દાઓસમાં ટ્રમ્પે ફરી કહ્યું, 'ભારત-પાકિસ્તાન સહિત' આઠ યુદ્ધ અટકાવ્યાં – ન્યૂઝ અપડેટ

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ, ટ્રમ્પ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ગ્રીનલેન્ડ, નાટો અને યુરોપ સહિત અલગ-અલગ મુદ્દે શું કહ્યું, દાઓસમાં ટ્રમ્પનું ભાષણ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાઓસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે યુરોપ, નાટો અને ગ્રીનલૅન્ડ સહિતના મુદ્દે વાતો કરી હતી.

સત્તાવાર વિમાન 'ઍરફોર્સ વન'માં નાની એવી ઇલેક્ટ્રિકલ ખામીને કારણે તેઓ કાર્યક્રમમાં મોડા પહોંચશે, તેવી આશંકા હતી, પરંતુ તેઓ સમયસર પહોંચ્યા હતા અને તેમણે ખીચોખીચ ભરેલા હૉલમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા.

ટ્રમ્પને 40 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હોવા છતાં તેમણે એક કલાક કરતાં વધુ સમય સુધી સંબોધન કર્યું હતું.

ટ્રમ્પે ફરી એક વખત કહ્યું હતું કે તેમણે વિશ્વના અનેક યુદ્ધ બંધ કરાવ્યાં છે. જેમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઉપરાંત અન્ય સાતેક યુદ્ધનો દાવો વ્હાઇટ હાઉસે અગાઉ કર્યો હતો, પરંતુ તે બધા યુદ્ધ ન હતાં અને બધા સંઘર્ષવિરામનો અમલ પણ ન થયો હોવાનું બીબીસી વૅરિફાય જણાવે છે.

ગ્રીનલૅન્ડ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું, "આ મુદ્દો (ગ્રીનલૅન્ડ) હું ભાષણમાં સામેલ કરવા નહોતો માંગતો, પરંતુ મને લાગે છે કે જો આ મુદ્દાની ચર્ચા ન કરી હોત, તો નકારાત્મક સમીક્ષા થઈ હોત."

તેમણે કહ્યું કે, "ગ્રીનલૅન્ડ વસતિ અને સંરક્ષણ વગરનો અવિકસિત દેશ છે." તેમણે કહ્યું, "ત્યાં રેર અર્થ મિનરલ નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની વાત છે."

તેમણે કહ્યું હતું કે 'ગ્રીનલૅન્ડને હાંસલ કરવા માટે હું બળપ્રયોગ નહીં કરું અને મારે કરવો પણ નહીં પડે.'

ટ્રમ્પે કહ્યું હતું કે "યુરોપ ઓળખાય એવું નથી રહ્યું", સાથે જ ઉમેર્યું હતું, "મને યુરોપ પ્રત્યે પ્રેમ છે. હું ઇચ્છું છું કે તે સારું કરે,પરંતુ તે યોગ્ય દિશામાં નથી જઈ રહ્યું."

તાજેતરમાં સીબીએસ દ્વારા એક ઑપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં પ્રત્યુત્તર આપનારા 74 ટકા લોકોએ કહ્યું હતું કે ટ્રમ્પની સરકાર ભાવોને ઘટાડવા માટે પૂરતા પ્રયાસો નથી કરી રહી. ત્યારે દાઓસ ખાતે ટ્રમ્પે કહ્યું હતું, "લોકો પ્રગતિ કરી રહ્યા છે." અને કહ્યું હતું, "તેઓ (અમેરિકનો) મારાથી ખૂબ જ ખુશ છે."

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે માસિક વેપારખાધ (નિકાસ કરતાં આયાત વધુ હોય, તેવી સ્થિતિ) 77 ટકા સુધી ઘટાડી છે, છતાં મોંઘવારી નથી વધી.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડીને અમેરિકા લાવવામાં આવ્યા છે. ત્યારે વેનેઝુએલા અંગે ટિપ્પણ કરતા તેમણે કહ્યું હતું, "વેનેઝુએલાએ ગત 20 વર્ષમાં જેટલા પૈસા નથી બનાવ્યા, એટલા આગામી છ મહિનામાં બનાવશે."

ટ્રમ્પે કહ્યું હતું કે તેમના અને અમેરિકાના નેતૃત્વમાં વેનેઝુએલા પ્રગતિ કરશે.

ભારતમાં ટી20 વર્લ્ડકપ નહીં રમવાની બાંગ્લાદેશની ઇચ્છા અંગે પાકિસ્તાને આઇસીસીને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ટી20 ક્રિકેટ વર્લ્ડકપ, આઈસીસી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં ટી20 વર્લ્ડકપ મૅચ નહીં રમવાની બાંગ્લાદેશની ઇચ્છાનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) સમર્થન કર્યું છે.

બીબીસી બાંગ્લાના અહેવાલ અનુસાર, પીસીબીએ આઇસીસીને (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) પત્ર લખીને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

પ્રાદેશિક ભૂરાજકીય સ્થિતિનું કારણ આપતા પીસીબીએ કહ્યું છે કે આવા સંજોગોમાં ભારતમાં ન રમવાનો બાંગ્લાદેશની ટીમનો નિર્ણય તર્કસંગત છે. આ પત્રની નકલ આઇસીસી બૉર્ડના સભ્યોને પણ મોકલવામાં આવી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ઇચ્છે છે કે સુરક્ષાના કારણોસર તેની મૅચો શ્રીલંકામાં આયોજિત કરવામાં આવે.

જોકે, આઇસીસીએ પોતાનું વલણ નથી બદલ્યું. ગત અઠવાડિયે બીસીબી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આઇસીસીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

બીબીસીની બાંગ્લા સેવાના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશની ટી20 ટીમના કપ્તાન લિટન દાસે ટી20 વર્લ્ડ કપ-2026માં તેમની ટીમ રમશે કે નહીં, તેના અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

તેમના કહેવા પ્રમાણે, આઇસીસીએ આયોજનસ્થળ અંગે અંતિમ નિર્ણય લીધો ન હોવાથી આ અનિશ્ચિતતા પ્રવર્તે છે.

ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડકપ આયોજિત કરી રહ્યા છે. પાકિસ્તાનની મૅચો શ્રીલંકામાં યોજાવાની છે. ત્યારે બાંગ્લાદેશે પણ તેની મૅચોને શ્રીલંકામાં રમાડવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ (બીસીસીઆઈ)એ તાજેતરમાં એક મોટો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિજુર રહમાનને આઇપીએલની (ઇન્ડિયન પ્રિમિયર લીગ) ફ્રેન્ચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સમાંથી (કેકેઆર) હઠાવવાના આદેશ આપ્યા હતા. જેના કારણે બંને દેશો વચ્ચે ક્રિકેટક્ષેત્રે વિવાદ વકરી ગયો હતો.

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેના હત્યારાને ઉંમરકેદની સજા કરાઈ

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, સુનીતા વિલિયમ્સ, અમેરિકા, નાસા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેત્સુયા યામાગામીએ એક સભા દરમિયાન શિંજો આબેને ગોળી મારી દીધી હતી

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેના હત્યારાને ઉંમરકેદની સજા સંભળાવાઈ છે. વર્ષ 2022માં નારા શહેરમાં એક રેલી દરમિયાન શિંજો આબેની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

43 વર્ષીય તેત્સુયા યામાગામીએ ગત વર્ષે ટ્રાયલની શરૂઆતમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, પરંતુ એને શું સજા મળવી જોઈએ, એ અંગે જાપાનમાં લોકોનો મત વિભાજિત દેખાયો.

ઘણા લોકો તેને એક ક્રૂર હત્યારો માને છે, તેમજ કેટલાક તેના મુશ્કેલ બાળપણ અંગે સહાનુભૂતિ પણ ધરાવે છે.

સરકારી વકીલોએ કહ્યું કે યામાગામીને 'ગંભીર' અપરાધા માટે ઉંમરકેદ મળવી જોઈએ અને કહ્યું કે આબેની હત્યાથી દેશ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે જાપાનમાં બંદૂક સાથે સંકળાયેલા અપરાધોનો દર નહિવત્ છે.

નરમાઈની માગણી કરતા, યામાગામીના વકીલોએ કહ્યું કે તેઓ 'ધાર્મિક શોષણ'ના શિકાર હતા.

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબે 8 જુલાઈ, 2022ના રોજ 11:30 વાગ્યે દેશના પશ્ચિમી ભાગ નારા ખાતે એક ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા, ત્યારે જ તેમને પાછળથી ગોળી મારી દેવાઈ હતી.

મૂળ ગુજરાતી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયાં

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, સુનીતા વિલિયમ્સ, અમેરિકા, નાસા,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ ગુજરાતી મૂળનાં છે અને તેમણે 27 વર્ષ સુધી નાસામાં કામ કર્યું

અમેરિકન અવકાશ એજન્સી નાસા પ્રમાણે, 27 વર્ષની સર્વિસ બાદ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ 27 ડિસેમ્બર, 2025ના રોજ એજન્સીમાંથી નિવૃત્ત થઈ ગયાં.

ગુજરાતી મૂળનાં સુનીતા વિલિયમ્સે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ત્રણ મિશન પૂરાં કર્યાં અને પોતાની કારકિર્દીમાં સ્પેસમાં રહેવાના ઘણા રેકૉર્ડ બનાવ્યા.

નાસાના પ્રશાસક જેરેડ આઇઝકમેને કહ્યું, "સુનીતા વિલિયમ્સ હ્યુમન સ્પેસફ્લાઇટમાં એક અગ્રણી રહ્યાં. તેમણે સ્પેસ સ્ટેશન પર પોતાના નેતૃત્વ વડે એક્સપ્લોરેશનના ભવિષ્યને આકાર આપ્યું અને લૉ અર્થ ઑર્બિટમાં કૉમર્શિયલ મિશન માટે માર્ગ બનાવ્યો."

તેમણે કહ્યું, "સાયન્સ અને ટૅક્નૉલૉજીને આગળ ધપાવવામાં તેમના કામે ચંદ્ર પર આર્ટેમિસ મિશન અને મંગળ તરફ આગળ વધવાના પ્રયાસોનો પાયો નાખ્યો છે, અને તેમની અસાધારણ ઉપલબ્ધિઓ આગામી પેઢીઓને મોટાં સ્વપ્ન જોવા... તેમની સીમાઓને આગળ ધકેલવા માટે વધુ પ્રેરિત કરતી રહેશે."

આ પહેલાં સુનીતા વિલિયમ્સે એક કાર્યક્રમમાં કહ્યું, "સ્પેસમાં જઈને તમે સૌથી પહેલું કામ તમારું ઘર શોધવાનું કરો છો."

તેમણે કહ્યું, "મારો જન્મ અને ઉછેર મેસેચ્યુસેટ્સમાં થયો છે. મારા પિતા ભારતથી છે, મારાં માતા સ્લોવેનિયાથી છે. સ્પષ્ટ છે કે હું એ સ્થળોને પોતાનાં ઘર માનું છું..."

ટ્રમ્પે કહ્યું, 'ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં હતાં'

ભારત, અમેરિકા, પાકિસ્તાન, યુદ્ધ, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ફરી એક વાર આઠ યુદ્ધો રોકાવ્યાંનો દાવો કર્યો છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે કે તેમણે દસ મહિનામાં આઠ યુદ્ધ રોકાવ્યાં છે. તેમણે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરવાના પોતાના દાવાનો પણ પુનરોચ્ચાર કર્યો.

ટ્રમ્પે કહ્યું, "ભારત-પાકિસ્તાન યુદ્ધમાં આઠ વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. મારું માનવું છે કે બંને દેશો પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકા આવ્યા અને તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક કરોડ કે તેથી વધુ લોકોના જીવ બચાવ્યા."

ગત વર્ષે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલા બાદ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો હતો.

ત્રણ દિવસના સંઘર્ષમાં બંને પક્ષે ઘણા લોકો માર્યા ગયા હતા. તે સમયે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌપ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી હતી.

સ્પેનમાં ત્રણ દિવસમાં બીજો ટ્રેન અકસ્માત : બાર્સેલોના નજીક ટ્રેન પાટા પરથી ઊતરી

ભારત, અમેરિકા, પાકિસ્તાન, યુદ્ધ, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Catalonian fire service

સ્પેનના બાર્સેલોના નજીક એક ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, જેમાં ટ્રેન ડ્રાઇવરનું મોત થયું અને ઓછામાં ઓછા 37 લોકો ઘાયલ થયા છે અને પાંચ લોકો ગંભીર છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે રોડાલીસ ટ્રેન એક રિટેનિંગ દીવાલ સાથે અથડાઈ.

પ્રાદેશિક ફાયર ઇન્સ્પેક્ટર ક્લાઉડી ગેલાર્ડોએ જણાવ્યું હતું કે ટ્રેનમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટના ઉત્તરપૂર્વીય સ્પેનમાં ભારે વાવાઝોડાને કારણે બની હતી અને ખરાબ હવામાનને કારણે પૂર્વ અને ઉત્તરપશ્ચિમ સ્પેનના દરિયાકાંઠાના વિસ્તારો માટે હાઇ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કેટાલોનિયામાં આ ટ્રેન અકસ્માત પહેલાં રવિવારે દક્ષિણ સ્પેનમાં બે ટ્રેનો અથડાઈ હતી.

મેડ્રિડથી સ્પેનની રાજધાની માલાગા જતી એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી અને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન સાથે અથડાઈ.

આ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 લોકોનાં મોત થયાં. તે એક દાયકા કરતાં વધુ સમયમાં સ્પેનના સૌથી ખરાબ રેલ અકસ્માતોમાંનો એક હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન