સ્વામી અવિમુક્તેશ્વરાનંદને હાઇકોર્ટમાંથી રાહત, હાલ ધરપકડ નહીં થાય – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

વાંચવાનો સમય: 5 મિનિટ

અલાહાબાદ હાઇકોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ ઉપર સ્ટે મૂક્યો છે અને આ કેસ ઉપરનો ચુકાદો મોકૂફ રાખ્યો છે. તેમની આગોતરા જામીન અરજી ઉપર માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં સુનાવણી થશે.

ઉત્તર પ્રદેશ પોલીસે નીચલી અદાલતના આદેશ બાદ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વી, તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્યાચારી ઉપરાંત બે-ત્રણ અજાણ્યા શખ્સો સામે બાળકનું જાતીયશોષણ કરવા સંબંધની એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરી હતી.

એ પછી મંગળવારે અવિમુક્તેશ્વરાનંદે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

અલાહાબાદ હાઇકોર્ટમાં સુનાવણી બાદ અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "વકીલોએ અમને જણાવ્યું કે તેમણે અમારા તરફથી સબળ રજૂઆત કરી હતી અને જેટલા પુરાવા હતા, એ બધા રજૂ કર્યા. બીજી બાજુ, ફરિયાદીના વકીલ સહિત વિરોધપક્ષનું કહેવું હતું કે કોઈ પણ સંજોગમાં જામીન ન આપવા જોઈએ અને ધરપકડ થવી જોઈએ."

તેમણે ઉમેર્યું, "આશ્રમ તથા ગુરૂકૂળમાં વિદ્યાર્થીઓના શોષણની વાત ખૂબ જ ફેલાવવામાં આવી હતી, પરંતુ હવે ઍડ્વોકેટ જનરલે (મહાઅધિવક્તા) સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈ વિદ્યાર્થી આશ્રમમાં નથી રહેતા. અમે શરૂઆતથી આ વાત કહી રહ્યા હતા."

ભારતનો જીડીપી વિકાસદર 7.2 ટકા રહેવાનું અનુમાન, પાયાના વર્ષમાં કેમ ફેરફાર કરાયો?

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2025-'26 માટે દેશનો જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન) 7.6 ટકા રહેવાનું અનુમાન છે.

ભારત સરકારના આંકડાકીય મંત્રાલયને ટાંકતા આ અંગેનો અહેવાલ ન્યૂઝ એજન્સી એએનએઆઈએ બહાર પાડ્યો છે.

સરકારનું કહેવું છે કે છૂટક મોંઘવારી સાથેનો વિકાસદર 8.6 ટકા રહેવાનું અનુમાન છે.

બીજા ક્વાર્ટર દરમિયાન (8.4 ટકા) અને ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન (8.4 ટકા) રહેવાનું અનુમાન છે.

ભારત સરકાર દ્વારા આધારવર્ષને 2022-'23 નક્કી કરવામાં આવ્યું છે. જે કોરોનાકાળ પછીનું પ્રથમ સામાન્ય વર્ષ હતું.

અગાઉ પાયાના વર્ષના આંકડા અને તેમાં સામેલ કરવામાં આવેલી ચીજવસ્તુઓનું સમય સાથે મહત્ત્વ નહોતું રહ્યું, એટલે કેટલીક નવી વસ્તુઓ અને સેવાઓ સામેલ કરવામાં આવ્યાં છે.

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @PiyushGoyal/x

ઇમેજ કૅપ્શન, શુક્રવારે ગોયલે અમેરિકાના વાણિજ્ય મંત્રી લુટનિક તથા ભારત ખાતે અમેરિકાના રાજદૂત સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી

કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું કહેવું છે કે ટેરિફ મુદ્દે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે.

પીયૂષ ગોયલને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે કે સ્થિતિ 'બદલાઈ રહી છે' અને તેની ઉપર નજર છે. સાથે જ સ્પષ્ટ કર્યુ હતું કે ભારત પોતાનાં હિતો સાથે સમાધાન નહીં કરે.

ગોયલે કહ્યું હતું કે વેપારકરાર માટે જે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું, તે દેશના હિત, અન્ય દેશોની સરખામણીમાં સારી અને સ્પર્ધાત્મક તકો મળે એ માટે 'શક્ય એટલા' પ્રયાસ કરવામાં આવ્યા હતા.

ગોયલના કહેવા પ્રમાણે, ભારત અને અમેરિકા દ્વારા જે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં જો સંજોગો બદલાય, તો ડીલને રિબૅલેન્સ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ટેરિફનો દર 18 ટકાથી ઘટીને 15 ટકા થવાથી ભારતના નિકાસકારોને લાભ થશે, એમ પણ પીયૂષ ગોયલે ઉમેર્યું હતું.

ક્રિકેટર રિંકુસિંહના પિતાનું લાંબી બીમારી બાદ નિધન

ઇમેજ સ્રોત, Insta/rinkukumar12

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, ક્રિકેટર રિંકુસિંહના પિતા ખાનચંદસિંહનું આજે શુક્રવારે વહેલી સવારે ગ્રેટર નોઇડાની એક હૉસ્પિટલમાં લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે.

પીટીઆઈએ જણાવ્યું છે કે પરિવારનાં સૂત્રો અને હૉસ્પિટલના અધિકારીઓએ ખાનચંદસિંહના મૃત્યુ વિશે માહિતી આપી છે.

ગ્રેટર નોઇડાની યથાર્થ હૉસ્પિટલના પ્રવક્તા ડૉ. સુનિલ કુમારે જણાવ્યું હતું કે રિંકુસિંહના પિતા 'ઍડવાન્સ્ડ સ્ટેજ લિવર કૅન્સર'થી પીડિત હતા.

તેમણે કહ્યું, "તાજેતરના દિવસોમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી, જેના પગલે તેમને 21 ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને શુક્રવારે વહેલી સવારે તેમનું અવસાન થયું."

પાકિસ્તાને અફઘાનિસ્તાનના તાલિબાનની 27 સૈન્ય ચોકીઓ તબાહ કરવાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનની એક તસવીર

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ અફઘાન તાલિબાનની 27 લશ્કરી ચોકીઓનો નાશ કર્યો છે અને નવ ચોકીઓ પર કબજો કરી લીધો છે.

તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ અફઘાન તાલિબાનનાં 80થી વધુ ટૅન્ક, તોપખાનાં અને સશસ્ત્ર વાહનોનો પણ નાશ કર્યો હતો.

મુશર્રફ ઝૈદીએ શુક્રવારે સવારે પોણા ચાર વાગ્યા સુધીની અપડેટ આપી હતી.

તેમણે ઍક્સ પર લખ્યું, "આ આક્રમણનો પાકિસ્તાનનો તાત્કાલિક અને અસરકારક જવાબ ચાલુ છે."

મુશર્રફ ઝૈદીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં અફઘાન તાલિબાનના 133 સભ્યો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને 200થી વધુ ઘાયલ થયા છે.

બીજી તરફ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે ગુરુવારે રાત્રે 19 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ અને બે ઠેકાણાં કબજે કર્યાં હતાં. તેના જણાવ્યા અનુસાર, કુલ 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

આ આંકડાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી મુશ્કેલ છે. બંને પક્ષો તાજેતરના સંઘર્ષ દરમિયાન એકબીજાને ભારે જાનહાનિ પહોંચાડવાનો દાવો કરે છે.

ઝિમ્બાબ્વેને હરાવવાની રણનીતિ પર તિલક વર્માએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે ટી-20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું.

આની સાથે જ ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાં પોતાનું સ્થાન બચાવી શકી છે.

મૅચ બાદ ભારતીય બૅટ્સમૅન તિલક વર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં આક્રામક બૅટિંગની રણનીતિ વિશે વાત કરતા કહ્યું કે, "છેલ્લી મૅચ બાદ એક ટીમ સ્વરૂપે ગૌતમ ગંભીરે પણ આ જ વાત કહી હતી કે કોઈ પણ સ્થિતિ હોય બસ અમારે એ યાદ રાખવાનું હતું કે ગયા એક વર્ષમાં ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે સિરીઝમાં અમે કેવી રીતે રમ્યા છીએ."

તિલકે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતની ટીમ ટુર્નામેન્ટમાં આગળની મૅચોમાં પણ આક્રામક બૅટિંગ પર ધ્યાન આપશે.

તેમણે કહ્યું કે, "અમે ગત એક વર્ષથી જેવું ક્રિકેટ રમ્યા છીએ, એ જ ઇન્ટેન્ટ સાથે અમે આગલી મૅચમાં જઈશું અને ટુર્નામેન્ટની બાકી મૅચોમાં પણ એવું જ રમીશું."

તિલક વર્માએ કહ્યું કે, "જો વિકેટ સારી નહીં હોય તો અમે એડજસ્ટ કરીશું. હું નહીં કરું કે અમે 250 થી વધુ સ્કોર કરવા માગીએ છે પણ જો ટીમ સારી શરૂઆતની મંજૂરી આપે તો અમે જરૂર આવું કરીશું."

તિલક વર્માએ ઝિમ્બાબ્વે સામે 16 બૉલ પર 44 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન