મૃત્યુદંડના સાક્ષી : ગુનેગારોના જીવનના અભ્યાસમાં દાયકાઓ વિતાવનારા જાપાનીઝ ફોટોગ્રાફરની કહાણી

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, મૃત્યુદંડ પામેલા કેદીઓ સાથેની વાતચીતે તોશી કાઝમાનો મૃત્યુદંડ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો
    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ચેતવણીઃ લેખની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.

1990ના દાયકામાં ટૉક્યોમાં જન્મેલા ફોટોગ્રાફર તોશી કાઝમા ન્યૂયૉર્કમાં વ્યાવસાયિક ફોટોગ્રાફર તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે મૃત્યુદંડની સજા મેળવનારા એક સગીર કેદી અંગેના સમાચાર તરફ તેમનું ધ્યાન દોરાયું.

લેખ વાંચીને તેમણે તે સગીર કેદીને મળવાનું નક્કી કર્યું. તે ઘડીએ લેવાયેલા આ નિર્ણયે તેમની કારકિર્દીની દિશા બદલી નાખી.

તે પછી તેમણે ડેથ રો પરના 22 કેદીઓના ફોટોગ્રાફ્સ લીધા - જેમાં એક તાઇવાનમાં અને બાકી કેદીઓ અમેરિકામાં હતા. તે પૈકીના કેટલાક કેદીઓની મૃત્યુદંડની સજાનો અમલ થઈ ચૂક્યો છે, જ્યારે અન્ય કેદીઓ હજુયે જેલવાસ ભોગવી રહ્યા છે. તોશી કાઝમા પીડિતોના સંબંધીઓને પણ મળી ચૂક્યા છે.

તેમના મતે, તેમના કાર્યએ તેમને મૃત્યુદંડ વિરુદ્ધના ચળવળકર્તામાં તબદીલ કરી દીધા છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'સામાન્ય છોકરો'

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, કાઝમા મૃત્યુદંડ પામેલા ગુનેગાર માઇકલ શૉન બાર્નેસના 'સામાન્ય દેખાવ'થી આશ્ચર્યચકિત હતા

તોશી કાઝમાનું ધ્યાન ખેંચનાર પ્રથમ કેદી હતા સગીર ગુનેગાર માઇકલ શોન બાર્ન્ઝ. 1996માં અમેરિકાના અલાબામા સ્ટેટમાં તે ડેથ રો પર હતા. હત્યા અને બળાત્કારના ગુના બદલ 17 વર્ષની વયે તેની ધરપકડ થઈ હતી તથા તેને ઇલેક્ટ્રિક ચૅર દ્વારા મોતની સજા ફટકારાઈ હતી.

અખબારમાં તેના વિશે વાંચ્યા બાદ કાઝમાએ તે ક્યાં કેદ છે, તેનો પત્તો લગાવ્યો અને અનેક પ્રયાસો પછી આખરે જેલમાં તેને મળવાની પરવાનગી મેળવી લીધી.

કાઝમા કહે છે કે, અંતે જ્યારે તે તેમને મળ્યા, ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું.

"મેં વિચાર્યું હતું કે, હું કોઈ રાક્ષસને જોઈશ, પણ મારી સામે ઊભેલા તેઓ તો માર્ગ પર મળી જતા કોઈ સામાન્ય છોકરા જેવા જ હતા," એમ તેમણે કહ્યું હતું.

"તેની તસવીરો ખેંચતાં પહેલાં તેની સાથે હાથ મીલાવતાં હું મારી જાતને રોકી ન શક્યો."

બાર્ન્ઝ ઘણો નીચો આઇક્યૂ ધરાવે છે અને શીખવા મામલે ગંભીર અસામર્થ્ય (લર્નિંગ ડિસેબિલિટી) ધરાવે છે.

કાઝમાના જણાવ્યા પ્રમાણે, જ્યારે બાર્ન્ઝને સજા ફટકારાઈ, ત્યારે જ્યૂરીએ તેના માટે પેરોલ વિનાની કેદની ભલામણ કરી હતી, પણ બાર્ન્ઝે તેનાં પીડિતો પ્રત્યે આચરેલી ક્રૂરતાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તેને બદલે મૃત્યુદંડની સજા નક્કી કરી.

12મી જૂન, 1998ના રોજ ટ્રાયલ કોર્ટે રાહત આપતી પરિસ્થિતિને પગલે બાર્ન્ઝને નવેસરથી પેરોલ વિના આજીવન કેદની સજા ફટકારી.

કોઈ પસ્તાવો નહીં?

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, સોન સેલર્સને ઓક્લાહામા ખાતે મૃત્યુદંડ અપાયો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાઝમાએ શોન સેલર્સ નામના મૃત્યુદંડના કેદીની પણ તસવીરો લીધી હતી.

શોન સેલર્સને ટ્રિપલ મર્ડર બદલ સજા થઈ હતી. 1999માં સેલર્સને ઓક્લાહોમામાં મૃત્યુદંડ અપાઈ રહ્યો હતો, તે સમયે તેણે કાઝમાને "તેના મિત્ર તરીકે" સાક્ષી બનવા આમંત્રિત કર્યા હતા.

કાઝમાએ સજાના અમલમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો હતો, પણ સેલર્સને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, સજાનો અમલ થઈ રહ્યો હશે, તે સમયે તેમના મનમાં સેલર્સના જ વિચારો ચાલતા હશે.

તે વર્ષની ચોથી ફેબ્રુઆરી (જે દિવસે સેલર્સને મૃત્યુદંડ આપવાનો હતો)એ એકનો ટકોરો વાગ્યો, ત્યારે કાઝમા ન્યૂયૉર્કમાં આવેલા તેમના ફ્લૅટમાં જાગતા હતા અને ઓક્લાહોમાની જેલમાં શું ચાલી રહ્યું હશે, તે વિચારી રહ્યા હતા.

તેઓ સજાના અમલના વિવિધ તબક્કા વર્ણવે છેઃ પ્રથમ એક કેમિકલનું ઇન્જેક્શન આપવામાં આવે છે, પાંચ મિનિટ પછી બીજા કેમિકલનું ઇન્જેક્શન અપાય છે. પ્રથમ ઇન્જેક્શન ગુનેગારને શાંત પાડવા માટે અપાય છે. બીજું ઇન્જેક્શન તેને નિદ્રાધીન કરવા માટે અપાય છે.

"અને એક વાગીને દસ મિનિટે અપાતા ત્રીજા કિલર શૉટથી શરીરના તમામ સ્નાયુઓમાં સંકુચન થવા માંડે છે."

ગણતરીની મિનિટોમાં જ સેલર્સને મૃત જાહેર કરાયો, પણ કાઝમાને ઊંડો આઘાત લાગ્યો હતો અને ત્રણ મહિના સુધી તેઓ લગભગ "જીવતી લાશ" બની ગયા હતા.

"હું સાચે જ જડવત્ થઈ ગયો હતો. હું કંઈ કરી શકતો ન હતો અને હતાશામાં સરી પડ્યો હતો."

સજાના અમલની બરાબર પહેલાં ઍક્ઝિક્યૂશન ટ્રૉલી સાથે બાંધતાં પહેલાં સેલર્સને છેલ્લું નિવેદન આપવા માટે માઇક્રોફોન આપવામાં આવ્યું હતું.

"તે કોઈ પસ્તાવાના ભાવ દર્શાવી રહ્યો નહોતો, તેથી પીડિતનો પરિવાર વ્યથિત થયો હતો."

કાઝમાએ મૃત્યુદંડની સજા ભોગવી રહેલા ઘણા કેદીઓ સાથે વાતચીત કરી હતી. તેઓ કહે છે કે, આ પૈકીના ઘણા-ખરા કેદીઓ તેમના અપરાધ વિશે વાત કરતા નથી.

તેઓ જણાવે છે કે, તેમણે ટૅક્સાસમાં 63 વર્ષના વ્યક્તિની હત્યા કરવા બદલ 2002માં ઘાતક ઇન્જેક્શનની સજાથી મૃત્યુ પામનાર નેપોલિયન બિઝલીને મળીને તેના ફોટોગ્રાફ્સ લીધા હતા.

"સજાના અમલ પહેલાં તે શું ખાવા માગતો હતો, વગેરે પ્રકારની વાતો તેણે મારી સાથે કરી હતી. વાસ્તવમાં તેઓ હત્યાનો સામનો નથી કરી શકતા."

કાઝમાના મતે, લોકો ઘણી વખત આ પાસું નથી સમજી શકતા અને આશ્ચર્ય વ્યક્ત કરતા હોય છે કે, અપરાધીમાં સજાના અમલના દિવસો પહેલાં શા માટે પસ્તાવાનો ભાવ જોવા નથી મળતો?

સ્વયં પણ અપરાધના પીડિત

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, કાઝમા કહે છે કે પોતે ગુનાના પીડિત હોવાની વાતે મૃત્યુદંડ અંગે તેમના વલણને બદલવા નહોતો પ્રેર્યો

2003માં કાઝમા ન્યૂયૉર્કમાં તેમની પુત્રી સાથે પગપાળા ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખ્સે અચાનક જ તેમના પર હુમલો કરીને માથા પર મુક્કો માર્યો હતો.

"હું સ્વયં અપરાધનો એક પીડિત છું. મારા ઉપર હુમલો થયો હતો. હું પાંચ દિવસ કોમામાં રહ્યો હતો અને પછી સાજો થયો હતો," એમ કાઝમાએ બીબીસીને જણાવ્યું હતું.

કાઝમાએ શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી અને ત્યારથી તેમને સંતુલનને લગતી સમસ્યા થઈ ગઈ છે તથા માથા પર ઘાનું કાયમી નિશાન રહી ગયું છે.

"આ નિશાન કદી નહીં જાય. જોકે, હું આ હુમલા પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલી શકું છું," એમ તેઓ કહે છે.

તેમને આશા હતી કે, હુમલાખોર માફી માગશે, પણ તેનો પત્તો લાગ્યો નહીં.

તેઓ કહે છે કે, આ આઘાતમાંથી બહાર નીકળવા માટે તેમણે બડ વેલ્ચ જેવા લોકો પાસેથી પ્રેરણા મેળવી. 1995માં ઓક્લાહોમા શહેરની ફેડરલ બિલ્ડીંગમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં જે 167 લોકો મૃત્યુ પામ્યાં, તેમાં બડ વેલ્ચની 23 વર્ષની પુત્રી જુલી મૅરીનો પણ સમાવેશ થતો હતો.

પ્રારંભમાં વેલ્ચ તેમની પુત્રીના મૃત્યુથી હચમચી ઊઠ્યા હતા અને તેઓ અપરાધીના મૃત્યુદંડની તરફેણમાં હતા, પણ પછીથી તેમણે મૃત્યુદંડની સજા નાબૂદ કરવાનું કૅમ્પેન ચલાવ્યું હતું.

કાઝમાનું દૃઢપણે માનવું છે કે, મૃત્યુદંડની સજાથી પીડિતના પરિવારને આઘાતમાંથી કળ વળવામાં કોઈ મદદ મળતી નથી. કાઝમા ઇચ્છે છે કે, આવા પરિવારોને નાણાંકીય સહિતની અન્ય પ્રકારની સહાય મળવી જોઈએ.

"પીડિતના પરિવારે સૌથી વધુ સહન કરવું પડે છે. પણ, લોકોને ઘણી વખત ગેરસમજ થાય છે અને તેઓ વિચારે છે કે, હું સ્વયં પીડિત છું અને આથી હું બદલો લેવા માગું છું.

"આપણે આવી માનસિકતા ધરાવીએ છીએ."

કાઝમા કહે છે કે, આ અભિગમ મૃત્યુદંડની સજા માટેની સહાયને દૃઢ કરે છે.

'બસ એક કદમ'

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, અહીં કાઝમા લુઝિયાનાની જેલમાં ઇરવિન હૅરિસ સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે, તેમને બે વખત મૃત્યુદંડ અપાયો હતો, પરંતુ અંતે 23 વર્ષ બાદ છોડી દેવાયા હતા

કાઝમાના કાર્યનો શ્રેષ્ઠ સ્વીકાર 2005માં થયો, જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે રોપર વિરુદ્ધ સિમોન્સના સીમાચિહ્નરૂપ કેસમાં કાઝમાએ ખેંચેલી તસવીરોનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો અને ચુકાદો આપ્યો કે, અપરાધ આચરવા સમયે 18 વર્ષ કરતાં ઓછી વય ધરાવનારા ગુનેગારોને મૃત્યુદંડ ફટકારવો ગેરબંધારણીય હતું.

"મને આનંદ છે કે, ફોટોગ્રાફ્સની સકારાત્મક અસર ઉપજી," એમ તેઓ જણાવે છે.

"મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આ તો હજુ એક જ કદમ છે. ચુકાદાના સમયે મને થોડી રાહતની લાગણી થઈ હતી. "

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, ઇલેક્ટ્રિક ચૅર કેવી રીતે કામ કરે છે એ જાણીને કાઝમા આશ્ચર્યચકિત થઈ ગયા હતા

જેલના ગાર્ડ્ઝ સાથેની વાતચીત પરથી તેમને ખ્યાલ આવ્યો કે, દોષિત કેદીઓ સાથે કામ કરવાથી તેઓ સંવેદનાત્મક ભારણ પણ અનુભવતા હોય છે.

અલાબામાની જેલ ખાતેની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે ગાર્ડ્ઝને મૃત્યુદંડ આપવાની તૈયારી કરતાં જોયા હતા.

"હું સજાનો અમલ જ્યાં થાય છે, તે ચૅમ્બરમાં પ્રવેશ્યો, ત્યારે ત્યાં માનવ માંસ બળવાની ગંધ આવી રહી હતી," એમ તેમણે બીબીસીને જણાવ્યું હતું.

તે ચૅમ્બરની બાજુમાં એક જગ્યા આવેલી છે, જ્યાં સજાના અમલની રાહ જોઈ રહેલા કેદીઓને રખાય છે. કાઝમા કહે છે કે, ત્યાં રાહ જોઈ રહેલા એક કેદીના ચહેરા પરના ભાવ તેઓ કદીયે ભૂલશે નહીં.

"ગાર્ડ્ઝે કહ્યું હતું કે, તે ગુનેગાર હાલતી-ચાલતી લાશ જેવો હતો."

સાથે જ ગાર્ડ્ઝે કાઝમાને મૃત્યુદંડના અમલ બાદ મૃતકના સળગાવાયેલા અવશેષો એકઠા કરવાના અણગમતા કામ વિશે પણ જણાવ્યું હતું.

તે મુલાકાત પછી તેમણે અન્ય જેલોમાં ઘણા દોષિત કેદીઓના ફોટોગ્રાફ્સ લીધા હતા. અન્ય જેલોના અધિકારીઓ પણ તેમને સજાના અમલ પછીની ઉપર જણાવેલી વાતનું પુનરાવર્તન કરતા હતા.

"તોશી, પ્લીઝ આ વાત સમગ્ર વિશ્વને કરો, જેથી અમારે વધુ લોકોને મારવા ન પડે."

અમેરિકાની જેલોમાં ઇલેક્ટ્રિક ચૅર્સમાં બે કે ત્રણ ઍક્ટિવેટિંગ બટન આવેલાં હોય છે, જેથી કોઈ એક અમલકર્તાને દોષિતના મોત બદલ પોતે જવાબદાર હોવાની લાગણી ન થાય.

જાપાનમાં મૃત્યુદંડની સજા માટે ફાંસી અપાય છે. ત્યાંની જેલોમાં ટ્રૅપ ડોર ઉપર અપરાધીને લટકાવવામાં આવે છે. ટ્રૅપ ડોર ખોલવા માટે ત્રણ સ્વિચ આવેલી હોય છે, પણ તે ત્રણ પૈકી એક જ સ્વિચ કામ કરતી હોય છે, આથી કઈ સ્વિચ ખૂલશે, તે ગાર્ડ્ઝને ખબર હોતી નથી, એમ કાઝમાએ જણાવ્યું હતું.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ જણાવે છે કે, 2024માં 1,518 મૃત્યુદંડ અપાયા હતા. એકલા ઈરાન અને સાઉદી અરેબિયામાં જ 1,380 મૃત્યુદંડ અપાયા હતા, જ્યારે અમેરિકામાં 25 મૃત્યુદંડ અપાયા હતા.

ઍમ્નેસ્ટીના જણાવ્યા પ્રમાણે, આ આંકડામાં ચીનમાં મૃત્યુદંડ મેળવનારા હજ્જારો લોકો સામેલ કરાયા નથી, કારણ કે, તે દેશ દર વર્ષે કેટલા લોકોને મૃત્યુદંડ આપે છે, તેના આંકડા પ્રગટ કરતો નથી.

આગામી લડત

ઇમેજ સ્રોત, Toshi Kazama

ઇમેજ કૅપ્શન, ટેનેસી ખાતેના સત્તાધીશોએ ક્રિસ્ટા પાઇકને મૃત્યુદંડ આપવા માટેની તારીખ 30 સપ્ટેમ્બર 2026 ઠરાવી છે

કાઝમાએ 1995માં 19 વર્ષની યુવતી કોલીન સ્લેમરની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારી મહિલા ક્રિસ્ટા પાઇકની પણ વિગતો મેળવી હતી.

અપરાધ આચરવા સમયે ક્રિસ્ટા માત્ર 18 વર્ષનાં હતાં. ટેનેસીના અધિકારીઓએ ક્રિસ્ટાને મૃત્યુદંડ આપવા માટે 30મી સપ્ટેમ્બર, 2026ની તારીખ નક્કી કરી છે.

જો આ સજાનો અમલ થશે, તો તે રાજ્યમાં 200 કરતાં વધું વર્ષોમાં કોઈ મહિલાને મૃત્યુદંડ અપાયાનો આ પ્રથમ કિસ્સો હશે.

ક્રિસ્ટા સાથેની મુલાકાત વિશે જણાવતાં કાઝમા કહે છે, "તે સાચે જ મળતાવડી છોકરી હતી. હું માની નહોતો શક્યો કે, તેણે આવો ગુનો આચર્યો હશે. પણ ક્રિસ્ટા કહે છે કે, તેણે આ હત્યા કરી હતી."

તેમણે ઉમેર્યું હતું કે, ક્રિસ્ટા પાઇકને હત્યા કરવા બદલ કોઈ અફસોસ નથી.

કાઝમાએ વર્ષોથી પાઇક સાથે વાત નથી કરી, પણ તેની સજાના અમલની તારીખના સમાચાર આવતાં તેમને હવે તેના વિચારો આવી રહ્યા છે.

તેઓ કહે છે કે, તેઓ કોઈક રીતે ક્રિસ્ટાના મૃત્યુદંડના અમલને અટકાવવા માગે છેઃ "ક્રિસ્ટાને મૃત્યુદંડથી બચાવવા માટે મારે વર્તમાન ડિફેન્સ લૉયર સાથે શક્ય કાર્યવાહી વિશે વાત કરવી પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન