ઝૂંપડપટ્ટીમાં બાળકો માટે શાળા શરૂ કરનારાં શિક્ષિકાને 9 કરોડ રૂપિયાનો મળ્યો પુરસ્કાર

ઇમેજ સ્રોત, Cherylann Mollan/BBC

ઇમેજ કૅપ્શન, ભારતમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા બદલ રૂબલ નૅગીને ગ્લોબલ ટિચર પ્રાઇઝ, 2026થી સન્માનિત કરવામાં આવ્યાં છે.
    • લેેખક, શૅરિલેન મોલન
    • પદ, મુંબઈ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

મુંબઈ શહેરના પોશ વિસ્તાર ગણાતા કોલાબાનો એક સાંકડો પટ્ટો કૉંક્રિટનાં નાનાં ખાનાંઓથી ભરેલા ટુકડાઓ ધરાવતા ભાગ પર ખૂલે છે. આ ખૂણાનો ઉપયોગ ધોબીઓ શહેરનાં કપડાં ધોવા-સૂકવવા માટે કરે છે.

આ વિસ્તારની આસપાસ ભડકદાર લાલ, વાદળી, લીલા અને પીળા રંગની ઝૂંપડીઓ આવેલી છે. ઝૂંપડીઓ એકબીજા સાથે ચપોચપ જોડાયેલી છે. આ વસ્તીમાં મોટાભાગે ધોબીઓ અને તેમના પરિવારો રહે છે, તેમાંના ઘણા લોકો અહીં જ રહે છે અને કામ કરે છે.

આ ભૂલભૂલામણીની અંદર નાનું અમથું શિક્ષણ કેન્દ્ર આવેલું છે, જ્યાં ગણિત અને ભાષા કૌશલ્યના પાયાના પાઠ ભણાવાય છે, જેથી બાળકોને પ્રથમ વખત ઔપચારિક શિક્ષણ મેળવવામાં અથવા શાળા છોડી દીધા પછી શિક્ષણ તરફ પરત ફરવામાં મદદ મળે છે.

આ કેન્દ્ર શહેરના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અમુક સમુદાયોને શિક્ષણ તરફ વાળવા માટે ત્રણ દાયકાથી કાર્યરત 45 વર્ષીય કલાકાર રૂબલ નૅગીએ સ્થાપેલા બિન-નફાકારી સંગઠન દ્વારા ચલાવવામાં આવે છે.

ગ્લોબલ ટીચર પુરસ્કારનું સન્માન

ઇમેજ સ્રોત, Cherylann Mollan/BBC

ઇમેજ કૅપ્શન, કોલાબાની શાળાનું દૃશ્ય

ચાલુ મહિનાના પ્રારંભમાં નૅગીને શિક્ષણના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારા શિક્ષકોને સન્માનિત કરવા માટે યુનેસ્કો સાથેના સહયોગથી વર્કી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા ગ્લોબલ ટીચર પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં, જે હેઠળ તેમને દસ લાખ ડૉલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાનું પ્રાઇઝ મળ્યું હતું.

ગ્લોબલ ટીચર પ્રાઇઝની વેબસાઇટ અનુસાર, 139 દેશોમાંથી આવેલાં 5,000 નામાંકનો તથા અરજીઓમાંથી નૅગીની પસંદગી કરવામાં આવી હતી.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, નૅગીએ તેમના બિન-નફાકારી સંગઠન - રૂબલ નૅગી આર્ટ ફાઉન્ડેશન (આરએનએએફ) થકી 100 કરતાં વધુ વંચિત સમુદાયો અને ગામોમાં 800થી વધુ શિક્ષણ કેન્દ્રો સ્થાપ્યાં હતાં.

નૅગીએ કહ્યું હતું કે, આશરે ત્રણ દાયકા પહેલાં એક છોકરો નૅગીના આર્ટ વર્કશોપમાં આવ્યો હતો. નૅગીને માલૂમ પડ્યું કે, તે બાળક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને નબળી આર્થિક સ્થિતિને કારણે શાળાએ જઈ શકે તેમ નહોતો. તે સમયે નૅગીને વંચિત સમુદાયો સુધી શિક્ષણ પહોંચાડવાની અણધારી પ્રેરણા થઈ હતી.

નૅગી કહે છે કે, તેમની વચ્ચે થયેલી વાતચીતથી પ્રેરાઈને તેઓ છોકરાની વસ્તીમાં ગયાં અને તેમણે ત્યાંની દીવાલોને ભીંતચિત્રોથી સુશોભિત કરીને આ વિસ્તારનો દેખાવ થોડો સુધારવાની વાત કરી.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

કેવી રીતે શરૂઆત થઈ?

ઇમેજ સ્રોત, Cherylann Mollan/BBC

ઇમેજ કૅપ્શન, નૅગીની સંસ્થા ઝૂંપડપટ્ટીઓની દીવાલો પર શૈક્ષણિક ભીંતચિત્રો દોરે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નૅગી તે દૃશ્ય વાગોળતાં કહે છે, "અમે જ્યાં પેઇન્ટિંગ કરી રહ્યાં હતાં, ત્યાં બાળકો એકઠાં થવા માંડ્યાં. આથી, મેં તેમને પૂછ્યું કે, તેમને વાર્તા સાંભળવી છે? તેમણે હા પાડી."

તેઓ કહે છે કે, બસ, તે સમયે નૅગીને લાગ્યું કે, ગરીબ સમુદાયોનાં બાળકો શિક્ષણ મેળવવાં માગે છે અને તેઓ કળા થકી બાળકોમાં શિક્ષણ માટે રસ જગાવી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં નૅગી તથા તેમની ટીમે દેશનાં ઘણાં શહેરોમાં શિક્ષણ કેન્દ્રો સ્થાપ્યાં છે, જ્યાં શિક્ષકોને વિભાવના સરળ બનાવવા માટે શિક્ષણ આધારિત શિક્ષણનો ઉપયોગ કરવા માટે ઉત્તેજન આપવામાં આવે છે.

કૌશલ્ય આધારિત શિક્ષણ માટે સ્વયંસેવકોને સાંકળવામાં આવે છે અને અનુદાનથી બાળકોને પુસ્તકો, બૅગ અને શિક્ષણ માટેની અન્ય સામગ્રી મેળવવામાં સહાય મળે છે.

નૅગી જણાવે છે કે, તમામ કેન્દ્રો ઇંટ-પથ્થરથી બનેલા વર્ગખંડો નથી ધરાવતાં. અમુક વખત ઝૂંપડપટ્ટીની ખુલ્લી જગ્યામાં વર્ગો લેવાય છે, જ્યાં વિદ્યાર્થીઓ આસન અને ચટાઈ પર બેસે છે.

નૅગી કહે છે, "શિક્ષણ તો ગમે ત્યાં આપી શકાય. બસ, તેને રસપ્રદ બનાવવાની જરૂર હોય છે."

પરંતુ આ કેન્દ્રો ચલાવવામાં પડકારો પણ રહેલા છે. નૅગી કહે છે કે, ઘણાં બાળકો અવ્યવસ્થિત પરિવારોમાંથી આવતાં હોય છે અને સંસ્થાના શિક્ષકોએ ઘણી વખત કાઉન્સેલર અને સંરક્ષક તરીકેની બેવડી ભૂમિકા ભજવવી પડે છે.

નૅગી કહે છે, "જો કોઈ બાળક સળંગ એક અઠવાડિયા સુધી સેન્ટર પર ન આવે, તો સ્વયંસેવક તે બાળકની તપાસ કરવા માટે તેના ઘરે જાય છે."

તેઓ ઉમેરે છે કે, તેઓ બાળકોનાં માતા-પિતા સાથે પણ નિયમિતપણે સેશન્સ ગોઠવે છે, જેથી બાળકોના શિક્ષણમાં તેમની રુચિ જળવાઈ રહે. તેના કારણે તેમના ઘણા વિદ્યાર્થીઓ તેમનું શાળાકીય શિક્ષણ પૂરું કરી શક્યા છે અને સેન્ટર છોડ્યા પછી કૉલેજનું શિક્ષણ પણ મેળવે છે.

પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંસેવા

ઇમેજ સ્રોત, Cherylann Mollan/BBC

ઇમેજ કૅપ્શન, મયૂર તેમના પોતાના કલાના વર્ગો ચલાવે છે અને સાથે જ તેઓ આરએનએએફ સાથે સ્વયંસેવક તરીકે પણ કામ કરે છે.

સેન્ટરના ભૂતપૂર્વ વિદ્યાર્થી મયૂર હવે તેમના પોતાના કલાના વર્ગો ચલાવે છે અને પ્રિન્ટિંગનો નાનો વ્યવસાય ધરાવે છે.

સપ્તાહના અંતે તેઓ નૅગીની સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે, જેથી સમુદાયનાં અન્ય બાળકોને પણ તે તકો મળી શકે, જે તેમને મળી હતી.

નૅગી સમજાવે છે, "જ્યારે તમે આવી ઝૂંપડપટ્ટીઓ જેવા વિસ્તારોમાં કામ કરો છો, ત્યારે તમારે માત્ર વિદ્યાર્થીઓ સાથે નહીં, બલ્કે સમગ્ર સમુદાય સાથે સંબંધો પ્રસ્થાપિત કરવા પડે છે, પછી તે નાણાકીય સહાય હોય, મુશ્કેલ સમયમાં મદદ કરવાની હોય કે પછી કોઈ પરેશાન વ્યક્તિની વાત સાંભળવાની હોય."

"જો આપણે સમુદાયનો વિશ્વાસ તથા સહાય હાંસલ કરીએ, તો આપણે આપણાં કાર્યો ચાલુ રાખી શકીએ છીએ."

તેઓ કહે છે કે, તેઓ તેમના સંગઠનના 'મિસાલ' પ્રોજેક્ટ માટે પણ ઉત્સાહિત છે. આ પ્રોજેક્ટ ઝૂંપડપટ્ટીની દીવાલો પર વિજ્ઞાન અને આરોગ્ય, સ્વચ્છતાથી લઈને પર્યાવરણીય જાગૃતિ તેમજ સામાજિક જવાબદારી સુધીના વિષયો પર શૈક્ષણિક ભીંતચિત્રો દોરીને તેમને ઑપન-ઍર વર્ગખંડોમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન આપે છે.

નૅગી કહે છે કે, આ ભીંતચિત્રો રહેવાસીઓમાં ઉત્સુકતા જન્માવે છે અને લાંબા ગાળે તે લોકોની વર્તણૂંક, વ્યવહાર અને અભિગમમાં બદલાવ લાવવામાં પણ ઉપયોગી નીવડી શકે છે.

ઇમેજ સ્રોત, Cherylann Mollan/BBC

ઇમેજ કૅપ્શન, ખુશી (ડાબે) મોટી થઈને શિક્ષિકા બનવાં માંગે છે

પુરસ્કારની રકમમાંથી નૅગી તેમના સંગઠનની પહેલને દેશનાં વધુ સ્થળો સુધી લઈ જવાની આશા સેવી રહ્યાં છે. તેની શરૂઆત તેઓ જમ્મુ અને કાશ્મીરથી કરવાં માગે છે, જ્યાં તેમનો ઉછેર થયો હતો અને હવે તેઓ ત્યાં કમ્પ્યૂટરથી સજ્જ એક કૌશલ્ય અને શિક્ષણ કેન્દ્ર સ્થાપવા માગે છે.

કોલાબામાં આવેલી ઝૂંપડપટ્ટીઓની દીવાલો પર વિશાળ ભીંતચિત્રો અને પ્રેરણાદાયી સુવાક્યો જોવાં મળે છે. શિક્ષણ કેન્દ્રની દીવાલો પણ ઉજળા રંગોથી રંગેલી છે અને તેના પર જાત-ભાતની વનસ્પતિથી લઈને પ્રાણીઓનાં ચિત્રો દોરેલાં છે.

કેન્દ્રમાં ભણતી સાત વર્ષની ખુશી કહે છે કે, તેને શાળાએ આવવાનું ગમે છે અને મોટી થઈને તે શિક્ષક બનવાં ઇચ્છે છે. તેનાં માતા લોકોનાં ઘરે કામ કરે છે અને પરિવારની આર્થિક જવાબદારી તેમના શિરે છે.

અન્ય ઘણાં બાળકો આ પ્રકારની જ આર્થિકસ્થિતિ ધરાવે છે, પણ તમામ બાળકો ભવિષ્ય માટે આકાંક્ષા ધરાવે છે અને નૅગીની શાળાઓ તે બાળકોની મહત્ત્વાકાંક્ષાઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં ભૂમિકા ભજવવાની આશા સેવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન