રાજકોટ ડિમોલિશન : 'ગુંડાઓ હોય તો માત્ર તેમનાં ઘર તોડો, બધાને શું કામ હેરાન કરો છો'
સોમવારે રાજકોટમાં દિવસની શરૂઆત સામાન્ય કરતાં વહેલી થઈ ગઈ. સૂર્યોદય પહેલાં જ શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ઘોંઘાટ કરતાં 63 જેસીબી, સાત હિટાચી મશીન્સ, ટ્રૅક્ટરથી ચાલતા 50 બ્રેકર, 42 ગૅસ કટર, 14 ડમ્પર ટ્રક અને 50 ટ્રૅક્ટર-ટ્રેલરો જંગલેશ્વરમાં આવી ગયાં.
પોલીસદળોના રક્ષણમાં આ મશીનોએ આ વિસ્તારમાં આજી અને ખોખડદડી નદીઓના કાંઠેથી તેમ જ જંગલેશ્વરના વિવિધ રસ્તાઓ પરથી કથિત દબાણો દૂર કરવાં માટે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશન ડ્રાઇવ્ઝમાં ગણના પામે તેવા અભિયાનની શરૂઆત કરી દીધી.
રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના રસ્તા પરનાં કથિત દબાણો તેમજ આજી અને ખોખડદડી નદીના પટ અને કાંઠા પર કથિત અનધિકૃત રીતે ચણવામાં આવેલાં મકાનોને પાડી નાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે શરૂ કરેલું અભિયાન મંગળવારે પણ યથાવત્ રહ્યું હતું.
દિવસ દરમિયાન મહાનગરપાલિકાએ આ વિસ્તારનાં વધુ 385 મકાનોને જમીનદોસ્ત કર્યાં હતાં, બે દિવસ દરમિયાન તોડી પડાયેલાં આ પ્રકારનાં મકાનોની સંખ્યા હવે વધીને 1,504 થઈ ગઈ છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે બુધવારે કથિત દબાણો પૈકીના બાકી રહેલાં પાંચ ઢાંચા પણ તોડી પાડવામાં આવશે અને આ વિસ્તારમાં તોડી પડાયેલાં બધાં જ મકાનોનો કાટમાળ હઠાવી દેવામાં આવશે.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે કાટમાળ હઠી ગયા પછી ખુલ્લી કરાયેલી જમીન ઉપર નવા રસ્તાનાં કામનું ખાતમુહૂર્ત ક્યારે કરવું તે બાબતે મહાનગરપાલિકા બુધવાર સાંજે અંતિમ નિર્ણય કરશે, સાથે જ ઉમેર્યું કે આ કામગીરી 'યુદ્ધના ધોરણે' હાથ ધરાશે.
રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન અંગે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે રાજકોટના જંગલેશ્વરને 'ગુનેગારોનો અડ્ડો' ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું, "રાજકોટનું જંગલેશ્વર અનેક ગુનેગારોનો અડ્ડો બની ગયું. અનેક લોકો ભાડે રહેતા હતા. ગુનેગારો અને ટપોરીગીરી કરતા લોકોએ અનેક પ્લૉટ પર કબજો કરીને મકાન ભાડે આપ્યા હતા."
હર્ષ સંઘવીના આ નિવેદન પર પણ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
વીડિયો : ગોપાલ કટેશિયા અને બિપિન ટંકારિયા
ઍડિટ : અવધ જાની
ઇમેજ સ્રોત, Harsh Sanghavi/fb/bbc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન