ભારતના શિવમ અને દીપકે કેવી રીતે શ્રીલંકાના હાથમાં આવેલી મૅચ છીનવી લીધી?

શિવમ માવી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

ભારતે વાનખેડે સ્ટેડિયમમાં પહેલી ટી-20 મૅચ બે રને જીતી લીધી છે અને અસલી હીરો પેસ બૉલર શિવમ માવી રહ્યા. માવીએ શાનદાર બૉલિંગ કરીને હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપને ઉજાળી હતી. પંડ્યાની કપ્તાનીમાં ભારતની આ પાંચમી જીત છે.

ભારત 2024ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓની ટીમ તૈયાર કરી રહ્યું છે. તેની જવાબદારી હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવીને આપી છે.

શિવમ માવીએ શાનદાર પ્રદર્શન કરીને એ દર્શાવી દીધું છે કે ટીમ પ્રબંધન તેમના પર ભરોસો કરી શકે છે.

શિવમ માવીએ મૅચ બાદ કહ્યું કે "ભારતની કૅપ મળતા અને પછી બૉલર તરીકે હાથમાં બૉલ પકડતા જ મને લાગ્યું કે મારું સપનું પૂરું થયું છે."

"અન્ડર-19 વર્લ્ડકપમાં 2018માં સારું પ્રદર્શન કર્યા બાદ ઈજાને કારણે બહુ મુશ્કેલ સમયમાંથી મારે પસાર થવાનું થયું. એક સમયે તો એવું લાગ્યું કે ભારત માટે રમવાનું સપનું પૂરું થશે કે કેમ. પણ આકરી મહેનતથી આખરે સપનું પૂર્ણ થયું છે."

બીબીસી

માવીની દમદાર દસ્તક

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

શિવમ માવીની દસ્તક ટીમમાં યાદગાર બની ગઈ. તેમણે ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

પહેલી ઓવરમાં પહેલા બૉલ ફેંકતા એવું લાગ્યું કે તેઓ અસહજ લાગે છે. બૉલિંગ સમયે તેમનો પગ પણ ફસડાતો લાગ્યો. એ કારણે તેમના કરિયરની શરૂઆત કુસાલ મેન્ડિસના ચોગ્ગાથી થઈ. કુસાલે પછીના બૉલે ફરી ચોગ્ગો ફટકારીને શિવમને પ્રેશરમાં લાવવાનો પ્રયાસ કર્યો.

શિવમ માવીએ આ મુશ્કેલ સ્થિતિમાં પણ જલદી કાબૂ મેળવી લીધો. તેમણે પાંચમા બૉલે નિસાંકાને બોલ્ડ કરીને શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો. તેમણે બીજી ઓવરમાં પણ ચોગ્ગા લાગ્યા પછી ધનંજયને કૅચઆઉટ કરાવ્યા.

માવીએ અન્ડર-19 વર્લ્ડકપ રમીને ચર્ચામાં આવ્યા હતા. એ સમયે તેઓ 145 કિમીની ઝડપે બૉલ ફેંકતા હતા. પરંતુ ઈજાને કારણે તેમની ગતિમાં ઘટાડો થયો હતો.

હવે તેઓ 135 કિમીની ગતિથી બૉલિંગ કરે છે. પરંતુ બૉલિંગમાં વિવિધતાને કારણે તેઓ પ્રભાવી સાબિત થયા છે.

તેઓ ઈજાને કારણે ગત આઈપીએલમાં માત્ર છ મૅચ રમી શક્યા હતા. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સખત મહેનત કરીને ટીમમાં સામેલ થવામાં સફળ રહ્યા છે.

કૉમેન્ટરી કરતા ઈરફાન પઠાણે કહ્યું કે તેમની રનઅપ ઘણી સ્મૂથ છે. પણ સમસ્યા એ છે કે તેઓ બૉલ ફેંકે ત્યાં સુધી તેમની નજર આકાશ તરફ રાખે છે. આથી એ સમજી શકતા નથી કે બૅટ્સમૅન શું કરવાનો છે. જો તેઓ નજર બૅટ્સમૅન તરફ રાખે તો ઉત્તમ બૉલર બની શકે છે.

બીબીસી

હાર્દિક પંડ્યાની કપ્તાની

દીપક હૂડા

ઇમેજ સ્રોત, Getty Images

વાનખેડેનો ઇતિહાસ જોતા ભારતનો 162 રનનો સ્કોર મોટો નહોતો લાગતો. આમ પણ આ મેદાનમાં છેલ્લી 10 ટી-20 મૅચમાંથી સાત મૅચમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ વિજયી બની છે. પરંતુ હાર્દિક પંડ્યાએ ચતુરાઈભર્યા નિર્ણયોથી બાજી પલટી નાખી.

હાર્દિકે શરૂઆતમાં જે રીતે બૉલરોનો ઉપયોગ કર્યો, તેનાથી શ્રીલંકાની વિકેટ પડવા લાગી અને ટીમ દબાણમાં જોવા મળી.

શ્રીલંકાના કૅપ્ટને એક સમયે તેમની વિસ્ફોટક બેટિંગથી ભારતના હાથમાં મૅચ લગભગ છીનવી લીધી હતી.

આ સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિકને બૉલિંગ આપી અને તેમણે શનાકાને ચહલના હાથે કૅચઆઉટ કરીને મૅચ પર ફરી પકડ જમાવી દીધી.

ઇનિંગની છેલ્લી ઓવર હાર્દિકે જ્યારે અક્ષર પટેલને આપી તો લાગ્યું કે ખોટો નિર્ણય છે. અક્ષરની ઓવરમાં ત્રીજા બૉલે કરુણારત્નેએ છગ્ગો ફટકાર્યો તો લાગ્યું કે મૅચ હાથમાંથી ગઈ. પરંતુ અક્ષરે પછીના ત્રણ બૉલ યોગ્ય નાખીને ભારતને જીત અપાવી અને કૅપ્ટનના ભરોસા પર ખરા ઊતર્યા.

બીબીસી

પ્લેયર ઑફ ધ મૅચ દીપક

શિવમ માવી

ઇમેજ સ્રોત, Getty Images

દીપક હૂડા ખરી રીતે ટીમ ઇન્ડિયા માટે સંકટમોચક સાબિત થયા. ઈશાન કિશને પહેલી ઓવરમાં 17 રન કરીને જે રીતે આક્રમક શરૂઆત કરી, તેનાથી લાગ્યું કે ભારત મોટો સ્કોર કરશે. પણ શ્રીલંકાના સ્પિન બૉલરો, ખાસ કરીને મહેશ તીક્ષણા અને વાનિંદુ હસરંગા ભારતીય બેટિંગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા.

ભારતીય બૅટ્સમૅનોએ જ્યારે પણ દબાણથી મુક્ત થવા માટે મોટો શૉટ રમવાનો પ્રયાસ કર્યો તો વિકેટ ગુમાવવી પડી. તેના કારણે ભારતે 14.1 ઓવરમાં માત્ર 94 કરીને બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી.

આ સ્થિતિમાં દીપક હૂડાને અક્ષર પટેલના રૂપમાં એક સારા જોડીદાર મળ્યા. આ જોડીએ 23 બૉલમાં 40 કરીને સ્કોરને 162 પર પહોંચાડીને ભારતને મજબૂત રીતે લડવાલાયક સ્થિતિમાં મૂકી દીધું.

દીપકે 23 બૉલમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા. તો અક્ષરે 20 બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર મારીને 31 રન કર્યા. અગાઉ એવું લાગતું કે હતું ભારતનો સ્કોર 150 રન સુધી માંડ પહોંચી શકશે. આ ભાગીદારીને કારણે જ ભારત જીત સુધી પહોંચી શક્યું.

બીબીસી

સંજુએ છાપ ન છોડી

સંજુ સેમસન

ઇમેજ સ્રોત, Getty Images

સંજુ સેમસનને ભારતીય ટીમમાં નિયમિત સ્થાન મળતું નથી, પણ જ્યારે મળે ત્યારે તેમણે મોકો ઉઠાવવો જોઈએ. તેઓ આ મૅચમાં અસરકારક પ્રદર્શન ન કરી શક્યા.

તેઓ જ્યારે મેદાનમાં રમવા આવ્યા ત્યારે ભારતીય ટીમ 38 રન પર બે વિકેટ ગુમાવી ચૂકી હતી. તેમના માટે મોકો હતો કે તેઓ ટીમ માટે સંકટમોચક સાબિત થઈ શકે.

પરંતુ ખોટો શૉટ રમીને તેમણે વિકેટ ગુમાવી અને ટીમની મુશ્કેલીઓને વધારનારા સાબિત થયા.

સંજુ એ જાણે છે કે ટીમમાં તેઓ વિકેટકીપરની જગ્યાએ એક બૅટ્સમૅન તરીકે રમી રહ્યા છે. આ સ્થિતિમાં તેમણે પોતાની ફિલ્ડિંગ બહેતર કરવાની જરૂર છે.

તેમણે હાર્દિકની પહેલી ઓવરમાં નિસાંકાનો આસાન કેચ છોડી દીધો હતો. તેઓ આ કેચને સરળતાથી પકડી શકતા હતા. પણ તેમણે ડાઇવ મારીને કારણ વિના એને મુશ્કેલ બનાવીને છોડી દીધો.

જોકે નિસાંકા આ જીવનદાનનો ફાયદો ન ઉઠાવી શક્યા. જોકે એક સમયે તો તેમના હાથમાંથી બૉલ છૂટ્યો અને ચોગ્ગો જતો રહ્યો.

પણ ભારત માટે એ સારી વાત રહી કે તે સિરીઝમાં સરસાઈ મેળવવામાં સફળ રહ્યું.

બીબીસી
બીબીસી