ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની જગ્યાએ હવે સ્કૉટલૅન્ડ, પાકિસ્તાને શું કહ્યું? - ન્યૂઝ અપટેડ

ઇમેજ સ્રોત, Getty Images
આગામી મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં ભારતમાં બાંગ્લાદેશે રમવાનો ઇનકાર કર્યા બાદ આઇસીસીએ શનિવારે સ્કૉટલૅન્ડની ટુર્નામેન્ટમાં ભાગીદારીની પુષ્ટિ કરી છે.
બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનની ટી20 વર્લ્ડકપમાં ભાગીદારી અંગે સરકાર નિર્ણય લેશે.
આઇસીસીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કૉટલૅન્ડ રમશે.
આ સાથે જ આઇસીસીએ તેના મૅચ શિડ્યૂલમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કૉટલૅન્ડનો સમાવેશ કર્યો છે.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે સુરક્ષા ચિંતાઓને ટાંકીને બાંગ્લાદેશે આઇસીસીને તેની મૅચો ભારતની બહાર ખસેડવાની વિનંતી કરી હતી. તેણે વિનંતી કરી હતી કે આ મૅચો ભારતને બદલે ટુર્નામેન્ટના સહ-યજમાન શ્રીલંકામાં યોજવામાં આવે.
ટી20 વર્લ્ડકપ સાત ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થશે. પાકિસ્તાનની મૅચો શ્રીલંકામાં રમાશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં આઇસીસીએ બાંગ્લાદેશની વિનંતીને નકારી કાઢી હતી.
બીબીસી ઉર્દૂ અનુસાર, આઇસીસીની જાહેરાતના થોડા સમય પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસીન નકવીએ કહ્યું હતું કે પાકિસ્તાન આ મુદ્દા પર બાંગ્લાદેશની સાથે છે અને સરકાર નિર્ણય લેશે કે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ટીમને ભારતમાં મોકલવી કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઇસીસી બોર્ડના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ને ભારતમાં રમવાની પુષ્ટિ માટે અંતિમ 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
આ સમયમર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે અને આઇસીસી અધિકારીઓએ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સ્કૉટલૅન્ડને આમંત્રણ આપવા માટે વૈકલ્પિક યોજના સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.
આઇસીસી, ક્રિકેટ સ્કૉટલૅન્ડ અને બીસીબી ટૂંક સમયમાં આ બાબતે નિવેદન જાહેર કરી શકે છે.
બગદાણા વિવાદ : માયાભાઈના દીકરા જયરાજ આહીરની ધરપકડ, પોલીસે પુરાવા અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Jayraj Aata Ahir/fb
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાવનગરના બગદાણા વિવાદ મામલે માયાભાઈ આહીરના પુત્ર જયરામ આહીરની સીટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
બગદાણા આશ્રમમાં સેવા આપતા નવનીત બાલધિયા પર હુમલો કરાતા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર આક્ષેપ કરાયા હતા.
ભાવનગરથી બીબીસીના સહયોગી અલ્પેશ ડાભી અનુસાર, આ સમગ્ર ઘટના મામલે પ્રથમ આઠ શખ્સો અને ત્યાર બાદ સીટ દ્વારા પાંચ મળીને એમ કુલ 13 શખ્સોને ઝડપી લીધા છે.
જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરાતા રેન્જ આઇજીએ સમગ્ર તપાસ અંગે માહિતી આપી.
ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે કહ્યું કે "બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે, એ સંદર્ભે શરૂઆત આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી અને બાકીના અન્યની પણ ધરપકડ કરાઈ છે. જયરાજ આહીરને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તમામ પુરાવાની ચકાસણી કરી હતી."
"સમન્સ બાદ તમામ પુરાવાને આધારે સીટને લાગ્યું કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે, જેથી જયરાજ આહીર ધરપકડ કરી શકીએ, આથી જયરાજ આહીરની ધરપકડ કરાઈ છે."
જયરાજ આહીરની ભૂમિકા અંગે પૂછતાં તેમણે કહ્યું કે "પ્રાથમિક માહિતી, નિવેદનો, કૉલ ડિટેઇલ, એકબીજાનાં લોકેશન, એકબીજાના સંપર્કોના આધારે તમામ લોકોની હુમલામાં સંડોવણી છે."

ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
જોકે સમગ્ર ઘટનામાં જયરાજ આહીરને થોડા દિવસ પહેલાં નિવેદન માટે સીટ દ્વારા આઇજી કચેરી ખાતે બોલાવાયા હતા.
એ સમયે જયરાજ આહીરે મીડિયાને કહ્યું હતું કે "મને ન્યાયતંત્ર અને કાયદા પર ભરોસો છે, જ્યારે જ્યારે મને સમન મોકલ્યું ત્યારે હું હાજર રહ્યો છું. જે કોઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે."
શું છે મામલો?
ભાવનગર જિલ્લામાં બગદાણા આશ્રમ મામલે ડાયરાના કલાકાર માયાભાઈ આહીરનો એક વીડિયો વાઇરલ થયા બાદ વિવાદ થયો હતો.
માયાભાઈ આહીરે મુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં યોગેશ સાગર નામના આગેવાનની બગદાણા ગુરુ આશ્રમના 'મૅનેજિંગ ટ્રસ્ટી' તરીકે જાહેરાત કરી હતી.
એ બાદમાં માયાભાઈએ પોતાની 'ભૂલ થઈ' હોવાનું કહીને વીડિયાના માધ્યમથી માફી પણ માગી હતી.
આ સમગ્ર ઘટના બાદ નવનીત બાલધિયાને આઠ અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેનો આરોપ નવનીતભાઈએ માયાભાઈના દીકરા જયરાજ પર મૂક્યો હતો.
પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાનમાં આત્મઘાતી હુમલો, પાંચ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક લગ્નસમારોહ દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને સાત ઈજાગ્રસ્ત થયા છે.
બીબીસી ઉર્દૂ પ્રમાણે, આ હુમલામાં અમન કમિમટીના નેતા જગારી મહસૂદ પણ માર્યા ગયા.
રિપોર્ટ્સ અનુસાર, જગારી મહસૂદ પહેલાં પ્રતિંબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના સભ્ય હતા અને ટીટીપીના પૂર્વ નેતા હકીમુલ્લાહ મહસૂદના નિકટના સહયોગી હતા. તેમણે આત્મસમર્પણ કર્યું હતું.
આ લગ્નમાં ભારે સંખ્યામાં લોકો સામેલ થયા હતા. જ્યારે સંબંધીઓ અને મિત્રો પરંપરાગત નૃત્ય કરી રહ્યા હતા ત્યારે આ ધડાકો થયો હતો.
પોલીસ પ્રમાણે, આ એક આત્મઘાતી હુમલો હતો. જિલ્લા પોલીસ અધિકારી સજ્જાદ સાહિબજાદા તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને સાત ઈજાગ્રસ્ત થયા છે, જેમને સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા છે.
તેમણે જણાવ્યું કે આ ધડકો અમન કમિટીના નેતાઓના ઘરે થયો.
બ્રિટનના પીએમે ટ્રમ્પના નિવેદનને ગણાવ્યું શરમજનક, માફીની માગ કરી

ઇમેજ સ્રોત, Akmen/EPA/Bloomberg via Getty
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાનમાં નેટો સૈન્ય અંગે આપેલા નિવેદન માટે માફીની માગ કરી છે.
ટ્રમ્પે ગુરુવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે નાટો સહયોગી દેશ અફઘાનિસ્તામાં યુદ્ધના મોરચાથી "થોડા પાછળ" રહે.
સ્ટાર્મરે ટ્રમ્પના નિવેદનને "અપમાનજનક અને અત્યંત શરમજનક" ગણાવ્યું છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને માફી માગવાની અપીલ કરી છે.
બ્રિટનના વડા પ્રધાને કહ્યું, "હું અફઘાનિસ્તાનમાં જીવ ગુમાવનાર સૈનિકોનાં સાહસ, બહાદુરી અને પોતાના દેશ માટે આપેલા બલિદાનને ક્યારેય નહીં ભૂલું. ઘણા એવા લોકો પણ હતા, જેઓ ઈજાગ્રસ્ત થયા અને તેમની ઈજાઓને કારણે તેમનું જીવન બદલાઈ ગયું."
તેમણે કહ્યું, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીઓને અપમાનજનક અને સાચું કહું તો અત્યંત શરમજનક માનું છું. તેનાથી માર્યા ગયેલા કે ઘાયલ થયેલા સૈનિકોના સ્વજનોને ખૂબ ઠેસ પહોંચી છે અને ખરેખર આખા દેશમાં તેની અસર પડી છે."
સ્ટાર્મરે કહ્યું કે જો તેમણે "આવી રીતે ખોટું નિવેદન કર્યું હોત" તો તેમણે "નિશ્ચિતપણે માફી માગી હોત."
ભારતે બીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને સાત વિકેટે હરાવ્યું, ઈશાન-સૂર્યા ઝળક્યા - ન્યૂઝ અપટેડ

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty
ભારતે બીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને સાત વિકેટે હરાવી દીધું છે. આ સાથે જ પાંચ ટી20 મૅચની આ સિરીઝમાં ભારતે 2-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે.
ન્યૂઝીલૅન્ડની તરફથી અપાયેલા 209 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે માત્ર 15.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી. જોકે, ભારત માટે શરૂઆત સારી નહોતી રહી.
પ્રારંભિક બે ઝટકા બાદ કપ્તાન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની જોડીએ બાજી સંભાળી.
32 બૉલ પર 76 રનની બહેતરીન ઇનિંગ રમનારા ઈશાન કિશન પ્લેયર ઑફ ધ મૅચ બન્યા. આ ઇનિંગમાં ઈશાન કિશને 11 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.
આ સિવાય કપ્તાન સૂર્યકુમાર યાદવે પણ 37 બૉલમાં 82 રનની ધુંઆદાર ઇનિંગ રમી. તેમણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. અંતે શિવમ દુબેએ પણ ઝડપથી 18 બૉલ પર 36 રન કર્યા.
રાયપુરમાં રમાયેલી આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા.
મહેમાન ટીમ તરફથી મિચેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન બનાવ્યા. તેમના સિવાય રચીન રવીન્દ્રે 44 રનની ઇનિંગ રમી.
બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ચૂંટણી પહેલાં વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, FCC South Asia/ANI
બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ દેશમાં ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીમાંથી પોતાની પાર્ટી અવામી લીગને બહાર રાખવાની વાતની ટીકા કરી છે.
શેખ હસીનાએ કહ્યું છે કે આ પગલાથી "લાખો બાંગ્લાદેશીઓના મત આપવાના અધિકારને છીનવી લેવાયો છે, જેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે."
શેખ હસીનાએ ભારતીય ન્યૂઝ વેબસાઇટ 'ધ પ્રિન્ટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસની પણ ટીકા કરી.
તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં થયેલી ચૂંટણીને સ્વતંત્ર, નિષ્પક્ષ કે કાયદેસર ન માની શકાય. મતદારોને પોતાની મનપસંદ પાર્ટીને મત આપવાની સ્વતંત્રતા હોવી જોઈએ."
"તેમને હિંસા કે વિનાશની ધમકી આપીને બીએનપી (બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી) કે જમાત (જમાત-એ-ઇસ્લામી) માટે ઘરેઘરે જઈને ચૂંટણીપ્રચાર કરનારા તરફથી રોકવા કે મજબૂર ન કરવા જોઈએ."
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી થવાની છે.
શેખ હસીનાએ આગળ કહ્યું, "વચગાળાની સરકાર જાણે છે કે જો અમને આ ચૂંટણી લડવાની પરવાનગી અપાઈ હોત, તો અમને ભારે સમર્થન મળ્યું હોત. તેથી અમારા પર પ્રતિબંધ લાદી દીધો છે."
"આપણે એ ન ભૂલવું જોઈએ કે યૂનુસને ખુદને ક્યારેય બાંગ્લાદેશના લોકો તરફથી એકેય વોટ નથી મળ્યો, તેમ છતાં તેઓ પોતાનાં ગેરકાયદેસર કામોને કાયદેસર બનાવવા માટે અમારા દેશમાં કાયદાને ફરી વાર લખી રહ્યા છે."
શેખ હસીનાએ કહ્યું કે દેશની સૌથી પુરાણી અને સૌથી લોકપ્રિય રાજકીય પાર્ટી પર પ્રતિબંધ લાદવો એ સુધારો નથી, "એ તાનાશાહી છે, જેને બદલાવનું નામ અપાયું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












