હત્યાના કેસમાં નિર્દોષ હોવા છતાં ભારતીયે અમેરિકાની જેલમાં 43 વર્ષ સજા ભોગવી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એના ફગાય
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતીય મૂળની એક વ્યક્તિએ એવા ગુના માટે અમેરિકન જેલમાં 43 વર્ષ કાઢવા પડ્યા જે ગુનો તેમણે કર્યો જ ન હતો. હવે સુબ્રમણ્યમ 'સુબુ' વેદમ જેલમાંથી તો છૂટી ગયા છે, પરંતુ તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
સુબ્રમણ્યમ વેદમ પર તેમના એક રૂમમેટની હત્યા કરવાનો આરોપ હતો. આ કેસમાં નવા પુરાવા મળ્યા જેમાં તેઓ નિર્દોષ હોવાનું જાણવા મળતા તેમને આ મહિને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જોકે તેઓ પોતાના પરિવારને મળી શકે તે પહેલાં જ અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ) દ્વારા તેમને કસ્ટડીમાં લેવાયા છે. તે તેમને ભારત મોકલી દેવા માગે છે. સુબ્રમણ્યમે બાળપણથી ભારત નથી જોયું.
હાલમાં સુબ્રમણ્યમ વેદમ તેમનું ડિપોર્ટેશન અટકાવવા કાનૂની લડત આપી રહ્યા છે. તેમનો પરિવાર તેમને કસ્ટડીમાંથી ગમે તેમ છોડાવવા પ્રયત્ન કરી રહ્યો છે.
તેમના પરિવાર સામે હવે નવી અને એકદમ અલગ સ્થિતિ પેદા થઈ છે તેમ તેમનાં બહેન સરસ્વતી વેદમે બીબીસીને જણાવ્યું હતું.
સુબ્રમણ્યમ વેદમ એક એવી જેલમાં હતા જ્યાં તેઓ કેદીઓ અને પહેરેદારોને સારી રીતે ઓળખતા હતા. ત્યાં તેમની પોતાની કોટડી હતી અને તેઓ સાથી કેદીઓને માર્ગદર્શન પણ આપતા હતા.
પરંતુ હવે તેમને જે આઇસીઇ જેલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યાં તેમની સાથે કોટડીમાં બીજા 60 કેદીઓ છે. ત્યાં તેઓ તેમને એક માર્ગદર્શક તરીકે કોઈ નથી જાણતું.
નવી સ્થિતિ વિશે વેદમે પોતાનાં બહેન અને પરિવારના અન્ય સભ્યોને માત્ર એટલું જ કહે છે કે "મારે જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. હવે હું કેદી નથી. હું જેલમાં બંધ છું."
1980નો હત્યાકેસ શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજથી 40 વર્ષ કરતાં વધુ સમય અગાઉ સુબ્રમણ્યમ વેદમને તેમના 19 વર્ષીય રૂમમેટ ટોમ કિન્સરની હત્યા બદલ દોષિત ઠરાવાયા હતા.
કિન્સર એક જંગલ વિસ્તારમાંથી ગુમ થયા હતા અને નવ મહિના પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની ખોપરીમાં ગોળી વાગ્યાનાં નિશાન હતાં.
કિન્સર જે દિવસે ગુમ થયા તે જ દિવસે સુબ્રમણ્યમ વેદમે તેમના વાહનમાં સવારી કરી હતી. કિન્સર જે કાર ચલાવતા હતા તે તેની જગ્યાએ પાછી આવી ગઈ, પરંતુ કોઈએ કારને પરત આવતા જોઈ ન હતી.
સુબ્રમણ્યમ વેદમ પર પોતાના રૂમમેટની હત્યાનો આરોપ લગાવાયો. તેમને જામીન ન મળ્યા, ઑથૉરિટીએ તેમનો પાસપૉર્ટ અને ગ્રીન કાર્ડ જપ્ત કર્યાં અને તેમને 'ભાગી જવાની શક્યતા હોય તેવા વિદેશી' તરીકે ઓળખાવાયા.
બે વર્ષ પછી વેદમને હત્યાકેસમાં દોષિત જાહેર કરાયા અને આજીવન કેદની સજા સંભળાવાઈ. 1984માં ડ્રગ્સના એક અલગ મામલામાં તેમને અલગથી અઢીથી પાંચ વર્ષની જેલ થઈ. આજીવન કેદની સજાની સાથે સાથે આ સજા પણ ભોગવવાની હતી.
આ સમગ્ર ગાળા દરમિયાન સુબ્રમણ્યમ વેદમે પોતે કોઈની હત્યા કરી ન હોવાની વાત પકડી રાખી.
તેમના ટેકેદારો અને પરિવારે દાવો કર્યો કે તેમણે ગુનો કર્યો છે એવું દેખાડતા કોઈ ભૌતિક પુરાવા મળ્યા નથી.
અંતે નિર્દોષ સાબિત થયા

ઇમેજ સ્રોત, Reuters
સુબ્રમણ્યમ વેદમે હત્યાકેસમાં પોતાની સજા સામે અનેક વખત અપીલ કરી. થોડાં વર્ષ અગાઉ આ કેસમાં નવા પુરાવા મળ્યા અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
ઑક્ટોબરની શરૂઆતમાં સેન્ટર કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ ઍટર્ની બર્ની કેન્ટોરાએ કહ્યું કે તેઓ વેદમ સામે નવો કેસ નહીં ચલાવે.
પરંતુ સુબ્રમણ્યમ વેદમનો પરિવાર જાણતો હતો કે તેઓ જેલમાંથી મુક્ત થાય તે અગાઉ હજુ એક અવરોધ બાકી છે. હત્યાકેસ અને ડ્રગ્સના કેસના કારણે તેમની સામે 1988માં ડિપોર્ટેશન ઑર્ડર જારી થયો હતો.
પરિવારને લાગતું હતું કે ઇમિગ્રેશન કેસ ફરી ખોલવા માટે તેમણે એક અરજી કરવી પડશે.
સુબ્રમણ્યમના બહેને કહ્યું કે હવે કેસની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
આઇસીઇએ જ્યારે સુબ્રમણ્યમની ધરપકડ કરી ત્યારે એવું કારણ આપ્યું કે તેમની સામે ઇમિગ્રેશન ઑર્ડર પૅન્ડિંગ હતો. આના આધારે તેમને તરત ડિટેઇન કરીને પેન્સિલ્વેનિયાની જેલમાં પૂરી દીધા.
આઇસીઇએ કહ્યું કે સુબ્રમણ્યમ વેદમ હત્યાકેસમાંથી તો નિર્દોષ છૂટી ગયા છે, પરંતુ ડ્રગ્સના મામલામાં હજુ દોષિત છે. તેમનો દાવો છે કે તેમણે કાયદેસર કાર્યવાહી કરી છે.
બીબીસીએ આ વિશે આઇસીઇનો પ્રતિભાવ જાણવા સંપર્ક કર્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ અન્ય અમેરિકન મીડિયાને જણાવ્યું છે કે સુબ્રમણ્યમનું ડિપોર્ટેશન પૅન્ડિંગ હોવાથી તેઓ અટકાયતમાં રહેશે.
સુબ્રમણ્યમ વેદમનો પરિવાર કહે છે કે જેલમાં આટલા દાયકા સુધીના તેમના સારા વર્તન, ત્રણ ડિગ્રી પૂરી કરવી અને કૉમ્યુનિટી સર્વિસને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન કોર્ટે રાહત આપવી જોઈએ.
વેદમનાં બહેન કહે છે કે, "અમે તેમને એક પળ માટે પણ ગળે લગાવી શક્યા નથી તે વાત બહુ દુખદાયક છે. તેમને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા અને તેમણે સન્માનપૂર્વક અને પ્રામાણિકતાથી આટલો સારો વ્યવહાર કર્યો તેનું કંઈક તો વળતર મળવું જોઈએ."
ભારત પાછા મોકલવામાં આવે તેવી શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
આઇસીઇનું હવે કહેવું છે કે તેઓ સુબ્રમણ્યમને ભારત ડિપોર્ટ કરવા માગે છે, જ્યારે સુબ્રમણ્યમનો પરિવાર કહે છે કે ભારત સાથે હવે નિકટના સંબંધ નથી.
તેમનો જન્મ ભલે ભારતમાં થયો હતો, પરંતુ તેઓ માત્ર નવ મહિનાના હતા ત્યારે અમેરિકા લાવવામાં આવ્યા હતા. સરસ્વતી વેદમે કહ્યું કે ભારતમાં તેમનાં જે સગાંસંબંધીઓ જીવિત છે, તેઓ પણ બહુ દૂરના સંબંધી છે.
સુબ્રમણ્યમ વેદમનાં સગાંસંબંધીમાં બહેન સરસ્વતી વેદમ, તેમની ચાર દીકરી અને બીજાં સગાં સામેલ છે, જેઓ અમેરિકા અને કૅનેડામાં રહે છે.
સરસ્વતીએ કહ્યું કે "તેઓ તેમને દુનિયાના બીજા છેડે મોકલી રહ્યા છે અને તેમને નજીકના સંબંધીઓ સાથે રહેવાની તક છીનવી લેશે. આ લગભગ બીજી વખત જીવન છીનવી લેવા જેવું છે."
વેદમ અમેરિકાના કાયદેસરના રહેવાસી છે. તેમની ધરપકડ થઈ તે અગાઉ તેમને યુએસનું નાગરિકત્વ મળી ગયું હતું. તેમનાં માતાપિતા બંને અમેરિકન નાગરિક છે.
તેમના વકીલ ઈવા બેનાચે બીબીસીને જણાવ્યું કે, "તેમને અમેરિકામાંથી એવા દેશમાં ડિપોર્ટ કરવા જેની સાથે તેમનું કોઈ જોડાણ નથી, એ તેમની સાથે બહુ ગંભીર અન્યાય ગણાશે, જેમની સાથે અગાઉ પણ ઘણો અન્યાય થઈ ચૂક્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












