પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, 'તેમણે શીખોનું અપમાન કર્યું' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sansad TV
રાષ્ટ્રપતિના ભાષણ અંગે થઈ રહેલી ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને ગુરુવારે સંસદના ઉપલાગૃહમાં નિવેદન આપ્યું હતું.
આ દરમિયાન તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પર નિશાન સાધ્યું હતું અને એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુને 'ગદ્દાર' કહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, "ગઈ કાલે જે ઘટના ઘટી, આ ગૃહના એક સાંસદને (રવનીતસિંહ બિટ્ટુ) તેમણે (રાહુલ ગાંધી) ગદ્દાર કહ્યા. કેટલાય લોકો કૉંગ્રેસ છોડી ગયા છે, કેટલાય કટકા થયા છે, પરંતુ અગાઉ ક્યારેય કોઈને ગદ્દાર નથી કહ્યા."
"પરંતુ ગઈ કાલે તેમણે એક સાંસદને એટલા માટે ગદ્દાર કહ્યા, કેમ કે તેઓ શીખ હતા. આ શીખોનું અપમાન હતું. કૉંગ્રેસમાં શીખો પ્રત્યે ભારે નફરત ભરેલી છે અને આ તેની અભિવ્યક્તિ હતી."
પીએમ મોદીએ કહ્યું, "એમને આ વાતનો જરા પણ રંજ નથી, અન્યથા આજે ઊભા થઈને કહી શક્યા હોત કે ગઈ કાલે જે કંઈ થયું, તે સંસદની ગરિમાને અનુરૂપ ન હતું, અમને ખેદ છે. એક શબ્દ તો બોલવો હતો, પરંતુ એમનામાં શીખો પ્રત્યે નફરત છે. એમણે (બિટ્ટુ) પોતાના રાજકીય વિચારોમાં પરિવર્તન કર્યું, એટલે તેઓ ગદ્દાર થઈ ગયા?"
ઉલ્લેખનીય છે કે આ ઘટના બુધવારે ઘટી હતી. જ્યારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ તરફ હાથ લંબાવતા કહ્યું હતું, "હેલ્લો માય ટ્રૅટર ફ્રેન્ડ."
બિટ્ટુએ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો અને તેમની તરફ ઇશારો કર્યો અને તેમને 'દેશના દુશ્મન' કહીને સંબોધિત કર્યા.
'મારા કહેવાથી પીએમ ગૃહમાં ન આવ્યા', લોકસભા સ્પીકર ઓમ બિરલા

ઇમેજ સ્રોત, Sansad TV
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી શુક્રવાર સવારે 11 વાગ્યા સુધી મોકૂફ કરી દીધી. ગૃહમોકૂફીની જાહેરાત કરતી વેળાએ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે તેમના આગ્રહથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગૃહમાં હાજર નહોતા રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓમ બિરલાએ કહ્યું, "વિપક્ષના સાંસદોએ અધ્યક્ષના કાર્યાલયમાં જે આચરણ કર્યું, તે આપણી સંસદીય પરંપરા માટે અયોગ્ય હતું. હું કહીશ કે તે બ્લૅક સ્પૉટ જેવું હતું."
"મને એવી નક્કર માહિતી મળી હતી કે કૉંગ્રેસ પાર્ટીના કેટલાક સભ્યો વડા પ્રધાનની બેઠક સુધી પહોંચીને કોઈ અનપેક્ષિત ઘટનાને અંજામ આપી શકે છે. જો આ પ્રકારની કોઈ ઘટના ઘટી હોત, તો તે ખૂબ જ અપ્રિય હોત, તેણે દેશની લોકશાહીની પરંપરાના લીરેલીરા ઉડાવી દીધા હોત."
ઓમ બિરલાએ કહ્યું કે, "આવા પરિદૃશ્યને ટાળવા માટે મેં વડા પ્રધાનને આગ્રહ કર્યો હતો કે તેમણે ગૃહમાં ન આવવું જોઈએ. ગૃહના નેતાએ સદનમાં નહીં આવીને, મારા આગ્રહને માનીને ગૃહને અપ્રિય દૃશ્યથી બચાવ્યું છે. આના માટે હું વડા પ્રધાનનો આભાર માનું છું."
ઉલ્લેખનીય છે કે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં ભાષણ આપવાના હતા, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તે થઈ શક્યું ન હતું.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આના જવાબમાં કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સંપૂર્ણપણે ખોટી વાત છે. પીએમને ઈજા પહોંચાડવાનો કોઈ સવાલ જ ન હતો.
પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, "હવે વડા પ્રધાન સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે, ગઈ કાલે ગૃહમાં આવવાની તેમની હિંમત નહોતી થઈ."
"ગૃહમાં વિપક્ષના નેતાને કેમ બોલવા નથી દેવાતા, તમે સરકારને કેમ નથી પૂછતા? શું તેમની પાસે કોઈ આધાર છે કે એક સોર્સના કહેવાથી અટકાવી દે. તેમની પાસે આવા અધિકાર નથી. વાસ્તવિકતા એ છે કે સરકાર ચર્ચા માટે તૈયાર ન હતી, એટલે આ ચર્ચા ન થઈ."
રાજ્યસભામાં શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના કહેવા પ્રમાણે, વડા પ્રધાન મોદી ભારતની સૌથી સુરક્ષિત વ્યક્તિ છે. તેમના માટે એમ કહેવું કે તેમને મહિલા સાંસદોથી જોખમ હતું, તે મહિલા સાંસદો માટે કરવામાં આવેલી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે.
આ પહેલાં કૉંગ્રેસના નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, લોકસભાના સ્પીકરના કાર્યાલય દ્વારા મીડિયામાં સમાચાર પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે કે કૉંગ્રેસ પાર્ટીએ મહિલા સાંસદો મારફત ગઈ કાલે વડા પ્રધાન પર 'હુમલો' કરવાની યોજના ઘડી હતી.
તેમણે આગળ લખ્યું, "શું કોઈ મહિલાના વિરોધને આતંકવાદ માની શકાય? શું તેઓ (પીએમ) એમને અસ્પૃશ્ય માને છે? મોદી સરકાર તથા તેમના ચાપલૂસ પત્રકારોએ દેશની મહિલાઓ અને વિશેષ કરીને દલિત મહિલાઓની માફી માગવી જોઈએ."
ભારત શું વેનેઝુએલા પાસેથી ક્રૂડઑઇલ ખરીદશે? વિદેશ મંત્રાલયે આ જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, ANI
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ભારત તેના ક્રૂડઑઇલની જરૂરિયાતને પહોંચી વળવા માટે અન્ય વિકલ્પો ઉપર વિચારણા કરવા માટે તૈયાર છે, જેમાં વેનેઝુએલા પણ સામેલ છે.
ભારતના વિદેશ મંત્રાલયની સાપ્તાહિસ પત્રકારપરિષદમાં તેમણે કહ્યું, "ઊર્ઝા ક્ષેત્રે વેનેઝુએલા લાંબા સમયથી ભારતનું સાથી રહ્યું છે. ભારત માટે નાણાકીય વર્ષ 2019-'20 સુધી વેનેઝુએલા એ ક્રૂડઑઇલનું મહત્ત્વપૂર્ણ સ્રોત હતું, પરંતુ પ્રતિબંધો બાદ એ બંધ થઈ ગયું."
"નાણાકીય વર્ષ 2023-'24 દરમિયાન ફરીથી આયાત શરૂ થઈ હતી, પરંતુ ફરીથી પ્રતિબંધ લાગવાને કારણે આયાતને ફરી અટકાવી દેવાઈ હતી."
જયસ્વાલે ઉમેર્યું હતું, "ભારતની જાહેરસાહસની કંપનીઓ (પીએસયુ) અને વેનેઝુએલાની નૅશનલ ઑઇલ કંપની પીડીવીએસએની વચ્ચે લાંબા સમયથી ભાગીદારી રહી છે અને તેઓ વર્ષ 2008થી ત્યાં હાજર છે."
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે હવે ભારત રશિયાના બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ઑઇલ ખરીદશે.
ટ્રમ્પના આ નિવેદન બાદથી જ આ અંગે ભારતની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી હતી, જે હવે આવી છે.
ભારત દ્વારા ઑઇલ ખરીદીમાં વિવિધતા લવાશે તેવી કરાયેલી જાહેરાતને લઈને રશિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ બુધવારે કહ્યું કે ભારત પોતાની તેલ ખરીદીમાં વિવિધતા લાવશે એવી જાહેરાતમાં તેને "કશું નવું લાગતું નથી."
રશિયાએ જણાવ્યું કે ભારત હંમેશાંથી રશિયા સહિત વિવિધ દેશો પાસેથી તેલ ખરીદતું આવ્યું છે.
આ પહેલાં બુધવારે ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત પોતાના નાગરિકો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના હેઠળ ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવશે.
ગોયલનું નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોમવારે અમેરિકા-ભારત વેપાર કરારની જાહેરાત બાદ આવ્યું હતું.
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયાની બદલે અમેરિકા અને વેનેઝુએલાથી તેલ ખરીદવા માટે તૈયાર છે.
જોકે, ભારત તરફથી ટ્રમ્પના આ દાવાની જાહેરમાં કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
રૉયટર્સના અહેવાલ અનુસાર, ભારતની તેલ ખરીદીની યોજનાઓ અંગે પૂછવામાં આવતા ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે સૌ કોઈ જાણે છે કે રશિયા ભારતને તેલ પૂરું પાડનાર એકમાત્ર દેશ નથી.
તેમણે કહ્યું, "અમે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઊર્જા બાબતોનાં ક્ષેત્રોના તમામ નિષ્ણાતો સારી રીતે જાણે છે કે રશિયા ભારતને તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરાં પાડનાર એકમાત્ર દેશ નથી."
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'લોકસભામાં વિપક્ષ નેતાને બોલવા નથી દેવાતા'

ઇમેજ સ્રોત, SANSAD TV
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સદનમાં 'લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સદનમાં બોલવા દેવામાં નથી આવી રહ્યા'નો મુદ્દો ઉઠાવ્યો.
મલ્લિકાર્જુન ખડ્ગેએ કહ્યું, "અમારા બંધારણ મુજબ અમારી પાસે બે સદન છે—એક લોકસભા અને બીજું રાજ્યસભા. પરંતુ લોકસભામાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવતા નથી, ભલે તેઓ દેશનાં હિતમાં બોલવા માંગતા હોય. આવી રીતે આપણે દેશ કેવી રીતે ચલાવી શકીએ?"
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન પર સદનના નેતા અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, "વિપક્ષના નેતાએ જાણવું જોઈએ કે લોકસભાની કાર્યવાહી પર રાજ્યસભામાં ચર્ચા કરી શકાતી નથી."
આ સાથે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધી નિયમોનું પાલન કરતા નથી અને તેમને સમજાવવાની જરૂર છે.
તેના પર ખડગેએ જવાબ આપ્યો, "ચાર દિવસથી લોકસભા ચાલી નથી રહી, કારણ કે વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવી રહ્યા નથી... આ ખૂબ ખોટું છે અને દેશ માટે પણ સારું નથી."
અમેરિકાના પ્રવાસે ગયેલા એસ. જયશંકરે ટ્રેડ ડીલ પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે 2થી 4 ફેબ્રુઆરી દરમિયાન થયેલા તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા ભારત-અમેરિકા વેપાર સમજૂતી અંગે પૂછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું, "આ સીધું મારા હેઠળ નહોતું, કારણ કે આ બાબત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સંભાળી રહ્યા છે."
તેમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાંથી કેટલીક જાહેરાતો પણ થઈ. તેના પછી, જેમ કે હાલ ચાલી રહ્યું છે, વેપાર ચર્ચાઓની વિગતવાર પ્રક્રિયા ચાલુ છે."
એસ. જયશંકર બુધવારે અમેરિકા ખાતે યોજાયેલી ક્રિટિકલ મિનરલ્સ વિષયક બેઠકમાં હાજર રહ્યા હતા.
તેમણે જણાવ્યું, "હું અહીં (અમેરિકા) ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ બેઠકમાં ભાગ લેવા આવ્યો છું, જેનું આમંત્રણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને અન્ય દેશોએ આપ્યું હતું. તેમાં આશરે 50 દેશો જોડાયા હતા."
તેમણે આગળ કહ્યું, "ક્રિટિકલ મિનરલ્સ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય છે. અમેરિકા ઘણાં વર્ષોથી આ ક્ષેત્રમાં આપણું ભાગીદાર છે. મારા માટે આ બેઠક ખૂબ જ પ્રોડક્ટિવ અને પરિણામકારક રહી."
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની મુલાકાત અંગે જયશંકરે કહ્યું, "અમે અમારા દ્વિપક્ષીય સહયોગની વિગતવાર સમીક્ષા કરી. અમારી વાતચીતનો મોટો ભાગ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યો."
તેમણે જણાવ્યું, "અમે ઇન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ગાઝામાં થઈ રહેલી ઘટનાઓ અને યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી. પશ્ચિમી ગોળાર્ધમાં શું થઈ રહ્યું છે તેની વૈશ્વિક સમીક્ષા પણ કરી. એક રીતે અમે દુનિયા અને આપણા સંબંધો અંગે ખુલ્લી અને વ્યાપક ચર્ચા કરી."
ભારત સાથે ટી20 વર્લ્ડકપ મૅચ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત વિરુદ્ધ ટી20 વર્લ્ડકપ મૅચ નહીં રવાના નિર્ણય અંગે ફરી વખત વાત કરી છે. તેમણે કહ્યું કે દેશે સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે.
બુધવારે પોતાની કૅબિનેટને સંબોધતાં શહબાઝ શરીફે કહ્યું કે, "ટી20 વર્લ્ડકપના હવાલાથી અમે સ્ટેન્ડ લીધું છે કે અમે હિંદુસ્તાન વિરુદ્ધ મૅચ નહીં રમીએ. પાકિસ્તાને કહ્યું કે આ રમતનું મેદાન છે, રાજકારણ નહીં."
"રમતના મેદાનમાં રાજકારણ બિલકુલ ન થવું જોઈએ. અમે ઘણું સમજી-વિચારીને એક સ્ટેન્ડ લીધું છે. આ હવાલાથી અમે બાંગ્લાદેશ સાથે સંપૂર્ણપણે ઊભા થવા માગીએ છીએ. આ અત્યંત યોગ્ય નિર્ણય છે."
બાંગ્લાદેશે ગત મહિને સુરક્ષા કારણોનો હવાલો આપીને ભારતમાં ટી20 વર્લ્ડકપ મૅચ રમવાનો ઇન્કાર કરી દીધો હતો. એ બાદ તેના સ્થાને ટુર્નામેન્ટમાં સ્કૉટલૅન્ડને સામેલ કરાયું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન મોહસીન નકવીએ આઇસીસીના નિર્ણયને 'ખોટો' અને ડબલ સ્ટાન્ડર્ડ ગણાવ્યો હતો.
એ બાદ 1 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ દ્વારા ટી20 વર્લ્ડકપમાં 15 ફેબ્રુઆરીના રોજ ભાત વિરુદ્ધ યોજનાર મૅચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાન સરકારે ઍક્સ પર પોસ્ટ કર્યું હતું, "ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની સરકારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપી છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીના રોજ ભારત વિરુદ્ધ નિર્ધારિત મૅચમાં મેદાને નહીં ઊતરે."
ટ્રમ્પે શી જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર શું લખ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો 'અત્યંત સારા' છે.
આ નિવેદન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ આપ્યું. જેને તેમણે 'બહેતરીન' ગણાવી.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ચીન સાથે સંબંધ, અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મારા અંગત સંબંધ, અત્યંત સારા છે. અમે બંને સમજીએ છીએ કે તેને આવું જ જાળવી રાખવું કેટલું જરૂરી છે."
ટ્રમ્પે કહ્યું કે તેમની અને શી જિનપિંગની વાતચીતમાં વેપાર, તાઇવાન, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન અને ચીનની પ્રસ્તાવિત મુસાફરી અંગે ચર્ચા થઈ.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર રાષ્ટ્રપતિ શી સાથે થયેલી વાતની બધી ડિટેઇલ પણ શૅર કરી.
તેમણે લખ્યું, "મેં હાલ ચીનના રાષ્ટ્રપતિ સાથે ખૂબ જ સારી ટેલિફોન વાતચીત પૂરી કરી છે. આ લાંબી અને વિસ્તારપૂર્વકની વાતચીત હતી, જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ. તેમાં વેપાર, સૈન્ય મામલા, જે અંગે હું ઉત્સાહિત છું એવી એપ્રિલમાં ચીનની મારી મુસાફરી, તાઇવાન, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, ઈરાનની હાલની સ્થિતિ, ચીન દ્વારા અમેરિકા પાસેથી ઑઇલ અને ગૅસની ખરીદી, ચીન દ્વારા વધારાની કૃષિ પેદાશો ખરીદવા અંગે વિચાર, જેમાં વર્તમાન સિઝનમાં સોયાબીન ખરીદીનું પ્રમાણ વધારીને 20 મિલિયન ટન કરવાની વાત સામેલ છે. તેમણે આગામી સિઝન માટે 25 મિલિયન ટનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે."
અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images
અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
આરોન જૉર્જની સદીના બળે ભારતે અફઘાનિસ્તાનને માત આપી છે.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 310 રન બનાવ્યા હતા.
જવામાં ભારત તરફથી આરોને સદી નોંધાવી, જ્યારે વૈભવ સૂર્યવંશી અને કપ્તાન આયુષ મ્હાત્રેએ અર્ધ સદી નોંધાવી હતી.
ભારતની ટીમે 41.1 ઓવરમાં ત્રણ વિેકટના નુકસાને 311 રન બનાવીને મૅચ પોતાને નામ કરી લીધી.
6 ફેબ્રુઆરીના રોજ ભારત ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ મૅચ રમવા ઊતરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












