રયાસરત હતાં. તેને પકડવા માટે ગામમાં જાળ અને પાંજરાં લગાવવામાં આવ્યાં હતાં અને ડ્રૉન તથા લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીએસી દળોને પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં.

હમાસે ઇઝરાયલી બંધકનો વીડિયો જાહેર કર્યો, પરિવારે શું કહ્યું?

હમાસે ઇઝરાયલી બંધકનો વીડિયો જાહેર કર્યો, પરિવારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ઇલે ડૅવિડ પોતાના ભાઈ એવ્યાટર ડૅવિડનો ફોટો લઈને ઊભેલા નજરે પડે છે.

ગાઝામાં ઇઝરાયેલી બંધક એવ્યાટર ડૅવિડના પરિવારજનોએ હમાસ પર આરોપ મૂક્યો છે કે તેમણે 'પ્રચાર અભિયાન' હેઠળ તેમને જાણજોઈને ભૂખ્યા રાખ્યા છે.

હમાસ તરફથી એક વીડિયો જાહેર થયા પછી શનિવારે ડૅવિડના પરિવારનું નિવેદન આવ્યું. આ વીડિયોમાં ખૂબ જ નબળા દેખાતા ડૅવિડને એક સાંકડી અને કૉંક્રીટની બનાવટવાળી સુરંગમાં બતાવવામાં આવ્યા છે.

24 વર્ષીય ડૅવિડને હમાસે 7 ઑક્ટોબર 2023ના રોજ બંદી બનાવ્યા હતા. ત્યારથી તેઓ હમાસની કેદમાં છે. ડૅવિડને દક્ષિણ ઇઝરાયલમાં એક સંગીત સમારંભ દરમિયાન બંદી બનાવવામાં આવ્યા હતા.

હમાસે જે વીડિયો જાહેર કર્યો તેમાં ઇઝરાયલી બંધક એવ્યાટર ડૅવિડને ગાઝાની એક સુરંગમાં કેદ દેખાડવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Other

ઇમેજ કૅપ્શન, હમાસે જે વીડિયો જાહેર કર્યો તેમાં ઇઝરાયલી બંધક એવ્યાટર ડૅવિડને ગાઝાની એક સુરંગમાં કેદ દેખાડવામાં આવ્યા છે.

તેમના પરિવારજનોએ કહ્યું, "અમે અમારા પ્રિય પુત્ર અને ભાઈ એવ્યાટર ડેવિડને ગાઝામાં હમાસની સુરંગોમાં જાણબૂઝીને અને નિંદનીય રીતે ભૂખ્યા મરતા જોઈ રહ્યા છીએ – એક જીવતું કંકાલ, જેને જીવતો જ દફનાવી દેવામાં આવ્યો છે." ડૅવિડના પરિવારજનોએ ઇઝરાયેલી સરકાર અને વૈશ્વિક સમુદાયને વિનંતી કરી છે કે 'એવ્યાટરને બચાવવા માટે શક્ય તે બધું કરવામાં આવે.'

હમાસે જે વીડિયો જાહેર કર્યો છે તેમાં એવ્યાટર ડૅવિડને કહેતા સાંભળી શકાય છે કે, "મેં ઘણા દિવસોથી કંઈ ખાધું નથી... મને પીવા માટે પાણી પણ બહુ મુશ્કેલીથી મળે છે."

અરુણ જેટલી પર નિવેદન બાદ તેમના પુત્રએ રાહુલ ગાંધી પાસે કરી માફીની માગ

અરુણ જેટલી પર નિવેદન બાદ તેમના પુત્રએ રાહુલ ગાંધી પાસે કરી માફીની માગ – ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Manoj Verma/Hindustan Times via Getty

ઇમેજ કૅપ્શન, અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ કહ્યું છે કે જવાબદારી ધરાવતાં પદો પર બેઠેલા લોકો પાસે પોતાનું રિસર્ચ હોવું જોઈએ. (ફાઇલ તસવીર)

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી વિશે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાસેથી માફીની માગ કરી છે.

હકીકતમાં, શનિવારે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે તેઓ સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે અરુણ જેટલીએ તેમને 'ધમકી' આપી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં રોહન જેટલીએ કહ્યું, "સંસદમાં જવાબદારીના પદ પર બેઠેલી વ્યક્તિનું આ એક ખૂબ જ ગેરજવાબદાર નિવેદન છે. બધાને ખબર છે કે કિસાન-બિલ 2020માં આવ્યાં હતાં, જ્યારે મારા પિતાનું અવસાન ઑગસ્ટ 2019માં થયું હતું."

જ્યારે રોહન જેટલીએ પૂછવામાં આવ્યું કે "શું તમે રાહુલ ગાંધી પાસેથી જાહેરમાં માફી મંગાવશો?" ત્યારે તેમણે કહ્યું, "લોકોથી ભૂલ થતી હોય છે. જ્યારે તમે આવા પદ પર હો, ત્યારે તમે ક્યારેક એવાં નિવેદનો આપો છો જે સંપૂર્ણપણે સાચાં નથી. પોતાની ભૂલ સ્વીકારવામાં અને શાંતિથી માફી માંગવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ."

રોહન જેટલીએ કહ્યું, "પણ જ્યારે લોકો જવાબદારીના પદ પર હોય અને તમે પાર્ટીના વરિષ્ઠ નેતા હો, ઘણાં વર્ષોથી સંસદમાં હો, તો તમારી પાસે પોતાનું રિસર્ચ હોવું ખૂબ જરૂરી છે."

આ પહેલા પણ રોહન જેટલીએ રાહુલ ગાંધીનાં નિવેદનો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

ગાઝા : હમાસે હથિયાર મૂકવાનો કર્યો ઇન્કાર, રાખી આ શરત

હમાસ, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, આરબ દેશોએ હમાસને હથિયાર મૂકવાનો અનુરોધ કર્યો હતો.

બીબીસી સંવાદદાતા થૉમસ મૅકિંટૉશના જણાવ્યા પ્રમાણે હમાસે ફરી કહ્યું છે કે જ્યાં સુધી સંપ્રભુ પેલેસ્ટાઇન દેશની સ્થાપના નહીં થાય ત્યાં સુધી તે હથિયાર હેઠાં નહીં મૂકે. ગાઝામાં સીઝફાયર માટે થયેલી વાતચીતમાં ઇઝરાયલની પ્રમુખ માંગોમાંથી એક માંગ પર હમાસે આ જાણકારી આપી છે.

સશસ્ત્ર પેલેસ્ટેનિયન સમૂહ હમાસે કહ્યું છે કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યપૂર્વના દૂત સ્ટીવ વિટકૉફની એ ટિપ્પણી પર જવાબ આપી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે હમાસે પોતાનાં હથિયારો હેઠાં મૂકવાની 'ઇચ્છા વ્યક્ત' કરી છે.

સંઘર્ષ સમાપ્ત કરવા અને કોઈ પણ સમજૂતી માટે ઇઝરાયલ હમાસને હથિયાર મૂકવાની શરતને પ્રમુખ શરત માને છે.

સીઝફાયર અને બંધકોની મુક્તિ માટે ઇઝરાયલ તથા હમાસ વચ્ચે અપ્રત્યક્ષ ચાલી રહેલી વાતચીત ગત સપ્તાહે બંધ થઈ ગઈ.

કેટલાક દિવસો પહેલાં આરબ દેશોએ હમાસને હથિયાર મૂકવા અને ગાઝાનું નિયંત્રણ છોડવાનો અનુરોધ કર્યો હતો.

આ પહેલાં ફ્રાન્સ, કૅનેડા સહિત કેટલાક પશ્ચિમી રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવાની યોજનાનું ઍલાન કર્યું હતું. બ્રિટને કહ્યું હતું કે જો ઇઝરાયલ સપ્ટેમ્બર સુધી કેટલીક શરતો નહીં માને તો તે પણ આમ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન