સુનીતા વિલિયમ્સને અંતરીક્ષમાંથી ધરતી પર કેવી રીતે લવાશે, શું હજુ મોડું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પલ્લવ ઘોષ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
સ્પેસએક્સનું અવકાશયાન નવા ક્રૂ મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર પહોંચી ગયું છે. આ યાનથી જ ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછાં ફરવાનાં છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આંતરરાષ્ટ્રીય અવકાશમથકમાં આઠ દિવસ વિતાવવાના હતા. પરંતુ અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે બંને નવ મહિનાથી ત્યાં છે.
સુનીતા અને બુચના પૃથ્વી પર પાછાં ફરવાની પ્રક્રિયા આ અઠવાડિયાના અંતમાં શરૂ થશે. નાસાના સ્ટીવ સ્ટિચે કહ્યું કે તેઓ આ અંગે ઉત્સાહિત છે.
તેમણે કહ્યું, "બુચ અને સુનીતાએ શાનદાર કામ કર્યું છે અને અમે તેમને પાછાં લાવવાં ઉત્સાહિત છીએ."
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન, નાસા અને સ્પેસએક્સે સોશિયલ મીડિયા પર લાઇવ ફૂટેજ પોસ્ટ કર્યા હતા જેમાં સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન સાથે ડૉકિંગ અને હૅચ ખૂલતું દર્શાવવામાં આવ્યું છે. આ પછી અવકાશયાત્રીઓ એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા.
આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર અવકાશયાત્રીઓને તેમના નાસાના સાથીદાર નિક હેગ દ્વારા મદદ કરવામાં આવશે.
આ ઉપરાંત, રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, જાપાન અને અમેરિકાના બે-બે અવકાશયાત્રીઓ પણ તેમને મદદ કરશે.
જૂની ટીમ એટલે કે સુનીતા અને બુચને નવી ટીમને હેન્ડઓવર કરવામાં બે દિવસ લાગશે. આ પછી, તેમના પૃથ્વી પર પાછા ફરવાની તૈયારીઓ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સુનીતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં હજુ પણ મોડું થઈ શકે?

ઇમેજ સ્રોત, NASA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આંતરરાષ્ટ્રીય અવકાશમથકના મૅનેજર ડાના વેઇગલના જણાવ્યા અનુસાર, "યાનને પાછા ફરવામાં થોડો વિલંબ થઈ શકે છે, કારણ કે પૃથ્વી પરની પરિસ્થિતિઓ પરત આવવા માટે કેટલી યોગ્ય છે તે જોવું મહત્ત્વપૂર્ણ છે."
તેમણે કહ્યું, "હવામાન હંમેશાં મહત્ત્વનું હોય છે. જો પરિસ્થિતિઓ યોગ્ય નહીં હોય તો અમે અમારો સમય લઈશું."
વેઇગલે જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓએ ગયા અઠવાડિયે સોંપણીની તૈયારી શરૂ કરી દીધી હતી.
તેમણે કહ્યું, "જ્યારે સુનીતાએ અવકાશયાત્રી એલેક્સી ઓવચિનિનને કમાન સોંપી ત્યારે બુચે ઔપચારિક ઘંટડી વગાડી હતી."
અવકાશયાત્રીઓ સતત કહેતા છે કે તેઓ અવકાશમથકમાં ખુશ છે. સુનીતાએ તેમને પોતાનું 'હૅપ્પી પ્લેસ' પણ ગણાવ્યું હતું.
જોકે, ઓપન યુનિવર્સિટીના ડૉ. શિમોન બાર્બરે કહ્યું: "ત્યાં રહેવાની એક અલગ કિંમત છે."
તેમણે કહ્યું, "જ્યારે તમને એક અઠવાડિયાની કાર્યયાત્રા પર મોકલવામાં આવે છે, ત્યારે તમે અપેક્ષા રાખતા નથી કે તેમાં લગભગ એક વર્ષનો સમય લાગશે."
"આટલા લાંબા સમય સુધી ત્યાં રહેવાને કારણે તેમના પારિવારિક જીવન પર પણ અસર પડી હોત. ઘરમાં ઘણી બધી એવી ઘટનાઓ બની હશે જેનો તેઓ ભાગ ન બની શક્યા હોય. કેટલોક સમય ઊથલપાથલભર્યો પણ આવ્યો હશે."
પાછા આવવાનો સમય નાસાએ કેમ ફરીથી બદલ્યો?

ઇમેજ સ્રોત, NASA
બુચ અને સુનીતા જૂન 2024 માં સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર પહોંચ્યાં હતાં. તે બૉઇંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
અવકાશયાનમાં ટેકનિકલ ખામીઓને કારણે મિશનમાં જ વર્ષો સુધી મોડું થયું. આ અવકાશયાનને લૉન્ચ દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમાં એવી સમસ્યાઓ હતી જે વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે તેને અસર કરતી હતી અને આ સમસ્યાઓમાં હિલિયમ ગૅસના લિકેજનો સમાવેશ થતો હતો.
નાસાએ સુનીતા અને બુચને પાછાં લાવવામાં કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું, કારણ કે તેમની પાસે સ્પેસએક્સ અવકાશયાન દ્વારા પાછા ફરવાનો વિકલ્પ હતો.
નાસાને લાગ્યું કે ક્રૂ રૉટેશન એક સારો વિકલ્પ છે, ભલે તેનો અર્થ એ થયો કે અવકાશયાત્રીઓએ અવકાશ સ્ટેશનમાં ઘણા મહિનાઓ વિતાવવા પડે.
જોકે, બૉઇંગે સતત દાવો કર્યો હતો કે સુનીતા અને બુચને સ્ટારલાઇનર દ્વારા પાછા લાવવાનું સલામત હતું.
બૉઇંગે સ્પેસએક્સના અવકાશયાન દ્વારા પરત ફરવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.
ડૉ. બાર્બરે કહ્યું, "બૉઇંગ માટે અવકાશયાત્રીઓને તેના હરીફના યાનમાં પાછા ફરતા જોવાનો વિચાર સારો નથી."
ટ્રમ્પ અને મસ્કે કહ્યું કે, સુનીતા વિલિયમ્સ અને બુચને પાછાં લાવીશું
ફેબ્રુઆરીમાં ફૉક્સ ન્યૂઝને આપવમાં આવેલા ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઇઓએ કહ્યું હતું કે તેઓ જલદી જ સુનીતા અને બુચને પૃથ્વી પર પાછાં લાવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે, "તેઓ અંતરીક્ષમાં ફસાઈ ગયાં છે."
જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહેલા સૉન હૅનિટીએ કહ્યું કે, "તેઓ આઠ દિવસ માટે ગયાં હતાં અને તેમને ત્યાં લગભગ 300 દિવસ થઈ ગયા છે."
ટ્રમ્પે તેનો જવાબ એક શબ્દમાં આપ્યો હતો, "બાઇડન."
મસ્કે આગળ તેનો જવાબ આપતા કહ્યું કે, "તેઓ રાજનીતિક કારણસર ત્યાં છે."
જોકે નાસાના સ્ટીવ સ્ટિચે આ વાતોને ફગાવી છે. તેમણે કહ્યું કે, "અમે ઘણા વિકલ્પ વિચાર્યા છે. અમે સ્પેસએક્સ સાથે કામ કર્યું અને સૌથી સારો વિકલ્પ પસંદ કરવાનો પ્રયત્ન કર્યો."
લંડનમાં સાયન્સ મ્યુઝિયમના ચીફ ડૉક્ટર લિબ્બી જૅકસને આ નિર્ણયનું સમર્થન કર્યું. તેઓ યુરોપમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના કંટ્રોલ સેન્ટર સાથે પણ કામ કરે છે.
તેમણે કહ્યું, "બુચ અને સુનીતાની સલામતી બધાની જ પ્રાથમિકતા રહ્યા છે. આ પરિસ્થિતિના સમાધાન માટે સારો વિકલ્પ શું હોઈ શકે છે, એ વિચારીને નિર્ણય લેવામાં આવ્યો."
"નાસાએ આ નિર્ણય ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમણે સુનીતા અને બુચને સુરક્ષિત પાછાં લાવવાનો રસ્તો કાઢ્યો છે. પૃથ્વી પર તેમને સુરક્ષિત પાછાં લાવવાં પર મારું ધ્યાન છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












