ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાન - ઇંગ્લૅન્ડની ફાઇનલમાં બાબર કે રિઝવાન નહીં આ ખેલાડી પર રહેશે સૌની નજર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ સુહૈબ
- પદ, બીબીસી ઉર્દૂ, મેલબર્નથી

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં આજે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાશે
ઇંગ્લૅન્ડની કૅપ્ટનશિપ જોસ બટલર કરી રહ્યા છે, જ્યારે બાબર આઝમ પાકિસ્તાની ટીમના કૅપ્ટન હશે
ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લૅન્ડે દસ વિકેટે ભારતને હરાવ્યું હતું, બીજી તરફ ન્યૂઝીલૅન્ડ સાથે થયેલ સેમિફાઇનલમાં પાકિસ્તાને સાત વિકેટથી જીત હાંસલ કરી હતી.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) બહાર પાકિસ્તાનની પ્રૅક્ટિસ સેશન પૂરી થઈ ચૂકી હતી. એક ઑસ્ટ્રેલિયન નાગરિક અમારી પાસે આવ્યા અને અમારી પાસેથી પ્રૅક્ટિસ સેશન અંગે જાણકારી મેળવી.
આ પહેલાં તમામ ભારતીય અને પાકિસ્તાની પ્રશંસકો પણ અમને પ્રૅક્ટિસ અંગે પૂછી ચૂક્યા હતા. અમે એ બધાને જણાવ્યું કે પાકિસ્તાની ટીમ પ્રૅક્ટિસ કરીને પરત ફરી ચૂકી છે. જતાં જતાં તેમણે કહ્યું, “તમે લોકો ઇંગ્લૅન્ડને હરાવશો.”
તેમની આ વાત સાંભળીને અહેસાસ થયો કે રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફાઇનલ માટે મેદાનમાં ઊતરશે તો ઑસ્ટ્રેલિયામાં રહેતાં પાકિસ્તાનીઓનું સમર્થન તો તેમને મળશે જ પરંતુ ઇંગ્લૅન્ડ સામે ભારે અંતરથી હારનાર ભારતીય ટીમના પ્રશંસકો, અને ઇંગ્લૅન્ડના પરંપરાગત પ્રતિસ્પર્ધી ઑસ્ટ્રેલિયાના સમર્થકો પણ પાકિસ્તાનને સમર્થન આપવા માગે છે.
પાકિસ્તાને આ ફાઇનલ માટે મેલબર્ન પહોંચ્યા બાદ પહેલી વખત પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ આ દરમિયાન પાકિસ્તાની ઑલરાઉન્ડર અને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના કમબૅકના એક મહત્ત્વપૂર્ણ આધાર શાદાબ ખાન આ પ્રૅક્ટિસ સેશનમાં નહોતા.
પ્રૅક્ટિસ સેશનમાં આકર્ષનું કેન્દ્ર ન તો બાબર અને ન રિઝવાન હતા. બધાનું ધ્યાન ગત અઠવાડિયે જ ફખર ઝમાનના સ્થાને રિઝર્વ ટીમમાં સામેલ થયેલ બૅટ્સમૅન મોહમ્મદ હૅરિસ પર હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મોહમ્મદ હૅરિસની અનોખી પ્રૅક્ટિસ

ઇમેજ સ્રોત, SARAH REED/GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહમ્મદ હૅરિસ નામના આ બૅટરને દક્ષિણ આફ્રિકા સાથેની મૅચ પહેલાં ટીમમાં સામેલ કરવાની કોઈ માંગણી પણ નહોતી કરાઈ રહી અને નિશ્ચિતપણે આ પાકિસ્તાની થિંકટૅંક તરફથી કરાયેલ એક એવો નિર્ણય હતો જે આ વર્લ્ડકપમાં પાકિસ્તાનનું ભાગ્ય બદલાવાનું કારણ બન્યું.
હૅરિસે બીજા પાકિસ્તાની બૅટ્સમૅનોની ‘ડૉગ બૉલ થ્રોઅર’ મશીનથી થ્રોડાઉનથી પ્રૅક્ટિસ કરી.
‘ડૉગ બૉલ થ્રોઅર’ વાસ્તવમાં એવું મશીન છે, જેમાં બૉલ નાખીને ફેંકવામાં આવે છે અને તે એક નિશ્ચિત ઝડપે બૅટર સુધી પહોંચે છે.
બૅટર સામાન્યપણે દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની ઝડપી પીચો પર તેની સાથે પ્રૅક્ટિસ કરવાનું પસંદ કરે છે.
મોહમ્મદ હૅરિસ સાથે મોહમ્મદ યૂસુફ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સાથે મળીને એક નાની મૅચ રમી રહ્યા હતા.
હૅરિસને એક ઓવરમાં નિશ્ચિત સંખ્યામાં રન બનાવવાના હતા અને તેના માટે હાઈ પેસ (ઝડપી બૉલ)નો સામનો કરવાનો હતો.
તેઓ બાઉન્સ પર એક-બે વખત બીટ થયા તો તેમણે અંગ્રેજીમાં ઊંચા અવાજે કહ્યું, “વૉટ ઇઝ ગોઇંગ ઓન (આ શું થઈ રહ્યું છે.)”
તે બાદ જ્યારે તેમને પ્રથમ ઓવર પિચ્ડ બૉલ મળ્યો તો તેમણે કવર અને મિડ ઑફ વચ્ચે એવો જ ઇનસાઇડ આઉટ શૉટ ફટકાર્યો જેવો તેમણે ફર્ગ્યૂસનના બૉલ પર ન્યૂઝીલૅન્ડ સામેની સેમિફાઇનલમાં ફટકાર્યો હતો.
મોહમ્મદ યૂસુફે આ શૉટ પર તેમને શાબાશી આપી અને તેઓ સાથોસાથ તેમની ભૂલો સુધારતા રહ્યા પરંતુ પછી જ્યારે મોહમ્મદ હૅરિસ સામે બૉલિંગ કરવા મોહમ્મદ નવાઝ આવ્યા તો એવો અહેસાસ થયો કે જાણે હૅરિસ સ્પિન રમવામાં વધુ આત્મવિશ્વાસુ નથી લાગી રહ્યા.

વરસાદથી પ્રભાવિત પ્રૅક્ટિસ સેશન

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશ્વકપમાં હાલ આપણે હૅરિસને ઝડપી બૉલરો સામે રન ફટકારતા જોયા છે. પરંતુ જો ઇંગ્લૅન્ડની તરફથી હૅરિસનો મુકાબલો સ્પિન બૉલિંગ વડે કરવાની કોશિશ કરાશે તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે આ સંપૂર્ણ સેશનમાં હૅરિસ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા અને તેઓ વિકેટની પાછળ રમવાની વાતને ખૂબ પ્રાથમિકતા આપી રહ્યા હતા.
પાકિસ્તાનની આ પ્રૅક્ટિસ સેશન શરૂઆતમાં વરસાદનો ભોગ બની અને મોટા ભાગની પ્રૅક્ટિસ ઇનડોર કરવામાં આવી. જ્યારે ખેલાડી બહાર આવ્યા તો અમુક સમય બાદ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ અફરિદી પાસે બૉલિંગ કરાવતા નજરે પડ્યા.
મેલબર્નમાં રવિવારે વરસાદનું અનુમાન છે, પરંતુ અહીં બીજી વખત આવ્યા છતાં આ શહેરના અકળ મોસમને સમજવામાં ઓછામાં ઓછા અમે તો લાચાર રહ્યા.
સવારે દસ વાગ્યે જ્યારે અમે ઍરપૉર્ટ પહોંચ્યા તો અહીં તડકો હતો અને જાકીટ હાથમાં રાખવા છતાં પણ ગરમી લાગી રહી હતી. હોટલ પહોંચ્યા ત્યાં સુધી તો વાદળ છવાઈ ચૂક્યાં હતાં અને લાગી રહ્યું હતું કે જાણે વરસાદ થવાનો છે.
એમસીજી પહોંચીને અમે જોયું તો આકાશ વાદળી હતું, પરંતુ થોડા સમય બાદ ઝડપી પવન ફૂંકાયો અને આકાશમાં કાળાં વાદળ છવાઈ ગયાં. ઑસ્ટ્રેલિયામાં અમે જ્યાં ગયા ત્યાં અમે જોયું કે સમુદ્ર કિનારે આવેલાં શહેરોમાં વહેતી ઝડપી હવાઓને કારણે સામાન્યપણે વાદળો ઝડપથી સરકી જાય છે.

ભારતીય પ્રશંસકોની નિરાશા અને ટિકિટની મારામારી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની પ્રૅક્ટિસ સેશનમાં ભારતીય પ્રશંસકો આવે એ કોઈ નવી વાત નથી. આ પહેલાં પણ સમગ્ર વિશ્વકપ દરમિયાન આવી તસવીરો જોવા મળતી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન-ભારત મૅચ પહેલાં પાકિસ્તાનની પ્રૅક્ટિસ જોવા ઘણા ભારતીય પ્રશંંસકો હાજર રહ્યા હતા.
જોકે હવે જે કોઈ ભારતીય પ્રશંસક સાથે વાત થઈ તે પૈકી મોટા ભાગના લોકો માટે ફાઇનલ મૅચની ટિકિટની ખરીદી કે વેચાણની પ્રવૃત્તિ, ભારતની ઇંગ્લૅન્ડ સામે કારમી હાર સાથે જોડાયેલી છે.
ઘણા ભારતીય પ્રશંસકોએ ભારત-પાકિસ્તાન ફાઇનલની આશામાં પહેલાંથી જ ટિકિટ ખરીદી લીધી હતી, ઘણાએ બ્લૅકમાં પણ ટિકિટ લીધી હતી.
અમને મળનારા બે પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અને ઉમૈર ઑફિસેથી ભોજનની રિસેસ વખતે ખાસ પાકિસ્તાની ટીમની પ્રૅક્ટિસ જોવા માટે એમસીજી આવ્યા હતા.
મોહમ્મદે અમને જણાવ્યું, “સ્પષ્ટ છે કે તમે ઇચ્છો કે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મૅચ રમાય અને બંને ટીમો એક જ વર્લ્ડ કપમાં બીજી વાર પણ એકબીજાની સામે આવે.”
તેમણે ટિકિટો વિશે વાત કરતાં કહ્યું, “તમને વૉટ્સઍપના મૅસેજ વંચાવું છું. ભાઈ, દરેક ગ્રૂપમાં ભારતીય પ્રશંસક ટિકિટ વેચવાના પ્રયાસ કરી રહ્યા છે. પહેલાં ટિકિટ બ્લૅકમાં પણ મળી રહી હતી, મેં તો આઈસીસીની વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી લીધી પરંતુ ભારતની હાર બાદ મને નથી લાગતું કે હવે કોઈને ટિકિટ ખરીદવામાં પરેશાની થવી જોઈએ.”
અમને એવા પાકિસ્તાની સમર્થક પણ મળ્યા જેમણે વિશ્વાસ સાથે ફાઇનલની ટિકિટ ખરીદી લીધી હતી. તેમને વિશ્વાસ હતો કે પાકિસ્તાન ન્યૂઝીલૅન્ડને હરાવશે.

‘પાકિસ્તાની પાડોશી છે, અમે તેમને સપૉર્ટ કરીશું’

ઇમેજ સ્રોત, Getty Images
અમારી મુલાકાત એક એવા ભારતીય પરિવાર સાથે થઈ જે ખાસ સિડનીથી ફાઇનલ જોવા માટે મેલબર્ન આવ્યો છે.
આ પરિવારનાં એક સભ્ય પદ્માએ અમને કહ્યું, “અમે વિચારી રહ્યા હતા કે ભારત ફાઇનલ સુધી પહોંચશે અને ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સાથે થશે. અમે બ્લૅકમાં ટિકિટ ખરીદવાના હતા, બધી તૈયારી પણ થઈ ગઈ હતી, પરંતુ અંતે ભારત હારી ગયું, ખરાબ લાગે છે, પરંતુ... બેસ્ટ ઑફ લક ટુ પાકિસ્તાન.”
તેમનું કહેવું હતું કે ફાઇનલ મૅચમાં તેઓ પાકિસ્તાનને સપૉર્ટ કરશે કારણ કે પાકિસ્તાન એશિયન દેશ છે અને પાડોશી છે. તેઓ કહે છે કે, “રાજકીય પરિસ્થિતિઓ ગમે તે હોય, પરંતુ માણસ તરીકે અમે ભાઈ-ભાઈ, બહેન-બહેન છીએ.”
ફેસબુકનાં અલગ અલગ ગ્રૂપોમાં પણ ભારતીય દર્શકો જેમને પોતાની ટીમ ફાઇનલમાં પહોંચશે તેવી આશા હતી, નિરાશ થઈને પહેલાંથી ખરીદેલી ટિકિટો પાકિસ્તાનીઓને વેચવાની કોશિશ કરી રહ્યા છે.
રાહુલ મહેતા નામના એક યુઝરે ફેસબુક પર વિદ્યાર્થીઓના એક ગ્રૂપમાં લખ્યું, “મેં ટિકિટ 295 ડૉલરમાં ખરીદી હતી, આ જ કિંમતે વેચવા પણ તૈયાર છું, જો આપ મેલબર્નમાં હો તો હું ખુદ તમારા ઘરે કે અન્યત્રે ક્યાંક આવીને ટિકિટ આપી શકું છું.”
આવી અન્ય પણ ઘણી પોસ્ટો છે જેમાં યુઝરો ટિકિટ ખરીદવા માટે લોકોને ઝડપથી સંપર્ક સાધવા વિનંતી કરી રહ્યા છે.
મીરાન પોતાની પોસ્ટમાં કહે છે કે, “શૅન વૉર્ન સ્ટેન્ડની એક ટિકિટ 295 ડૉલરમાં ઉપલબ્ધ છે.”
તેમજ અન્ય એક યુઝરે લખ્યું, “કિંમત 295 ડૉલર છે પરંતુ ભાવતાલ કરવા માટે તૈયાર છું.”














