એ જળમાર્ગ જે ઈરાન બંધ કરે તો ભારત સહિત એશિયાના દેશોની મુશ્કેલી વધી શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ મુન્ડો
- વાંચવાનો સમય: 6 મિનિટ
ઇઝરાયલ તથા અમેરિકા દ્વારા ઈરાનનાં અલગ-અલગ શહેરો ઉપર હવાઈહુમલા કરવામાં આવ્યા, એ પછી ઈરાને મધ્યપૂર્વ એશિયાના પાડોશી દેશો ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા છે.
વિશ્વની મોટી ઊર્જા નિકાસકર્તા કંપનીઓમાંથી એક કતાર ઍનર્જીએ પોતાના એકમો ઉપર "લશ્કરી હુમલા" બાદ પોતાનું ઉત્પાદન અટકાવી દીધું હતું. જેની સીધી અસર ગૅસના ભાવો ઉપર જોવા મળી હતી.
બીજી બાજુ, ઈરાને હૉર્મુઝ સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી છે, વિશ્વનું 20 ટકા ક્રૂડ અને ગૅસ આ માર્ગેથી પસાર થાય છે. આથી, તેની સીધી અસર ભારતને થશે.
ઈરાને આ વિસ્તારમાં ઓછાંમાં ઓછાં ત્રણ જહાજો ઉપર હુમલો કર્યો હતો. ઈરાની જનરલ સરદાર જબ્બારીએ ધમકી આપી છે કે 'એક પણ ટીપું ઑઇલ આ ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળી શકે.'
સ્ટ્રેટ ઑફ હૉર્મુઝએ ઈરાનનીખાડીને ઓમાનની ખાડી સાથે જોડતો સાંકળો જળમાર્ગ છે. જાણો ચર્ચામાં આવેલા આ દરિયાઈમાર્ગનું વ્યૂહાત્મક મહત્ત્વ.
હૉર્મુઝ સામુદ્રધુની કેમ દુનિયા માટે મહત્ત્વપૂર્ણ છે

આ સાંકળો જળમાર્ગ મધ્યપૂર્વ એશિયાના ઑઇલ ઉત્પાદકોને એશિયા-પૅસિફિક, યુરોપ તથા ઉત્તર અમેરિકાના વપરાશકર્તા દેશો સાથે જોડે છે.
ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડે સોમવારે હૉર્મુઝ સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી હતી અને અહીંથી કોઈ જહાજ પસાર થવાનો પ્રયાસ કરે, તો તેની ઉપર હુમલો કરવાની ધમકી આપી હતી.
ઈરાનના સરકારી મીડિયાએ રિવૉલ્યુશનરી ગાર્ડના કમાન્ડર-ઇન-ચીફના વરિષ્ઠ સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીને ટાંકતા એક નિવેદન બહાર પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમાં જણાવાયું હતું, "સામુદ્રધુની (હૉર્મુઝ) બંધ છે. જો કોઈ ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો રિવૉલ્યુશનરી ગાર્ડના નાયકો અને રૅગ્યુલર નેવીએ જહાજોને આગ લગાડી દેશે."
ઈરાને પહેલી વખત આ જળમાર્ગને સદંતર બંધ કરવાની તથા અહીંથી પસાર થતાં જહાજો ઉપર સૈન્યહુમલા કરવાની જાહેરાત કરી છે.
ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનનાં વ્યૂહાત્મક સ્થળો ઉપર મોટાપાયે હવાઈહુમલા કર્યા હતા, જેમાં આયતુલ્લાહ અલી ખામેનેઈ સહિત અને સરકારના અનેક નેતાઓ અને સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા.
જેના જવાબમાં ઈરાને ઇઝરાયલ તથા પાડોશી દેશોમાં આવેલાં અમેરિકાનાં સૈન્યમથકો ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જેના કારણે પ્રાદેશિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.
સામુદ્રધુનીની ઉત્તરે ઈરાન તથા દક્ષિણએ ઓમાન અને યુએઈ છે.
તેનો પ્રવેશમાર્ગ અને જ્યાં તે પૂરો થાય, ત્યાં પહોળાઈ 50 કિલોમીટર છે.
જ્યાંથી આ જળમાર્ગ ઓમાન તથા ઈરાનને અલગ પાડે છે, ત્યાં સૌથી ઓછી પહોળાઈ (33 કિલોમીટર) છે.
તેમાં બે શિપિંગ લેન છે અને બંનેની પહોળાઈ માત્ર ત્રણ-ત્રણ કિલોમીટર છે. આ સિવાયના ભાગમાં આ સ્ટ્રેટ એટલો ઊંડો છે કે વિશ્વનાં મોટાં-મોટાં ઑઇલ ટૅન્કર ત્યાંથી પસાર થઈ શકે છે.
યુએસ ઍનર્જી ઇન્ફર્મેશન ઍડ્મિનિસ્ટ્રેશનના અનુમાન પ્રમાણે, ગત બે વર્ષના ગાળા દરમિયાન દરરોજ બે કરોડ બૅરલ ક્રૂડઑઇલ અહીંથી પસાર થયું છે. દરવર્ષે 500 અબજ ડૉલર કરતાં વધુનાં ઊર્જાઉત્પાદનો અહીંથી પસાર થાય છે.
સાઉદી અરેબિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈત જેવા ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ ઍક્સ્પૉર્ટિંગ કંટ્રીઝ (ઑપેક) આ માર્ગે ક્રૂડઑઇલ તથા કતાર એલએનજીની (લિક્વિફાઇડ નૅચરલ ગૅસ) નિકાસ કરે છે.
એટલે જ આ જળમાર્ગમાં કોઈ અવરોધ ઊભો થાય, તો તેની અસર વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશો ઉપર જોવા મળે છે.
આને કારણે ચીનને સૌથી વધુ અસર થશે, કારણ કે તે ઈરાની ઑઇલનું સૌથી મોટું ખરીદદાર છે તથા તેની સાથે ખૂબ જ નિકટતાના સંબંધ ધરાવે છે.
અમેરિકાની સરકારે ચીનને ચેતવણી આપી છે કે ઈરાનની નાકાબંધીથી પશ્ચિમી દેશો કરતાં ચીનને જ વધુ નુકસાન થશે.
જૂન-2025માં ઈરાને આવી જ ધમકી આપી હતી. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું, "જો તેઓ સામુદ્રધુની (હૉર્મુઝ) બંધ કરશે.....તો એ તેમના માટે આર્થિક આત્મહત્યા જેવું હશે. એને પહોંચી વળવા માટે અમારી પાસે અનેક વિકલ્પ છે, પરંતુ અન્ય દેશોએ ધ્યાન આપવું રહ્યું. અમને આર્થિક રીતે અસર કરશે, એના કરતાં વધુ તેમને અસર કરશે."
હૉર્મુઝ સામુદ્રધુની બંધ થવાથી શું અસર થશે?

ઇમેજ સ્રોત, Iranian Army/Handout/Anadolu via Getty Images
એ સમયે યુકેની વિદેશી ગુપ્તચર સંસ્થા એમઆઈ6ના પૂર્વ વડા ઍલેક્સ યંગરે બીબીસીને કહ્યું હતું, "તેલના ભાવો ઉપર અસર પડવાને કારણે તેનાથી ખૂબ જ મોટી આર્થિક સમસ્યા ઊભી થશે."
કુવૈત યુનિવર્સિટી ખાતે આરબ ભૂરાજકારણના ઍજ્યુટન્ટ પ્રોફેસર બદર-અલ-સૈફના કહેવા પ્રમાણે, તે અગાઉ ક્યારેય ન બની હોય તેવી ઘટના શશે.
સૈફે કહ્યું હતું, "વિશ્વના બજારો ઉપર તેની સીધી અસર થશે, કારણ કે તેનાથી ઑઇલના ભાવો વધશે. જ્યારે શૅરબજારો નર્વસ થઈ જશે."
આઠેક મહિના પહેલાં સૈફે જે વાત કરી હતી એ આજે યથાર્થ ઠરતી જણાય છે. આનાથી ખાડી દેશોને પણ અસર થશે, કારણ કે તેમનાં અર્થતંત્ર પેટ્રોલિયમ પેદશોની નિકાસ ઉપર નિર્ભર છે.
રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ ફર્મ વૉર્ટેક્સના જણાવ્યા પ્રમાણે, સાઉદી અરેબિયા આ જળમાર્ગના રસ્તે દરરોજ 60 લાખ બૅરલ ક્રૂડઑઇલની નિકાસ કરે છે.
ઈરાન આ જળમાર્ગ કઈ રીતે બંધ કરી શકે?

ઇમેજ સ્રોત, Reuters
સંયુક્ત રાષ્ટ્રસંઘના નિયમો મુજબ, દરેક દેશ પોતાના દરિયાકાંઠાથી 12 નૉટિકલ માઇલ સુધીના વિસ્તાર ઉપર આધિપત્ય ધરાવે છે.
આનો અર્થ એ થાય કે જ્યાં હૉર્મુઝ સામુદ્રધુની એકદમ સાંકળી પટ્ટી છે, ત્યાંથી જે જહાજ પસાર થાય છે, તે ઓમાન કે ઈરાનના જળવિસ્તારમાંથી પસાર થાય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઈરાન ફાસ્ટ બોટ અથવા સબમરીનનો ઉપયોગ કરીને આ જળમાર્ગમાં સુરંગો પાથરી શકે છે. જેની સીધી અસર દરમહિને આ રસ્તે પસાર થતા ત્રણ કરતાં વધુ જહાજોને થઈ શકે છે.
આ સિવાય ઈરાનની નેવી તથા ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી) અહીંથી જે યુદ્ધ કે વેપારી જહાજ થાય, તેમનાં ઉપર હુમલો કરી શકે છે.
જોકે, અમેરિકાનો દાવો છે કે તેણે તાજેતરના હુમલામાં ઈરાનના સમગ્ર નૌકાકાફલાનો નાશ કરી દીધો છે.
જોકે, ઈરાનની ફાસ્ટબોટમાં ઘણી વખત જહાજવિરોધી મિસાઇલો લાગેલી હોય છે. આ સિવાય ઈરાન પાસે સેમિ-સબમર્શિબલ જહાજ અને સબમરીનો પણ છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન હંગામી ધોરણે આ જળમાર્ગ બંધ કરી શકે છે. જોકે, અમેરિકા તથા તેના સાથીદળો સૈન્યઅભિયાન દ્વારા આ જળમાર્ગને તરત જ ખુલ્લો કરાવી શકે છે, એ મતથી પણ નિષ્ણાતો સહમત છે.
અમેરિકા અગાઉ પણ આ પ્રકારનું અભિયાન હાથ ધી ચૂક્યું છે.
1980ના અંતભાગમાં ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન ઑઇલ એકમો ઉપર હુમલા શરૂ કરી દીધા હતા. જેના કારણે 'ટૅન્કર વૉર' શરૂ થયું હતું. બંને દેશ અહીંથી પસાર થતાં ત્રીજા દેશના જહાજો ઉપર હુમલા કરતાં હતાં, જેથી કરીને આર્થિક દબાણ ઊભું કરી શકાય.
પરિણામસ્વરૂપે અમેરિકાનાં યુદ્ધજહાજોનાં નેતૃત્વમાં અહીંથી વેપારી જહાજો નીકળતાં હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રકારનું આ સૌથી મોટું અભિયાન હતું.
કયા-કયા દેશોને સૌથી વધુ અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાને અગાઉ પણ સંઘર્ષો દરમિયાન હૉર્મુઝ સામુદ્રધુનીને બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ તેણે ક્યારેય આવું પગલું નહોતું લીધું.
ઈરાને 'ટૅન્કર વૉર' દરમિયાન આવી કવાયત હાથ ધરી હતી, પરંતુ ત્યારે પણ આ જળમાર્ગ જહજોની અવરજવર અટકી ન હતી.
જો આ વખતે નાકાબંધી ચાલે, તો તેની અસર વધુ થશે. ચીનની સ્વતંત્ર રિફાઇનરીઓને (જે ટીપૉટ રિફાઇનરી) સીધી અસર કરશે.
ઈરાનનું સસ્તું ઑઇલ હૉર્મુઝ સામુદ્રધુનીના રસ્તે પહોંચે છે. ચીનની જરૂરિયાનો અડધોઅડધ હિસ્સો અહીંથી પહોંચે છે.
વીમા કંપનીઓ આ રસ્તે પસાર થતાં જહાજોને ઇન્શ્યૉરન્સ આપવાનું બંધ કરી દે અને એનલએનજીનો પુરવઠો આવતો અટકી જાય તો આગામી અઠવાડિયાંમાં ચીનનાં અર્થતંત્ર ઉપર તેની અસર થઈ શકે છે. જેના કારણે ઑઇલના ભાવો વધવા લાગશે અને તેની અસર દેખાવા લાગી છે.
આ સિવાય ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આ જળમાર્ગથી પસાર થતાં ક્રૂડ ઑઇલ ઉપર આધાર રાખે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












