અમદાવાદ : ટી 20 વર્લ્ડકપ સુપર-8ની મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે અભિષેક શર્માના રમવા અંગે કૅપ્ટને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. સુપર-8 રાઉન્ડમાં ભારતનો આ પ્રથમ મુકાબલો છે.

આમ તો ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતને ટ્રૉફી માટે ફેવરિટ માનવામાં આવે છે, ગ્રૂપ લેવલની મૅચ દરમિયાન ભારતની એક નબળાઈ ઊડીને આંખે વળગી હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમે તેની ઉપર ધ્યાન આપવાની વાત કરી છે.

ભારત પણ પોતાની આ નબળાઈ વિશે જાણે છે, એટલે જ શનિવારે જ્યારે પ્રૅક્ટિસ મૅચ ચાલી રહી હતી, ત્યારે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

બીજી બાજુ, ઓપનર અભિષેક શર્માનું ફૉર્મ પણ ટીમ મૅનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. જોકે, કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પહેલાં આના વિશે સ્પષ્ટતા કરી દીધી હતી.

ટુર્નામેન્ટની તમામ ચાર મૅચ જીતીને ન કેવળ પોતાના ગ્રૂપમાં, પરંતુ તમામ ગ્રૂપના પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચ ઉપર છે.

આજની મૅચ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મૅચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.

ભારતની નબળાઈ ઉપર ધ્યાન

ઇમેજ સ્રોત, ANI

ગત ચાર મૅચમાં ભારતનો વિજય થયો છે, પરંતુ સ્પિન બૉલર્સ સામે ભારતના શરૂઆતના ક્રમના પ્રારંભિક બૅટ્સમૅન સંઘર્ષ કરતા જણાયા છે. જેની અસર પાવરપ્લે દરમિયાન ભારતના સ્કૉર ઉપર પણ જોવા મળી હતી.

ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ કહી ચૂક્યા છે કે ટુર્નામેન્ટ દરમિયાન ટીમે 'તમામ બૉક્સ' ટિક નથી કર્યા. ક્યારેક ભારતની બેટિંગની નબળાઈ છતી થઈ છે કો કોઈ મૅચમાં ફિલ્ડિંગક્ષેત્રની ખામીઓ સામે આવી છે.

ઑફ-સ્પિન બૉલરોની સામે ભારતના ડાબોડી બૅટ્સમૅનોનો સંઘર્ષ છેલ્લા કેટલાક મહિનાઓથી જોવા મળી રહ્યો છે. એવી પણ શક્યતા છે કે પાકિસ્તાન અને નૅધરલૅન્ડ બાદ દક્ષિણ આફ્રિકા પણ તેના બૉલિંગ આક્રમણની શરૂઆત સ્પિન બૉલિંગથી કરે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

શનિવારની પ્રૅક્ટિસ મૅચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના સ્પિન બૉલરો મેદાન ઉપર ખાસ્સો પરસેવો પાડતા જોવા મળ્યા હતા. મહેમાન ટીમના કોચે સ્પિન બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅનોના સંઘર્ષની વાત કરીને તેની ઉપર ધ્યાન આપશે, એમ જણાવ્યું છે.

કદાચ ભારત પણ આ વાત જાણે છે, એટલે જ વરુણ ચક્રવર્તી અને વૉશિંગ્ટન સુંદરે તિલક વર્મા, ઇશાન કિશન, રિંકુ સિંહ તથા અભિષેક શર્માને બૉલિંગ કરી હતી.

આ ગાળા દરમિયાન ભારતના ફાસ્ટ બૉલરો મહદંશે પ્રેક્ષક જ બની રહ્યા હતા.

અભિષેક શર્માનું શું થશે?

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અભિષેક શર્મા ટુર્નામેન્ટની પહેલી મૅચ બીમારીને કારણે નહોતા રમી શક્યા. એ મૅચ નામિબિયા સામે હતી.

એ પછી યુએસ, પાકિસ્તાન અને નૅધરલૅન્ડ સામેની મૅચ દરમિયાન તેઓ કોઈ સ્કોર નહોતા કરી શક્યા અને શૂન્ય રને આઉટ થયા હતા. જેના કારણે પાવરપ્લે દરમિયાન ટીમના સ્કોર ઉપર અસર જોવા મળે છે.

અચાનક જ મેદાન ઉપર ઊતરવાને કારણે તિલક વર્મા સ્કોર તો કરે છે, પરંતુ તેમની ઉપરનું દબાણ તેમણે રમેલા બૉલની સંખ્યા ઉપર સ્પષ્ટપણે વર્તાય છે.

સોશિયલ મીડિયા ઉપર ન કેવળ શર્માના પર્ફૉર્મન્સ, પરંતુ ટીમમાં તેમની હાજરી અંગે સવાલ ઊભા થવા લાગ્યા છે.

નામિબિયા સામેની મૅચમાં અભિષેક શર્માના સ્થાને સંજુ સેમસનને તક મળી હતી, જેનો તેમણે લાભ લીધો હતો અને બૅટથી પરચો દેખાડ્યો હતો.

જોકે, મૅચ પહેલાં શનિવારે યોજાયેલી પત્રકારપરિષદ દરમિયાન આ ચર્ચા ઉપર વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો.

ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્માના ફૉર્મ વિશે કહ્યું કે જેઓ અભિષેક શર્મા અંગે ચિંતિત છે, એમના વિશે તેઓ ચિંતિત છે.

સૂર્યકુમાર યાદવે અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું, "હવે જે ટીમોનો એમની (અભિષેક શર્મા) સાથે સામનો થવાનો છે, એમના વિશે મને ચિંતા છે. એમણે ગતવર્ષે બધું કર્યું હતું, હવે આપણે એને (અભિષેક શર્માને) સાથ દેવાનો સમય આવ્યો છે."

અમદાવાદની પિચ વિશે યાદવે કહ્યું હતું, "અમે વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મૅચ રમી, ત્યારથી અત્યાર સુધી અમે અલગ-અલગ પ્રકારની વિકેટો ઉપર રમ્યા છીએ. અમે પિચ મુજબ રમવા માટે ટેવાઈ ગયા છીએ."

"વિકેટ ચૅલેન્જિંગ નહીં, પરંતુ ટ્રિકી હોય છે. પાવરપ્લે પછી કેવી રીતે બેટિંગ કરવી અને પછી તેને આગળ ધપાવીને અંત સુધી કેવી રીતે રમવું, એ અમે સમજીએ છીએ."

હારજીતના નિર્ણયમાં ટૉસની ભૂમિકા અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને લાગે છે કે ટૉસ ઓવરરેટેડ છે. જો તમે પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી હોય, તો ભેજ છતાં તમારા બૉલરો મૅચ બચાવી શકે છે."

ટુર્નામેન્ટની શરૂઆતથી હૉટ ફેવરિટ મનાતી ભારતની ટીમ સુપર-8 અને પછીના તબક્કે પણ આ ટૅગ જાળવી શકશે કે કેમ, તેના અણસાર રવિવારની મૅચથી મળી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન