ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'ભારત પર ટેરિફ વધારશે' - ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ભારત પર ટેરિફ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 11 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર ટેરિફ વધારવાની વાત કહી હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે, "ભારત માત્ર રશિયાથી મોટી માત્રામાં તેલ ખરીદે છે, બલકે ખરીદવામાં આવેલા તેલનો એક મોટો હિસ્સો બજારમાં વેચીને ભારે નફો મેળવે છે. તેમને એ વાતની કોઈ પરવા નથી કે યુક્રેનમાં રશિયાનું વૉર મશીને કેટલાય લોકોને મારી રહ્યું છે. આ જ કારણસર, હું ભારત પર ટેરિફને વધારવા જઈ રહ્યો છું."

આની પહેલાં, 30 જુલાઈના પણ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

તેમણે એવું પણ કહ્યું હતું કે જો ભારત રશિયાથી સૈન્ય ઉપકરણ અને તેલની ખરીદી ચાલુ રાખે છે તો હાલના ટેરિફ ઉપરાંત અતિરિક્ત દંડ (પેનલ્ટી) પર લગાવી શકે છે. ટ્રમ્પનો આરોપ છે ભારતની ખરીદી રશિયાને યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહી છે.

ઓવલમાં ભારતીય ટીમની જીતને લઈને શું બોલ્યા મેન ઑફ ધ મૅચ સિરાજ?

મોહમ્મદ સિરાજ, ટેસ્ટ મેચ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ સિરાજે મેચમાં કુલ નવ વિકેટ લીધી હતી. જેમાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારતે ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના મોં સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો છે. ભારતે ઓવલમાં સિરીઝની છેલ્લી મૅચ જીતી લીધી છે.

ભારતે ઇંગ્લૅન્ડને છ રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડનો લક્ષ્યાંક 374 રન હતો. ટેસ્ટના પાંચમાં અને છેલ્લા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ 367 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

કૅપ્ટન શુભમન ગિલે બીબીસી ટેસ્ટ મૅચ સ્પેશિયલ સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "સિરાજ અને પ્રસિદ્ધે ફેંકેલા સ્પેલે ગૅમ બદલી નાખી અને તેમણે સતત એવો ભરોસો રાખ્યો અમે આ મૅચ જીતી શકીએ છીએ.

જ્યારે તમારી પાસે 60-70 જેટલા જ રન હોય અને સાતેક વિકેટ લેવાની હોય ત્યારે તમે આવી રીતે મૅચ જવલ્લે જ જીતી શકો છો. હું જીતથી ખૂબ ખુશ છું."

આ જીતમાં ભારતીય બૉલર મોહમ્મદ સિરાજની મહત્ત્વની ભૂમિકા રહી હતી. એમણે મૅચમાં કુલ નવ વિકેટ લીધી હતી. જેમાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારતીય બૉલર મોહમ્મદ સિરાજે જણાવ્યું હતું કે, "હું યોગ્ય જગ્યાએ બૉલિંગ કરું. મારો એક જ પ્લાન હતો કે હું એક શ્રેષ્ઠ જગ્યાએ બૉલ ફેંકું. પછી એમાં વિકેટ મળે, ચોગ્ગો જાય કે છગ્ગો. હું હંમેશાં મારા પર ભરોસો રાખું છું કે હું ગમે તે પરિસ્થિતિમાં મૅચ જિતાડી શકું છું."

ભારતને મળેલી જીત બાદ મોહમ્મદ સિરાજે વધુંમાં કહ્યું હતું કે, "કાલે કૅચ છોડ્યો ત્યારે મેં વિચાર્યું નહોતું કે હું બાઉન્ડરી પાર જતો રહીશ, પણ એ મૅચ ચેન્જિંગ મૉમેન્ટ હતી, હૅરી બ્રૂકે ટી-20 સ્ટાઇલમાં બેટિંગ કરી. ત્યારે લાગતું હતું કે મૅચ ત્યારે થોડી અમારા હાથમાંથી જતી રહી."

સિરાઝને 'પ્લેયર ઑફ ધ મેચ' અને શુભમન ગિલ અને હેરિ બ્રુકને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

'ચીને જમીન હડપ કરી લીધી છે એની તમને કેવી રીતે ખબર પડી?' રાહુલ ગાંધીના નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

રાહુલ ગાંધી, સુપ્રીમ કોર્ટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લખનૌ એમપી-એમએલએ અદાલતે ફેબ્રુઆરી-2025માં રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા નીચલી અદાલતમાં માનહાનિ મામલે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

આ મામલો 2020માં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા એક સંઘર્ષ અંગે અપાયેલા નિવેદન સાથે જોડાયેલો છે.

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એ.જી મસીહની બૅન્ચે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના નિવેદન પર અસહમતી વ્યક્ત કરી હતી.

લાઈવ લૉ પ્રમાણે, આ મામલે રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા હતા.

સિંઘવીએ કોર્ટમાં કહ્યુ, જે વાત મીડિયામાં છપાઈ છે, જો તેઓ બોલી શકતા ન હોય તો તેઓ વિપક્ષના નેતા ન હોઈ શકે?

આના પર જસ્ટિસ દત્તાએ કહ્યું, "તમારે જે કંઈ પણ કહેવાનું છે એ તમે સંસદમાં કેમ નથી કહેતા? તમારે આવાં નિવેદનો સોશિયલ મીડિયામાં આપવાની શું જરૂર છે?"

એમણે કહ્યું, "તમને કેવી રીતે ખબર પડી કે ભારતની બે હજાર વર્ગ કિલોમીટર જમીન ચીને હડપ કરી લીધી છે? શું તમે ત્યાં હાજર હતા? શું તમારી પાસે કોઈ વિશ્વસનીય જાણકારી છે?"

જસ્ટિસ દત્તાએ કહ્યું, "જો તમે સાચા ભારતીય છો તો આમ નહીં કરો."

લાઇવ લૉ પ્રમાણે આ મામલે લખનૌ એમપી-એમએલએ અદાલતે ફેબ્રુઆરી-2025માં રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કર્યું હતું.

આની સામે રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

રાહુલ ગાંધી સામે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના પૂર્વ ડાયરેકટર ઉદય શંકર શ્રિવાસ્તવે ફરિયાદ દાખલ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર, 2022ના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું,"લોકો ભારત જોડો યાત્રા અંગે સવાલો કરશે પણ ચીને અરુણાચલ પ્રદેશમાં 20 ભારતીય જવાનોની હત્યા કરીને ભારતની બે હજાર વર્ગ કિલોમીટર જમીન કબજે કરી લીધી છે એ અંગે ભારતીય મીડિયા એક પણ સવાલ નહીં કરે."

ન્યૂઝીલૅન્ડમાં બે વર્ષના બાળકને બૅગમાં લઈને બસમાં મુસાફરી કરતાં મહિલા પકડાયાં, પછી શું થયું?

ન્યૂઝીલૅન્ડમાં બે વર્ષના બાળકને બૅગમાં લઈને બસમાં મુસાફરી કરતાં મહિલા પકડાયાં, પછી શું થયું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂ ઝિલૅન્ડનાં એક મહિલાના લગેજમાંથી બે વર્ષની બાળકી મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહિલા એક બસમાં પ્રવાસ કરતાં હતાં ત્યારે તેમની બૅગમાંથી આ બાળકી મળી આવી હતી.

પોલીસે કહ્યું કે ન્યૂઝિલૅન્ડમાં કાઇવાકા નામના એક નાનકડા શહેરની આ ઘટના છે. મહિલા એક બૅગ સાથે બસમાં ચઢ્યાં હતાં. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, "બૅગને હલચલ કરતા જોઈને ડ્રાઇવરને શંકા ગઈ હતી. તેમણે સૂટકેસ ખોલી તો અંદરથી બે વર્ષની બાળકી મળી આવી હતી."

27 વર્ષીય મહિલા પર બાળક સાથે ગેરવર્તન કરવાનો અને તેમની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવાયો છે. બાળકીને કોઈ શારીરિક રીતે કોઈ ઈજા નહોતી થઈ, પરંતુ બૅગમાં તેને બહુ ગરમી લાગી હતી.

બાળકીને હૉસ્પિટલે લઈ જવાઈ હતી જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી છે. બાળકી અને મહિલા વચ્ચે શું સંબંધ હતો તે જાહેર કરાયું નથી.

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પાકિસ્તાને શું કહ્યું?

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પાકિસ્તાને શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PID

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પાકિસ્તાનના પ્રવાસે છે.

પાકિસ્તાને ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમર્થન આપવાની ઘોષણા કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે ઈરાનને પરમાણુ ઊર્જાનો 'શાંતિપૂર્ણ ઉપયોગ' કરવાનો અધિકાર છે.

શહબાઝ શરીફે કહ્યું, "પાકિસ્તાન શાંતિપૂર્ણ પરમાણુ શક્તિ હાંસલ કરવા માટે ઈરાન સાથે ઊભું છે."

પાકિસ્તાની વડા પ્રધાને હાલમાં જ ઈરાન પર થયેલા ઇઝરાયલી હુમલાની નિંદા કરી હતીઅને દેશનું રક્ષણ કરવા બદર ઈરાનના વખાણ કર્યા હતા.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પાકિસ્તાનના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પાકિસ્તાન સાથે ઘણી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

શહબાઝ શરીફે કહ્યું કે 'આતંકવાદ' સામે પાકિસ્તાન અને ઈરાનની વિચારધારા એક જેવી જ છે.

તેમણે એમ પણ કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ અને વિકાસના રસ્તા ખોલવા જોઈએ.

ત્યાં ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે "ઇઝરાયલ ક્ષેત્રને અસ્થિર કરવાના એજેન્ડા પર કામ કરી રહ્યું છે."

તેમણે કહ્યું કે મુસ્લિમ દેશોએ શાંતિ માટે એકજૂટ થવું જોઈએ. પેઝેશ્કિયાને કહ્યું કે ઇઝરાયલના હુમલા બાદ પાકિસ્તાનના સમર્થન બદલ તેઓ તેના આભારી છે. તેમના મત પ્રમાણે ઈરાન પાકિસ્તાન સાથે સારા સંબંધો એ ઈરાનની શ્રેષ્ઠ વિદેશ નીતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.

પાકિસ્તાની સરકારી ન્યૂઝ એજન્સી ઍસોસિયેટેડ પ્રેસ ઑફ પાકિસ્તાન પ્રમાણે પાકિસ્તાન અને ઈરાને 12 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં વ્યાપાર, કૃષિ, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, ઇનૉવેશન, સૂચના તથા સંચાર અને સમુદ્ર સુરક્ષાના મામલે સહયોગ સામેલ છે.

શિબુ સોરેનના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

શિબૂ સોરેનના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kin Cheung - WPA Pool/Getty

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "શિબુ સોરેન જી એક જમીની નેતા હતા. જેમણે જનતા પ્રત્યે અતૂટ સમર્પણ સાથે સાર્વજનિક જીવનમાં ઊંચાઈઓને પ્રાપ્ત કરી. તેઓ આદિવાસી સમુદાય, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે વિશેષરૂપે સમર્પિત હતા."

વડા પ્રધાને કહ્યું, "તેમના નિધનથી હું દુ:ખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે."

પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન સાથે વાત કરીને સંવેદના પ્રગટ કરી છે.

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી શિબુ સોરેનનું નિધન

ઝારખંડ, શિબૂ સોરેન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે.

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે. આ સમાચારની પુષ્ટિ ખુદ તેમના પુત્ર અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને કરી છે.

હેમંત સોરેને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આદરણીય દિશોમ ગુરુજી આપણે સૌને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું."

શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ના સંસ્થાપક હતા અને લાંબા સમયથી પાર્ટીના અધ્યક્ષ રહ્યા. તેમણે ત્રણ વખત ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત તેમણે સંસદનાં બંને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં સભ્યપદ નિભાવ્યું.

(આ સમાચાર અપડેટ કરાઈ રહ્યા છે)

ભારત-ઇંગ્લૅન્ડ ઓવલ ટૅસ્ટઃ ક્રિસ વોક્સ બેટિંગ કરવા ઉતરશે કે નહીં, રૂટે શું કહ્યું?

IND vs ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીતથી ચાર વિકેટ દૂર, ઇંગ્લૅન્ડને મૅચ જીતવા જોઈએ છે 35 રન – ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી, સ્પોર્ટ્સ, ક્રિકેટ, ભારતીય ટીમ, ટીમ ઇન્ડિયા, ઓવલ

ઇમેજ સ્રોત, Alex Davidson/Getty

ઇમેજ કૅપ્શન, ક્રિસ વોક્સના ખભા પર ઈજાને કારણે તેની રમવા અંગેની સ્થિતિ સ્પષ્ટ નહોતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ રહેલી પાંચમી ટૅસ્ટમૅચમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલર ક્રિસ વોક્સ રમશે કે નહીં, તેવા સવાલ અંગે જો રૂટે કહ્યું કે "જરૂર પડશે તો વોક્સ રમવા માટે તૈયાર છે."

છેલ્લી ટૅસ્ટમાં ચોથા દિવસના અંતે ઇંગ્લૅન્ડે છ વિકેટના ભોગે 339 રન બનાવી લીધા છે. ભારતે ઇંગ્લૅન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે ઇંગ્લૅન્ડને મૅચ જીતવા માટે 35 રનની જરૂર છે, જ્યારે ભારતે આ મૅચ જીતવા માટે ચાર વિકેટ લેવી પડશે.

ચોથા દિવસના અંતે પ્રેસ કૉન્ફરન્સમાં ક્રિસ વોક્સ અંગેના સવાલના જવાબમાં રૂટે કહ્યું કે "તમે કદાચ તેમને ડ્રેસિંગ રૂમમાં સફેદ જર્સીમાં જોયો હશે. તે અમારી જેમ સંપૂર્ણપણે મેદાનમાં છે."

તેમણે કહ્યું કે, "આ એવા પ્રકારની સિરીઝ છે જેમાં ખેલાડીઓએ જોખમ લેવું પડે છે. આશા છે કે એવું ન થાય.... જરૂર પડે તો તેઓ તૈયાર છે."

ક્રિસ વોક્સને ખભામાં ઈજા થઈ હોવાથી તેઓ રમશે કે નહીં તે વિશે સ્થિતિ સાફ ન હતી. પરંતુ જો રૂટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ જરૂર પડશે તો મેદાનમાં ઉતરી શકે છે.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટમૅચની સિરીઝનો છેલ્લો મુકાબલો લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે. આ મૅચનો નિર્ણય આજે એટલે કે પાંચમા દિવસે થશે. મુકાબલામાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને જીત માટે 374 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઇંગ્લૅન્ડની છ વિકેટ પડી ગઈ છે. ઇંગ્લૅન્ડ જીતથી 35 રન દૂર છે જ્યારે કે ભારતે જીત માટે ચાર વિકેટ પાડવી પડશે. ચોથા દિવસે વરસાદને કારણે રમત વહેલી બંધ રહી હતી.

જ્યારે રમત બંધ રહી ત્યારે જેમી ઓવર્ટન શૂન્ય તથા જેમી સ્મિથ 2 રન બનાવીને નૉટઆઉટ હતા.

આ મૅચ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણકે ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ છે. સિરીઝમાં બરાબરી કરવા આ મૅચ જીતવી ભારત માટે જરૂરી છે. જો ઓવલ ટેસ્ટ ડ્રૉ થઈ તો ઇંગ્લૅન્ડ સિરીઝ જીતી જશે. જો આ મૅચ ઇંગ્લૅન્ડ જીતી જશે તો પણ તે સિરીઝ જીતી જશે. અને જો ભારત આ મૅચ જીતી જશે તો સિરીઝ બરાબરી પર સમાપ્ત થશે.

ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગમાં જો રૂટે 105 રન બનાવ્યા. જ્યારે કે હૅરી બ્રૂકે 111 રન બનાવ્યા. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ત્રણ જ્યારે કે મોહમ્મદ સિરાઝે બે વિકેટ લીધી. આકાશદીપને એક વિકેટ મળી.

ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગના આધારે 23 રનની બઢત મળી હતી. ભારતીય ટીમની બીજી ઇનિંગ 396 પર સમાપ્ત થઈ ગઈ હતી. જેમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને નાઇટવૉચમૅન તરીકે આવેલા આકાશદીપે 66 રન ફટકાર્યા હતા. વૉશિંગ્ટન સુંદરે પણ અર્ધશતકીય ઇનિંગ રમીને 53 રન બનાવ્યા તથા રવીન્દ્ર જાડેજાએ પણ 53 રન બનાવ્યા હતા. જોશ ટંગે પાંચ વિકેટ લીધી હતી જ્યારે કે ગસ ઍટકિંસનને ત્રણ સફળતા પ્રાપ્ત થઈ હતી.

યમનમાં બોટ પલટી જવાને કારણે 50થી વધુ મુસાફરોનાં મોત, કેટલાક લાપતા

યમનમાં બોટ પલટી જવાને કારણે 50થી વધુ મુસાફરોનાં મોત, કેટલાક લાપતા, ગુજરાત, ગુજરતી સમાચાર, બીબીસી ગુજરાતી, યમન, ખાડીના દેશો, માઇગ્રેશન, અરબ સાગર, અરબી સમુદ્ર, બીબીસી ગુજરાતીના સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 150થી વધુ મુસાફરોને લઈ જતી બોટ ઍડનની ખાડીમાં ડૂબી ગઈ.

યમનમાં દરિયામાં હવામાન ખરાબ હોવાને કારણે એક બોટ પલટી જવાને કારણે 50થી વધુ મુસાફરોનાં મૃત્યુ થયાં છે. આ બોટમાં લગભગ 150 જેટલા લોકો સવાર હતા.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માત યમનના દક્ષિણ પ્રાંત અબયાન પાસે થયો હતો.

અબયાન સુરક્ષા નિદેશાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કિનારાના વિસ્તારોમાંથી ઘણા મૃતદેહો પ્રાપ્ત થયા છે અને હાલ સર્ચ ઑપરેશન ચાલુ છે.

ઇન્ટરનૅશનલ ઑર્ગનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઓએમ) અનુસાર, મૃતકોમાં મહત્તમ નાગરિકો ઇથિયોપિયાના હતા. આઈઓએમએ આ ઘટનાને 'કાળજું કંપાવનારી' ગણાવી છે.

હૉર્ન ઑફ આફ્રિકાથી ખાડીના દેશો તરફ જતા પ્રવાસીઓ માટે યમન એક મુખ્ય માર્ગ છે. આઈઓએમનું અનુમાન છે કે હાલના મહિનાઓમાં સમુદ્ર અકસ્માતમાં સેંકડો મુસાફરો માર્યા ગયા છે અથવા લાપતા થયા છે.

ઇઝરાયલી મંત્રી જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પહોંચ્યા, દશકો જૂની વ્યવસ્થાનું કર્યું ઉલ્લંઘન

ઇઝરાયલી મંત્રી જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પહોંચ્યા, દશકો જૂની વ્યવસ્થાનું કર્યું ઉલ્લંઘન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Itamar Ben-Gvir X account

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતેમાર બેન-ગ્વેર

ઇઝરાયેલના કટ્ટર જમણેરી જૂથના ગણાતા રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતેમાર બેન-ગ્વેર જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાર્થના કરી હતી.

ઇતેમાર બેન-ગ્વેરનાં આ પગલાંથી મધ્ય પૂર્વનાં સૌથી સંવેદનશીલ સ્થળો પૈકીના આ એક સ્થળ માટે દાયકાઓથી ચાલતી વ્યવસ્થાનો ભંગ થયો છે.

તેમની આ મુલાકાતના ફોટા અને વિડિયોમાં બેન-ગ્વિરને કબજા કરાયેલા પૂર્વી જેરુસલેમના પરિસરમાં યહૂદી પ્રાર્થના સભાનું નેતૃત્વ કરતાં દર્શાવવામાં આવ્યા છે, જેને યહૂદીઓ "ટેમ્પલ માઉન્ટ" તરીકે ઓળખે છે.

આ સ્થળે પ્રાર્થના કરવી એ લાંબા સમયથી ચાલતી એ સમજદારીનો ભંગ છે, જેના હેઠળ યહૂદીઓને ત્યાં જવાની મંજૂરી છે, પરંતુ પ્રાર્થના કરવાની નહીં.

ઇઝરાયેલના વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઇઝરાયેલની યથાવત્ સ્થિતિ જાળવવાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી, અને તે મુજબ ત્યાં માત્ર મુસ્લિમોને જ ઇબાદત કરવાની મંજૂરી છે.

જૉર્ડન, જે આ સ્થળનો પરંપરાગત સંરક્ષક છે, તેણે બેન-ગ્વિરની તાજેતરની મુલાકાતને "ઉશ્કેરનારી" ગણાવી છે.

હમાસે આ પગલાને "પેલેસ્ટિનિયન લોકો સામે ચાલી રહેલી આક્રમકતાને વધુ ઉગ્ર બનાવતું પગલું" ગણાવ્યું છે.

જ્યારે પેલેસ્ટિનિયન ઑથોરિટીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના પ્રવક્તાએ કહ્યું કે "આ મુલાકાતે તમામ હદો પાર કરી દીધી છે."

યહૂદીઓ આ સ્થળને સૌથી પવિત્ર સ્થાન માને છે, કારણ કે અહીં તેમનાં બે પ્રાચીન ઉપાસના સ્થળો હતાં.

મુસ્લિમો માટે પણ આ ત્રીજું સૌથી પવિત્ર સ્થાન છે, કારણ કે માનવામાં આવે છે કે 'પયગંબર મહંમદ અહીંથી જ સ્વર્ગયાત્રા પર ગયા હતા.'

1967ના મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે આ સ્થળને જૉર્ડન પાસેથી છીનવીને પોતાના કબજામાં લીધું હતું.

હાલમાં જે વ્યવસ્થા અમલમાં છે, તેના હેઠળ જૉર્ડનને આ સ્થળના પરંપરાગત સંરક્ષક રહેવાની મંજૂરી છે, જ્યારે ઇઝરાયેલ પાસે સુરક્ષા અને ત્યાં પ્રવેશ આપવાની જવાબદારી છે.

IND vs ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીતથી ચાર વિકેટ દૂર, ઇંગ્લૅન્ડને મૅચ જીતવા જોઈએ છે 35 રન

IND vs ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીતથી ચાર વિકેટ દૂર, ઇંગ્લૅન્ડને મૅચ જીતવા જોઈએ છે 35 રન – ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી, સ્પોર્ટ્સ, ક્રિકેટ, ભારતીય ટીમ, ટીમ ઇન્ડિયા, ઓવલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રસિદ્ધ ક્રિષ્ણાએ જ્યારે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જો રૂટને આઉટ કર્યા ત્યારની તસવીર

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટમૅચની સિરીઝનો છેલ્લો મુકાબલો લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે. આ મૅચનો નિર્ણય આજે એટલે કે પાંચમા દિવસે થશે. મુકાબલામાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને જીત માટે 374 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઇંગ્લૅન્ડની છ વિકેટ પડી ગઈ છે. ઇંગ્લૅન્ડ જીતથી 35 રન દૂર છે જ્યારે કે ભારતે જીત માટે ચાર વિકેટ પાડવી પડશે. ચોથા દિવસે વરસાદને કારણે રમત વહેલી બંધ રહી હતી.

જ્યારે રમત બંધ રહી ત્યારે જેમી ઓવર્ટન શૂન્ય તથા જેમી સ્મિથ 2 રન બનાવીને નૉટઆઉટ હતા.

આ મૅચ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણકે ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ છે. સિરીઝમાં બરાબરી કરવા આ મૅચ જીતવી ભારત માટે જરૂરી છે. જો ઓવલ ટેસ્ટ ડ્રૉ થઈ તો ઇંગ્લૅન્ડ સિરીઝ જીતી જશે. જો આ મૅચ ઇંગ્લૅન્ડ જીતી જશે તો પણ તે સિરીઝ જીતી જશે. અને જો ભારત આ મૅચ જીતી જશે તો સિરીઝ બરાબરી પર સમાપ્ત થશે.

ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગમાં જો રૂટે 105 રન બનાવ્યા. જ્યારે કે હૅરી બ્રૂકે 111 રન બનાવ્યા. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ત્રણ જ્યારે કે મોહમ્મદ સિરાઝે બે વિકેટ લીધી. આકાશદીપને એક વિકેટ મળી.

ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગના આધારે 23 રનની બઢત મળી હતી. ભારતીય ટીમની બીજી ઇનિંગ 396 પર સમાપ્ત થઈ ગઈ હતી. જેમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને નાઇટવૉચમૅન તરીકે આવેલા આકાશદીપે 66 રન ફટકાર્યા હતા. વૉશિંગ્ટન સુંદરે પણ અર્ધશતકીય ઇનિંગ રમીને 53 રન બનાવ્યા તથા રવીન્દ્ર જાડેજાએ પણ 53 રન બનાવ્યા હતા. જોશ ટંગે પાંચ વિકેટ લીધી હતી જ્યારે કે ગસ ઍટકિંસનને ત્રણ સફળતા પ્રાપ્ત થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન