ચંદ્રગ્રહણ 2026 : આજે ભારતમાં કઈ જગ્યાએ, કેટલા વાગ્યે ગ્રહણ જોવા મળશે?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

આજે વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે જે ભારતમાં પણ જોઈ શકાશે. તાજેતરમાં ફેબ્રુઆરીમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આવ્યું હતું જે ભારતમાં જોઈ શકાયું ન હતું. હવે વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે.

ભારતમાં આજના ચંદ્રગ્રહણને આખું નહીં જોઈ શકાય, પરંતુ તેનો માત્ર એક અંશ જોઈ શકાશે.

ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. આ નજારો નરી આંખે પણ જોઈ શકાય છે.

ચંદ્રગ્રહણ શું છે, કઈ રીતે થાય છે અને ભારતમાં તે ક્યાં જોવા મળશે તેના વિશે જાણીએ

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ભારતમાં કઈ જગ્યાએ ચંદ્રગ્રહણ દેખાશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રગ્રહણ એક વિશેષ ખગોળીય ઘટના છે જેના વિશે જાણવામાં લોકોને ઘણો રસ હોય છે.

ભારતમાં આજના ચંદ્રગ્રહણનો છેલ્લો તબક્કો જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3.20 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને 6.47 લાગ્યે પૂર્ણ થશે.

આજે સમગ્ર ભારતમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ સહિતનાં શહેરોમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. જોકે, દરેક શહેરમાં ગ્રહણ દેખાવાની શરૂઆત અને અંતનો સમય અમુક મિનિટ અલગ હોઈ શકે છે.

ભારતમાં ગ્રહણનો અંતિમ ભાગ દેખાશે એટલે કે સાંજે 6.33 વાગ્યાથી 6.40 વાગ્યા દરમિયાન મહત્તમ ગ્રહણ જોવા મળશે. સાંજે 4.34 વાગ્યે સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે.

આજે આકાશમાં 'બ્લડ મૂન'નું દૃશ્ય સર્જાશે, એટલે કે ગ્રહણ સમયે ચંદ્ર એકદમ લાલ રંગનો જોવા મળશે. મહત્ત્વની વાત એ છે હોળીના તહેવારે જ ચંદ્રગ્રહણ થવાનું છે.

ભારતમાં લગભગ 15 મિનિટ સુધી ચંદ્રગ્રહણ જોવા મળશે. સાંજના સમયે ચંદ્ર ઉદય થાય ત્યાર પછી ગ્રહણ દેખાવાનું હોવાથી ભારતમાં વિઝિબિલિટી ઓછી હોવાની શક્યતા છે.

પરંતુ ભારતના પૂર્વ ભાગોમાં, એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં વધુ સારી રીતે ગ્રહણ જોવા મળે તેવી શક્યતા છે.

ચંદ્રગ્રહણ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રહણના અલગ અલગ તબક્કા હોય છે જે દરમિયાન ચંદ્ર અલગ રંગમાં જોવા મળે છે

આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. એ તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.

તેમાં ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.

ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.

ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.

ચંદ્રગ્રહણના પ્રકાર

ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારનાં હોય છે - પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ.

ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે જેને અંગ્રેજીમાં પેનુમબ્રા કહેવાય છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ નથી હોતું એટલે પૃથ્વી પર ચંદ્રનો સંપૂર્ણ પડછાયો નથી પડતો, માત્ર ઉપછાયા પડે છે. એટલે કે માત્ર એક આછી છાયા પડે છે.

પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પરિવર્તન થતું નથી. ત્યારે ચંદ્ર બિલકુલ સામાન્ય દિવસોમાં હોય તેવો જ દેખાય છે પરંતુ તેના રંગમાં થોડો બદલાવ જોવા મળે છે. ચંદ્રનો રંગ થોડો ધૂળિયો થઈ ગયેલો દેખાય છે.

ગ્રહણ અંગેની લોકમાન્યતાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર 2025માં ચંદ્રગ્રહણ બાદ પટણામાં નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે. અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.

કેટલાક લોકો માને છે કે ગ્રહણ દરમિયાન ઊંઘવું ના જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક ઊર્જા ચોતરફ ફેલાયેલી હોય છે અને એટલે આ વખતે સમાગમ પણ ન ટાળવો જોઈએ.

પરંતુ આમાં કંઈ સત્ય નથી. લોકોની રોજિંદી પ્રવૃતિઓ સાથે ગ્રહણને કંઈ લેવાદેવા નથી. આ વખતે લોકો ઇચ્છે એ કરી શકે છે. તમે ઊંઘી શકો, તમે તમારા રોજિંદા કામ કરી શકો, તમે કંઈ પણ કરી શકો.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું એ દુર્ભાગ્યને નોતરું આપવા જેવું છે.

વાસ્તવમાં આવું કંઈ હોતું નથી. ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે તો એનો જે પડછાયો પડે એ જ તો ગ્રહણ છે.

ભારતમાં ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ચોખા ના રાંધવા જોઈએ કે જમવું પણ ન જોઈએ અને ગ્રહણના એકાદ-બે કલાક પહેલાં જ જમી લેવું જોઈએ.

નિષ્ણાતો કહે છે કે આમાં કંઈ જ સત્ય નથી. તમે રાંધી શકો છો. ખાઈ અને પી શકો છો. ગ્રહણ વખતે ન કરી શકાય એવું કંઈ જ નથી.

આ ઉપરાંત એવું કહેવાય છે કે ગ્રહણ સમયે બહાર ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ. આ પણ એક ખોટી માન્યતા છે. ગર્ભવતીઓના બહાર નીકળવાથી ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન