ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને લીધે શૅરમાર્કેટમાં કડાકો, સોનું એકમાત્ર સુરક્ષિત રોકાણનો વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા તેની સીધી અસર ક્રૂડઑઇલ અને સોનાના ભાવ પર પડી છે. એક તરફ શૅરબજારમાં મોટો કડાકો આવ્યો છે ત્યારે તેલ અને સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનેઈનું મૃત્યુ થયું ત્યાર પછી ચાર દિવસમાં સેન્સેક્સમાં 3900 પૉઇન્ટ કરતાં મોટો ઘટાડો થયો છે.
ચોથી માર્ચે સેન્સેક્સમાં થોડા જ કલાકોમાં 1800 પૉઇન્ટનો ઘટાડો થયો હતો અને રોકાણકારોના લગભગ 12 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.
દરમિયાન, હુમલાના દિવસથી જ સોનામાં ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ મંગળવારે સોનાના ભાવમાં 300 ડૉલર પ્રતિ ઔંસનો આંચકો આવ્યો અને બુધવારે સોનું ફરીથી એક ટકા કરતાં વધારે વધી ગયું હતું.
બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 5170 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ચાલતો હતો. જ્યારે ભારતીય બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.73 લાખ રૂપિયા ચાલતો હતો.
સોનું 'સેફ હેવન' તરીકે જળવાઈ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં કોઈ પણ જગ્યાએ મોટા યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય ત્યારે સોનાના ભાવ પર અસર થતી હોય છે, કારણ કે અનિશ્ચિતતાના સમયમાં લોકો સુરક્ષા માટે સોનું ખરીદે છે. આ ઉપરાંત દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો દ્વારા પણ સોનું ખરીદવામાં આવે છે.
બીબીસીએ આ વિશે નિષ્ણાતો સાથે વાત કરીને તેમનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.
બુલિયન ટ્રેડિંગ કંપની ઓગમોન્ટના રિસર્ચ હેડ ડૉ. રેનિશા ચૈનાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "1973 પછી સોનામાં સૌથી લાંબી તેજી જોવા મળી છે અને માર્કેટમાં સ્ટ્રેસ હોય ત્યારે પીળી ધાતુએ સેફ હેવન એસેટ તરીકે પોતાની ઉપયોગીતા સાબિત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તેમણે કહ્યું કે "ઈરાન યુદ્ધના પગલે રોકાણકારો બીજી એસેટ છોડીને બુલિયન તરફ આગળ વધી રહ્યા છે. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલના હુમલા એક મહિના અથવા તેનાથી પણ વધુ સમય સુધી ચાલે તેવી ધારણા હોવાથી સોનું વધી રહ્યું છે. માર્કેટને બીક છે કે યુદ્ધ કદાચ વધારે પણ લંબાઈ શકે છે."
એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ પણ આવો મત ધરાવે છે. તેમણે કહ્યું કે "જાન્યુઆરીમાં સોનાનો ઑલટાઇમ ભાવ આવ્યા પછી ઈરાન યુદ્ધના કારણે ફરીથી ભાવ જૂના સ્તરે પહોંચી ગયા હતા."
તેમણે કહ્યું કે, "ઑઇલના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવી ગયો તેના કારણે તમામ કૉમૉડિટીના ભાવમાં વધારો થવાનો છે અને તેની અસરરૂપે ફુગાવો પણ વધશે."
સૌમિલ ગાંધી કહે છે કે "યુએસ ફેડ ચાલુ વર્ષના અંત સુધીમાં રેટ કાપ કરશે તેવી આશા હતી, પરંતુ ઑઇલ વધવાના કારણે રેટ કાપની શક્યતા ઓછી થઈ ગઈ છે. આના કારણે મંગળવારે સોનું ઘટ્યું હતું. પરંતુ અનિશ્ચિતતા છે ત્યાં સુધી તે હાઈ લેવલ પર રહેવાની શક્યતા છે."
રૂપિયો નબળો પડવાથી ભારતમાં સોનું વધારે મોંઘું?
સોનાના ભાવ વધવાનું એક કારણ રૂપિયાનો ઘસારો પણ છે. રૂપિયાની સામે ડૉલર પાંચ અઠવાડિયાની ઊંચી સપાટીએ છે.
ચોથી માર્ચે ડૉલર સામે રૂપિયો 69 પૈસા ઘટીને 92.18 પર પહોંચી ગયો હતો. ક્રૂડઑઇલના ભાવમાં તીવ્ર વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાએ રૂપિયાનું મૂલ્ય ઘટાડી નાખ્યું છે.
પીટીઆઇના અહેવાલ પ્રમાણે ઈરાન કટોકટીના કારણે બ્રેન્ડ ઑઇલનો ભાવ બેરલ દીઠ 82 ડૉલર પર પહોંચી ગયો છે જેના કારણે અર્થતંત્રને લઈને ચિંતા પેદા થઈ છે અને ફુગાવો વધવાની સંભાવના સર્જાઈ છે.
કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે "યુદ્ધ શરૂ થયું ત્યારથી ડૉલર મજબૂત થયો છે અને યુએસ ટ્રેઝરી યીલ્ડ વધી છે. રૂપિયાની નબળાઈના કારણે ભારતમાં સોનાના ભાવ વધતા જોવા મળશે."

કેટલાક અંદાજ પ્રમાણે લૉંગ ટર્મમાં સોનું હજુ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 6000 ડૉલર સુધી જઈ શકે છે.
ભારતમાં આગામી મહિનાઓમાં 10 ગ્રામ સોનાનો ભાવ બે લાખ રૂપિયા સુધી જઈ શકે છે, જોકે આ દરમિયાન કરેક્શનની શક્યતા પણ નકારી શકાય નહીં.
સૌમિલ ગાંધી કહે છે કે "ચાલુ વર્ષ હજુ પણ અનિશ્ચિતતાનું લાગે છે. અર્થતંત્રને ફટકો પડવાથી કંપનીઓનાં પરિણામ નબળાં આવવાનો ડર છે. આ દરમિયાન સેફ હેવન એસેટ તરીકે સોના અને ચાંદીના ભાવ ઊંચા લેવલ પર રહેવાની સંભાવના છે. અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ છે તેથી નવેમ્બર મહિના પછી કૉમૉડિટી માર્કેટમાં થોડી સ્થિરતા આવવાનો અંદાજ છે."
ઑઇલની સાથે સોનું મજબૂત રહેશે?

ઇમેજ સ્રોત, Iranian Army/Handout/Anadolu via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ ટેન્કરોનું પસાર થવાનું જોખમી બન્યું હોવાથી ઑઇલના ભાવ પણ વધ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી દુનિયાના લગભગ 20 ટકા ઑઇલનો સપ્લાય પસાર થાય છે.
ભારત પોતાની ક્રૂડઑઇલની જરૂરિયાતના 90 ટકાથી વધુ જથ્થાની આયાત કરે છે. ક્રૂડઑઇલના ભાવમાં બેરલ દીઠ એક ડૉલરનો વધારો થાય તો ભારતનો આયાત ખર્ચ લગભગ 16,000 કરોડ રૂપિયા વધી જાય છે.
આવી સ્થિતિમાં ભારતીય ઉદ્યોગજગતને જે ફટકો પડશે તેનાથી શૅરોના ભાવ ઘટવાનો ડર છે. તેના કારણે સેફ હેવન એસેટ તરીકે સોનાની માગ વધે તેવો અંદાજ છે.
બુલિયન ઍનાલિસ્ટ રેનિશા ચૈનાની માને છે કે "સોનાનો ભાવ હજુ 5600 ડૉલરની અગાઉની ટોચને સ્પર્શ કરી શકે છે. તેના આધારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ હજુ 10થી 12 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે."
તેઓ કહે છે કે "યુદ્ધ વધારે ઉગ્ર બને તો ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાનો ભાવ 6000 ડૉલર સુધી જઈ શકે જે ભારતીય રૂપિયામાં લગભગ બે લાખ રૂપિયા થશે. સેફ હેવન ખરીદી જળવાઈ રહે તેવી સંભાવના છે."
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના વડા હરેશ આચાર્યે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, મંગળવારે ભારતમાં જીએસટી સાથે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.65 હજાર રૂપિયા ચાલતો હતો. ત્યાર બાદ બુધવારે એક ટકા કરતાં વધુ વધારો થયો છે.
તેઓ કહે છે કે, "મધ્યપૂર્વની અસ્થિરતાના કારણે આર્થિક પ્રવૃત્તિ ઘટશે, ત્યાં કામ કરતા ભારતીયો તરફથી રેમિટન્સની આવક હતી તે ઘટવાની શક્યતા છે. રોકાણનાં તમામ સાધનોમાં અનિશ્ચિતાતનો માહોલ હોવાથી થોડા સમય માટે સોનાની માગ જળવાઈ શકે છે. તેમાં થોડા થોડા સમયે ઘટાડો આવી શકે, પરંતુ એકંદરે સોનામાં મજબૂતીનો ટોન જોવા મળી શકે છે."
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












