યુમનામ ખેમચંદે મણિપુરના લોકભવનમાં મુખ્ય મંત્રીપદના શપથ લીધા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ભાજપના ધારાસભ્ય યુમનામ ખેમચંદે બુધવારે મણિપુરના લોકભવનમાં મુખ્ય મંત્રીપદના શપથ લીધા.
થોડા સમયે પહેલાં ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને મણિપુરમાંથી તરત રાષ્ટ્રપતિશાસન દૂર કરવાની જાહેરાત કરી હતી.
યુમનામ ખેમચંદસિંહને મંગળવારે મણિપુર ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
ભાજપ મણિપુરે ઍૅક્સ પર પોસ્ટ કરીને તેમના શપથગ્રહણ સમારોહની માહિતી આપી હતી. તેમાં લખ્યું હતું, "તેમનાં અનુભવ અને દૂરદર્શી નેતૃત્વમાં મણિપુર શાંતિ, વિકાસ અને સુશાસનના રસ્તે આગળ વધવા તૈયાર છે, જેનાથી રાજ્યમાં સ્થિરતા અને પ્રગતિનો નવો દૌર શરૂ થશે."
યુમનામ ખેમચંદે બુધવારે જ રાજ્યના ગવર્નર અજયકુમાર ભલ્લાને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારની રચના માટે સમર્થનપત્ર આપ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં SIR સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટિસ આપી

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટિસ આપી છે.
સુનાવણી દરમિયાન મમતા બેનરજી પણ કોર્ટમાં હાજર રહ્યાં હતાં.
પશ્ચિમ બંગાળમાં મતદારયાદીની શિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ જારી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીએ થશે. મમતા બેનરજીએ કોર્ટમાં દલીલ કરી હતી કે SIR એક સમાવેશક પ્રક્રિયા નથી, પરંતુ તે વિભાજનકારી છે. તેમણે કોર્ટને કહ્યું, "કૃપા કરીને અમારા લોકશાહીને બચાવો."
મમતા બેનરજી તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કોર્ટને જણાવ્યું કે મોટી સંખ્યામાં મતદારોની યાદીમાં સુધારાની પ્રક્રિયા હજી બાકી છે અને હવે સુધારાત્મક પગલાં લેવા માટે લગભગ નગણ્ય સમય જ બચ્યો છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ–મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, "અમને ક્યાંય ન્યાય મળતો નથી. મેં મુખ્ય ચૂંટણી કમિશનરને અનેક પત્રો લખ્યા છે."
મમતા બેનરજીએ રાજ્યમાં મતદારયાદીમાં સુધારાની પ્રક્રિયાથી સામાન્ય લોકોને થતી "પરેશાનીઓ અને તેમાં થઈ રહેલી અનિયમિતતાઓ" વિશે માહિતી આપવા માટે સુપ્રીમ કોર્ટ પાસે પાંચ મિનિટનો સમય માગ્યો.
આ દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે ઇલેક્ટોરલ રોલ રિવિઝન (મતદાર યાદીનું પુનરીક્ષણ) માઇગ્રેશન સાથે પણ જોડાયેલું છે. તેમણે કહ્યું કે દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ હોય છે અને આપણું ધ્યાન એ પર હોવું જોઈએ કે જેમની પાસે સંપૂર્ણ દસ્તાવેજો છે, તે દરેક વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ થાય.
મમતા બેનરજીએ કહ્યું કે ચૂંટણીપંચ આધાર કાર્ડને મંજૂરી આપતું નથી અને મતદાતાઓ પાસે અન્ય દસ્તાવેજોની માંગ કરી રહ્યું છે. પીટીઆઈ મુજબ, મમતા બેનરજીએ કહ્યું કે પશ્ચિમ બંગાળને નિશાન બનાવવામાં આવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે "આ જ માપદંડ આસામ પર કેમ લાગુ કરવામાં આવતો નથી?"
તેમણે આરોપ લગાવ્યો કે એસઆઈઆર (SIR) પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે ઘણા 'જીવિત લોકોને પણ મૃત' જાહેર કરી દીધા છે.
રાહુલ ગાંધી પૂર્વ સેના અધ્યક્ષનું અપ્રકાશિત પુસ્તક લઈને પહોંચ્યા સંસદ

ઇમેજ સ્રોત, ANI
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે સંસદમાં પૂર્વ સેનાપ્રમુખ એમ. એમ. નરવણેના એક અપ્રકાશિત પુસ્તકની નકલ લઈને પહોંચ્યા, જેને લઈને છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.
હકીકતમાં, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં 'કારવાં' મૅગેઝિનમાં છપાયેલા એક અપ્રકાશિત પુસ્તક (For Stars of Destiny) પર આધારિત લેખના અંશો વાંચવાનો પ્રયાસ કર્યો હતો. આ પુસ્તક પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલું છે.
આ પર ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અપ્રકાશિત પુસ્તકના અંશો કેવી રીતે વાંચી શકાય.
બુધવારે સંસદ પરિસરમાં પુસ્તકની નકલ બતાવતા રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, "સરકાર કહી રહી છે કે આ પુસ્તક નથી, સ્પીકર કહી રહ્યા છે કે આ પુસ્તક નથી. ભારતના દરેક યુવાને આ જોવું જોઈએ કે આ પુસ્તક છે. આ નરવણેજીનું પુસ્તક છે. તેમાં તેમણે લદ્દાખ વિશે સંપૂર્ણ વિગતો લખી છે. અને મને કહેવામાં આવ્યું છે કે હું આ પુસ્તકને ટાંકી શકતો નથી."
રાહુલ ગાંધીએ પુસ્તક વાંચતાં કહ્યું, "અહીં મુખ્ય લાઇન એ છે કે વડા પ્રધાને કહ્યું— જે યોગ્ય લાગે તે કરો. ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ નરવણેજીએ રાજનાથસિંહને ફોન કર્યો અને કહ્યું કે કૈલાશ રિજ પર ચીની ટૅન્ક આવી ગઈ છે, હવે શું કરવું? પહેલા રાજનાથસિંહજીએ તેમને કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે (સેનાધ્યક્ષે) જયશંકરજીને પૂછ્યું, એનએસએને પૂછ્યું, રાજનાથસિંહજીને પૂછ્યું. કોઈ જવાબ આવ્યો નહીં."
રાહુલ ગાંધીએ પુસ્તકના હવાલાથી આગળ કહ્યું, "પછી તેમણે (સેનાધ્યક્ષે) ફરી રાજનાથસિંહજીને ફોન કર્યો. ત્યારે રાજનાથસિંહજીએ કહ્યું કે હું ઉપરથી પૂછું છું. ઉપરથી આદેશ આવ્યો હતો કે જો ચીની દળો અંદર આવશે તો અમારી પાસેથી પૂછ્યા વગર ફાયરિંગ ન કરવું. નરવણેજી અને અમારી સેના ફાયરિંગ કરવા માંગતી હતી, કારણ કે ટૅન્ક્સ અમારી સરહદમાં આવી ગઈ હતી. નરેન્દ્ર મોદીજીએ સંદેશ મોકલ્યો કે જુઓ, જે યોગ્ય લાગે તે કરો."
રાહુલ ગાંધી જે અપ્રકાશિત પુસ્તકના કેટલાક અંશો વાંચી રહ્યા હતા, મીડિયા અહેવાલો અનુસાર તે પુસ્તક જાન્યુઆરી 2024માં બજારમાં આવવાનું હતું, પરંતુ ભારતીય સેના હાલમાં આ પુસ્તકની તપાસ કરી રહી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે નિયમ 349(1) નો હવાલો આપતાં કહ્યું હતું કે કોઈપણ પુસ્તક અથવા ઇમેલ પર સંસદમાં ચર્ચા કેવી રીતે થઈ શકે?
તેમણે કહ્યું હતું, "મેં નિયમોનું પુસ્તક વાંચ્યું છે. નિયમ અને પરંપરા મુજબ અખબારનાં કટિંગ, પુસ્તક અને આવા વિષયો, જે પ્રમાણિક નથી, તેમના પર સંસદમાં ચર્ચા કરવાની પરંપરા રહી નથી."
સત્તાપક્ષ નિયમોનો હવાલો આપીને રાહુલ ગાંધી દ્વારા મૅગેઝિનના અંશો વાંચવામાં આવવા પર વાંધો ઉઠાવી રહ્યો છે.
રાહુલ ગાંધીના લોકસભાના સ્પીકરને લખેલા પત્ર પર શું બોલ્યા કેન્દ્રીય મંત્રી રિજિજૂ

ઇમેજ સ્રોત, ANI
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખવામાં આવેલી ચિઠ્ઠી પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "તેનો જવાબ આપી દેવાયો છે. અમે લોકો પણ રાહ જોઈને થાકી ગયા, પરંતુ તેઓ બોલતા જ નથી. કહે છે કે નિયમોની બહાર રહીને બોલશે. અમે બે દિવસ રાહ જોઈ. બીજાને પણ તો બોલવાનો મોકો મળવો જોઈએ ને. મનમાની રીતે તો બોલી શકાતું નથી, આ ભારતની સંસદ છે, અહીં નિયમ મુજબ બોલવું પડે છે."
આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક ચિઠ્ઠી લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું,
"માનનીય અધ્યક્ષ મહોદય, ગઈકાલે જ્યારે હું રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલી રહ્યો હતો ત્યારે તમે મને તે મૅગેઝિનને ઑથેન્ટિકેટ (પ્રમાણિત) કરવા કહ્યું હતું, જેનો હું સંદર્ભ આપવા માંગતો હતો. આજે મેં દસ્તાવેજની પુષ્ટિ કરીને ભાષણ શરૂ કરવાનો પ્રયાસ કર્યો."
તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી પરંપરા રહી છે કે સભામાં જે સભ્ય કોઈ દસ્તાવેજનો સંદર્ભ આપવો ઇચ્છે છે, તેને તેની પુષ્ટિ કરવી પડે છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી સ્પીકર સભ્યને તે દસ્તાવેજનો સંદર્ભ આપવા મંજૂરી આપે છે.
તેમણે લખ્યું, "આજે લોકસભામાં મને બોલવાથી રોકવું માત્ર પરંપરાનો ભંગ નથી, પરંતુ તેનાથી આ ગંભીર ચિંતા પણ ઊભી થાય છે કે વિપક્ષના નેતા તરીકે મને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર બોલવાથી જાણબૂઝીને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પુનરોચ્ચાર કરવો જરૂરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા રાષ્ટ્રપતિના અભિભાષણનો મહત્વપૂર્ણ ભાગ હતો, જે પર સભામાં ચર્ચા થવી જોઈએ."
ક્રિટિકલ મિનરલની શોધથી દ્વિપક્ષીય સહયોગ સુધી, જયશંકર અને રુબિયો વચ્ચે શી વાતચીત થઈ?

ઇમેજ સ્રોત, @SecRubio/X
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વૉશિંગ્ટન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલા 'વેપાર કરાર'નું સ્વાગત કર્યું. સાથે જ મહત્ત્વપૂર્ણ ખનિજોની શોધ અને ખનન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને ઔપચારિક સ્વરૂપ આપવાનો વિષય પણ ચર્ચાયો.
બુધવારે અમેરિકા દ્વારા આયોજિત થનારી પ્રથમ ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રિયલ બેઠક પહેલાં જયશંકર અને માર્કો રૂબિયો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.
આ બેઠક પછી એસ. જયશંકરે ઍક્સ પર લખ્યું, "અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળીને આનંદ થયો. અમે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરી, જેમાં દ્વિપક્ષીય સહયોગનો એજન્ડા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સામેલ રહ્યા."
તેમણે આગળ લખ્યું, "ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના જે પાસાઓ પર ચર્ચા થઈ તેમાં વેપાર, ઊર્જા, પરમાણુ, રક્ષા, મહત્ત્વપૂર્ણ ખનિજ અને પ્રૌદ્યોગિકીનો સમાવેશ થાય છે. આપણાં સંયુક્ત હિતોને આગળ વધારવા માટે વિવિધ તંત્રોની બેઠકો યોજવાની પણ સંમતિ થઈ છે."
આ તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ જયશંકર સાથે થયેલી મુલાકાતની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળી મહત્ત્વપૂર્ણ ખનિજોની શોધમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી. સાથે જ બંને દેશો વચ્ચે કેવી રીતે નવી આર્થિક તકોના માર્ગો ખોલી શકાય તે અંગે પણ વાતચીત થઈ. અમે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા વેપાર કરારની પણ પ્રશંસા કરી."
મમતા બેનરજી એસઆઈઆરની સામે સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન રહેશે ઉપસ્થિત

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટ બુધવારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી તરફથી રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.
મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે તેમની એક તસવીર શૅર કરી છે, જેમાં મમતા બેનરજી કાળા કોટમાં સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધતાં દેખાઈ રહ્યાં છે. તસવીર પર લખેલું છે,
"મમતા બેનરજી SIRને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપશે."

ઇમેજ સ્રોત, @AITCofficial
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠ SIR સામે દાખલ થયેલી વિવિધ અરજીઓ પર સુનાવણી કરશે.
આ મામલે મમતા બેનરજી, મોસ્તારી બાનો તેમજ ટીએમસીના સાંસદ ડેરેક ઑ'બ્રાયન અને ડૉલા સેને અરજી દાખલ કરી છે.
આ પહેલાં, 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે અનેક નિર્દેશો જારી કરતાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને તેના કારણે કોઈપણ પ્રકારની અસુવિધા થવી જોઈએ નહીં.
સોમવારે મમતા બેનરજીએ પાર્ટીના નેતાઓ અને SIRથી પ્રભાવિત થયેલા કેટલાક પરિવારો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સાથે મુલાકાત કરી હતી.
મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા રોકવાની માંગ કરી રહ્યાં છે.
લીબિયાના પૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીના પુત્રની 'ગોળી મારીને હત્યા'

ઇમેજ સ્રોત, Reuters
લીબિયાના પૂર્વ નેતા કર્નલ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળ્યા છે.
લીબિયન ન્યૂઝ એજન્સીએ તેમની ટીમના પ્રમુખના હવાલાથી આ સમાચાર આપ્યા છે.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીને એક સમયે પોતાના પિતાના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.
તેમના વકીલે એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું કે ચાર લોકોની એક ટીમે જિંતાન શહેરમાં તેમના ઘરે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી.
જોકે, હજુ સુધી હુમલા પાછળ ખરેખર કોણ હતું એ વાતની ખબર પડી નથી.
બીજી તરફ, તેમના મૃત્યુ અંગે તેમનાં બહેને અલગ જ દાવો કર્યો છે.
તેમણે લીબિયન ટીવીને જણાવ્યું કે સૈફ અલ-ઇસ્લામનું મૃત્યુ લીબિયા-અલ્જીરિયા બૉર્ડર પાસે થયું.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીને લાંબા સમય સુધી પોતાના પિતા બાદ દેશના સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવતા હતા, લોકોના મનમાં તેમનો ખોફ હતો.
તેમના પિતા મુઅમ્મર ગદ્દાફીએ 1969થી 2011 સુધી લીબિયા પર શાસન કર્યું અને બાદમાં વિદ્રોહ દરમિયાન તેમને સત્તા પરથી હઠાવીને મારી નખાયા.
1972માં જન્મેલા સૈફ અલ-ઇસ્લામે વર્ષ 2000થી ગદ્દાફીના શાસનના પતન સુધી પશ્ચિમના દેશો સાથે લીબિયાના સંબંધો સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી પર સરકારવિરોધી પ્રદર્શનોને કચડવામાં મોટી ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો અને મુઅમ્મર ગદ્દાફીના મૃત્યુ બાદ તેમને જિંતાન શહેરમાં એક પ્રતિદ્વંદ્વી મિલિશિયાએ લગભગ છ વર્ષ સુધી કેદમાં રાખ્યા.
મુંબઈ હવાઈ મથકે ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો વિમાનની પાંખ અથડાઈ, ડીજીસીએએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મંગળવારે સાંજે મુંબઈ ઍરપૉર્ટ પર ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોનાં વિમાનોની પાંખ છેડેથી એકબીજા સાથે અથડાઈ ગઈ. તમામ મુસાફરો સુરક્ષિત છે.
મામલામાં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પણ નિવેદન જાહેર કર્યું છે.
ડીજીસીએ પ્રમાણે, "3 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈ ઍરપૉર્ટ ખાતે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI2732 ડિપાર્ચર પહેલાં એમ4 તરફ ઊભી હતી. ત્યારે જ, ઇન્ડિગોની ફ્લાઇટ A320 લૅન્ડિંગ બાદ એ જ તરફ આગળ વધી રહી હતી."
ડીજીસીએ પ્રમાણે, ટૅક્સિઇંગ દરમિયાન બંને વિમાનોનાં જમણા વિંગટિપ્સ એટલે કે પાંખનો છેડાનો ભાગ અથડાયો. જોકે, હવે બંને ઍરક્રાફ્ટને તપાસ માટે મોકલી દેવાયાં છે. ડીજીસીએએ જણાવ્યું કે મુંબઈ ઑફિસથી અધિકારી તપાસ માટે સાઇટ પર પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઇએ ઍર ઇન્ડિયાના પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે ફ્લાઇટ સંખ્યા AI2732 મુંબઈથી કૉયંબટૂર જઈ રહી હતી અને તેને ઉડાણમાં વિલંબ થયો હતો. ટેકઑફ પહેલાં જ્યારે એ વિમાન ટૅક્સિ-વે પર રાહ જોઈ રહ્યું હતું, ત્યારે બીજી ઍરલાઇનના વિમાનના સંપર્કમાં આવી ગયું હતું.
પ્રવક્તાએ જણાવ્યું, "બંને ઍરક્રાફ્ટનાં વિંગટિપ્સ સંપર્કમાં આવ્યાં, પરિણામે અમારા વિમાનના વિંગટિપને નુકસાન પહોંચ્યું. સુરક્ષાને ધ્યાને રાખીને વિમાનને બાકીની તકનીકી તપાસ માટે ઉડાણ ભરવાથી રોકી દેવાયું છે. તમામ મુસાફરોને સુરક્ષિતપણે બહાર કાઢી લેવાયા છે."
તેમજ, ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે હૈદરાબાદથી મુંબઈ પહોંચેલા તેમના વિમાનનો વિંગટિપ ટૅક્સિંગ દરમિયાન અન્ય વિમાનના વિંગટિપ સાથે સંપર્કમાં આવ્યો હતો.
પ્રવક્તાએ કહ્યું કે, "તમામ મુસાફરોને પાર્કિંગ બાદ સુરક્ષિત બહાર કાઢી લેવાયા. ઍરક્રાફ્ટની તપાસ ચાલી રહી છે. પ્રોટોકૉલ પ્રમાણે, સંબંધિત અધિકારીઓને તરત માહિતગાર કરાયા અને આ મામલાની તપાસ ચાલી રહી છે."
આ ઘટના મંગળવારે સાંજે સાત વાગ્યે મુંબઈ ઍરપૉર્ટ પર બની હતી, નોંધનીય છે કે, મુંબઈ ઍરપૉર્ટ ભારતનાં સૌથી વ્યસ્ત હવાઈ મથકો પૈકી એક મનાય છે.
અમેરિકાએ કહ્યું, 'યુએસએસ અબ્રાહમ લિંકન તરફ આગળ વધી રહેલા ડ્રૉનને તોડી પડાયું'

ઇમેજ સ્રોત, US Navy via Reuters
અમેરિકન સૈન્યના એક પ્રવક્તાએ કહ્યું કે મંગળવારના રોજ અરબી સમુદ્રમાં એક ઈરાની ડ્રૉનને 'આક્રમક રીતે' અમેરિકન વિમાનવાહક જહાજની નજીક આવતી વખતે તોડી પડાયું.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કૅપ્ટન ટિમ હૉકિન્સ પ્રમાણે, યુએસ અબ્રાહમ લિંકન યુદ્ધજહાજથી ઉડાણ ભરનાર એક એફ-35સી સ્ટેલ્થ ફાઇટર જેટે વિમાનવાહક જહાજ અને તેના પર મોજૂદ કર્મચારીઓની સુરક્ષા માટે 'આત્મરક્ષણ માટે' આ ડ્રૉનને તોડી પાડ્યું.
જ્યારે ડ્રૉન જહાજની નજીક આવ્યું, ત્યારે એ જહાજ ઈરાનના કાંઠેથી લગભગ 500 માઇલ દૂર હતું અને ડ્રૉન કયા ઇરાદા સાથે જહાજ તરફ આગળ વધ્યું હતું, એ અંગે સ્પષ્ટતા નહોતી.
આ ઘટનામાં કોઈ પણ અમેરિકન ઉપરણને નુકસાન નથી પહોંચ્યું અને ના કોઈ સૈનિકને ઈજા થઈ છે.
આ મામલો ત્યારે સામે આવ્યો છે, જ્યારે આ ક્ષેત્રમાં અમેરિકા પોતાની સૈન્ય મોજૂદગી વધારી રહ્યું છે અને ઈરાન સાથેનો તેનો તણાવ ચરમ પર પહોંચી ગયો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ સમાધાન પર વાત નહીં કરે તો તેની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકાય છે.
ઈરાનનું ડ્રૉન તોડી પાડ્યા બાદ વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે ફૉક્સ ન્યૂઝને કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે આ અઠવાડિયાના અંતે વાતચીત પ્રસ્તાવિત છે.
તેમણે કહ્યું, "ટ્રમ્પ હંમેશાં સૌથી પહેલા કૂટનીતિનો રસ્તો અપનાવવા માટે પ્રતિબદ્ધ રહે છે. પરંતુ તેમની પાસે હંમેશાં ઘણા વિકલ્પ હોય છે, જેમાં સૈન્ય બળનો ઉપયોગ પણ સામેલ છે."
જેમિમા રૉડ્રિગ્સની દિલ્હી કૅપિટલ્સ સતત ચોથી વખત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી, આરસીબી સાથે થશે મુકાબલો

ઇમેજ સ્રોત, Getty Images
વિમૅન પ્રીમિયર લીગની ઍલિમિનેટર મૅચમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને સાત વિકેટે હરાવી દીધું. ટૉસ જીતીને દિલ્હીની ટીમે પ્રથમ બૉલિંગ કરી.
ગુજરાત જાયન્ટ્સે દિલ્હીને 169 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને દિલ્હી કૅપિટલ્સે 15.4 ઓવરમાં જ હાંસલ કરી લીધું. દિલ્હીની તરફથી કપ્તાન જેમિમા રૉડ્રિગ્સે 23 બૉલ રમીને 41 રન બનાવ્યા. એ પહેલાં લિઝેલ લીએ પણ 43 રનનું યોગદાન આપ્યું.
દિલ્હી કૅપિટલ્સે સતત ચોથી વખત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી છે, જોકે, તે ગત ત્રણ સિઝનમાં આ ખિતાબ પોતાને નામ નથી કરી શકી.
હવે 5 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે વડોદરા ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી) અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.
ઑસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હઠાવી દેવાઈ, ભારતે તેને ફરી સ્થાપિત કરવાની કરી માગ

ઇમેજ સ્રોત, Lev Radin/Pacific Press/LightRocket via Getty Images
ભારતે મંગળવારે ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નસ્થિત ઑસ્ટ્રેલિયન ઇન્ડિયન કૉમ્યુનિટી સેન્ટરમાંથી મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખવાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને તાત્કાલિક પરત સ્થાપવાની માંગ કરી છે.
ઑસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા મુજબ, કાંસ્યની આ પ્રતિમા 12 મી જાન્યુઆરીની વહેલી સવારમાં મેલબૉર્નના રોવિલ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી સેન્ટરમાંથી કથિત રીતે હટાવી લેવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું, "અમે મેલબૉર્નના રોવિલસ્થિત ઑસ્ટ્રેલિયન ઇન્ડિયન કૉમ્યુનિટી સેન્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે કરવામાં આવેલી તોડફોડ અને તેને અજાણ્યા લોકો દ્વારા હઠાવવાની ઘટનાની કડક નિંદા કરીએ છીએ."
તેમણે કહ્યું, "અમે આ મુદ્દાને ઑસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ મજબૂત રીતે ઉઠાવ્યો છે અને તેમને અપીલ કરી છે કે તેઓ ગુમ થયેલી પ્રતિમાને તાત્કાલિક પરત મેળવે અને દોષિતોને જવાબદાર ઠેરવે."
મીડિયા અહેવાલો અનુસાર, 420 કિલોગ્રામ વજનની આ પ્રતિમાને ગ્રાઇન્ડર વડે કાપી નાખવામાં આવી હતી, જેના કારણે ફક્ત પગ જ બચ્યા હતા.
આ પ્રતિમા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા ભેટરૂપે આપવામાં આવી હતી અને તેને 2021માં તે સમયના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતીક તરીકે ગણાવી હતી અને તેનું અનાવરણ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












