મૃત મહિલાના ગર્ભાશયથી બાળકનો જન્મ થયો, 'આ એક ચમત્કાર છે'

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ગ્રેસ બેલ અને સ્ટીવન પોવેલ તેમના પુત્ર હ્યુગો સાથે
    • લેેખક, ફિલિપા રોક્સબી
    • પદ, સ્વાસ્થ્ય સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

તાજેતરમાં જન્મેલું એક શિશુ એક મૃત દાતાના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા ગર્ભાશયમાં જન્મનારું બ્રિટનનું પ્રથમ બાળક બન્યું છે.

ઉંમરની ત્રીસીએ પહોંચેલાં ગ્રેસ બેલનો જન્મ ગર્ભાશય વિના થયો હતો. તેઓ કહે છે કે, હવે 10 સપ્તાહનો થઈ ગયેલો તેમનો પુત્ર હ્યુગો "સ્વયં એક ચમત્કાર છે."

કેન્ટમાં રહેતાં બેલ અને તેમના પાર્ટનર સ્ટીવ પોવેલે આ "અવિશ્વસનીય ભેટ" આપવા બદલ દાતા અને તેમના પરિવારની ભલમનસાઈ તેમજ નિઃસ્વાર્થપણા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને સાથે જ આ સફરમાં તેમની પડખે રહેનારી ઑક્સફર્ડ તથા યુકેની તબીબી ટીમોનો પણ આભાર માન્યો હતો.

આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સર્જનોએ જણાવ્યું હતું કે, શિશુનો જન્મ "એક ઐતિહાસિક ક્ષણ હતી", જેના કારણે સમાન પ્રકારની સમસ્યા ધરાવતી ઘણી મહિલાઓમાં આશાનો સંચાર થઈ શકે છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'અવિશ્વસનીય ભેટ'

2025ની નાતાલની બરાબર પહેલાં પશ્ચિમ લંડનની ક્વેન શેર્લટ્સ ઍન્ડ ચેલ્સી હૉસ્પિટલમાં હ્યુગોનો જન્મ થયો હતો. જન્મ સમયે તેનું વજન આશરે સાત પાઉન્ડ હતું.

બેલનો જન્મ ગર્ભાશય વિના થયો હતો અને તેમને માસિક પણ નથી આવતું, પણ તેમનાં અંડાશય સામાન્ય છે. આ સ્થિતિ એમઆરકેએચ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે, જે બ્રિટનની પ્રત્યેક 5,000માંથી એક મહિલામાં જોવા મળે છે.

16 વર્ષની વયે બેલને જણાવાયું કે તેઓ સંતાનને જન્મ આપી શકશે નહીં.

હવે, યુગલ પાસે સંતાનપ્રાપ્તિ માટે માત્ર બે જ વિકલ્પ બચ્યા હતા - કાં તો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે કે પછી સરોગસીનો માર્ગ અપનાવવામાં આવે.

એક દિવસ જ્યારે બેલને ફોન પર કહેવામાં આવ્યું કે, એક ગર્ભાશયનું દાન કરવામાં આવ્યું છે અને પ્રત્યારોપણ થઈ શકે તેમ છે, ત્યારે આ સમાચાર મળતાં બેલ "રોમાંચિત " થવાની સાથે "સ્તબ્ધ" પણ થઈ ગયાં હતાં.

પરંતુ, તેની સાથે જ તેઓ દાતા પરિવાર તરફથી મળનારી "અકલ્પનીય ભેટ"ના મહત્ત્વથી સુપેરે વાકેફ હતાં, તેનાથી તેઓ તેમના પોતાના સંતાનને જન્મ આપી શકવાનાં હતાં.

બેલે જણાવ્યું હતું, "હું રોજ મને ગર્ભાશય આપનારાં દાતા અને તેમના પરિવાર વિશે વિચારું છું અને પ્રાર્થના કરું છું કે, તેમની પુત્રીએ મને જીવનનો સૌથી મોટો ઉપહાર - જીવનનો ઉપહાર આપ્યો છે, તે જાણીને તેમને થોડી શાંતિ મળે."

"દાતાનો એક અંશ હંમેશાં જીવિત રહેશે."

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બેલનું ગર્ભાશય પ્રત્યારોપણનું ઑપરેશન 10 કલાક સુધી ચાલ્યું હતું. આ ઑપરેશન જૂન, 2024માં ઑક્સફર્ડસ્થિત ચર્ચિલ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તેના થોડા મહિનાઓ વીત્યા પછી યુગલે લંડનના લિસ્ટર ફર્ટિલિટી ક્લિનિક ખાતે આઇવીએફ ટ્રિટમેન્ટ કરાવી અને તેના પછી એમ્બ્રિયો ટ્રાન્સફર (ભ્રૂણ ટ્રાન્સફર) કરાવ્યું.

બેલ કહે છે, "હ્યુગોનો જન્મ તે કોઈ ચમત્કારથી કમ નથી."

"મને યાદ છે, સવારે હું ઊઠી અને તેનો નાનો ચહેરો જોયો. તેના મોંમાં નાની અમથી ડમી (મધની ટોટી) હતી. મને લાગ્યું, જાણે હું કોઈ સપનું જોઈ રહી છું."

"તે કલ્પનાતીત હતું."

મૃત દાતાના ગર્ભાશયનું બેલમાં સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે, જે બ્રિટનના ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલના ભાગરૂપે હાથ ધરાયેલાં આ પ્રકારનાં 10 પ્રત્યારોપણો પૈકીનું એક છે. તેમાંથી ત્રણ પ્રત્યારોપણો અગાઉ થઈ ચૂક્યાં છે, પણ હ્યુગો જન્મ લેનારું પ્રથમ બાળક છે.

2025ના પ્રારંભમાં બ્રિટનમાં પ્રથમ હયાત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગર્ભાશયના દાન થકી ઍમી નામની બાળકી જન્મી હતી. એમીનાં માતાનાં મોટાં બહેને તેમને દાનમાં આપેલા ગર્ભાશયનું જાન્યુઆરી, 2023માં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. મોટાં બહેનને બે બાળકો છે.

બ્રિટનમાં હયાત હોય તેવાં નિકટનાં સંબંધીઓમાંથી અન્ય પાંચ ગર્ભાશય પ્રત્યારોપણોની પ્રક્રિયાનું આયોજન થઈ રહ્યું છે.

ગર્ભાશય વિના જન્મનારી મહિલાઓ માટે આશાનું કિરણ

ઇમેજ સ્રોત, Womb Transplant UK/PA Wire

ઇમેજ કૅપ્શન, બેલ કહે છે, લંડનની ક્વીન શેર્લટ્સ એન્ડ ચેલ્સી હોસ્પિટલમાં હ્યુગોનો જન્મ કોઈ "ચમત્કાર" થયો હોય, એમ લાગતું હતું

હ્યુગોનો જન્મ થયો, તે જ હૉસ્પિટલમાં ઍમી જન્મી હતી. બંને શિશુનો જન્મ કરાવનારી મેડિકલ ટીમ ઘણાં વર્ષોથી આ ક્ષણ માટેની સજ્જતા કેળવી રહી હતી.

ઇમ્પિરિયલ કૉલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટના કન્સલ્ટન્ટ ગાયનેકૉલૉજિસ્ટ પ્રોફેસર રિચર્ડ સ્મિથે 25 વર્ષ કરતાં પણ પહેલાં ગર્ભાશયના પ્રત્યારોપણ પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી. હ્યુગોના જન્મ સમયે તેઓ હાજર હતા.

તેમણે કહ્યું હતું, "પ્રત્યારોપણના ઑપરેશનથી માંડીને ભ્રૂણ ટ્રાન્સફર અને પ્રસૂતિ સુધીની સમગ્ર પ્રક્રિયા પાછળ લોકોની ઘણી મોટી ટીમ સંકળાયેલી રહી હતી."

બેલ અને પોવેલે રિચર્ડ સ્મિથ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમના પુત્રના આખા નામમાં વચ્ચેનું નામ રિચર્ડ રાખ્યું છે. રિચર્ડે વૂમ્બ ટ્રાન્સપ્લાન્ટ યુકે નામની ચેરિટીની પણ સ્થાપના કરી હતી.

દંપતી બીજા સંતાનને જન્મ આપવા અંગે પણ નિર્ણય લઈ શકે છે. બીજા બાળકના જન્મ પછી સર્જનો પ્રત્યારોપિત કરવામાં આવેલું ગર્ભાશય હઠાવી દેશે. બેલને તેમના શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થાને પ્રત્યારોપિત અંગ પર હુમલો કરતાં અટકાવવા માટે જે ભારે દવાઓનું સેવન કરવું પડે છે, તે આજીવન લેવી ન પડે, તે માટે આમ કરવું જરૂરી છે.

ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને જૉઇન્ટ ટીમનાં લીડર ઇઝાબેલ ક્વિરોગાએ કહ્યું હતું કે, હ્યુગોના જન્મથી તેમને "આનંદની લાગણી" થઈ હતી. હ્યુગોના જન્મને તેમણે બ્રિટનમાં અંગ પ્રત્યારોપણના ક્ષેત્રમાં મોટી સફળતા ગણાવી હતી.

તેમણે કહ્યું હતું, "યુરોપમાં મૃત દાતાનું ગર્ભાશય મેળવીને શિશુનો જન્મ થયો હોવાના જૂજ કિસ્સા જ નોંધાયા છે."

તેમણે કહ્યું હતું, "અમારા પરીક્ષણનો આશય એ જાણવાનો છે કે, વિકસિત ગર્ભાશય ન ધરાવનારી પ્રજોત્પતિની વય ધરાવનારી મહિલાઓની વધી રહેલી સંખ્યા માટે આ પ્રક્રિયા એક મંજૂરીપ્રાપ્ત અને નિયમિત સારવાર બની શકે કે કેમ."

સ્મિથે કહ્યું હતું કે, હ્યુગોના જન્મના આધારે માલૂમ પડે છે કે, ગર્ભાશય ન ધરાવનારી મહિલાઓમાં હવે પોતાની કૂખથી સંતાનને જન્મ આપવાની આશા જન્મી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

મૃત દાતાના ગર્ભાશયને પ્રત્યારોપિત કર્યા બાદ જન્મતા શિશુને દાતા સાથે કોઈ આનુવંશિક સંબંધ હોતો નથી.

વિશ્વભરમાં ગર્ભાશય પ્રત્યારોપણનાં 100 કરતાં વધુ ઑપરેશનો કરાયાં છે અને તેના પરિણામસ્વરૂપે 70 કરતાં વધુ તંદુરસ્ત શિશુઓનો જન્મ થયો છે.

પ્રત્યારોપણ માટે ગર્ભાશયનું દાન કરવું કિડની કે હૃદય જેવાં અન્ય અંગો દાન કરવા જેવું નથી. સંબંધીનાં અંગોનું દાન કરવા માટે અગાઉથી જ સંમત હોય, તેવા સંભવિત દાતાના પરિવારને ખાસ વિનંતી કરવા પર જ તેની મંજૂરી મળે છે.

બ્રિટનમાં જો કોઈ વ્યક્તિ તેના અંગોનું દાન કરવાનો ઇનકાર ન કરે, તો એવું ધારી લેવાય છે કે, તે વ્યક્તિ મૃત્યુ પામે, ત્યારે તે તેનાં અંગો દાનમાં આપવા માટે સંમત છે.

દાતાનાં માતાપિતાએ ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું હતું કે, તેમની પુત્રી તેની પાછળ જે વારસો મૂકતી ગઈ છે, તેના પર તેમને "અત્યંત ગર્વ" છે.

મૃતકે અન્ય પાંચ અંગોનું દાન કર્યું હતું, જેનું ચાર લોકોમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

"અંગોનું દાન કરીને તેણે અન્ય પરિવારોને સમય, આશા, ઉપચાર અને હવે જીવનની અમૂલ્ય ભેટ આપી છે," એમ મૃતકના પરિવારે જણાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન