થાઇલૅન્ડમાં સશસ્ત્ર હુમલાખોરે એક શાળામાં અનેક લોકોને બંધક બનાવ્યા – ન્યૂઝ અપડેટ

થાઇલૅન્ડ, બીબીસી ગુજરાતી, હિંસા

ઇમેજ સ્રોત, Songkhla Provincial Public Relations Office

વાંચવાનો સમય: 7 મિનિટ

થાઇલૅન્ડમાં એક સશસ્ત્ર વ્યક્તિએ એક શાળામાં ઘૂસીને અનેક લોકોને બંધક બનાવ્યા હતા.

રૉઇટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, બંદૂકધારીની અટકાયત કરાઈ છે અને બંધકોને બચાવી લેવાયા છે.

રૉયટર્સે એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ થાઇલૅન્ડના હાટ યાઈ જિલ્લામાં બુધવારે એક શાળામાં ગોળીબાર કરનાર બંદૂકધારીની અટકાયત કરાઈ છે અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

પ્રાંતીય વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે બંદૂકધારી 18 વર્ષનો છે.

ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વિચિયન સોબૂને રૉયટર્સને જણાવ્યું હતું કે, "હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે."

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે.

થાઇલૅન્ડમાં બંદૂકથી હિંસા અને હથિયારો રાખવા અસામાન્ય નથી.

2022માં એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ દેશના પૂર્વ ભાગમાં એક નર્સરી પર બંદૂક અને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં 22 બાળકો સહિત 36 લોકો માર્યા ગયા હતા.

રાજુ કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલ્યા?

રાજુ કરપડાના રાજીનામા બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @Chaitar_Vasava

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેના પર આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે.

ચૈતર વસાવાએ એક વીડિયો સ્ટેટમેન્ટમાં જણાવ્યું, "મેં જાણ્યું છે કે ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. મેં તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ થઈ શક્યો નથી."

"તેઓ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમણે ખેડૂતો માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. આ લડતો પૈકી બોટાદ કદડા પ્રથાને નાબૂદ કરવા માટેની પણ હતી. તે માટે તેમણે 100થી વધુ દિવસો માટે જેલમાં રહેવું પડ્યું."

તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે "ભાજપની નીતિ છે કે તેઓ વિપક્ષના નેતાને ડરાવીને, ધમકાવીને એમની પડખે કરી લે છે. કઈ રીતે આંદોલનને દબાવી દેવું? ભાજપ આ નીતિમાં માને છે. ભાજપે આ નીતિનો જ ઉપયોગ રાજુ કરપડા પર પણ કર્યો છે."

ચૈતર વસાવાએ એ પણ આરોપ લગાવ્યો કે "મને લાગે છે કે આખરે વશ થઈને રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે."

ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સમગ્ર ઘટનાક્રમ અંગે બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા સાથે વાત કરી હતી અને પ્રતિક્રિયા આપી હતી.

પ્રકાશભાઈ વરમોરાએ કહ્યું, "ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તથા તેણે આવા કાવાદાવા કરવાની જરૂર નથી. રાજુભાઈનો અંતરાત્મા વહેલો જાગ્યો, એટલે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું છે."

રાજુ કરપડાના રાજીનામા બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

રાજુ કરપડાના રાજીનામા બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેના પર આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ હંમેશાં પાર્ટીમાં આવેલા નેતાઓને તોડવાની કોશિશ કરે છે.

તેમણે કહ્યું કે "રાજુ કરપડા સાથે શું થયું અને તેમની કઈ મજબૂરી છે તેની મને ખબર નથી. તેમની સાથે મારી વાત થઈ નથી પરંતુ ભાજપ હંમેશાં અમારા નેતાને તોડવાની કોશિશ કરે છે."

"રાજુ કરપડા મજબૂત આગેવાન છે અને આમ આદમી પાર્ટી અને રાજ્યના ખેડૂતો તેમનું ઘણું સન્માન કરે છે. તેમણે ખેડૂતોની સમસ્યા માટે તેમણે કરેલા આંદોલનો માટે પાર્ટી આજે પણ તેમની આભારી છે."

રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (આપ)માંથી રાજીનામું આપી દીધું છે.

ગુજરાત ખાતેના આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે "સવિનય નિવેદન છે કે, હું રાજુ કરપડા, આમ આદમી પાર્ટીનાં તમામ પદો પરથી અને જવાબદારીઓમાંથી તારીખ 11-02-2026થી રાજીનામું આપું છું."

"વ્યક્તિગત કારણોને લઈને મારે માટે વર્તમાન દાયિત્વોનું નિર્વહન કરવું સંભવ નથી. પાર્ટીએ જે મને તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હું તેનો હ્રદયથી આભારી છું."

ઉલ્લેખનીય છે કે બોટાદમાં આપની સભામાં પથ્થરમારા બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. બોટાદના હડદડ ગામે પોલીસ-ખેડૂત વચ્ચેના સંઘર્ષ મામલે હાલમાં જ 108 દિવસ જેલમાં કાઢ્યા બાદ તેઓને જામીન મળતા જેલની બહાર આવ્યા હતા.

કૅનેડાની સ્કૂલમાં ગોળીબાર, ઓછામાં ઓછા નવનાં મૃત્યુ, 20થી વધુ ઘાયલ

કેનેડામાં ગોળીબાર, કેનેડામાં હિંસા, બીબીસી ગુજરાતી, બ્રિટિશ કોલંબિયા, રોયલ માઉન્ટેડ પોલીસ, બીબીસી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજ મ્યુનિસિપાલિટીમાં આવેલી શાળામાં ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.

આ ઘટનાને કારણે માત્ર બે હજાર 400 લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસે લોકોને સલામતસ્થળે રહેવા તથા બહાર નહીં નીકળવા નિર્દેશ આપ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે એક વાગ્યા અને 20 મિનિટ આસપાસ ઘટી હતી. શાળામાં છ લોકો મૃત મળી આવ્યા હતા. જ્યારે સાતમી વ્યક્તિનું હૉસ્પિટલે લઈ જતી વેળાએ અવસાન થયું હતું.

આ સિવાય પાસેના એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. પોલીસનું માનવું છે કે હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી છે.

અભિષેક શર્માને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

અભિષેક શર્માને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બૅટ્સમૅન અભિષેક શર્માને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમને પેટમાં ઇન્ફૅક્શન છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ ઍક્સ પર પોસ્ટ કર્યું કે "અભિષેક શર્માને પેટમાં ઇન્ફૅક્શન હોવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને કારણે નામિબિયાની સામેની ટી20 વિશ્વકપની લીગ મૅચ માટે તેમનું રમવું શંકાસ્પદ છે."

અભિષેક શર્મા છેલ્લા બે દિવસથી સારવાર હેઠળ છે.

'ધમકી ઉપર ટકી શકવાની હિંમત ન હોય, તો ચૂપચાપ મૅચ રમો', પાકિસ્તાનના યુ-ટર્ન વિશે ઓમર અબ્દુલ્લાહે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઉમર અબ્દુલ્લાહ, જમ્મુ-કાશ્મીર, ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ, ટી20 વર્લ્ડકપ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારત સાથેની મૅચ રમવાનો ઇન્કાર કર્યા બાદ હવે પાકિસ્તાને તેના માટેની તૈયારી દાખવી છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે પાકિસ્તાનના યુ-ટર્ન વિશે પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યું, "હવે પાકિસ્તાને ભારત સાથે મૅચ રમવાનું પસંદ કર્યું છે. મારું તો માત્ર એટલું જ કહેવાનું થાય છે કે એવી ધમકી ન આપો કે જેની ઉપર ટકી રહેવાની તમારામાં હિંમત ન હોય."

"તેમણે ધમકી આપી હતી કે અમે ભારત સામેની મૅચ નહીં રમીએ, પરંતુ પછી ડરી ગયા અને પોતાની ધમકી જાતે જ પાછી ખેંચી લીધી. જેમની પાસે પોતાની ધમકી ઉપર ઊભા રહેવાની હિંમત ન હોય, તેમણે ધમકી ન આપવી જોઈએ. તેમણે ચૂપચાપ આવીને મૅચમાં ઊતરવું જોઈએ અને પછી મૅચમાં જે કંઈ થાય, તે જોવું જોઈએ."

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને તા. 15 ફેબ્રુઆરીના ભારત સામેની ટી20 વર્લ્ડકપ રમવાની મંજૂરી આપી દીધી છે. શરીફના કહેવા પ્રમાણે, મિત્રદેશોની વિનંતી બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.

અજિત પવાર મૃત્યુ: સરકારે વિમાન કંપનીઓ વિશે આ આદેશ આપ્યો

બારામતી ઍરપોર્ટ વિમાન દુર્ઘટના, અજીત પવારનું મૃત્યુ, વિમાનોની સેફ્ટી ઓડિટ, ડીજીસીએ, ડાયરેક્ટ્રેટ જનરલ સિવિલ એવિએશન, બીબીસી ગુજરાતી

તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (એનસીપી) નેતા અજિત પવાર તથા ચાર અન્યોનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ત્યારે મંગળવારે ડાયરેક્ટ્રેટ જનરલ સિવિલ ઍવિએશન (ડીજીસીએ)એ આ ખાનગી કંપનીનાં તમામ વિમાનોની સૅફ્ટી ઑડિટ હાથ ધરવાના આદેશ વિશે માહિતી આપી છે. વીએસઆર સહિત 15 શિડ્યુલ્ડ ઑપરેટર્સ માટે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

ડીજીસીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન મૂક્યું હતું. જેમાં તેમણે લખ્યું, "તા. 28 જાન્યુઆરી 2026ના બારામતીમાં વીએસઆર વૅન્ચર્સ લિમિટેડનું લીયરજેટ 15 વિમાન વીટી-એસએસકે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. એ પછી તા. ચોથી ફેબ્રુઆરી 2026ના રોજ ડીજીસીએ તમામ મોટા ઑપરેટર્સની વિશેષ સૅફ્ટી ઑડિટ હાથ ધરવા આદેશ આપ્યો, જેમાં વીએસઆર વૅન્ચર્સ પણ સામેલ છે. આ ઑડિટ તબક્કાવાર હાથ ધરવામાંં આવશે."

વીએસઆર વૅન્ચર્સે તા. 15 ફેબ્રુઆરી સુધીમાં ઑડિટ રિપોર્ટ સુપ્રત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે અજિત પવારનું વિમાન બારામતી ઍરપૉર્ટ ખાતે રનવે ઉપર લૅન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઇન્ડોનેશિયા ગાઝામાં આઠ હજાર સૈનિક મોકલશે

ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિન્તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બોર્ડ ઓફ પીસ, પેલેસ્ટાઇન, ગાઝા, શાંતિસેના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિન્તો (જમણે) સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે તે ગાઝામાં આઠ હજાર સૈનિક મોકલશે. જે મુખ્યત્વે તબીબી તથા ઇજનેરી કામ હાથ ધરશે. આ માટે સૈનિકોના તાલીમની કામગીરી ચાલી રહી છે.

ગત વર્ષે અમેરિકાની મધ્યસ્થીથી ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામ થયો હતો, જેમાં શાંતિસેના મહત્ત્વપૂર્ણ પાસું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર-2025માં બોર્ડ ઑફ પીસનો વિચાર વહેતો મૂક્યો હતો, જેમાં ઇન્ડોનેશિયા પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિએ આ બોર્ડને ઇન્ટરનૅશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ સ્થાપિત કરવાના અધિકાર આપ્યા છે.

આ સશસ્ત્ર દળ હમાસના નિઃશસ્ત્રીકરણ તથા આ વિસ્તારને સેનાવિહિન બનાવવાની દિશામાં પણ કામ કરશે.

તુર્કી અને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો પણ ગાઝામાં પોતાની સેના મોકલવા અંગે વિચારણા કરી રહ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર શાંતિ જાળવવા માટે કામ કરવા માંગે છે અને હમાસ પાસેથી હથિયાર હેઠાં મૂકાવવામાં કોઈ ભૂમિકા ભજવવા નથી માંગતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન