હવે હિઝબુલ્લાહનો દાવો, 'ઉત્તર ઇઝરાયલ પર કર્યો રૉકેટ હુમલો' - ન્યૂઝ અપડેટ

હિઝબુલ્લાહ, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 4 મિનિટ

થોડા કલાકો પહેલાં જ હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયલ પર રૉકેટ હુમલો કર્યો હોવાના સમાચાર આવ્યા હતા.

ઈરાન દ્વારા સમર્થિત હિઝબુલ્લાહે કહ્યું છે કે તે ઇઝરાયલી સેનાના ઠેકાણાને નિશાન બનાવી રહ્યું છે.

એ પહેલાં ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં રાત્રિ દરમિયાન અનેક ઠેકાણે જબરદસ્ત ઍરસ્ટ્રાઇક કરી હતી.

ઇઝરાયલી સેનાનો દાવો હતો કે તેમણે હિઝબુલ્લાહના રૉકેટ લૉન્ચર્સને નિશાન બનાવ્યાં છે. ઇઝરાયલે આ પહેલાં 100થી વધુ રૉકેટ લૉન્ચરોને નિશાન બનાવ્યાં હતાં.

એ પહેલાં હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહે કહ્યું હતું કે, 'દુશ્મનના હુમલાએ તમામ સીમાઓ, નિયમો અને રેડ લાઇન પાર કરી દીધી છે.'

ઇઝરાયલનો દાવો, લેબનોન પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનાં 100 રૉકેટ લૉન્ચર નષ્ટ

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સેસ (આઈડીએફ)ની માહિતી પ્રમાણે, આ લૉન્ચર્સ ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ની માહિતી પ્રમાણે, આ લૉન્ચર્સ ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતાં

ઇઝરાયલે કહ્યું કે તેનાં ફાઇટર વિમાનોએ હિઝબુલ્લાહનાં 100થી વધારે રૉકેટ લૉન્ચરોને નિશાન બનાવ્યાં છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ની માહિતી પ્રમાણે, આ લૉન્ચર્સ ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતાં.

આઈડીએફના હવાઈ હુમલામાં દક્ષિણ લેબનોનમાં હથિયારોનાં ગોડાઉનોને પણ નિશાન બનાવાયાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લેબનોનની સરકારી નૅશનલ ન્યૂઝ એજન્સીને કહ્યું કે ઇઝરાયલે ગુરુવારે સાંજે 52 હુમલા કર્યા અને લેબનોને પણ ઉત્તર ઇઝરાયલનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા.

આ પહેલાં હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહે કહ્યું હતું કે “દુશ્મને” ધડાકા કરીને બધી જ સીમા, નિયમો તોડ્યા અને રેડલાઇન પાર કરી દીધી છે.

આખા લેબનોનમાં પેજર અને વૉકી-ટૉકીમાં થયેલા ધડાકામાં કુલ 37 લોકોનાં મોત થયાં અને ત્રણ હજારથી વધારે લોકો ઘાયલ થયા હતા.

નસરુલ્લાહે આ હુમલાઓને “જનસંહાર” ગણાવ્યો અને સ્વીકાર્યું કે હિઝબુલ્લાહ માટે આ એક મોટો ઝાટકો છે.

તેમણે કહ્યું, “તેને યુદ્ધ અપરાધ કે યુદ્ધનું એલાન, તમે જે કહેવા માગો તે કહી શકો છો. દુશ્મનની આ જ નિયત છે.”

ઇઝરાયલના રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે ઇઝરાયલ હવે યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે અને પોતાની તાકતને ઉત્તરમાં કેન્દ્રિત કરી રહ્યું છે.

આઠ ઑક્ટોબર 2023માં ગાઝાથી હમાસના હથિયારબંધ લડવૈયાએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ત્યારથી તણાવની સ્થિતિ છે.

હિઝબુલ્લાહ ત્યારબાદ પેલેસ્ટિનયન લોકો સાથે એકતા દર્શાવીને ઇઝરાયલનાં ઠેકાણાં પણ બૉમ્બમારો કરતું રહ્યું છે.

માલદીવની અપીલ પર આગળ આવ્યું ભારત, માલદીવના વિપક્ષે પણ વખાણ કર્યાં

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મહમદ મુઇઝ્ઝુ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મહમદ મુઇઝ્ઝુ

ભારતે માલદીવ સરકારની અપીલ પર બીજા એક વર્ષ માટે પાંચ કરોડ ડૉલરની આર્થિક મદદ કરી છે.

માલદીવમાં ભારતીય ઉચ્ચાયોગના નિવેદન પ્રમાણે, માલદીવ સરકારની અપીલ પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલયે જાહેર કરેલા પાંચ કરોડ ડૉલરના સરકારી ટ્રેઝરી બિલ્સને સબ્સક્રાઇબ કર્યાં છે.

ઉચ્ચાયોગના નિવેદન મુજબ, આ પહેલાં મે 2024માં પણ એસબીઆઈએ આ રીતે જ પાંચ કરોડ ડૉલરના ટ્રેઝરી બિલ લીધાં હતાં. ભારતની સાર્વજનિક બૅન્કના આ સબ્સક્રિપ્શન થકી માલદીવને ઇમરજન્સી નાણાકીય મદદ મળશે.

ઉચ્ચાયોગે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે માલદીવ ભારતનો પ્રમુખ પાડોશી દેશ છે. માલદીવ ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિનો મુખ્ય ભાગીદાર પણ છે.

માલદીવનાં પૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ભારત તરફથી કરવામાં આવેલી આ મદદનાં વખાણ કર્યાં.

તેમણે લખ્યું, “આ સરકારની અર્થવ્યવસ્થાને સંભાળવાની નિષ્ફળતા અને ખરાબ વિદેશનીતિ છતાં ભારતે પુરવાર કર્યું છે કે તે એક ભરોસાપાત્ર મિત્ર અને ભાગીદાર છે.”

માલદીવમાં રાષ્ટ્રપતિ મહમદ મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા ત્યારથી ભારત સાથેના સંબંધોમાં તણાવ હતો. મુઇઝ્ઝુ સરકારના ત્રણ મંત્રીએ જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાન મોદી માટે કરેલી ટિપ્પણીને કારણે તણાવ વધી ગયો હતો.

જોકે, મુઇઝ્ઝુ સરકારે ત્યારબાદ સંબંધોને સુધારવાના કેટલાક પ્રયાસો કર્યા હતા.

કોલકતા : જુનિયર ડૉક્ટર પ્રદર્શન સ્થળ છોડશે, આંદોલન ચાલશે

પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના મામલે પ્રદર્શન કરી રહેલા જૂનિયર ડૉક્ટરોએ વિરોધ પ્રદર્શન સ્થળને છોડવાનો નિર્ણય કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના મામલે પ્રદર્શન કરી રહેલા જૂનિયર ડૉક્ટરોએ વિરોધ પ્રદર્શન સ્થળને છોડવાનો નિર્ણય કર્યો

પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે પ્રદર્શન કરી રહેલા જુનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન સ્થળને છોડવાનો નિર્ણય કર્યો છે.

કેટલાક અંશે કામ પર પાછા ફરવાની પણ વાત કરી છે.

જુનિયર ડૉક્ટરોના સંગઠન વેસ્ટ બંગાલ જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટે એલાન કર્યું કે શનિવારે સીબીઆઈની ઑફિસ સુધી માર્ચ કરીશું. આ સાથે જ માગણી કરીશું કે તપાસને જલદી પૂરી કરે.

સંગઠનના પ્રવક્તા ડૉક્ટર અકીબ અશરફે બીબીસીને કહ્યું, “અમે કાલે પ્રદર્શન સ્થળ છોડી દેશું. અને સીજીઓ કૉમ્પલેક્સ જ્યાં સીબીઆઈની ઑફિસ છે ત્યાં સુધી માર્ચ કરીશું.”

અકીબે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “આંદોલનને હવે એક નવી રીતે આગળ લઈ જવાની જરૂર છે.”

તેમણે ઉમેર્યું, “ અમે ઇમરજન્સી સેવાઓ ફરીથી શરૂ કરીએ છીએ, કારણ કે પૂર પીડિતોને તેની જરૂર છે. ઓપીડી તેમાં નથી, અમે ઓપીડી અને કોલ્ડ ઓટીમાં કામ શરૂ નહીં કરીએ, કારણ કે હૉસ્પિટલમાં હજુ પણ સુરક્ષાની વ્યવસ્થાઓ નથી કે કોઈ મહિલા ડૉક્ટર સુરક્ષિત અનુભવ કરી શકે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારી માગણી જલદી પૂરી કરે.”

અદીશ અશરફ કહે છે કે અમારી કેટલીક માગણીઓ માનવમાં આવી છે. જોકે, કેટલીક માગણીઓ હજુ પણ અધૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.