અમેરિકાના સંરક્ષણ મંત્રીએ ડિફેન્સ ઇન્ટેલિજન્ટ એજન્સીના પ્રમુખને પદ પરથી હઠાવ્યા - ન્યૂઝ અપડેટ

અમેરિકાના સંરક્ષણ મંત્રીએ ડિફેન્સ ઇન્ટેલિજન્ટ એજન્સીના પ્રમુખને પદ પરથી હઠાવ્યા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લેફ્ટનન્ટ જનરલ જેફરી ક્રૂઝને ડીઆઈએના પદ પરથી હઠાવી દેવાયા છે.
વાંચવાનો સમય: 9 મિનિટ

અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્ટ એજન્સી (ડીઆઈએ)ના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ જેફરી ક્રૂઝને પદ પરથી હઠાવી દીધા છે.

બે અન્ય વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોને પણ તેમના પદ પરથી હઠાવવામાં આવ્યા છે. સંરક્ષણ વિભાગે આ સસ્પેન્સન પર પોતાની સ્પષ્ટતા કરી નથી.

જૂનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડીઆઈએના એક લીક થયેલા રિપોર્ટ પર કડક પ્રતિક્રિયા આપી હતી.

આ રિપોર્ટમાં કહેવાયું હતું કે ઈરાન પર કરવામાં આવેલા હુમલાથી તેનો પરમાણુ કાર્યક્રમ નષ્ટ નહોતો થયો, પરંતુ આ હુમલાથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પાછળ જરૂર ધકેલાયો છે.

ત્યાં વ્હાઇટ હાઉસે ડીઆઈએના આ આકલનને 'પૂર્ણ રીતે ખોટું' ગણાવ્યું હતું.

મંત્રીઓને હઠાવવાના સરકારના પ્રસ્તાવિત બિલ પર શું બોલ્યા કૉંગ્રેસ અધ્યક્ષ?

મંત્રીઓને હઠાવવાના સરકારના પ્રસ્તાવિત બિલ પર શું બોલ્યા કૉંગ્રેસ અધ્યક્ષ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ફાઇલ તસવીર

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર 130મું બંધારણનું સંશોધન બિલનો ઉપયોગ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કરશે.

તેમણે કહ્યું કે આ બિલ વિપક્ષને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવી રહ્યું છે.

130મું બંધારણ સંશોધન બિલમાં ભ્રષ્ટાચાર કે ગંભીર અપરાધના મામલામાં ઓછામાં ઓછી 30 દિવસો માટે હિરાસતમાં જનારા કે ધરપકડ થનારા મંત્રીઓને પદ પરથી હઠાવી શકાય તેવી જોગવાઈ છે.

મીડિયા સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું, "જ્યારે આ બિલ જૉઇન્ટ સિલેક્ટ કમિટીની પાસે ગયું છે. હવે આગળ શું થાય છે તે જોઈશું. તમામ કાયદાઓ તેમની પાસે છે. તેમણે ઘણા લોકોને ઈડી, સીબીઆઈ અને આઈટી મામલે ફસાવી રાખ્યા છે."

તેમણે કહ્યું, "ક્રિમિનલ પ્રૉસીજર કોડ શા માટે છે? શું છેલ્લાં 75 વર્ષથી ચાલી આવતા કાયદા બેકાર છે? આ બિલ સૌને વિશ્વાસમાં લઈને લાવવું જોઈતું હતું. પરંતુ તેની જગ્યાએ વિપક્ષને ડરાવીને અ તેમનાં ગઠબંધનનાં દળોને પોતાની સાથે લાવવાની કોશિશ થઈ રહી છે."

અમેરિકા માટે ટપાલ સેવા હાલ સ્થગિત કરાઈ, સરકારે જણાવ્યું આ કારણ

અમેરિકા માટે ટપાલ સેવા હાલ સ્થગિત કરાઈ, સરકારે જણાવ્યું આ કારણ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા જતી ઍર કૅરિયર્સે શિપમેન્ટ લઈ જવાનો ઇન્કાર કરી દીધો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્રિય સંચાર મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે અમેરિકા માટેની ટપાલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા જતી ઍર કૅરિયર્સ કંપનીઓએ શિપમેન્ટ લઈ જવાનું નકારી કાઢ્યું છે, કારણ કે, અમેરિકાના કસ્ટમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંગે સ્પષ્ટતા નથી.

તેમ છતાં, પત્રો, દસ્તાવેજો અને 100 અમેરિકી ડૉલર સુધીના મૂલ્યની ભેટવસ્તુઓ માટે ડાક સેવાઓ ચાલુ રહેશે.

અમેરિકી પ્રશાસને 30 જુલાઈ, 2025ના રોજ એક કાર્યકારી આદેશ બહાર પાડ્યો હતો. તેના અનુસાર 29 ઑગસ્ટથી 800 અમેરિકી ડૉલર સુધીની વસ્તુઓ પર લાગુ કરવામાં આવેલી ડ્યૂટી-ફ્રી છૂટ પરત લેવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે, આ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગશે.

આ આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય પોસ્ટલ નેટવર્ક દ્વારા શિપમેન્ટ પહોંચાડતી ટ્રાન્સપૉર્ટ કંપનીઓ માટે પોસ્ટલ શિપમેન્ટ પર કસ્ટમ ડ્યૂટી વસૂલવી અને જમા કરાવવી ફરજિયાત રહેશે.

જોકે, અમેરિકાના કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રૉટેક્શન (CBP) એ 15 ઑગસ્ટ, 2025ના રોજ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી હતી, પરંતુ ડ્યૂટી વસૂલવા અને જમા કરાવવાની પ્રક્રિયા અંગે હજુ પણ કેટલીક બાબતો સ્પષ્ટ નથી.

અમેરિકાને લઈને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, 'ભારત પાસેથી ઑઇલ ખરીદવામાં વાંધો હોય તો ન ખરીદો'

અમેરિકાને લઈને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, 'ભારત પાસેથી ઑઇલ ખરીદવામાં વાંધો હોય તો ન ખરીદો' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયા પાસેથી ઑઇલ ખરીદવાને લઈને અમેરિકાના પ્રશાસન દ્વારા ભારત પર લગાવાયેલા આરોપોનો સિલસિલો યથાવત્ છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયા પાસે ઑઇલ ખરીદીને નફો કમાય છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેનો જવાબ આપ્યો છે.

'ઇકૉનૉમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2025'માં આ મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જયશંકરે કહ્યું કે "આ હાસ્યાસ્પદ છે કે જે લોકો વ્યાપારનું સમર્થન કરનારા અમેરિકાના પ્રશાસન માટે કામ કરે છે, તેઓ બીજા પર વ્યાપાર કરવાનો આરોપ લગાવે છે."

ભારતના વિદેશ મંત્રીએ કહ્યું, "જો તમને ભારત પાસેથી ઑઇલ કે પછી રિફાઇન્ડ પેદાશો ખરીદવામાં વાંધો હોય, તો ન ખરીદો. તેના માટે તમને કોઈ મજબૂર નથી કરી રહ્યું. પરંતુ યુરોપ અને અમેરિકા ખરીદે છે. એટલે જો તમને તે પસંદ નથી, તો ન ખરીદો."

જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસના ટ્રેડ ઍડવાઇઝર પીટર નવારોએ હાલમાં જ કહ્યું હતું, "ભારત રશિયાના ઑઇલ રિફાઇનિંગનું લૉન્ડ્રોમૅટ બની ગયું છે. તેના મારફતે તે નફો તો કમાય જ છે, સાથે પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધમાં રશિયાને ફંડિગ પણ કરી રહ્યું છે."

ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા પક્ષની મધ્યસ્થ ભૂમિકા નહીં: જયશંકર

એસ. જયશંકરે 'ઑપરેશન સિંદૂર' પર પણ નિવેદન આપ્યું.

તેમણે કહ્યું, "ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. તે સમયે લગાતાર ફોન પર વાતચીત થઈ રહી હતી અને એ તમામ કૉલની જાણકારી મેં ઍક્સ પ્લૅટફૉર્મ પર મૂકી હતી. જ્યારે માહોલ તણાવપૂર્ણ હોય છે તો સ્વાભાવિક છે કે દેશ એકબીજાનો સંપર્ક કરે છે."

તેમણે એમ પણ કહ્યું, "જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, તો અમે પણ તેમને કૉલ કર્યો હતો."

જયશંકરે કહ્યું, "આજના સમયમાં તમામ દેશ એકબીજા સાથે જોડાયેલા છે. દરેક દેશ ચાહે છે કે બીજા દેશમાં શું ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંબંધોનો જેમનો મજબૂત ઇતિહાસ રહ્યો છે તેઓ આ પ્રકારની પહેલ કરે છે. પરંતુ આ સ્પષ્ટ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા પક્ષે મધ્યસ્થતા નહોતી કરી."

વિદેશ મંત્રીએ એ વાત ફરી કરી કે સંઘર્ષવિરામને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામમાં તેમની ભૂમિકા રહી છે.

22, એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર ચરમપંથી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના જીવ ગયા હતા.

ત્યાર પછી 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ચરમપંથી કૅમ્પો'ને નિશાન બનાવ્યા.

આ અભિયાનને ભારતે 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું.

બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો, જે 10મી મેના રોજ સંઘર્ષવિરામની ઘોષણા સાથે થમી ગયો.

શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)એ ભારત-પાકિસ્તાન મૅચ વિશે શું કહ્યું?

ભારત-પાકિસ્તાન મૅચ એશિયા કપ શિવસેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ બીસીસીઆઈ જય શાહ

ઇમેજ સ્રોત, ANI

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મૅચ કરવાવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

સંજય રાઉતે પોતાના પત્રમાં લખ્યું છે કે જ્યારે પાકિસ્તાન સામે 'ઑપરેશન સિંદૂર' યથાવત્ છે અને 'આતંકવાદ'થી દેશને જોખમ છે, ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું શું માર્યા ગયેલા ભારતીયો અને તેમના પરિવારજનો ઉપરાંત સેનાના જવાનોનું અપમાન નથી?

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા આ પત્રમાં તેમણે પીએમ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ તથા બીસીસીઆઈને પણ ટૅગ કર્યું.

તેમણે વધુમાં લખ્યું, "એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મૅચને રમત-ગમત મંત્રાલયની લીલી ઝંડી આપવી એ ભારતના લોકો માટે દુ:ખની વાત છે. આ સ્પષ્ટ છે કે વડા પ્રધાન અને ગૃહમંત્રીની પરવાનગી વગર આ સંભવ નહોતું."

તેમણે વડા પ્રધાનને ઘણા સવાલો કર્યા.

તેમણે પૂછ્યું, "તમે કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે નહીં વહે. તો પછી લોહી અને ક્રિકેટ એક સાથે કેમ વહે છે?"

તેમણે કટાક્ષ કરતા લખ્યું, "શું પાકિસ્તાન સાથે મૅચ ન રમવા પર અમેરિકાના રાષ્ટ્રપતિએ વ્યાપાર રોકવાની ધમકી આપી છે?"

તેમણે લખ્યું, "પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું માત્ર સૈનિકોના બલિદાનનું અપમાન નથી, પરંતુ હિંદુત્વ અને દેશભક્તિની ભાવનાઓનું પણ અપમાન છે. આ મૅચ દુબઈમાં થઈ રહી છે, જો આ મૅચ મહારાષ્ટ્રમાં થઈ રહી હોત, તો બાલાસાહેબ ઠાકરેની શિવસેના તેને રોકી દેત."

ઉલ્લેખનીય છે કે એશિયા કપ-2025માં 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ મૅચ મરાશે. આ મૅચ દુબઈના ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદ : સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને શાળાના વ્યવસ્થાપન તંત્ર સામે ગુનો નોંધાયો

અમદાવાદ, ગુજરાત, સેવન્થ ડે સ્કૂલ, બીબીસી ગુજરાતી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગુનેગારો સામે પગલાં લેવાની સતત માગ થઈ રહી હતી.

હવે આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ અને શાળાના વ્યવસ્થાપન તંત્ર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "બનાવ બન્યા બાદ શાળાના વ્યવસ્થાપન તંત્રે કોઈ પણ સરકારી એકમને જાણ કરવામાં વિલંબ કર્યો હતો. મૃતકના પિતાએ પણ આ અંગે અરજી કરી હતી. તેની પ્રાથમિક તપાસ પછી શાળાના વ્યવસ્થાપક તંત્ર અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે."

તેમણે જણાવ્યું હતું કે, "આરોપીને પણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ગઈ કાલે 22મી ઑગસ્ટે હાજર કરવામાં આવ્યો હતો અને બાળ સુધારણાગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. શાળા પાસેથી અમે જવાબ માગ્યો છે કે બનાવ બન્યો પછીની પચાસ મિનિટમાં તેમણે કોઈને જાણ કરી હતી કે નહીં."

એસીપી ભરત પટેલે કહ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે મૃતકના પિતા, શિક્ષણાધિકારી કે પછી પોલીસ કોઈને પણ તેમણે આ બનાવ બન્યો તેની જાણ કરી નહોતી."

ભારતીય દંડ સંહિતાની કલમ 211 અને 239 અંતર્ગત તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, અનેક ઘર અને વાહનો કાટમાળમાં દટાયાં - ન્યૂઝ અપડેટ

ઉત્તરાખંડ, ચમોલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ChamoliPolice/X

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. જિલ્લામાં ઘણાં ઘર, દુકાનો અને સરકારી પરિસરોમાં ભારે નુકસાન થયું છે.

મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "ચમોલીના થરાલી વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાના દુઃખદ સમાચાર મળ્યા. જિલ્લા વહીવટીતંત્ર, SDRF, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયાં છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે."

"હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને હું પોતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું."

ચમોલીના ડીએમ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કાટમાળથી એસડીએમ નિવાસસ્થાન સહિત ઘણાં ઘરને સંપૂર્ણપણે ક્ષતિ પહોંચી છે.

તાલુકા પરિસર અને આસપાસની વસાહતો પણ કાટમાળથી ભરાઈ ગઈ છે. આ ઘટનામાં તહસીલ પરિસરમાં પાર્ક કરેલાં ઘણાં વાહનો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.

આ સાથે રસ્તાઓ પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવકાર્યમાં રોકાયેલી છે. નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ બાકી છે. જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ વિગતો નથી.

યુએન પ્રમુખે કહ્યું, 'ગાઝામાં દુકાળ એ માનવતાની નિષ્ફળતા'

ઇઝરાયલ, ગાઝા, ભૂખમરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

યુનાઇટેડ નૅશન્સના પ્રમુખે એ વાતની પુષ્ટિ કરી છે કે ગાઝા સિટી અને આસપાસના વિસ્તારોમાં દુષ્કાળ છે.

યુએન પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરસે આ પરિસ્થિતિને 'માનવતાની નિષ્ફળતા' ગણાવી હતી અને કહ્યું હતું કે, "આ માનવસર્જિત આપત્તિ છે."

તાજેતરમાં જ યુનાઇટેડ નૅશન્સ દ્વારા સમર્થિત સંસ્થા (જે દુનિયાભરમાં ભૂખમરાની સ્થિતિનું અવલોકન કરે છે)એ ગાઝા સિટીની સ્થિતિને ફેઝ-5માં મૂકી છે, જે સૌથી ભયાનકતા દર્શાવે છે.

ધ ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઈપીસી) કહે છે એ અનુસાર ગાઝામાં પાંચ લાખથી વધુ લોકો 'ભયાવહ' સ્થિતિમાં છે જે ભૂખમરો, અતિશય ગરીબી અને મૃત્યુની સ્થિતિ જ છે.

જોકે, ઇઝરાયલે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ગાઝામાં કોઈ ભૂખમરો નથી.

યુએનનું એ પણ કહેવું છે કે ઇઝરાયલ હજુ પણ ગાઝામાં પહોંચતી માનવસહાયને રોકી રહ્યું છે, પરંતુ ઇઝરાયલ તેનો ઇનકાર કરી રહ્યું છે.

આઈપીસી કહે છે કે, "જો તત્કાળ, મોટાં પગલાં નહીં લેવામાં આવે તો દુષ્કાળ સંબંધિત મૃત્યુમાં હવે મોટો વધારો થવા લાગશે."

ઑનલાઇન ગેમિંગ બિલને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, કાયદો બન્યો

ફેન્ટસી સ્પૉર્ટ્સ, ગૅમિંગ, ડ્રીમ 11, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભા દ્વારા પસાર કરાયેલા 'ઑનલાઇન ગેમિંગ પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન બિલ, 2025'ને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, ત્યાર બાદ તે હવે કાયદો બની ગયું છે.

બુધવારે, ભારત સરકારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું. જ્યાં વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ પસાર થયું હતું.

આ બિલ મુજબ, ઇ-સ્પૉર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે ઑનલાઇન મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

સરળ શબ્દોમાં કહીએ તો, કોઈ પણ વ્યક્તિ ગેમ્સની મદદથી ઑનલાઇન સટ્ટાબાજી કરી શકશે નહીં.

સરકાર માને છે કે આવી ઑનલાઇન ગેમ્સ માત્ર વ્યક્તિઓ અને પરિવારોને નુકસાન પહોંચાડી રહી નથી, પરંતુ તે મની લૉન્ડરિંગ, કરચોરી અને 'આતંકવાદ'ના ભંડોળ સાથે પણ જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રખ્યાત ગેમિંગ પ્લૅટફૉર્મ ડ્રીમ-11એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેરાત કરી હતી કે પૈસા આધારિત તમામ ગેમ્સને અમે અટકાવીએ છીએ.

વડા પ્રધાન મોદી હવે ચીનની મુલાકાતે જશે

નરેન્દ્ર મોદી, ભારત, બીબીસી ગુજરાતી, ચીન, જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાતે જવાના છે.

આ સમયગાળા દરમિયાન, પીએમ મોદી જાપાનમાં યોજાનારી ભારત-જાપાન સમિટ અને ચીનમાં યોજાનારી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે.

શુક્રવારે, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને પીએમ મોદીના પ્રવાસ અંગે માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29થી 30 ઑગસ્ટ, 2025 દરમિયાન જાપાનની મુલાકાત લેશે. તેઓ ત્યાં 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પીએમ મોદીની જાપાનની આઠમી મુલાકાત હશે અને વડા મંત્રી ઇશિબા સાથેની તેમની પહેલી શિખર બેઠક હશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન સંરક્ષણ અને સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મુલાકાતના બીજા તબક્કામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, વડા મંત્રી મોદી 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનની મુલાકાત લેશે. અહીં તેઓ તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન