Ind Vs WI : ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું કેટલું મુશ્કેલ, ઇડન ગાર્ડન્સ પર વેસ્ટ ઇન્ડિઝ સામે કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકૉર્ડ?

ઇમેજ સ્રોત, ANI

વાંચવાનો સમય: 4 મિનિટ

હાલમાં ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં એક પછી એક ટીમો બહાર ફેંકાઈ રહી છે અને અત્યાર સુધીમાં માત્ર ન્યૂઝિલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટીમો સેમિફાઇનલ માટે નક્કી થઈ છે.

હવે બધાની નજર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે રમાનારી મૅચ પર રહેશે. ભારત અથવા વેસ્ટ ઇન્ડિઝ બેમાંથી એક ટીમ જ સેમિફાઇનલમાં પ્રવેશી શકશે અને તેનો નિર્ણય આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થવાનો છે.

વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં ભારતને હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ સેમિફાઇનલમાં પહોંચવાની આશા સંકટમાં મૂકાઈ ગઈ હતી.

હવે, રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચ 'ક્વાર્ટર ફાઇનલ' જેવી ટક્કર બની રહેશે. રવિવારની મૅચમાં જે કોઈ ટીમ વિજેતા થશે, તે દક્ષિણ આફ્રિકાની સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે.

ટુર્નામેન્ટમાં ચાર મૅચ જીત્યા બાદ, પાંચમો મુકાબલો હારીને ભારતે કડવા પાઠ ભણ્યા છે. છતાં હજુ કેટલીક સમસ્યાઓ દેખાઈ રહી છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

સેમિફાઇનલ માટે મહત્ત્વની મૅચ

ઇમેજ સ્રોત, Indranil MUKHERJEE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વેસ્ટ ઇન્ડિઝની ટીમ તાજેતરમાં સારો દેખાવ કરી રહી છે

મહત્ત્વની વાત એ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 10 વર્ષ પછી ટી20 વર્લ્ડકપની કોઈ મૅચમાં મુકાબલો થવાનો છે. છેલ્લે 2016ના ટી20 વર્લ્ડકપમાં ભારત અને વિન્ડિઝ સામસામે આવ્યા હતા અને તે વર્લ્ડકપની સેમિફાઇનલ મૅચ હતી. તેમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝનો વિજય થયો હતો અને તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી ફાઇનલ પણ વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ

આ વખતે સેમિફાઇનલ માટે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આમ તો વર્ષોથી બહુ નબળી ગણાય છે, પરંતુ તાજેતરમાં તેના પ્રદર્શનમાં સુધારો થયો છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર ટી20 વર્લ્ડકપ મૅચ રમાઇ છે જેમાં ભારત માત્ર એક મૅચ જીતી શક્યું છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને ભારત સામે ત્રણ વખત જીત મળી છે. સૂર્યકુમાર યાદવની ટીમ આ વખતે કેવો દેખાવ કરે છે તેના પર બધાની નજર રહેશે.

ભારત અને વિન્ઝિડ વચ્ચે 2009માં લૉર્ડ્સના મેદાન પર ટી20 વર્લ્ડકપની મૅચ રમાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝનો સાત વિકેટે વિજય થયો હતો.

ત્યાર પછી 2010માં બ્રિજટાઉનમાં રમાયેલી મૅચમાં પણ વેસ્ટ ઇન્ડિઝે 14 રને વિજય મેળવ્યો હતો.

2014માં મીરપુરમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થયો જેમાં ભારત સાત વિકેટે જીત્યું હતું.

છેલ્લે 2016માં વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે તમામ ટી20 મૅચનો રેકૉર્ડ જોવામાં આવે તો તેમાં ભારત આગળ છે.

બંને દેશો વચ્ચે કુલ 30 ટી20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે. તેમાંથી 19 મૅચમાં ભારતની જીત થઈ છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝનો 10 વખત વિજય થયો છે.

એક મૅચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

ભારત માટે રાહતની વાત એ છે કે ઇડન ગાર્ડન્સ ખાતે અત્યાર સુધીમાં ભારત ચાર મૅચ રમ્યું છે અને દરેક વખતે ભારતનો વિજય થયો છે. પરંતુ તેવી જ રીતે વેસ્ટ ઇન્ડિઝને પણ આ મેદાનમાં હંમેશા સફળતા મળી છે.

જો, ભારત સેમિફાઇનલમાં પહોંચે તો કોની સાથે ટક્કર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય બેટિંગ લાઇન કેટલા ઝડપી રન બનાવે છે તેના પર ઘણો દારોમદાર રહેશે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત આજે વેસ્ટ ઇન્ડિઝને હરાવે તો સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કોની સાથે થશે તે પણ મહત્ત્વનો સવાલ છે.

હાલમાં તો બેટિંગ અને બૉલિંગ બંનેમાં સંતુલિત દેખાવના કારણે ભારતને ફૅવરિટ માનવામાં આવે છે, પરંતુ ક્રિકેટમાં ગમે તે થઈ શકે છે.

અત્યાર સુધીના આંકડા જોવામાં આવે તો સેમિફાઇનલમાં ભારતની ટક્કર ઇંગ્લૅન્ડ સાથે થાય તેવી શક્યતા છે. ગ્રૂપ-2માં ઇંગ્લૅન્ડ પોતાની ત્રણેય મૅચ જીતીને ટૉપ પર છે.

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝને હરાવશે તો તેની પાસે 4 પૉઇન્ટ થશે. આ સાથે ભારત ગ્રૂપ-1માં બીજા ક્રમે આવી જશે. પહેલા સ્થાન પર સાઉથ આફ્રિકા રહેશે એવું લાગે છે, કારણ કે હાલમાં સાઉથ આફ્રિકા પાસે 4 પૉઇન્ટ છે અને નેટ રન-રેટમાં પણ તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ કરતા આગળ છે. પહેલી માર્ચે સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મૅચ થવાની છે જેમાં સાઉથ આફ્રિકા જીતે તેવી શક્યતા વધારે દેખાય છે.

ગ્રૂપ 1માં ટૉચ પર રહેનાર ટીમ ગ્રૂપ 2ની બીજા રૅન્કની ટીમ સામે સેમિફાઇનલ રમશે. તેથી ચોથી માર્ચે સાઉથ આફ્રિકાની ટક્કર ન્યૂઝિલૅન્ડ સાથે થાય તેવી સંભાવના છે. જો ભારત વેસ્ટ ઇન્ડિઝને હરાવશે તો પાંચમી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર થાય તેવી પૂરી શક્યતા છે.

જો, દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે હારે તો પછી રન-રેટના આધારે નક્કી થશે કે કોણ બંને ગ્રૂપમાં પહેલા અને બીજા સ્થાને છે. તેના આધારે સેમિફાઇનલની ટક્કર નક્કી થશે. જો, ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે હારી જાય અને ઝિમ્બાબ્વે સામે દક્ષિણ આફ્રિકા જીતી જાય તો દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલમાં ટકરાય તેવી શક્યતા પણ છે. પરંતુ ભારતની આજની મૅચ બાદ આ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન