ગુજરાતી હૉરર ફિલ્મ 'વશ'ને બે રાષ્ટ્રીય પુરસ્કાર, 71મા નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ જાહેર- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Janki Bodiwala/X
રાજધાની દિલ્હીના નૅશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
71મા રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ્સમાં શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંત મેસીને '12th ફેલ' માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ ઍક્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
હિતેન કુમાર અને જાનકી બોડીવાલા અભિનીત હૉરર ફિલ્મ 'વશ'ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નૅશનલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
'વશ'નાં અભિનેત્રી જાનકી બોડીવાલાને તથા ઉલ્લોઝુક્કુ ફિલ્મ માટે ઉર્વશીને પણ શ્રેષ્ઠ સહ અભિનેત્રીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, HitenKumar/Instagram
રાની મુખરજીને ફિલ્મ મિસિસ ચેટરજી વર્સિસ નૉર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને કેરળ સ્ટોરી માટે સુદીપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
12th ફેલ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને ગિદ્ધ- ધ સ્કેવેન્જર શ્રેષ્ઠ શૉર્ટ ફિલ્મ (નૉન ફીચર ફિલ્મ)નો ઍવૉર્ડ મળ્યો છે.
ઉત્પલ દત્તાને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક અને ધ ફર્સ્ટ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શન (નૉન ફીચર ફિલ્મ)નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ (નૉન ફીચર ફિલ્મ) ધ સાયલન્ટ ઍપિડેમિક, ગુડ વલ્ચર એન્ડ હ્યુમનને શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ, શિલ્પા રાવને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર (યંગ), કટહલ: એ જેકફ્રૂટ મિસ્ટ્રીને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તથા હનુમાનને શ્રેષ્ઠ સ્ટંટ કોરિયોગ્રાફી (તેલુગુ ફિલ્મ), રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી તથા એનિમલને શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનનો ઍવૉર્ડ મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અટકળોના આધારે રિપોર્ટિંગ ન કરો', નિમિષા પ્રિયા મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયા સાથે જોડાયેલા એક સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું કે આ એક સંવેદનશીલ અને જટિલ મામલો છે.
એમણે કહ્યું, "ભારત સરકાર આ મામલે મદદ મોકલવાની કોશિશ કરી રહી છે. અમારા પ્રયાસોને કારણે મૃત્યુદંડની સજા હાલ રોકવામાં આવી છે."
જયસ્વાલે કહ્યું કે સરકાર સતત આ મામલા પર નજર રાખી રહી છે અને મિત્ર રાષ્ટ્રો સાથે પણ આ મામલે વાતચીત ચાલુ છે.
એમણે મીડિયાને અપીલ કરી કે, "આ સંવેદનશીલ મામલાને લઈને ખોટી કે અનુમાન આધારિત રિપોર્ટિંગ ટાળવું જોઈએ. કારણ કે આ પ્રકારના રિપોર્ટિંગને કારણે મુશ્કેલી ઊભી થાય છે."
એમણે કહ્યું, "અમારી અપીલ છે કે માત્ર આધિકારિક અપડેટની રાહ જોવામાં આવે."
ઘણા મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે નિમિષા પ્રિયાની સજાને રદ કરી નાખવામાં આવી છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.
ચૂંટણીપંચે શુક્રવારે આની સાથે જોડાયેલી સૂચના જાહેર કરી છે જેમાં નામાંકનથી લઈને મતદાનની તારીખ અને સમયની જાણકારી આપવામાં આવી છે.
જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી છે.
રાષ્ટ્રપતિને લખાયેલા રાજીનામા પાછળ જગદીપ ધનખેડેએ પોતાના આરોગ્યનું કારણ આપ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025નો કાર્યક્રમ:
અધિસૂચના જાહેર થવાની તારીખ: 7 ઑગસ્ટ
નામાંકનની અંતિમ તારીખ: 21 ઑગસ્ટ
નામાંકનની તપાસ: 22 ઑગસ્ટ
નામ પરત લેવાની તારીખ: 25 ઑગસ્ટ
ચૂંટણીની તારીખ: 9 સપ્ટેમ્બર
મતદાનનો સમય: સવારે દસથી સાંજના પાંચ કલાક સુધી
મત ગણતરી: 9 સપ્ટેમ્બર
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીના 108 સભ્યોને સજા મળી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની જેલમાં બંધ દેશના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના 108 સભ્યોને જેલની સજા સંભળાવાઈ છે.
જેમને સજા સંભળાવાઈ છે એમના પર વર્ષ 2023માં સેના સામે વિરોધ પ્રદર્શનમાં સામેલ હોવાનો આરોપ છે.
મે, 2023માં ભ્રષ્ટાચારના આરોપમાં અદાલતે પેશી દરમિયાન સુરક્ષાબળોએ ઇમરાન ખાનની ધરપકડ કરી હતી. ત્યારે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં.
ગુરુવારે આવેલો ચુકાદો ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ) માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.
જે લોકોને સજા મળી છે એમાં પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીના વિપક્ષ નેતા ઉમર અયુબ ખાન પણ સામેલ છે. જેમને દસ વર્ષની સજા મળી છે.
વિપક્ષ નેતાઓએ ઍન્ટી ટેરેરિઝમ કોર્ટના ચુકાદાની ટીકા કરી છે. આ ચુકાદામાં પીટીઆઈના છ સાંસદોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.
અમેરિકાએ પાકિસ્તાન પર લગાવ્યો 19 ટકા ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઘણા દેશો પર ટેરિફની ઘોષણા કરી છે. જોકે દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ અમેરિકાએ પાકિસ્તાન પર લગાવ્યો છે.
અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફની ઘોષણા પહેલાં પણ કરી છે.
શુક્રવારે અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટ્રેડ ડીલ માટે નક્કી કરાયેલી સમય સીમાના કેટલાક કલાકો પહેલા વ્હાઇટ હાઉસે ઘણા દેશો માટે ટેરિફનો દર જાહેર કર્યો છે.
બાકી વધેલા 70થી વધુ દેશો માટે નવા ટેરિફના દરો લાગુ કરાયા નથી. ટ્રમ્પના કાર્યકારી આદેશ પ્રમાણે આ ટેરિફ સાત ઓગષ્ટથી લાગુ થશે.
દક્ષિણ એશિયાઈ દેશો પર કેટલો ટેરિફ:
પાકિસ્તાન: 19 ટકા
બાંગ્લાદેશ: 20 ટકા
શ્રીલંકા: 20 ટકા
ભારત: 25 ટકા
રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે કૅનેડા સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાનું એલાન કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી છે, જેના હેઠળ હવે કૅનેડા પરનો ટેરિફ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે.
સાથે સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ટ્રેડ ડીલ માટે નક્કી થયેલી સમયમર્યાદાથી થોડા કલાક અગાઉ જ વ્હાઇટ હાઉસે કેટલાય દેશો માટે ટેરિફના નવા દર જારી કર્યા છે, જે સાત દિવસમાં લાગુ થશે.
અગાઉ ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૅક્સિકો પર ટેરિફ લગાવવાની સમયમર્યાદાને 90 દિવસ માટે આગળ ધપાવી હતી.
બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે પહેલી ઑગસ્ટથી ભારતથી થતી તમામ આયાત પર 25 ટકા ટેરિફ લાગશે.
આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી હથિયારો અને ઑઇલ ખરીદવા બદલ ભારત પર વધારાની ઇમ્પોર્ટ ડ્યૂટી નાખવાની વાત પણ કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ બીજી એપ્રિલે ભારત સહિત દુનિયાના 100 દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકન સામાન પર વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવે તો અમેરિકા પણ તે દેશમાંથી આવતી ચીજો પર વધારે ટેરિફ લગાવશે. ટ્રમ્પે તેને "રેસિપ્રોકલ ટેરિફ" કહ્યું છે.
'મોદીજી ટ્રમ્પ કહેશે એવું જ કરશે', 25 ટકા ટેરિફ મામલે રાહુલ ગાંધીની ટિપ્પણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે આ ડીલ થશે.
તેમણે કહ્યું કે "સરકારે ભારતની વિદેશનીતિ, આર્થિકનીતિ અને સંરક્ષણનીતિને બરબાદ કરી દીધી છે. પીએમ મોદી માત્ર એક વ્યક્તિ માટે કામ કરે છે, અદાણી. બાકીના તમામ નાના બિઝનેસને ઉડાવી દીધા છે."
વિપક્ષના નેતાએ કહ્યું કે "તમે જોશો કે જ્યારે આ ડીલ થશે ત્યારે તે ટ્રમ્પ જ નક્કી કરશે અને ટ્રમ્પના કહેવા પ્રમાણે જ મોદી કરશે."
અગાઉ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ઑગસ્ટમાં ભારતથી અમેરિકા જતા તમામ સામાન પર 25 ટકા ટેરિફ લાગશે.
'આતંકવાદ કદી ભગવો ન હતો, ન ક્યારેય રહેશે', માલેગાંવ વિસ્ફોટ કેસમાં ફડનવીસનો પ્રતિભાવ

ઇમેજ સ્રોત, Getty Images
માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે આતંકવાદ ક્યારેય ભગવો ન હતો, ન ક્યારેય રહેશે!"
ગુરુવારે માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે તમામ સાત આરોપીઓને છોડી દીધા છે.
લગભગ 17 વર્ષ જૂના આ મામલામાં માલેગાંવમાં બૉમ્બવિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 100થી વધુને ઈજા થઈ હતી.
ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત આ મામલે સૌથી વધારે ચર્ચાસ્પદ આરોપી હતાં. સાધ્વી પ્રજ્ઞા ભોપાલનાં સાંસદ પણ રહી ચૂક્યાં છે.
પાકિસ્તાને ચીનની મદદથી સેટેલાઇટ લૉન્ચ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને ચીનની મદદ લઈને એક સેટેલાઇટને અંતરીક્ષમાં લૉન્ચ કર્યું છે. ચીનના શિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટર પરથી પાકિસ્તાને પોતાનું રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
નિવેદનમાં જણાવાયું છે કે "આ સેટેલાઇટ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મોકલશે જેનાથી પાકિસ્તાનને પોતાના શહેરોની યોજના બનાવવામાં, રસ્તા અને ઇમારતોના વિકાસમાં, કુદરતી આફતો સામે લડવા, ખેતી પર નજર રાખવા અને ક્લાઇમેટ ચેન્જને સમજવામાં મદદ મળશે."
આ નિવેદન પ્રમાણે આ સેટેલાઇટને પાકિસ્તાની અંતરીક્ષ એજન્સી સુપાર્કોએ ચીનની કંપનીઓ સીઈટીસી અને માઇક્રોસેટ સાથે મળીને તૈયાર કર્યું છે.
તેમાં આગળ જણાવાયું છે કે આને હેતુ દેશના વિકાસને આગળ વધારવાનો અને લોકોના જીવનને બહેતર બનાવવાનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












