ઈરાનનું યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં ડુબાડ્યાનો અમેરિકાનો દાવો, 80 મૃતદેહ મળ્યા

ઇમેજ સ્રોત, Mashregh News / File Photo

ઇમેજ કૅપ્શન, આઇઆરઆઇએસ ડેના
વાંચવાનો સમય: 4 મિનિટ

શ્રીલંકાની નૌસેના અને સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું છે કે શ્રીલંકાના સમુદ્રકાંઠાની નજીક એક ઈરાન જહાજ પર સબમરીનથી થયેલા હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત અને ગુમ થઈ ગયા છે.

કહેવાઈ રહ્યું છે કે જહાજ પર લગભગ 180 લોકો સવાર હતા.

બીબીસી સિંહલાને શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના સચિવ ઍર વાઇસ માર્શલ સંપથ થુય્યાકોંથાએ જણાવ્યું કે હિંદ મહાસાગરમાં ડુબાડી દેવાયેલા ઈરાની જહાજ પર સવાર 80 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, જહાજ સંપૂર્ણપણે ડૂબી ચૂક્યું છે.

શ્રીલંકાના વિદેશમંત્રીએ આ પહેલાં સંસદમાં જાહેરાત કરી હતી કે નૌસેનાએ જહાજમાંથી સહાયની વિનંતી સામે પ્રતિક્રિયા આપી હતી અને સ્થાનિક સમયાનુસાર સવાર છ વાગ્યે બચાવ અભિયાન શરૂ કરી દીધું હતું.

શ્રીલંકાના વિદેશમંત્રી વિજિતા હેરાથે સંસદને જણાવ્યું કે "આઇઆરઆઇએસ ડેના" નામના જહાજમાંથી સવારે ઇમર્જન્સી સંકેત મળ્યો.

સૂત્રો મુજબ, હૉસ્પિટલ લઈ જવાયેલા લોકો પૈકી એકનું મૃત્યુ થયું છે.

તેમજ, શ્રીલંકાના વિપક્ષના એક સાંસદે સવાલ ઉઠાવ્યો કે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલના હુમલા અંતર્ગત આ જહાજ પર બૉમ્બમારો કરાયો હતો કે કેમ?

અમેરિકન સંરક્ષણ મંત્રાલયનો દાવો ખોટો નીકળ્યો

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, 1982માં જનરલ બેલગ્રાનો

અમેરિકન સંરક્ષણ મંત્રીએ એવો પણ દાવો કર્યો કે "બીજા વિશ્વ યુદ્ધ બાદ ટૉરપીડોથી દુશ્મન જહાજને ડુબાડવાનો આ પ્રથમ મામલો છે."

જોકે, બીબીસી સંવાદદાતા ટૉમ એજિંગટનનું કહેવું છે કે આ દાવો સાચો નથી.

1982માં ફૉકલૅન્ડ યુદ્ધ દરમિયાન બ્રિટને એક પરમાણુ-સંચાલિત સબમરીનમાંથી ફાયર કરાયેલી બે ટાઇગરફિશ ટૉરપીડો વડે દક્ષિણ ઍટલાન્ટિકમાં આર્જેન્ટિનાના એકમાત્ર ક્રૂઝર જનરલ બેલગ્રાનોને ડુબાડી દીધું હતું.

વધુ એક ઘટના 1971માં થઈ હતી, જ્યારે ભારતીય ફ્રિગેટ આઇએનએસ ખુખરીને પાકિસ્તાનની એક સબમરીને ટૉરપીડો વડે નિશાન સાધીને ડુબાડી દીધું હતું.

જોકે, આ વાતની પુષ્ટિ થાય તો ઈરાની યુદ્ધજહાજનું ડૂબવું એ 1945 બાદ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ અમેરિકન સબમરીને આવી રીતે કોઈ દુશ્મન જહાજને ડુબાડ્યું હોય.

અમેરિકાએ શું દાવો કર્યો?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે હિંદ મહાસાગરમાં ઈરાનનું એક યુદ્ધજહાજ અમેરિકાએ ડુબાડી દીધું છે

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે હિંદ મહાસાગરમાં ઈરાનનું એક યુદ્ધજહાજ અમેરિકાએ ડુબાડી દીધું છે.

તેમણે કહ્યું, "હિંદ મહાસાગરમાં અમેરિકાએ એક ઈરાની યુદ્ધજહાજ ડુબાડી દીધું છે, જેને એવું લાગ્યું કે એ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં સુરક્ષિત છે."

તેમણે કહ્યું, "તેને એક ટૉરપિડોએ ડુબાડી દીધું."

સમુદ્રી જહાજને તબાહ કરવા માટે સબમરીનમાંથી ટૉરપીડો છોડવામાં આવે છે. જોકે હેગસેથે એ ઈરાની જહાજનું નામ ન જણાવ્યું જેને ડુબાડી દેવાયું હતું.

જોકે, આ પહેલાં શ્રીલંકન નૌસેનાએ જણાવ્યું હતું કે આઇઆરઆઇએસ ડેના હિંદ મહાસાગરમાં ડૂબી ગયું છે. જેમાં સવાર લગભગ 140 લોકો ગુમ છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઈરાની નેવલ શિપ ડેની વર્ષ 2003ની તસવીર

બીબીસીનાં દક્ષિણ એશિયા સંવાદદાતા યોગિતા લિમયે અનુસાર, શ્રીલંકન નેવીના પ્રવક્તા બુધિકા સંપથે કહ્યું, "જહાજ અમારી સમુદ્ર સરહદથી દૂર હતું, પરંતુ એ અમારા રાહત-બચાવ ક્ષેત્રની અંદર હતું. તેથી અમે આંતરરાષ્ટ્રીય જવાબદારીના ભાગરૂપે બચાવ કામગીરીની પ્રતિક્રિયા આપી હતી."

તેમણે ઉમેર્યું, "અમને પાણીમાં તરતા લોકો મળી આવ્યા, અમે તેમને બચાવ્યા અને બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે આ લોકો ઈરાની જહાજ પર હતા."

તેમણે એવું પણ કહ્યું કે જહાજના દસ્તાવેજો પ્રમાણે તેના પર 180 લોકો સવાર હોવાનું મનાય છે, જોકે, હજુ સુધી ગુમ થયેલા લોકોની સંખ્યાની જાણ નથી.

અગાઉ શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના ઍર વાઇસ માર્શલ સંપથ થુઈયાકોંથાએ બીબીસી સિંહલાને જણાવ્યું હતું કે આ ઘટનામાં લગભગ 140 લોકો ગુમ થયા હોવાનું મનાઈ રહ્યું છે.

ઈરાને પણ અમેરિકન ઠેકાણાં પર હુમલા વધુ તીવ્ર કર્યા?

ઇમેજ સ્રોત, Fadel SENNA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન યુએઈ સહિત ઘણા અખાતના દેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય બેઝને નિશાન બનાવી રહ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન કતારના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઈરાને કતારને બે બૅલિસ્ટિક મિસાઇલથી નિશાન બનાવ્યું છે.

તેમાંથી એક મિસાઇલને કતારની ઍર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડી, જ્યારે બીજી મિસાઇલ અલ ઉદૈદસ્થિત અમેરિકન વાયુસેના મથક પર પડી. આ એ ક્ષેત્રમાં અમેરિકાનો સૌથી મોટો સૈન્ય અડ્ડો છે.

કતારનું કહેવું છે કે આ હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.

તેમજ ઇઝરાયલ ડિફેન્સ સિસ્ટમ (આઇડીએફ)ના અરબી ભાષાના પ્રવક્તા અવિચાય અદરઈએ કહ્યું કે ઇઝરાયલે તહેરાનમાં ઘણાં ઠેકાણાં પર હુમલો કર્યો છે.

આ હુમલામાં બસીઝ મુખ્યાલયને નિશાન બનાવાયું, જે ઈરાનના રિવૉલ્યૂનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલ એક અર્ધસૈનિક દળ છે.

આ સિવાય મિસાઇલ લૉન્ચ પૅડ અને સંરક્ષણ પ્રણાલીઓને પણ નિશાન બનાવાયાં.

તેમણે કહ્યું કે આઇડીએફ ઈરાની શાસનની માળખાકીય સુવિધાઓ પર પોતાના હુમલા "વધુ તીવ્ર" કરતો રહેશે.

શનિવારે અમેરિકા-ઇઝરાયલના હુમલા શરૂ થયા બાદથી ઈરાને આખા ક્ષેત્રમાં અમેરિકન ઠેકાણાં અને તેના સહયોગીઓ પર હુમલા કર્યા છે.

બીબીસી વેરિફાયે એક વીડિયો ફૂટેજ વેરિફાઇ કર્યું છે. તેમાં મંગળવાર સાંજે ડ્રોન હુમલા બાદ દુબઈસ્થિત અમેરિકન વાણિજ્ય દૂતાવાસ ઇમારતમાં આગ લાગતી દેખાઈ રહી છે.

એક વીડિયો, જે વાણિજ્ય દૂતાવાસથી અમુક મીટર દૂરના એક ચાર રસ્તેથી ફિલ્માવાયો છે, તેમાં એક ડ્રોન ઇમારતથી અથડાતું દેખાઈ રહ્યું છે.

મંગળવારે રાત્રે પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયોએ પુષ્ટિ કરી કે એક ડ્રોન વાણિજ્ય દૂતાવાસની મુખ્ય વહીવટી ઇમારત પાસે સ્થિત "પાર્કિગ સ્પેસ"માં પડ્યું.

રુબિયોએ કહ્યું, "અમે ઘણા નસીબદાર રહ્યા છીએ, પરંતુ અમારાં દૂતાવાસ અને રાજદ્વારી પ્રતિષ્ઠાન એક આતંકવાદી શાસનના સીધા હુમલાના નિશાન પર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન