ઍપ્સ્ટીન ફાઇલ્સમાં પીએમ મોદી સાથે જોડાયેલા દાવા પર વિદેશ મંત્રાલયે શું કહ્યું, કૉંગ્રેસે કયો આરોપ લગાવ્યો? – ન્યૂઝ અપડેટ

ઍપ્સ્ટીન ફાઇલ્સમાં પીએમ મોદી સાથે જોડાયેલા દાવા પર વિદેશ મંત્રાલયે શું કહ્યું, કૉંગ્રેસે કયો આરોપ લગાવ્યો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍપ્સ્ટીન ફાઇલ્સના એક ઇમેઇલ મૅસેજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જેફ્રી ઍપ્સ્ટીનની મુલાકાતના દાવાને ફગાવી દીધો છે.

કૉંગ્રેસે શનિવારે દાવો કર્યો હતો કે અમેરિકાના યૌન અપરાધી તથા માનવ તસ્કર જેફ્રી ઍપ્સ્ટીન સાથે જોડાયેલી ફાઇલ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ છે.

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારા ત્રણ સવાલના જવાબો સામે આવીને આપે."

જોકે, વિદેશ મંત્રાલયે આ આરોપને ફગાવતા કહ્યું છે કે જુલાઈ, 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલના પ્રવાસ ઉપરાંત, 'ઇમેઇલમાં અન્ય વાતો પૈકી એક દોષિત અપરાધીની બેકાર બકવાસ સિવાય કશું જ નથી.'

પાકિસ્તાનનો દાવો- બલૂચિસ્તાનમાં 37 ચરમપંથીઓ સહિત 10 સુરક્ષાકર્મીઓનાં મોત

પાકિસ્તાનનો દાવો- બલૂચિસ્તાનમાં 37 ચરમપંથીઓ સહિત 10 સુરક્ષાકર્મીઓનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નક્વીએ દાવો કર્યો છે કે સુરક્ષાદળોએ શનિવારે બલૂચિસ્તાનના ઘણા વિસ્તારમાં 'આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલા હુમલાઓ'ને નાકામ કરી દીધા છે.

મોહસિન નક્વીનું કહેવું હતું કે આ હુમલા દરમિયાન સુરક્ષાકર્મીઓએ 'સમય પર અને પ્રભાવી કાર્યવાહી' કરી જેમાં 37 ચરમપંથીઓ માર્યા ગયા.

તેમનું કહેવું હતું કે આ હુમલાને નાકામ કરવામાં 10 સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા.

શનિવારે સવારે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત ઘણાં શહેરોમાં વિસ્ફોટો અને ગોળીબારના અવાજોના સમાચાર મળ્યા હતા.

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ એક નિવેદન જાહેર કરીને હુમલાની જવાબદારી લીધી અને તેને 'ઑપરેશન હેરોવ'નો બીજો તબક્કો હોવાનો દાવો કર્યો.

બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના સલાહકાર શાહિત રિંદે કહ્યું કે "છેલ્લા બે દિવસમાં બલૂચિસ્તાનમાં વિભિન્ન સ્થાનો પર 70થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં કેટલાંક સ્થળોએ હુમલાનો પ્રયાસ કર્યો. જેને પોલીસ અને એએફસીએ સમય પર કાર્યવાહી કરીને નાકામ કરી દીધા."

એલેના રિબકિનાએ જીતી ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ

એલેના રિબકિનાએ જીતી ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

કઝાકિસ્તાનનાં 26 વર્ષનાં ટેનિસ ખેલાડી એલેના રિબકિનાએ ઑસ્ટ્રેલિયન ઓપનની ટુર્નામેન્ટ જીતી લીધી છે. તેનું આ બીજું મોટું ટાઇટલ છે. આ પહેલાં તેમણે વર્ષ 2022માં વિમ્બલ્ડન ટુર્નામેન્ટ જીતી હતી.

એલેનાએ પોતાની સામેનાં ખેલાડી બેલારુસનાં અરિના સબાલિંકાને હરાવીને આ ટાઇટલ પોતાને નામે કર્યું છે.

ઑસ્ટ્રેલિયન ઓપન જીતીને એલેનાએ કહ્યું, "મારા માટે કંઈ પણ બોલવું હાલ કઠીન છે. હું અરિનાને અભિનંદન પાઠવવા માગું છું. હું આશા કરું છું કે આપણે ભવિષ્યમાં પણ ઘણી ફાઇનલ મૅચો રમીશું."

"હું મારી ટીમને ધન્યવાદ આપવા માગું છું. તેમના વગર આ સંભવ ન હતું. હું ખુશ છું કે આપણે આ પરિણામ મેળવી શક્યાં."

એલેનાએ અરિના સબાલિંકા સામે 4-6, 6-4, 4-6થી જીત મેળવી હતી.

સુનેત્રા પવાર બન્યાં મહારાષ્ટ્રનાં ઉપમુખ્ય મંત્રી

સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી, છગન ભુજબળે આ મામલે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sunetra Ajit Pawar/Facebook

એનસીપી પ્રમુખ અને મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવારના નિધન બાદ તેમનાં પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને મહારાષ્ટ્રનાં ઉપમુખ્ય મંત્રી બનાવાયાં છે.

સુનેત્રા પવાર મહારાષ્ટ્રમાં ઉપમુખ્ય મંત્રી બનનારાં પહેલા મહિલા છે. તેમણે સાંજે પાંચ વાગ્યે મુંબઈના લોકભવનમાં શપથ લીધાં હતાં. તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પદની શપથ અપાવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 28મી જાન્યુઆરીના રોજ એક વિમાન અકસ્માતમાં અજિત પવારનું નિધન થઈ ગયું હતું અને તેમનાં નિધન બાદ આ પદ ખાલી થયું હતું.

ઍપ્સ્ટીન સંબંધિત લાખો નવી ફાઇલ સાર્વજનિક, ટ્રમ્પ અને બિલ ગૅટ્સનાં પણ નામ

જેફ્રી ઍપ્સ્ટીન, ઍપ્સ્ટીન ફાઇલ્સ, જાતીય શોષણકર્તા, ગ્લેન મૅક્સવેલ,  બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય શોષણકાર જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત લાખો ફાઇલો સાર્વજનિક કરી છે.

જેમાં 30 લાખ પાનાં, એક લાખ 80 હજાર જેટલી તસવીરો તથા બે હજાર વીડિયોને સાર્વજનિક કરવામાં આવ્યાં છે. તેમાં ઍપ્સ્ટીન તથા વિખ્યાત હસ્તીઓ વચ્ચેના ઇમેઇલ પણ છે.

આ ફાઇલોમાં સેંકડો વખત વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે ઍપ્સ્ટીનના જાતીય ગુનાઓ વિશે માહિતીનો સતત ઇનકાર કર્યો છે. ઍપ્સ્ટીનના રેપ સર્વાઇવરોએ પણ ટ્રમ્પ પર કોઈ પણ જાતના આરોપ નથી મૂક્યા.

નવા દસ્તાવેજોમાં જેફ્રી ઍપ્સ્ટીનના જેલના સમયનું વિવરણ છે. સાથે જ તેમનાં સ્ત્રી મિત્ર ગિલેન મૅક્સવેલની તપાસ સંબંધિત રેકૉર્ડ પણ છે. મૅક્સવેલે સગીર છોકરીઓની માનવતસ્કરીમાં મદદ કરી હતી.

નવા દસ્તાવેજોમાં ટ્રમ્પ પર મૂકવામાં આવેલા આરોપો વિશે પૂછવામાં આવતા જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું, "કેટલાક દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ખોટા અને સનસનાટીભર્યા દાવા છે, જે વર્ષ 2020ની ચૂંટણી પહેલાં એફબીઆઇને આપવામાં આવ્યા હતા."

"સ્પષ્ટપણે આ દાવા પાયાવિહોણા અને ખોટા છે અને જો તેમાં જરા પણ સત્ય હોત, તો ચોક્કસપણે પહેલાં જ તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ થઈ ગયો હોત."

જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ સાથે જ તમામ ઍપ્સ્ટીન ફાઇલ્સ સાર્વજનિક કરી દેવામાં આવી છે.

નવી ફાઇલોમાં માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગૅટ્સ વિરુદ્ધ સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. બિલ ગૅટ્સના એક પ્રવક્તાએ આ આરોપોને "પૂર્ણપણે વાહિયાત તથા સંપૂર્ણપણે ખોટા" જણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડિસેમ્બર-2025માં હજારો પાનાંના દસ્તાવેજ સાર્વજનિક કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સહીથી અમલમાં આવેલા કાયદા હેઠળ આ ફાઇલોને સાર્વજનિક કરવામાં આવી છે.

લગભગ છ અઠવાડિયાં પહેલાં તમામ ફાઇલોને સાર્વજનિક કરી દેવાની ડેડલાઇન હતી, પરંતુ પીડિતોના નામ, ચાલુ તપાસને અસર ન થાય, મહત્ત્વપૂર્ણ વ્યક્તિ, જેવાં અનેક કારણસર તમામ ફાઇલો સમસર સાર્વજનિક નહોતી થઈ શકી.

ઈરાન: 'યુદ્ધ' અને 'સમજૂતી' બંને માટે તૈયાર છીએ, ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ, ઈરાન અને અમેરિકા યુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીને ટાંકતા બીબીસીની પર્શિયન સેવા લખે છે કે ઈરાન સમજૂતી કરવા માટે તૈયાર છે, પરંતુ તે આવા કરાર ધમકીઓના જોરે નથી થતા.

તેમણે કહ્યું હતું કે ઈરાન નિષ્પક્ષ તથા ન્યાયસંગત વાટાઘાટ માટે તૈયાર છે તથા આ અંગે તે તુર્કી સાથે સંપર્કમાં છે.

અરાગચીએ કહ્યું હતું કે ઈરાન 'યુદ્ધ' અને 'સમજૂતી' બંને માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ઈરાન 12 દિવસનાં યુદ્ધની સરખામણીમાં વધુ સજ્જ છે.

તેમણે કહ્યું હતું કે અમેરિકાની દખલને કારણે આ વખતની પરિસ્થિતિ ગત યુદ્ધની સરખામણીએ અલગ હશે.

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તે ઈરાન અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા નથી માંગતું અને તે ડીલ કરવા માટે તૈયાર છે. જ્યારે ઈરાનનું કહેવું છે કે તે મિસાઇલ સિસ્ટમ તથા સુરક્ષા-વ્યવસ્થા અંગે 'ક્યારેય' સમાધાન નહીં કરે.

શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે 'હું એટલું કહી શકું કે તેઓ વાટાઘાટ કરવા માગે છે,' તેમણે આથી વિશેષ કોઈ માહિતી આપી ન હતી.

ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું કે ઈરાન કરાર કરી લે, અન્યથા તેના હાથમાંથી સમય નીકળી રહ્યો છે.

બાંગ્લાદેશની ચૂંટણીને પગલે અમેરિકાએ ઍલર્ટ આપ્યું

બાંગ્લાદેશ ચૂંટણી, હિંસા, અમેરિકનોને ચેતવણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kazi Salahuddin Razu/NurPhoto via Getty Images

બાંગ્લાદેશમાં 12મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જેના અનુસંધાને અમેરિકાએ તેના નાગરિકો માટે સુરક્ષા ઍલર્ટ બહાર પાડ્યું છે.

અમેરિકન નાગરિકોને સતર્ક રહેવા તથા ભીડભાડમાં નહીં જવા માટે તાકિદ કરવામાં આવી છે.

બાંગ્લાદેશસ્થિત અમેરિકન દૂતાવાસે શુક્રવારે તેની સત્તાવાર વેબસાઇટ ઉપર આ ઍલર્ટ મૂક્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું છે, "બાંગ્લાદેશમાં 12મી ફેબ્રુઆરીના રોજ સંસદીય ચૂંટણી તથા રાષ્ટ્રીય જનમત સંગ્રહ એકસાથે થશે. આ ગાળામાં રાજકીય હિંસા તથા ઉગ્રવાદી હુમલા થઈ શકે છે. જેમાં રેલીઓ, મતદાન મથકો તથા ધાર્મિકસ્થળોને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે."

"અમેરિકન નાગરિકોએ સાવધ રહેવું જોઈએ અને પ્રદર્શનોને ટાળવા જોઈએ તથા ભીડવાળી જગ્યાઓએ સાવધાની રાખવી."

નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં વચ ગાળાનાં રાષ્ટ્રપતિ સાથે વાત કરી

નરેન્દ્ર મોદી, ભારત, વેનેઝુએલાનાં વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ઼્રિગેઝ સાથે વાત, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે વેનેઝુએલાનાં વચ ગાળાનાં રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આના વિશે માહિતી આપતા કહ્યું, "વેનેઝુએલાનાં વચગાળાનાં રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ સાથે વાત થઈ. અમે તમામ ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત અને વ્યાપક કરવા સહમત થયા હતા."

"અમે આગામી વર્ષોમાં ભારત-વેનેઝુએલાનાં સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનું સંયુક્ત વિઝન ધરાવીએ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન