ચેતેશ્વર પૂજારાએ સન્યાસની ઘોષણા બાદ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ચેતેશ્વર પૂજારાએ સન્યાસની ઘોષણા બાદ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પૂજારા
વાંચવાનો સમય: 4 મિનિટ

ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સન્યાસનું ઍલાન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ગર્વ અને સૌભાગ્યની વાત હતી.

ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે 2010માં તેમને પહેલી વખત ભારતીય ટીમ માટે રમવાની તક મળી હતી.

તેમની સફરને યાદગાર ગણાવતા તેમણે કહ્યું, "ભારતીય ટીમનું આટલાં વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હતી. અત્યારસુધી જે સફર રહી, તે શ્રેષ્ઠ હતી."

પૂજારાએ કહ્યું, "આ સફરમાં ઘણા લોકોનું યોગદાન રહ્યું છે. જેમાં મારો પરિવાર, મારા કોચ, ટીમના સભ્યો અને સપોર્ટ સ્ટાફ. જેમની સાથે મેં કામ કર્યું. તે સૌને હું યાદ કરવા માગીશ."

યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર ઝેલેન્સ્કીએ પોસ્ટ કર્યો ટ્રમ્પનો પત્ર, શું લખ્યું?

યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર ઝેલેન્સ્કીએ પોસ્ટ કર્યો ટ્રમ્પનો પત્ર, શું લખ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્થાયી શાંતિ માટે આશા વ્યક્ત કરી.

યુક્રેન રવિવારે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેમના સહયોગીની મદદથી યુક્રેનમાં સ્થાયી શાંતિ સ્થાપિત થશે.

ઝેલેન્સ્કીએ કહ્યું, "યુક્રેન પીડિત નથી, ફાઇટર છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના ઘણા નેતાઓએ યુક્રેનને તેના સ્વતંત્રતા દિવસ બદલ અભિનંદન પાઠવ્યા.

ઝેલેન્સ્કીએ ઍક્સ પર એક પત્ર પોસ્ટ કર્યો છે. જેમાં ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેનના સાહસને દુનિયાના લોકોને પ્રેરિત કર્યા છે. તેઓ વાતચીત મારફતે રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાનનો પ્રયત્ન કરે છે.

ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો આભાર પ્રગટ કરતા લખ્યું, "યુક્રેનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમારી શુભેચ્છા બદલ આપનો ધન્યવાદ. અમારું માનવું છે કે સાથે મળીને કામ કરીને યુદ્ધને સમાપ્ત કરી શકીએ છીએ."

રાજનાથસિંહે કહ્યું, 'શુભાંશુ શુક્લા અવકાશમાં માનવતાના પ્રતિનિધિ તરીકે ગયા હતા'

રાજનાથસિંહ, અવકાશ, શુભાંશુ શુક્લા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rajnathsingh/X

રવિવારે ઇન્ડિયન ઍરફૉર્સ સ્પેસ કૉન્ફરન્સમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પરત ફરેલા ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા અને ગગનયાન મિશનમાં સામેલ ગ્રૂપ કૅપ્ટન પીવી નાયર, ગ્રૂપ કૅપ્ટન અજિત કૃષ્ણન અને ગ્રૂપ કૅપ્ટન અંગદ પ્રતાપનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે સંરક્ષણમંત્રીએ કહ્યું કે જ્યારે શુભાંશુ શુક્લા અવકાશમાં ગયા હતા, ત્યારે તેઓ ફક્ત સશસ્ત્ર દળો કે ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર માનવતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

રાજનાથસિંહે કહ્યું હતું કે શુભાંશુ શુક્લાનું નાગરિક ક્ષેત્રમાં આ યોગદાન ઇતિહાસમાં નોંધાશે.

તેમણે કહ્યું કે, "અવકાશમાં ગયા પછી, શુભાંશુ શુક્લાએ પણ ખેતી કરી, કારણ કે તે ખેડૂત પરિવારમાંથી આવે છે અને ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેમનો અનુભવ ભવિષ્યના મિશનમાં પણ ઉપયોગી થશે."

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ ફક્ત વિજ્ઞાનનો વિજય નથી, પરંતુ વિશ્વાસ અને હિંમતનો પડઘો છે.

આ પ્રસંગે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને વાયુસેનાના વડા ઍર માર્શલ એપી સિંહ પણ હાજર હતા.

ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કર્યું

ચેતેશ્વર પૂજારા, ક્રિકેટ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કર્યું છે

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષીય પૂજારાએ તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આ માહિતી શૅર કરી હતી.

પૂજારાએ લખ્યું હતું કે , "ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતા અને મેદાનમાં ઊતરતી વખતે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું - આ ભાવનાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે."

"પરંતુ જેમ કહેવામાં આવે છે કે બધી સારી વસ્તુઓનો નિશ્ચિતપણે અંત આવે છે એમ મેં ભારતીય ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."

2010માં ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ કરનાર ચેતેશ્વર પૂજારાએ 103 ટેસ્ટ મૅચમાં 7195 રન બનાવ્યા હતા, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર 206 રન અણનમ છે.

ભારતનું સમર્થન કરનાર ટ્રમ્પના પૂર્વ સલાહકાર જ્હૉન બૉલ્ટનના ઘરે છાપેમારી

જ્હૉન બૉલ્ટન, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી FBIના એજન્ટોએ શુક્રવારે 22 ઑગસ્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર જ્હૉન બૉલ્ટનના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા.

ગુપ્ત દસ્તાવેજો સંબંધિત એક કેસમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

બોલ્ટન ટ્રમ્પની નીતિઓના સમર્થક હતા, પરંતુ બાદમાં તેમનો ટ્રમ્પ સાથે વિવાદ થયો અને તેમણે પદ છોડી દીધું.

બોલ્ટન રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દા પર ટ્રમ્પની નીતિઓના ખુલ્લેઆમ ટીકાકાર રહ્યા છે. તાજેતરના સમયમાં, તેઓ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો સખત વિરોધ કરતા પણ જોવા મળ્યા છે.

ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જ તેમણે 2019માં રાજીનામું આપ્યું હતું અને પછીથી તેઓ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે.

તેમણે વર્ષ 2020માં ટ્રમ્પ સાથે કામ કરવાના પોતાના અનુભવ અંગે એક પુસ્તક લખ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને વિદેશનીતિ બાબતે કંઈ ખબર નથી.

એ પછી વ્હાઇટ હાઉસે તેમની ઉપર ગોપનીય જાણકારીના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

બૉલ્ટને હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી અને તેમની અટકાયત કરવામાં આવી નથી અને કોઈ નવો કેસ પણ દાખલ કરવામાં આવ્યો નથી.

પરંતુ ટ્રમ્પને જ્યારે પત્રકારોએ આ તપાસ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે તેઓ આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માગતા નથી અને તેમણે બૉલ્ટનને 'છેતરપિંડી કરનાર' ગણાવ્યા હતા.

પીએમ મોદી અને આરએસએસ વિશે 'વાંધાજનક' કાર્ટૂનનો વિવાદ, કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયે માફી માગી

કાર્ટૂનિસ્ટ હેમંત માલવીય, કાર્ટૂન, પીએમ મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hemant Malviya/X

કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ કાર્યકર્તાઓ અંગેના પોતે બનાવેલા 'વાંધાજનક' કાર્ટૂન અંગે માફી માગી છે.

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર માફી માગી છે.

તેમણે લખ્યું હતું કે, "પહેલી મે, 2025ના રોજ મેં કરેલી ફેસબુક પોસ્ટ અંગે મને ઊંડો ખેદ છે. હું સુપ્રીમ કોર્ટને કહું છું કે મેં ક્યારેય ઇરાદાપૂર્વક કોઈ સમુદાય, જાતિ, ધર્મ, પક્ષ કે વ્યક્તિની ઠેસ પહોંચાડી નથી."

આરએસએસના કાર્યકર્તા વિનય જોશીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદને આધારે તેમના પર કેસ ચાલ્યો હતો.

કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયના આગોતરા જામીન માટે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના જજ અરવિંદકુમાર અને એનવી અંજારિયા કરી રહ્યા હતા.

એ પહેલાં સુપ્રીમ કોર્ટે કરેલી ટીકાને કારણે તેઓ તેમની આ પોસ્ટ તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી હઠાવવા સહમત થયા હતા.

3 જુલાઈના રોજ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, "કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયે સ્પષ્ટપણે વાણીસ્વતંત્રતાની સીમા ઓળંગી છે અને આ અધિકારનો દુરુપયોગ કર્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન