'ઑપરેશન સિંદૂર'ને લઈને પીએમ મોદી વારાણસીમાં શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

'ઑપરેશન સિંદૂર'ને લઈને પીએમ મોદી વારાણસીમાં શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, X/NAREDNRA MOD

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીનું કહેવું છે કે 'આપણે લોકોએ ભારતમાં બનેલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ.'
વાંચવાનો સમય: 7 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી અને અહીંના તેમના ભાષણ દરમિયાન કૉંગ્રેસ પર નિશાન સાધ્યું.

પીએમ મોદીએ કહ્યું, "ભારત પર જે હુમલો કરશે તે પાતાળમાં પણ બચી નહીં શકે. પણ ભાઈઓ-બહેનો, દુર્ભાગ્યથી ઑપરેશન સિંદૂરની સફળતા પર આપણા દેશના કેટલાક લોકોને પણ પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે. આ કૉંગ્રેસ પાર્ટી અને તેમના મિત્રો એ વાત પચાવી શકતા નથી કે ભારતે પાકિસ્તાનનાં આતંકી ઠેકાણાંઓને નષ્ટ કરી દીધાં છે."

તેમના ભાષણ દરમિયાન પીએમ મોદીએ દાવો કર્યો કે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું, "આજકાલ દુનિયાની અર્થવ્યવસ્થા અનેક આશંકાઓમાંથી પસાર થઈ રહી છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવા સમયમાં દુનિયાના દેશો પોતાનાં હિતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ભારત પણ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, તેથી ભારતે પણ પોતાનાં આર્થિક હિતોને લઈને સતર્ક રહેવું જરૂરી છે."

પીએમ મોદીના જણાવ્યા અનુસાર, "આપણે લોકોએ ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીમાં ₹2,000 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું.

માલેગાંવ બ્લાસ્ટ મામલો : કોર્ટના ચુકાદા પર બોલ્યાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, 'ભગવા અને રાષ્ટ્રની જીત થઈ'

માલેગાંવ બ્લાસ્ટ મામલો : કોર્ટના ચુકાદા પર બોલ્યાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, 'ભગવા અને રાષ્ટ્રની જીત થઈ' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ મામલે ચર્ચિત અભિયુક્તો પૈકીનાં એક હતાં.

માલેગાંવ બ્લાસ્ટ મામલે કોર્ટના ચુકાદા પર આ મામલાનાં અભિયુક્ત રહી ચૂકેલાં અને ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પ્રતિક્રિયા આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, "ધર્મ અને સત્યની જીત થાય છે. ભગવા, સનાતન અને રાષ્ટ્રનો વિજય થયો છે. ઘણાં કષ્ટ સહન કરવાં પડ્યાં. પરંતુ દેશ માટે કંઈ પણ કરી શકું છું. કરીશ. જીવીત રહેતાં હું દેશને આંચ પણ નહીં આવવા દઉં."

ગુરુવારે માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે વિશેષ એનઆઈએ કોર્ટે તમામ સાતેય અભિયુક્તોને નિર્દોષ છોડી મૂક્યા હતા.

લગભગ 17 વર્ષ પહેલાં માલેગાંવમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ ઘાયલ થયા હતા.

ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા લેફ્ટનેન્ટ કર્નલ પુરોહિત આ મામલે સૌથી ચર્ચિત અભિયુક્ત રહ્યાં હતાં. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલનાં સાંસદ પણ રહી ચૂક્યાં હતાં.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ફરી સવાલો ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ફરી સવાલો ઉઠાવ્યા – ન્યૂઝ અપડેટ
રાહુલ ગાંધીનો દાવો છે કે તેમની પાસે ચૂંટણીમાં ગરબડ વિશે સંબંધિત પુરાવાઓ છે. બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/RAHUL GANDH

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીનો દાવો છે કે તેમની પાસે ચૂંટણીમાં ગરબડ વિશે સંબંધિત પુરાવાઓ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

શનિવારે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું, "હું તાજેતરમાં ચૂંટણી પ્રણાલી વિશે વાત કરી રહ્યો છું. મને 2014થી જ શંકા હતી કે તેમાં કંઈક ગરબડ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ મને આવી જ શંકા થઈ હતી."

રાહુલના જણાવ્યા અનુસાર, "જ્યારે પણ અમે આ વિષય પર વાત કરી, લોકો કહેતા— પુરાવા ક્યાં છે? પછી મહારાષ્ટ્રમાં કંઈક આવું જ થયું. ત્યાં લોકસભામાં અમે ચૂંટણી જીતી અને માત્ર 4 મહિનામાં વિધાનસભામાં ખરાબ રીતે હારી ગયા. ત્રણ મજબૂત પાર્ટીઓ અચાનક ખતમ થઈ ગઈ."

"આ પછી અમે ચૂંટણીમાં ગરબડીને ગંભીરતાથી શોધવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રમાં અમને પુરાવા મળ્યા. લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે એક કરોડ નવા મતદારો જોડાયા અને મોટાભાગના મતો ભાજપને મળ્યા."

શુક્રવારે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આવા જ આરોપોને 'ભ્રામક, તથ્યવિહિન અને ધમકીભર્યા' ગણાવ્યા હતા.

ચૂંટણી પંચે ઍક્સ પર લખ્યું હતું, "આ ખૂબ જ અજીબ છે કે તેઓ બેબુનિયાદ આરોપો લગાવી રહ્યા છે અને હવે ચૂંટણી પંચ અને તેમના કર્મચારીઓને ધમકાવવાનું શરૂ કર્યું છે. આ નિંદનીય છે. ચૂંટણી પંચ આ પ્રકારનાં તમામ ગેરજવાબદાર નિવેદનોને અવગણે છે અને તેના તમામ કર્મચારીઓને નિષ્પક્ષ અને પારદર્શક રીતે કામ કરવાનો અનુરોધ કરે છે."

રાહુલ ગાંધીનો દાવો છે કે તેમના પાસે ચૂંટણીમાં ગરબડ સંબંધિત પુરાવા છે.

તેમણે કહ્યું, "જ્યારે અમે આ આંકડા જાહેર કરીશું, ત્યારે ચૂંટણી પ્રણાલી પર જે ઝાટકો પડશે, તે તમે જોઈ શકશો. આ સંપૂર્ણપણે પરમાણુ બૉમ્બ જેવી અસર કરશે, કારણ કે સત્ય એ છે કે ભારતની ચૂંટણી પ્રણાલી પહેલેથી જ ખતમ થઈ ગઈ છે."

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ઑપરેશન, એક ચરમપંથીનું મોત

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ઑપરેશન, એક ચરમપંથીનું મોત – ન્યૂઝ અપડેટ, ઑપરેશન અખાલ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, ગુજરાતી સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાએ કુલગામમાં 'ઑપરેશન અખાલ' શરૂ કર્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાના 'ઑપરેશન અખાલ' અંતર્ગત એક ચરમપંથીને મારવાની વાત કહેવામાં આવી છે.

ભારતીય સેનાએ ઍક્સ પર એક નિવેદનમાં કહ્યું છે, "કુલગામમાં ઑપરેશન અખાલ દરમિયાન થોડી-થોડી વારે અને ઝડપભેર ગોળીબાર થતો રહ્યો. સતર્ક સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરતા ઘેરો મજબૂત બનાવ્યો અને લગાતાર સંપર્ક બનાવી રાખ્યો."

"અત્યારસુધી જવાનોએ એક આતંકવાદીને મારી નાખ્યો છે. ઑપરેશન યથાવત્ છે.ઠ

સેનાની ચિનાર કોર પ્રમાણે શુક્રવારની સાંજે કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં 'ઑપરેશન અખાલ'ની શરૂઆત થઈ હતી.

ભારતના રશિયન ઑઇલ આયાત રોકવાના દાવા પર ટ્રમ્પે શું કહ્યું?

ભારતના રશિયન ઑઇલ આયાત રોકવાના દાવા પર ટ્રમ્પે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ભારતે કદાચ હવે રશિયાથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે, જો આ સત્ય હોય તો તે એક 'સારું પગલું' છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ભારતે કદાચ હવે રશિયાથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે, જો આ સત્ય હોય તો તે એક 'સારું પગલું' છે.

આ નિવેદન તેમણે ત્યારે આપ્યું જ્યારે કેટલાક દિવસો પહેલાં અમેરિકાએ રશિયા પાસેથી ઑઇલ અને સૈન્ય ઉપકરણો ખરીદવા પર ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો.

ટ્રમ્પે પત્રકારોને કહ્યું, "મારી સમજ છે કે ભારતે હવે રશિયા પાસે ઑઇલ નહીં ખરીદે. એવું મેં સાંભળ્યું છે. ખબર નહીં આ સત્ય છે કે નહીં. પણ જો સત્ય હોય તો આ એક સારું પગલું છે. હવે જોઈએ કે આગળ શું થાય છે."

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં એ રિપોર્ટ્સ મામલે પૂછવામાં આવ્યું હતું કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય તેલ કંપનીઓએ ગત સપ્તાહથી રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે.

જયસ્વાલે જવાબ આપ્યો, "અમે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની ઉપલબ્તા અને તે સમયે વૈશ્વિક સ્થિતિના આધારે નિર્ણય લઈએ છીએ. જ્યાં સુધી તમારા આ પ્રશ્નની વાત છે, તો મને તેની કોઈ જાણકારી નથી."

આ પહેલાં ટ્રમ્પ અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી પ્રતિબંધો છતાં ભારત તરફથી રશિયાના ઑઇલ આયાત યથાવત્ રહેવાને લઈને ટીકા કરી હતી.

ભારત-પાકિસ્તાન સહિત છ સંઘર્ષ ટ્રમ્પે ખતમ કરાવ્યા, શાંતિનું નોબલ આપવાનો સમય આવી ગયો : વ્હાઇટ હાઉસ

વ્હાઇટ હાઉસ, ડોનાલ્ડ ટ્રમ્પ, નોબલ પારિતોષિક શાંતિ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલિન લેવિટનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનો નોબલ પારિતોષિક આપવાનો સમય થઈ ગયો છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલિન લેવિટનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનો નોબલ પારિતોષિક આપવાનો સમય થઈ ગયો છે. લેવિટના કહેવા પ્રમાણે, ટ્રમ્પે છ સંઘર્ષ અટકાવ્યા છે. જેમાં ભારત-પાકિસ્તાન અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ પણ સામેલ છે.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન કૅરોલિને કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધીમાં થાઇલૅન્ડ-કંબોડિયા, ઇઝરાયલ અને ઈરાન, રવાન્ડા-રિપબ્લિક કૉંગો, ભારત-પાકિસ્તાન, સર્બિયા-કોસોવો તથા ઇજિપ્ત-ઇથિયોપિયા વચ્ચેના સંઘર્ષને ખતમ કર્યા છે."

લેવિટનું કહેવું છે, "આનો મતલબ એ થયો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના છ મહિનાના કાર્યકાળ દરમિયાન દર મહિને સરેરાશ એક શાંતિકરાર કે સંઘર્ષવિરામ કરાવ્યા છે."

તેમણે ઉમેર્યું, "હવે સમય થઈ ગયો છે કે રાષ્ટ્રપતિને શાંતિ માટેનો નોબલ પારિતોષિક આપવામાં આવે."

આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ ટ્રમ્પને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવાની હિમાયત કરી ચૂક્યા છે.

રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદનો બાદ ટ્રમ્પે ન્યુક્લિયર સબમરીન તહેનાત કરવાના આદેશ આપ્યા

ડોનાલ્ડ ટ્રમ્પ, ન્યુક્લિયર સબમરીન, અમેરિકા રશિયા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે અમેરિકાની બે ન્યુક્લિયર સબમરીનોને 'યોગ્ય સ્થાને' તહેનાત કરવાના આદેશ આપ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવનાં 'ઉશ્કેરણીજનક નિવેદનો' બાદ તેમણે આ પગલું લીધું છે.

ટ્રમ્પે સોશિયલ નેટવર્કિગ પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ તથા હાલમાં રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવનાં એકદમ ઉશ્કેરણીજનક નિવેદનોના આધારે, મેં બે ન્યુક્લિયર સબમરીનોને યોગ્ય સ્થાને તહેનાત કરવાના આદેશ આપ્યા છે."

ટ્રમ્પે લખ્યું, "આવું સાવચેતીનાં પગલાંરૂપે કરવામાં આવ્યું છે, કારણ કે આ પ્રકારનાં બેજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો માત્ર શબ્દો પૂરતા મર્યાદિત ન હોય. શબ્દ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે અને ધણીવાર અનિચ્છનીય પરિણામો સુધી પહોંચાડી છે. આશા છે કે આ વખતે એવું નહીં થાય."

આ ન્યુક્લિયર સબમરીનોને ક્યાં તહેનાત કરવામાં આવી છે, તેના વિશે ટ્રમ્પે કોઈ ફોડ પાડ્યો ન હતો. અમેરિકાની સેનાના પ્રોટોકૉલ પ્રમાણે આ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.

તાજેતરમાં ટ્રમ્પે રશિયા અને યુક્રેનને સંઘર્ષવિરામ માટે કહ્યું હતું અને જો આમ ન થાય તો કડક પ્રતિબંધો લાદવાની વાત કહી હતી. એ પછી મેદવેદેવે અમેરિકાને ધમકી આપી હતી.

રશિયાએ આ અંગે હજુ સુધી કોઈ સાર્વજનિક ટિપ્પણી નથી કરી, પરંતુ તાજેતરમાં ટ્રમ્પનાં નિવેદનો પછી રશિયાના શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

વર્ષ 2008થી 2012ની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિપદે રહેલા મેદવેદેવે અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પની ઉપર 'રશિયાની સાથે અલ્ટીમેટમ-અલ્ટીમેટમ રમી રહ્યા' હોવાની વાત કહી હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર મેદવેદેવે લખ્યું, "દરેક અલ્ટીમેટમ એક ધમકી છે તથા યુદ્ધ તરફનું વધુ એક પગલું છે."

મેદવેદેવે જુલાઈ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પના અલ્ટીમેટમને "નાટકીય" ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'રશિયા તેની ફિકર નથી કરતું.'

ટ્રમ્પે શુક્રવારે મેદવેદેવનાં નિવેદનો અંગે ફરી પ્રતિક્રિયા આપી. તેમણે મેદવેદેવને 'રશિયાના નિષ્ફળ પૂર્વ રાષ્ટ્રપતિ, જે હજુ પણ પોતાને રાષ્ટ્રપતિ સમજે છે' એમ જણાવ્યા હતા.

ટ્રમ્પે મેદવેદેવને પોતાના શબ્દો ઉપર ધ્યાન આપવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું, "તેઓ (મેદવેદેવ) ખૂબ જ ખતરનાક રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે મેદવેદેવ વર્ષ 2022માં યુક્રેન ઉપરના મોટાપાયના હુમલા સમયથી આ કાર્યવાહીનું સમર્થન કરે છે અને પશ્ચિમી દેશોના ટીકાકાર રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન