ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી કેવી રીતે થશે અને ખામેનેઈના મૃત્યુ પછી કોના હાથમાં સત્તા રહેશે?

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ખામેનેઈનાં મૃત્યુ બાદ કોણ તેમનું સ્થાન લેશે તેના ઉપર વિશ્વભરની મીટ
વાંચવાનો સમય: 7 મિનિટ

ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું.

1979માં આયાતોલ્લાહ ખોમેનેઈના નેતૃત્વમાં થયેલી ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનના બંધારણમાં સર્વોચ્ચ નેતાનું પદ ઊભું કરવામાં આવ્યું હતું.

તા. ત્રીજી ડિસેમ્બર, 1979ના દેશના પહેલા સર્વોચ્ચ નેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આયાતોલ્લાહ ખોમેનેઈએ સાડા નવ વર્ષ સુધી આ પદ સંભાળ્યું અને વર્ષ 1989માં તેમનાં અવસાન પછી આયાતોલ્લાહ અલી ખામેનેઈ દેશના બીજા સર્વોચ્ચ નેતા બન્યા હતા. તા. 28 ફેબ્રુઆરી, 2026ના મૃત્યુ પર્યંત તેમણે આ પદ સંભાળ્યું.

બીજી બાજુ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીનું કહેવું છે કે 'આયાતોલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુને પગલે આગામી એકબે દિવસમાં નવા સર્વોચ્ચ નેતાની ચૂંટણી થઈ શકે છે.'

નવા સર્વોચ્ચ નેતાની ચૂંટણી સુધી કોણ નિયંત્રણ સંભાળશે?

ઇમેજ સ્રોત, Iranian Leader Press Office/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી-2026માં એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન આયાતોલ્લાહ અલી ખામેનેઈ

ઈરાનના બંધારણના અનુચ્છેદ 111 મુજબ, સર્વોચ્ચ નેતાના મૃત્યુથી માંડીને સર્વોચ્ચ નેતા પરિષદ દ્વારા નવા સર્વોચ્ચ નેતાની નિમણૂક કરવામાં આવે, ત્યાર સુધી ત્રણ સભ્યોની પરિષદ હંગામી ધોરણે નેતૃત્વની જવાબદારી સંભાળે છે.

આ પરિષદના સભ્યોમાં દેશના રાષ્ટ્રપતિ, ન્યાયપાલિકાના વડા તથા સંરક્ષક પરિષદના એક ન્યાયશાસ્ત્રી સામેલ હોય છે. ઈરાને અલી રઝા અરાફીને આ સર્વોચ્ચ પરિષદમાં ન્યાયવિદ તરીકે ચૂંટ્યા છે.

આ ત્રણ સભ્યોની પરિષદ પાસે અમર્યાદિત અધિકાર નથી. નીચેની પાંચ બાબતોમાં તેમના ચુકાદા, માત્ર ત્રણ-ચતુર્થાંશ સભ્યોની મંજૂરીથી થઈ શકે છે. આ પાંચ બાબતોમાં :

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

1. વ્યવસ્થાતંત્રની સામાન્ય નીતિઓ નક્કી કરવી

2. જનમત સંગ્રહ માટેનો અધ્યાદેશ બહાર પાડવો

3. યુદ્ધ કે શાંતિની જાહેરાત કરવી

4. રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ

5. સંયુક્ત સ્ટાફના વડા, રિવૉલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર-ઇન-ચીફ અથવા ટોચના સૈન્ય કે કાયદાકીય વડાની નિમણૂક કે હકાલપટ્ટી.

જો સર્વોચ્ચ નેતા બીમારી અથવા દુર્ઘટનાને કારણે હંગામી ધોરણે પોતાની ફરજો બજાવી ન શકે, તો આ પરિષદ એ જ ક્ષમતા સાથે પોતાની ફરજ બજાવે છે.

નેતાઓની પરિષદ અને સર્વોચ્ચ નેતાની ચૂંટણી

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ સાથે ઈરાનના સર્વોચ્ચ નેતાની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાન શિયા મુસ્લિમોની બહુમતીવાળો વિશ્વનો સૌથી મોટો દેશ છે. દેશના બંધારણ મુજબ શિયાઓના ધાર્મિક નેતા 'આયાતોલ્લાહ' જ દેશના સર્વોચ્ચ નેતા બની શકે.

જોકે, અલી ખામેનેઈને જ્યારે ચૂંટવામાં આવ્યા, ત્યારે તેઓ 'આયાતોલ્લાહ' ન હતા. તેઓ આ પદ મેળવી શકે તેની મંજૂરી આપવા માટે કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં સર્વોચ્ચ નેતા પરિષદ નામનો 88 ધર્મગુરુઓનો સમૂહ સર્વોચ્ચ નેતા ચૂંટે છે.

દર આઠ વર્ષે લાખો ઈરાની નાગરિક આ એકમના સભ્યોને ચૂંટે છે. છેલ્લે વર્ષ 2016માં આ સભ્યોની ચૂંટણી થઈ હતી.

સર્વોચ્ચ નેતા પરિષદના કોઈપણ ઉમેદવારે સૌ પહેલાં 'સંરક્ષક પરિષદ' નામની સમિતિની મંજૂરી લેવાની હોય છે. જેના સભ્યોની પસંદગી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રવર્તમાન સર્વોચ્ચ નેતા જ કરે છે.

આ વ્યવસ્થા પરથી સ્પષ્ટ છે કે સર્વોચ્ચ નેતાનો પ્રભાવ સંરક્ષક પરિષદ તથા સર્વોચ્ચ નેતાની પરિષદ ઉપર પણ છે. ગત ત્રણ દાયકા દરમિયાન આયાતોલ્લાહ અલી ખામેનેઈએ આ સમિતિઓમાં રૂઢિવાદીઓની બહુમતી રહે તે સુનિશ્ચિત કર્યું છે.

હાલ આ સમિતિના વડા મોહમ્મદ અલી મોહિદી કરમાની છે.

જ્યારે હાશિમ હુસૈની બુશેહરી તથા અલી રઝા ઉર્ફી ઉપાધ્યક્ષ છે.

નિયમ મુજબ ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્ય (59 લોકો) હાજર હોય, તો જ સર્વોચ્ચ પરિષદની બેઠકને કાયદેસર માનવામાં આવે છે.

સંભવિત ઉમેદવારોની સમીક્ષા કરવા માટે સમિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના ધાર્મિક નેતાઓની બેઠકની ફાઇલ તસવીર

જે વ્યક્તિઓની સર્વોચ્ચ નેતા પદ માટેની લાયકાત ધરાવતી હોય, તેમની સમીક્ષા સર્વોચ્ચ નેતા પરિષદની એક સમિતિ દ્વારા કરવામાં આવે છે.

આ સમિતિના મુખ્ય સભ્યોમાં ન્યાયશાસ્ત્ર સંરક્ષક પરિષદના સભ્ય અહમદ હુસૈની ખોરાસાની, સંરક્ષક પરિષદના સભ્ય અલી રઝા ઉર્ફી તથા મોહમ્મદ રઝા મદ્રાસી યઝદી, સર્વોચ્ચ પરિષદના પ્રથમ ઉપાધ્યક્ષ હાશેમ હુસૈની બુશહરી, યુરોપના આયાતોલ્લાહ ખામેનેઈના પૂર્વ પ્રતિનિધિ મોહસેન મોહમ્મદી અરાકી સામેલ છે.

આ સિવાય ઇસ્ફહાનમાં જુમ્માની નમાજના ઇમામ તથા સર્વોચ્ચ નેતા પરિષદના ત્રણ વખત સભ્ય રહી ચૂકેલા અબુલ હસન મહદવી અને અર્દબિલમાં જુમ્માની નમાજના ઇમામ હસન અમોલી પણ આ સમિતિમાં સામેલ છે.

નવા સર્વોચ્ચ નેતાની પસંદગી માટે કોઈ સમયમર્યાદ નક્કી નથી. ત્રણ સભ્યોની વચગાળાની પરિષદનું ગઠન થઈ ગયું છે, એટલે કમ સે કમ કાગળ ઉપર સત્તાનું સર્વોચ્ચ પદ ખાલી નથી.

જોકે, ઇસ્લામિક ગણરાજ્યના સંસ્થાપક આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમેનેઈનાં મૃત્યુ પછીની ઘટનાઓ અને અનુભવો પરથી માલૂમ પડે છે કે સર્વોચ્ચ પરિષધના સભ્યોએ પ્રવર્તમાન પરિસ્થિતિને જોઈને ઉત્તરાધિકારીની ચૂંટણીમાં ઉતાવળ કરી હતી.

તા. ચાર જૂન 1989ના રાત્રે 10 વાગ્યે આયાતોલ્લાહ ખામેનેઈનું અવસાન થયું. બીજા દિવસે સવારે સર્વોચ્ચ નેતાની પરિષદની બેઠક મળી અને ગણતરીના કલાકોમાં તેમના ઉત્તરાધિકારી વિશે નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ નેતાના પદનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ અને અમેરિકાનું આકલન હતું કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાનાં વિરોધપ્રદર્શનો પછી ઈરાનની ઇસ્લામિક સરકાર નબળી પડી છે

ઈરાનના બંધારણના અનુચ્છેદ 57 પ્રમાણે, 'ઈરાનના ઇસ્લામિક ગણરાજ્યની સરકારના ત્રણ મુખ્ય અંગ છે – ધારાસભ્ય, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા. આ ત્રણ અંગ ઉમ્માહના નેતૃત્વ તથા રાજ્યના સંરક્ષણમાં બંધારણની વિવિધ જોગવાઈઓ મુજબ કામ કરે છે.'

જોકે, રાષ્ટ્રીય સુરક્ષા ઉપરનાં કથિત જોખમો તથા ઇસ્લામિક ક્રાંતિના અસ્તિત્વ અંગેની ચિંતાઓને કારણે 'સર્વોચ્ચ નેતા'નું પદ પહેલા દિવસથી જ સાર્વજનિક તથા રાજકીય આંદોલનોના કેન્દ્રસ્થાને રહ્યું છે.

બંધારણમાં નેતાની દેખરેખની જોગવાઈ છે અને અસહમતિ વ્યક્ત કરવાની મંજૂરી પણ છે.

આમ છતાં નેતાને ઇસ્લામિક ક્રાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તેમનો વિરોધ કરવામાં આવે તો તેને બળવો માનવામાં આવે છે.

ઈરાનના બંધારણના અનુચ્છેદ 91 હેઠળ સર્વોચ્ચ નેતા સંરક્ષક પરિષદના 12 સભ્યોમાંથી છની નિમણૂક કરે છે તથા અનુચ્છેદ 157 હઠળ મુખ્ય ન્યાયાધીશની પણ નિમણૂક કરે છે.

અનુચ્છેદ 110 તેમને સુવિધા પરિષદની સલાહથી ઈરાનની સામાન્ય રણનીતિ ઘડવાનો તથા સરકારની સંપૂર્ણ વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાનો અધિકાર આપે છે.

આ નેતા પાસે જનમત સંગ્રહ કરાવવાનો પણ અધિકાર છે.

તે સશસ્ત્ર બળોના વડાની નિમણૂક કરે છે. જેમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સનો પણ સમાવેશ થાય છે. માત્ર નેતાને જ યુદ્ધ જાહેરાત કરવાનો અધિકાર છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન ઈરાનમાં ફાટી નીકળેલી હિંસાની ફાઇલ તસવીર

રાષ્ટ્રપતિની ચૂંટણી પછી વિજયી ઉમેદવારને નિયુક્તિ પત્ર પણ નેતા દ્વારા આપવામાં આવે છે.

નેતા પાસે રાષ્ટ્રપતિને બરતરફ કરવાનો અધિકાર છે. જ્યારે મુખ્ય ન્યાયધીશ રાષ્ટ્રપતિને કોઈ ગુના માટે દોષિત ઠેરવે અથવા તો બંધારણના અનુચ્છેદ 89 હેઠળ સંસદે રાષ્ટ્રપતિને અયોગ્ય જાહેર કર્યા હોય, તો જ આમ કરવું શક્ય છે.

સરકારની અલગ-અલગ પાંખો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ ઊભા થાય તો સર્વોચ્ચ નેતાની સલાહ લેવામાં આવે છે.

જોકે, બંધારણની વ્યાખ્યા માટે સંરક્ષક પરિષદનો અભિપ્રાય જાણવામાં આવે છે. તેમને ઈરાનના સરકારી પ્રસારણ સંગઠનના વડાની નિમણૂક કરવાનો અધિકાર પણ મળેલો છે.

ન્યાયતંત્ર જો કોઈને દોષિત ઠેરવે તો તેને ક્ષમાદાન આપવાનો અધિકાર પણ નેતા પાસે છે. આ સિવાય નેતા પોતાની શક્તિઓ અન્ય કોઈને પણ સોંપી શકે છે.

બંધારણના અનુચ્છેદ 60 મુજબ, રાષ્ટ્રપતિને પોતાના મંત્રીઓની સહાયતા સાથે તમામ કાર્યકારી શક્તિઓનો ઉપયોગ કરી શકે છે. જોકે, જે કાર્યકારી શક્તિઓ બંધારણના સર્વોચ્ચ નેતા માટે અબાધિત છે, તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ દ્વારા નથી થઈ શકતો.

જોકે, વ્યવહારુ દૃષ્ટિએ જોવામાં આવે તો સર્વોચ્ચ નેતાનાં સશસ્ત્ર બળોના સર્વોચ્ચ કમાન્ડરની શક્તિઓ રાષ્ટ્રપતિને સોંપી દેવામાં આવી છે.

સર્વોચ્ચ નેતા અને ઈરાનની સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં સામાન્ય સેનાની સાથે આઇઆરજીસીનું પણ સહઅસ્તિત્વ

ઈરાનનાં સશસ્ત્ર બળોમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોર, ખુશ્કી દળ, નૌસેના અને વાયુદળની સાથે-સાથે સ્ટ્રૅટજિક કુદ્સ ફોર્સ પણ સામેલ છે.

સર્વોચ્ચ નેતા આ તમામ સશસ્ત્ર બળોના સર્વોચ્ચ કમાન્ડર છે અને તેઓ જ તેના કમાન્ડરોની નિમણૂક કરે છે.

એવું કહેવાય છે કે ઈરાનમાં 'બસીજ'ના એક કરોડ કરતાં વધુ સ્વયંસેવક છે.

તેમની સ્થાપનાની જાહેરાત આયાતોલ્લાહ ખોમેનેઈએ કરી હતી. જેનો હેતુ 'ઇસ્લામિક ક્રાંતિ'ની સુરક્ષા કરવાનો છે.

તેને 'બસીજ રેઝિસ્ટન્સ ફોર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાં તે સ્વતંત્ર સંગઠન હતું, પછી તેને રિવૉલ્યુશનરી ગાર્ડ્સ હેઠળ મૂકવામાં આવ્યું હતું.

બસીજના વડાની નિમણૂક સર્વોચ્ચ નેતા જ કરે છે. બસીજમાં વહીવટી કર્મચારી હોય છે. જેમને સરકારી કર્મચારીઓની જેમ જ પગાર મળે છે, પરંતુ તેના સામાન્ય સ્વયંસેવક પગાર વગર કામ કરે છે.

કોણ બનશે આયાતોલ્લાહ અલી ખામેનેઈના વારસદાર?

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આયાતોલ્લાહ અલી ખામેનેઈના દીકરા મુજતબા ખામેનેઈની ફાઇલ તસવીર

આયાતોલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પછી સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે કોણ તેમના ઉત્તરાધિકારી બનશે.

ખામેનેઈ તેમના પૂર્વવર્તી ઇમામ ખુમૈનીની જેમ પોતાના સમર્થકોથી ઇત્તર વ્યાપક ગઠબંધન ઊભું કરવા માટે સક્ષમ ન હતા, પરંતુ તેમને ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સના મુખ્ય કમાન્ડરોનું સમર્થન મળેલું હતું.

એટલે ઈરાનના આગામી સર્વોચ્ચ નેતાની પસંદગીમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સનાં નેતૃત્વની અસર જોવા મળે તેવી પણ શક્યતા છે.

અલી ખામેનેઈ જ્યારે હયાત હતા, ત્યારે કેટલાક લોકો બે શખ્સોને તેમના વારસદાર તરીકે જોતા હતા. એક હતા તેમના દીકરા મુજતબા ખામેનેઈ તથા ન્યાયપાલિકાના વડા ઇબ્રાહિમ રાયસી.

જોકે, વર્ષ 2024માં એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં રાયસીનું નિધન થઈ ગયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન