13 દિવસનું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ થયો

ઇમેજ સ્રોત, Getty/DAVE KENNERLY DA

વાંચવાનો સમય: 9 મિનિટ

16 ડિસેમ્બર – આ દિવસને ભારતમાં વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. 1971માં આ જ દિવસે પાકિસ્તાની સેનાએ ભારતની સામે સમર્પણ કર્યું હતું, એટલે, 13 દિવસ સુધી ચાલેલું યુદ્ધ સમાપ્ત થયું. સાથે જ જન્મ થયો બાંગ્લાદેશનો.

1971ના ઐતિહાસિક યુદ્ધમાં પૂર્વ કમાનના સ્ટાફ ઑફિસર મેજર જનરલ જેએફઆર જૅકબે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તે સમયે ભારતીય સેનાના પ્રમુખ ફીલ્ડ માર્શલ સામ માણેકશાએ મેજર જનરલ જૅકબને જ સમર્પણની તમામ વ્યવસ્થા કરવા માટે ઢાકા મોકલ્યા હતા.

16 ડિસેમ્બરે પાકિસ્તાનના જનરલ નિયાઝીની સાથે લગભગ 90 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેનાની સામે હથિયાર હેઠાં મૂક્યાં હતાં.

મેજર જનરલ જૅકબે જ જનરલ નિયાઝી સાથે વાત કરીને તેમને હથિયાર હેઠાં મૂકવા માટે સમજાવ્યા હતા.

1971ના અભિયાન પર બે પુસ્તક લખી ચૂકેલા જૅકબ ગોવા અને પંજાબના રાજ્યપાલ પણ રહ્યા. બીબીસીના રેહાન ફઝલે થોડાં વર્ષ પહેલાં મેજર જનરલ જૅકબ સાથે મુલાકાત કરીને 1971ના યુદ્ધ વિશે ઘણા સવાલ પૂછ્યા હતા.

સામાન્ય ખ્યાલ એવો છે કે ભારતનું રાજકીય નેતૃત્વ એવું ઇચ્છતું હતું કે ભારતીય સેના એપ્રિલ 1971માં જ બાંગ્લાદેશ માટે કૂચ કરે, પરંતુ સેનાએ આ નિર્ણયનો વિરોધ કર્યો. તેની પાછળ કઈ કહાણી છે?

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1971માં ભારતીય સૈનિકોએ પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવવાનું અભિયાન શરૂ કર્યું હતું

માણેકશાએ એપ્રિલની શરૂઆતમાં મને ફોન કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં ઘૂસવાની તૈયારી કરો, કેમ કે સરકાર ઇચ્છે છે કે આપણે ત્યાં તાત્કાલિક હસ્તક્ષેપ કરીએ.

મેં માણેકશાને જણાવવાની કોશિશ કરી કે આપણી પાસે પર્વતીય ડિવિઝન છે, આપણી પાસે કોઈ પુલ નથી અને ચોમાસું પણ શરૂ થવાનું છે. આપણી પાસે બાંગ્લાદેશમાં ઘૂસવા માટેનું સૈન્ય તંત્ર અને આધારભૂત સુવિધાઓ નથી.

જો આપણે ત્યાં ઘૂસીએ તો એ નક્કી છે કે આપણે ત્યાં ફસાઈ જઈશું. તેથી મેં માણેકશાને કહ્યું કે આને 15 નવેમ્બર સુધી સ્થગિત કરો, ત્યાં સુધીમાં કદાચ જમીન પૂરેપૂરી સુકાઈ જાય.

ઇમેજ કૅપ્શન, મેજર જનરલ જેએફઆર જૅકબની સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ

તમે તમારી આત્મકથામાં લખ્યું છે કે માણેકશાએ પોતાની યોજનામાં રાજધાની ઢાકા પર કબજો કરવાનું સામેલ નહોતું કર્યું. તેમના આ નિર્ણય પાછળ કયાં કારણ હતાં?

મેં તેમને કહ્યું કે જો આપણે યુદ્ધ જીતવું હોય, તો ઢાકા પર કબજો કરવો જ પડશે, કેમ કે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ સૌથી વધુ છે અને એક રીતે તે પૂર્વ પાકિસ્તાનનું ભૂરાજકીય દિલ પણ છે.

મને ખબર નથી કે તેની પાછળ કયાં કારણ હતાં. મને માત્ર એટલી ખબર છે કે અમને માત્ર ખુલના અને ચટગાંવ પર કબજો કરવાના આદેશ મળ્યા હતા. તેમની સાથે મારે લાંબી ચર્ચા થઈ હતી. મેં તેમને કહેલું કે ખુલના એક સામાન્ય બંદર છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધની પહેલાં ભારત માટે પલાયન કરતા પૂર્વ પાકિસ્તાનના શરણાર્થી

તેમનું કહેવું હતું કે જો આપણે ખુલના અને ચટગાંવ લઈ લઈએ તો ઢાકા આપમેળે પડી જશે. મેં પૂછ્યું, કઈ રીતે? આવા તર્ક થતા રહ્યા અને આખરે અમને ખુલના અને ચટગાંવ પર કબજો કરવાના જ લિખિત ઑર્ડર મળ્યા.

એરમાર્શલ પીસી લાલ આની પુષ્ટિ કરે છે. તેઓ કહે છે કે ઢાકા પર કબજો કરવાનું ક્યારેય લક્ષ્ય નહોતું. લક્ષ્ય એ હતું કે દેશનિકાલ કરાયેલી સરકાર માટે શક્ય હોય તેટલી જમીન જીતી લેવાય. તેઓ એમ પણ કહે છે કે આ અભિયાન દરમિયાન સેનાના મુખ્ય કાર્યાલયમાં આંતરિક સંવાદિતા નહોતી.

શું એ સાચું છે કે જો પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારત પર હુમલો ન કર્યો હોત તો તમે 4 ડિસેમ્બરે તેના પર હુમલો કર્યો હોત?

જી, આ સાચું છે. મેં ઉપસેનાધ્યક્ષને મળીને હુમલાની તારીખ 5 ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ માણેકશાએ તેને એક દિવસ વહેલી કરી દીધી હતી, કેમ કે 4 તેમનો ભાગ્યશાળી અંક હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાની સામે ઢાકાને મુક્ત કરાવવાનું લક્ષ્ય રખાયું જ નહીં. તે બાબતે ભારતીય જનરલોમાં મતમતાંતર પણ હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

5 ડિસેમ્બર પસંદ કરવાનું કોઈ ખાસ કારણ?

તેનું માત્ર એક જ કારણ હતું કે ત્યાં સુધીમાં બધું જ વ્યવસ્થિત કરી દેવાયું હતું અને અમારે આક્રમણ શરૂ કરવા માટે વધુ સમયની જરૂર નહોતી.

શું એ સાચું છે કે આ આખા યુદ્ધ દરમિયાન માણેકશાને આશંકા હતી કે ચીન ભારત પર આક્રમણ કરી દેશે. તમે તેમની જાણ બહાર ચીન સરહદ પરથી ત્રણ બ્રિગેડ હટાવીને બાંગ્લાદેશના યુદ્ધમાં જોડી દીધી હતી. જ્યારે તેમને આની ખબર પડી ત્યારે તેમની પ્રતિક્રિયા શી હતી?

અમને ખબર હતી કે પાકિસ્તાનની રણનીતિ શહેરોની સુરક્ષા કરવાની હતી. તેથી અમે તેમને બાઇપાસ કરીને ઢાકા તરફ આગળ વધ્યા હતા. 13 ડિસેમ્બરે અમેરિકન વિમાનવાહક જહાજ અલક્કાની ખાડીમાં ઘૂસવાનું જ હતું અને મને માણેકશાનો આદેશ મળ્યો કે અમે પાછા જઈને એ બધાં શહેરો પર કબજો કરીએ જેને અમે વચ્ચે બાઇપાસ કરી આવ્યા હતા.

તેમણે આ બ્રિગેડોને ચીન સીમાએ પાછા જવાનો આદેશ આપ્યો. મેં અને ઇંદર ગિલે સાથે મળીને એ નિર્ણય કર્યો હતો, કેમ કે ઢાકાના અભિયાનમાં બીજા વધુ સૈનિકોની જરૂર હતી.

હું ભુતાનમાં તહેનાત 6 ડિવિઝનનો ઉપયોગ કરવા માગતો હતો, પરંતુ તેમણે તેની મંજૂરી ન આપી. હું સૈનિકોને નીચે લઈ આવ્યો, પરંતુ તેમને ખબર પડી ગઈ અને તેમણે તેમને પાછા મોકલવાનો આદેશ આપ્યો, પરંતુ અમે તેમને પાછા ન મોકલ્યા.

ઇમેજ સ્રોત, Getty Images

16 ડિસેમ્બરનો દિવસ યાદ કરો, જ્યારે તમારી પાસે માણેકશાનો ફોન આવ્યો કે ઢાકા જઈને આત્મસમર્પણની તૈયારી કરો.

16 ડિસેમ્બરે મારી પાસે માણેકશાનો ફોન આવ્યો કે જૅક ઢાકા જઈને આત્મસમર્પણ કરાવો. જ્યારે હું ઢાકા પહોંચ્યો ત્યારે પાકિસ્તાની સેનાએ મને લઈ જવા માટે એક બ્રિગેડિયરને કાર લઈને મોકલ્યા હતા.

મુક્તિવાહિની અને પાકિસ્તાની સેના વચ્ચે યુદ્ધ ચાલુ હતું અને ગોળીબારના અવાજ સાંભળી શકાતા હતા. અમે જેવા એ કારમાં આગળ વધ્યા, મુક્તિ સૈનિકોએ તેના પર ગોળીઓ છોડી.

હું તેમનો વાંક નહીં જોઉં, કેમ કે તે પાકિસ્તાન સેનાની કાર હતી. હું હાથ ઉપર કરીને કારમાંથી બહાર આવી ગયો. તેઓ પાકિસ્તાની બ્રિગેડિયરને મારવા માગતા હતા. અમે કોઈક રીતે પાકિસ્તાની સેનાના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા.

જ્યારે મેં નિયાઝીને આત્મસમર્પણનો દસ્તાવેજ વાંચી સંભળાવ્યો ત્યારે તેઓ બોલ્યા, કોણે કહ્યું કે અમે આત્મસમર્પણ કરીએ છીએ! તમે અહીં માત્ર યુદ્ધવિરામ કરાવવા આવ્યા છો. આ ચર્ચા ચાલતી રહી. મેં તેમને એક ખૂણામાં બોલાવ્યા અને કહ્યું, અમે તમને ખૂબ સારો પ્રસ્તાવ આપ્યો છે.

આ મુદ્દા પર આપણે વાયરલેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વાત કરતા રહ્યા છીએ. અમે આનાથી વધારે સારી ઑફર ન કરી શકીએ. અમે એ સુનિશ્ચિત કરીશું કે અલ્પસંખ્યકો અને તમારા પરિવારો સાથે સારો વ્યવહાર કરવામાં આવે અને તમારી સાથે પણ એક સૈનિક જેવો જ વર્તાવ કરવામાં આવે.

ઇમેજ કૅપ્શન, ઢાકાની પાસે તંગેલ પર નિયંત્રણ મેળવવાની જવાબદારી મુક્તિવાહિનીના કમાન્ડર ટાઇગર સિદ્દીકીને આપવામાં આવી હતી

આમાં પણ નિયાઝી ન માન્યા. મેં તેમને કહ્યું કે જો તમે આત્મસમર્પણ કરો છો, તો તમારા અને તમારા પરિવારોના રક્ષણની જવાબદારી અમારી હશે, પરંતુ જો તમે એવું નહીં કરો, તો સ્પષ્ટ છે કે અમે કશી જવાબદારી ન લઈ શકીએ. તેમણે કશો જવાબ ન આપ્યો.

મેં તેમને કહ્યું, જવાબ આપવા માટે હું તમને 30 મિનિટ આપું છું. જો તમે આને નહીં માનો તો હું યુદ્ધ ફરીથી શરૂ કરવા અને ઢાકા પર બૉમ્બમારાનો આદેશ આપી દઈશ. આમ કહીને હું બહાર જતો રહ્યો. મનમાં ને મનમાં વિચાર્યું કે આ મેં શું કરી નાખ્યું?

મારી પાસે કંઈ પણ હાથમાં નથી. તેમની પાસે ઢાકામાં 26,400 સૈનિક છે અને અમારી પાસે માત્ર 3,000 સૈનિક છે અને તે પણ ઢાકાથી 30 કિલોમીટર દૂર!

જો તેઓ ના પાડી દેશે તો હું શું કરીશ? હું 30 મિનિટ પછી અંદર ગયો. આત્મસમર્પણ દસ્તાવેજ ટેબલ પર પડ્યો હતો. મેં તેમને પૂછ્યું, શું તમે આનો સ્વીકાર કરો છો? તેઓ ચૂપ રહ્યા. મેં તેમને ત્રણ વાર આ જ સવાલ પૂછ્યો. પછી મેં તે કાગળ ટેબલ પરથી ઉપાડ્યા અને કહ્યું કે હું હવે એમ માનીને ચાલું છું કે તમે આનો સ્વીકાર કરો છો.

પાકિસ્તાનીઓ પાસે ઢાકાના રક્ષણ માટે 30,000 સૈનિક હતા તોપણ તેમણે હથિયાર કેમ હેઠાં મૂક્યાં?

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની પાસે ઢાકાની સુરક્ષા માટે 26,400 સૈનિક હતા, જ્યારે ભારતના માત્ર 3,000 સૈનિક ઢાકાની સરહદની બહાર હતા

હું અહીં હમુદુર્રહમાન કમિશનની એક કાર્યવાહીના એક અંશને ટાંકીશ. તેમણે નિયાઝીને પૂછ્યું, તમારી પાસે ઢાકામાં 26,400 સૈનિક હતા, જ્યારે ભારતની પાસે માત્ર 3,000 સૈનિક હતા અને તમે ઓછામાં ઓછાં બે અઠવાડિયાં સુધી લડી શકતા હતા.

સુરક્ષા પરિષદની બેઠક ચાલી રહી હતી. જો તમે વધુ એક દિવસ લડી શક્યા હોત તો ભારતે કદાચ પાછા જવું પડ્યું હોત. તમે એક શરમજનક અને બિનશરતી સાર્વજનિક આત્મસમર્પણ શા માટે સ્વીકાર્યું અને તમારા એડીસીના નેતૃત્વમાં ભારતીય સૈન્ય અધિકારીઓને ગાર્ડ ઑફ ઓનર કેમ અપાયું?

નિયાઝીનો જવાબ હતો, મને એવું કરવા માટે જનરલ જૅકબે મજબૂર કર્યો. તેમણે મને બ્લૅકમેલ કર્યો અને અમારા પરિવારોને સંગીનથી મારવાની ધમકી આપી. એ આખી બકવાસ હતી. કમિશનને હથિયાર હેઠાં મૂકવા માટે નિયાઝી દોષિત જણાયા. તેના કારણે ભારત એક ક્ષેત્રીય મહાશક્તિ બન્યું અને એક નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થઈ શક્યો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બાંગ્લાદેશની મુલાકાતે આવ્યા ત્યારે શેખ મુજીબુર રહમાન સાથે.

'ઑબ્ઝર્વર'ના ગૅવિન યંગે સરેન્ડર લંચનો ઉલ્લેખ કર્યો છે, જેમાં પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.

હું ગૅવિનને ઘણા સમયથી ઓળખતો હતો. તેઓ મને નિયાઝીની ઑફિસની બહાર મળ્યા અને કહ્યું, જનરલ, હું ખૂબ ભૂખ્યો છું. શું તમે મને ખાવા માટે અંદર બોલાવી શકો છો? મેં તેમને બોલાવી લીધા. ડાઇનિંગ ટેબલ પર ભોજન રખાયું હતું … છરી-કાંટા સાથે, જાણે કે પીસ પાર્ટી થઈ રહી હોય.

હું એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો. તેમણે મને ખાવા માટે કહ્યું, પરંતુ મારાથી ખાઈ ન શકાયું. ગૅવિને આના પર એક લેખ લખ્યો, જેના માટે તેમને પુરસ્કાર પણ મળ્યો.

જ્યારે તમે જનરલ નિયાઝીની સાથે જનરલ અરોડાને રિસીવ કરવા માટે ઢાકા ઍરપૉર્ટ પહોંચ્યા ત્યારે ત્યાં મુક્તિવાહિનીના કમાન્ડર ટાઇગર સિદ્દીકી પણ એક ટ્રકમાં તેમના સૈનિકો સાથે પહોંચ્યા હતા?

મેં મારા બંને સૈનિકોને નિયાઝીની સામે ઊભા કર્યા અને ટાઇગરની પાસે ગયો. મેં તેમને ઍરપૉર્ટથી જતા રહેવાનું કહ્યું. તેમણે કશો જવાબ ન આપ્યો. મેં કહ્યું, જો તમે નહીં જાઓ તો હું તમારા પર ગોળી છોડાવી દઈશ. મેં મારા સૈનિકોને કહ્યું કે તેઓ ટાઇગર પર પોતાની રાઇફલ્સ તાકે. ત્યાર પછી ટાઇગર સિદ્દીકી ત્યાં ન રોકાયા.

અમારી પાસે એક પણ સૈનિક નહોતા. સંયોગથી મેં બે પૅરાટ્રૂપર્સને મારી સાથે રાખ્યા હતા. સિદ્દીકી એક ટ્રક ભરીને પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા. મને ખબર નથી કે તેઓ ત્યાં શા માટે આવ્યા હતા, પરંતુ એવું લાગતું હતું કે તેઓ નિયાઝીને મારવા માગતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વયંસેવકો અને પાકિસ્તાન સમર્થિત તત્ત્વોએ સ્થાનિક લોકો અને મુક્તિવાહિનીના કોપનો ભોગ બનવું પડ્યું

ઇન્દિરા ગાંધીએ સંસદમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાની સેનાએ 4 વાગ્યા ને 31 મિનિટે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં, પરંતુ હકીકતમાં આ આત્મસમર્પણ 4 વાગ્યા ને 55 મિનિટે થયું હતું. તેની પાછળ શું કારણ હતું?

મને ખબર નથી કે તેની પાછળ શું કારણ હતું. કદાચ કોઈ જ્યોતિષીની સલાહથી એવું કરાયું હશે. હું ફક્ત એટલું જાણું છું કે દસ્તાવેજ પર હસ્તાક્ષર 5 વાગવામાં 5 મિનિટ બાકી હતી ત્યારે થયા હતા. દસ્તાવેજમાં પણ કેટલીક ભૂલો હતી, તેથી બે અઠવાડિયાં પછી અરોડા અને નિયાઝીએ કલકત્તામાં ફરીથી તે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા.

એ ક્ષણને યાદ કરો જ્યારે નિયાઝીએ પોતાની પિસ્ટલ કાઢીને જગજિતસિંહ અરોડાને આપી.

મેં નિયાઝીને તલવાર સમર્પિત કરવા માટે કહ્યું. તેમણે કહ્યું, મારી પાસે તલવાર નથી. મેં કહ્યું, તો પછી તમે પિસ્ટલ સમર્પિત કરો. તેમણે પિસ્ટલ કાઢી અને અરોડાને આપી દીધી. તે સમયે તેમની આંખોમાં આંસુ હતાં.

તે સમયે અરોડા અને નિયાઝી વચ્ચે કોઈ વાતચીત થઈ?

તે બંને અને બીજા કોઈની વચ્ચે એક પણ શબ્દની આપ-લે ન થઈ. ટોળું નિયાઝીને મારી નાખવા માગતું હતું. તેઓ તેમની તરફ આગળ પણ વધ્યા. અમારી પાસે ઘણા ઓછા સૈનિકો હતા, તેમ છતાં પણ અમે તેમને સેનાની જીપમાં બેસાડ્યા અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પલાયન કરતા શરણાર્થી

તમારા પુસ્તકમાંથી એવું પ્રતીત થાય છે કે યુદ્ધ દરમિયાન ભારતીય જનરલોને એકબીજા સાથે નહોતું બનતું. માણેકશાને અરોડા સાથે બનતું નહોતું. અરોડા સગતસિંહથી ખુશ નહોતા. રૈનાના નંબર બે પણ તેમની વાત નહોતા સાંભળતા.

સૌથી મોટી સમસ્યા એ હતી કે દિલ્હીમાં હવાઈ સેના અધ્યક્ષ પીસી લાલ અને માણેકશા વચ્ચે વાતચીત સુધ્ધાં નહોતી થતી. યુદ્ધ દરમિયાન ઘણાં બધાં વ્યક્તિત્વો પરસ્પર ટકરાઈ રહ્યાં હતાં. મારા અને માણેકશાના સંબંધ ખૂબ સારા હતા. તેમની સાથે મારા સંબંધ બગડવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 1997માં મારું પુસ્તક પ્રકાશિત થયું.

માણેકશાને એક જનરલ તરીકે તમે કઈ રીતે ગણો છો?

હું આના પર કોઈ ટિપ્પણી કરવા નહીં ઇચ્છું.

વર્ષ 2011માં ભારત-પાકિસ્તાન યુદ્ધની 40મી વર્ષગાંઠ નિમિતે બીબીસી હિંદીએ વિશેષ કહાણીઓની શ્રૃંખલા પ્રકાશિત કરી હતી. જનરલ જૅકબનો ઇન્ટરવ્યૂ આ શ્રેણીના ભાગરૂપ હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન